ઇપ્પોલિટૉવ-ઇવાનૉવ, મિખાઇલ (જ. 19 નવેમ્બર 1859, ગેચિના, રશિયા; અ. 28 જાન્યુઆરી 1935, ત્બિલિસી, જ્યૉર્જિયા) : પ્રસિદ્ધ જ્યૉર્જિયન સંગીતકાર. પિતા કારીગર હતા. ગેચિના નગરમાં એક નાનકડા ઑર્ગન પર બીથોવનની કૃતિ ‘ધ રુઇન્સ ઑવ્ ઍથેન્સ’ સાંભળી બાળ મિખાઇલમાં સંગીતરુચિ તીવ્ર બની. નગરના મહેલમાં વાદ્યવૃંદના કાર્યક્રમોમાં શ્રોતા તરીકે હાજરી આપવી તેણે શરૂ કરી અને આ રીતે તેનું સંગીતકલાનું ઘડતર શરૂ થયું. કાનની માફક તેણે જાતે જ કંઠ પણ કેળવ્યો. તેથી સેંટ પીટર્સબર્ગ નગરના સેંટ આઇઝેક કેથીડ્રલના ગાયકવૃંદ તરફથી ચાલતા સંગીત માટેના વર્ગોમાં તે વિદ્યાર્થી તરીકે જોડાયો. ત્યાં ગાળેલાં ત્રણ વરસમાં તેનામાં સંગીતની ઊંડી સમજ વિકસી. સેંટ પીટર્સબર્ગમાં મારિન્સ્કી થિયેટરમાં તે ઑપેરા તથા તેનાં રિહર્સલો જોતો. અહીં એને ગ્લીન્કા, ડાર્ગો મિઝ્કી, સેરૉવ્, મુસોર્ગ્સ્કી, રિમ્સ્કી-કોર્સાકૉવ, કુઈ અને ચાઇકૉવ્સ્કીના ઑપેરાનો પ્રગાઢ પરિચય થયો. પછી તે સેંટ પીટર્સબર્ગની સેંટ પીટર્સબર્ગ કૉન્ઝર્વેટરીમાં વિદ્યાર્થી તરીકે જોડાયો અને 1882માં ત્યાંથી સંગીતનો સ્નાતક થયો. ત્યાં રિમ્સ્કી-કોર્સાકૉવ તેનો શિક્ષક હતો. સ્નાતક થયા પછી રિમ્સ્કી-કોર્સાકૉવે તેને જ્યૉર્જિયાના પાટનગર ત્બિલિસીમાં રશિયન મ્યુઝિક સોસાયટીની સ્થાપના કરવાનું આમંત્રણ આપ્યું. અહીં સંગીતકારો સેવાનેલી, એલિખાનૉફ અને મિઝેન્દારી સાથે તેણે સતત બાર વરસ સુધી સંગીતના જલસા કર્યા અને તેનું શિક્ષણ આપ્યું.

મિખાઇલની પ્રથમ રચના ‘યાર-ખ્મેલ’ વાદ્યવૃંદ માટે છે. એના પ્રથમ વાદન-મંચન માટે તે 1883માં સેંટ પીટર્સબર્ગ ગયો. તેની સ્વરનિયોજનની શક્તિ તુરત જ પ્રશંસા પામી અને તુરત જ ત્બિલિસીના ઑપેરા થિયેટરના ઑપેરા-કન્ડક્ટર તરીકે તેની નિમણૂક થઈ. ફળસ્વરૂપે ત્બિલિસી ઑપેરા થિયેટરનો સંગીતભંડાર (Repertory) વિપુલ થયો. આધુનિક દેશી-વિદેશી સ્વરનિયોજકોની કૃતિઓનું તેણે મંચન-વાદન કરાવવું શરૂ કર્યું. 1887માં મિખાઇલના પ્રથમ ઑપેરા ‘રુથ’નું મંચન-વાદન ત્બિલિસી ઑપેરામાં થયું. આ ઑપેરા બાઇબલની કથા પર આધારિત હતો. 1900માં તેના બીજા ઑપેરા ‘એઝરા’નું મંચન-વાદન થયું. આ ઑપેરા એક મૂરીશ લોકકથા પર આધારિત હતો.

1893માં મિખાઇલ મૉસ્કોની મૉસ્કો કૉન્ઝર્વેટરીમાં સંગીતનો પ્રોફેસર બન્યો. કૉકેસસ પર્વતોના સૌંદર્ય તથા ત્યાંની ખડતલ પ્રજાની ખુમારીથી પ્રેરિત વાદ્યવૃંદ માટેની કૃતિ ‘કૉકેશિયન સ્કૅચીઝ’નો પહેલો ખંડ તેણે 1902માં રચ્યો. તેના મંચન-વાદનથી તેને વિશ્ર્વભરમાં ખ્યાતિ મળી. પછીને વર્ષે તેણે એનો બીજો ખંડ રચ્યો. બીજા ખંડમાં જ્યૉર્જિયાના લોકસંગીતનો ઊંડો પ્રભાવ જોવા મળે છે.

મૉસ્કો કૉન્ઝર્વેટરી તરફથી તેણે રિમ્સ્કી-કોર્સાકૉવના ઑપેરા ‘ધ ઝાર્સ બ્રાઇડ’, ‘ધ ટેઇલ ઑવ્ ઝાર સેલ્ટાન’ અને ‘કશ્ચેરી ધ ડેથલેસ’ તથા પોઇતર ચાઇકૉવ્સ્કીના ઑપેરા ‘માઝેપ્પા’, ‘ધ એન્ચેન્ટ્રેસ’ અને ‘ચેરેથિરકી’નું તેણે એટલું સફળ મંચન અને સંચાલન કર્યું કે તે બધા જ ઑપેરા ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યા અને લોકલાગણીને માન આપીને તેમનું વારેઘડીએ મંચન કરવાનું ચાલુ કર્યું. વળી નોંધપાત્ર બીજી હકીકત એ છે કે તે અગાઉ બૉલ્શોઇ થિયેટરે એ બધા જ ઑપેરાનું મંચન કરેલું ત્યારે તે સર્વે તદ્દન નિષ્ફળ નીવડેલા.

તુર્ગનેવની એક વાર્તાને આધારે મિખાઇલે તેનો ત્રીજો ઑપેરા ‘એસ્યા’ સર્જ્યો. તેને પણ રશિયન પ્રજાએ વધાવી લીધો અને તેનું પણ વારંવાર મંચન કરવાનું થયું. 1906માં મૉસ્કો કૉન્ઝર્વેટરીના ડિરેક્ટરપદે તે સર્વાનુમતે ચૂંટાઈ આવ્યો. 1908માં તેણે પોતાની પહેલી સિમ્ફની, શુબર્ટની શૈલીમાં લખી. તે જ વર્ષે તેને તેની વાદનવેળાએ શ્રોતાઓએ વધાવી લીધી.

1916માં બૉલ્શોઇ થિયેટરે મિખાઇલનો ચોથો ઑપેરા ‘ઑલ ફ્રૉમ નૉર્ડલેન્ડ’ ભજવ્યો, જે સફળ નીવડ્યો. જે. જર્સનની એક વાર્તા પરથી તેને લિબ્રેતો મિખાઇલે પોતે જ લખેલો. પ્રસિદ્ધ રશિયન ગાયિકા નેઝ્દાનૉવાએ પણ તેમાં ભાગ લીધેલો.

1917માં સામ્યવાદી ક્રાંતિ થતાં મિખાઇલે નવી સોવિયેત સરકારને સહકાર આપવો શરૂ કર્યો. તુરત જ તે સરકારે મિખાઇલને ‘પીપલ્સ આર્ટિસ્ટ ઑવ્ ધ રિપબ્લિક’ ખિતાબથી નવાજ્યો. 1924ના અંતમાં તેણે ફરી એક વાર જ્યૉર્જિયાના કૉકેસસ પર્વતોની મુલાકાત લીધી. ત્યાંની જ્યૉર્જિયન સ્ટેટ કૉન્ઝર્વેટરી નામાભિધાન પામેલી ત્બિલિસી કૉન્ઝર્વેટરીમાં તેણે સ્વરનિયોજનના સિદ્ધાંતોનું અધ્યાપન કર્યું; અને વાદ્યવૃંદના અવિરત જલસાઓનું આયોજન કર્યું. આવા એક જલસામાં તેણે તેની એક તાજેતરની કૃતિ સિમ્ફનિક પોએમ ‘મ્સિરી’નું જાતે જ સંચાલન કર્યું.

1925માં મિખાઇલ મૉસ્કોના બૉલ્શોઇ થિયેટરનો સંગીત-સંચાલક નિમાયો. સાથે સાથે નવી કૃતિઓનું સર્જન તેણે ચાલુ જ રાખ્યું : ‘કૉકેશિયન સ્કેચીઝ’નો ત્રીજો ખંડ પૂરો કર્યો તેમજ સોવિયેત સંઘના આઝરબૈજાની પ્રજાસત્તાકે આપેલી વરદી પ્રમાણે 30 તુર્કી ગીતોને વાદ્યવૃંદની સંગત સાથે ગોઠવી આપ્યાં. તેમાંથી પ્રેરણાપાન કરીને પછી તેણે વાદ્યવૃંદ માટેની રચના ‘તુર્કિક ફ્રૅગ્મેન્ટ્સ’ રચી. તેની અંતિમ કૃતિઓમાં ઑપેરા ‘ધ લાસ્ટ બેરિકેડ’, વાદ્યવૃંદ માટે ‘ઇન ધ સ્ટેપ્સ ઑવ્ તુર્ક્મેનિસ્તાન’ તથા ‘મ્યુઝિકલ પિક્ચર્સ ઑવ્ ઉઝ્બેકિસ્તાન’ પ્રમુખ છે. સ્વરનિયોજન ઉપરાંત સંગીતશિક્ષણ અને સંગીતસંચાલનની – એમ ત્રેવડી જવાબદારીઓને લીધે તેની તબિયત કથળી ગઈ; તેથી કૉકેસસમાં વસવાટ કરનારી ઓસેશિયન નામની એક પહાડી પ્રજા વિશે ઑપેરા લખવાનું તેનું સ્વપ્ન સ્વપ્ન જ રહ્યું.

અમિતાભ મડિયા