ઇપ્ટા (ઇન્ડિયન પીપલ્સ થિયેટર ઍસોસિયેશન – ભારતીય લોકનાટ્ય સંઘ) : નાટક, થિયેટર, નૃત્ય, બૅલે, ફિલ્મ વગેરે અનેક માધ્યમોથી દેશભરમાં લોકજાગૃતિ પ્રેરવા સ્થપાયેલી સંસ્થા. સ્થાપના 1943. 1941માં એનું પ્રથમ જૂથ અનિલ ડી’સિલ્વાના મંત્રીપદે બૅંગાલુરુ(બૅંગ્લોર)માં રચાયેલું. મુંબઈમાંના એના જૂથની રચના 1942માં થઈ. એના બીજા મહામંત્રી ખ્વાજા અહમદ અબ્બાસ હતા. રોમાં રોલાંના પુસ્તક ‘પીપલ્સ થિયેટર’ પરથી ડૉક્ટર ભાભાએ એ નામ સૂચવ્યું એમ કહેવાય છે. ‘સ્વાતંત્ર્ય, સાંસ્કૃતિક પ્રગતિ અને આર્થિક ન્યાય માટે લોકલડત’ના ઉદ્દેશથી મે, 1943માં અખિલ ભારતીય લોકનાટ્ય પરિષદ મુંબઈમાં યોજાઈ હતી. એમાં તે વખતના અનેક અગ્રણી કલાકારો, પત્રકારો, લેખકો અને સંગીત-નૃત્યકારોએ ભાગ લીધો હતો. મુંબઈ, બંગાળ, આંધ્રપ્રદેશ, ઉત્તરપ્રદેશ વગેરે સ્થળોએ શાખાઓ સ્થપાઈ હતી. એની સમિતિમાં અને એ પછીની ઇપ્ટાની પ્રવૃત્તિઓમાં મામા વરેરકર, અનંત કાણેકર, શંભુ મિત્ર, બિનય રૉય, બલરાજ સહાની, ઉદયશંકર, પૃથ્વીરાજ કપૂર, નૈમિચંદ્ર જૈન, ઉપેન્દ્રનાથ અશ્ક, કૈફી આઝમી, સાહિર લુધિયાનવી, સજ્જાદ ઝહીર, મુલ્કરાજ આનંદ, નિખિલ ચક્રવર્તી વગેરે ખ્યાતનામ બુદ્ધિજીવીઓ જોડાયેલા. ઇપ્ટાએ લોકજાગૃતિનો કાર્યક્રમ તમાશા, રામલીલા, ભવાઈ જેવાં લોકનાટ્યો, પરંપરિત સંસ્કૃત નાટ્ય, ચીની નાટકોના અનુવાદો, છાયાનાટકો, નૃત્ય, બૅલે, ગીતો અને સિનેમાનાં માધ્યમો દ્વારા દેશભરમાં વહેતો કર્યો હતો. એના પ્રતિબદ્ધ લેખકો, કલાકારો અને બુદ્ધિજીવીઓને બૌદ્ધિક તાલીમ આપવામાં આવતી હતી. એમની કાર્યપ્રણાલીના કેન્દ્રમાં ‘જૂથલેખન’ હતું. રાજકીય વિચારસરણીથી મુક્ત હોવાની જાહેરાત એમના ઘોષણાપત્રમાં અને બંધારણમાં હોવા છતાં ઇપ્ટાના કાર્યકરો ડાબેરી વળાંકની વિચારશ્રેણી ધરાવતા હતા. અખિલ ભારતીય ધોરણે નોંધપાત્ર પ્રયોગોમાં ‘યે કિસકા ખૂન હૈ ?’, ગૉર્કીનું ‘જીવન’, ‘કફન’ (પ્રેમચંદ), ‘મા’ (કાર્લ સાપેક), ‘લૅબોરેટરી’, ‘લેનિન’, ‘ઝાંસીની રાણી’, ‘ધરતીના લાલ’, ‘જબાનબંધી’ વગેરે છે. ‘નવનના’ (નવી ફસલ) નાટક દ્વારા લાખો રૂપિયા એકત્ર કરીને બંગાળના દુષ્કાળમાં ઇપ્ટાએ મદદ કરી હતી. ઇપ્ટાની પ્રવૃત્તિઓ તથા એના કાર્યકરો પ્રત્યે તત્કાલીન સંસ્થાનવાદી અંગ્રેજ સરકારની કડક નજર હતી.

લોકનાટ્ય સંઘની ગુજરાત શાખાનું આયોજન જશવંત ઠાકરે કર્યું હતું. બિનય રૉય, દીના ગાંધી, શાંતા ગાંધી, જયા રૉય વગેરેએ એમને નાટ્યપ્રવૃત્તિમાં સહાય કરી હતી. આરંભમાં ગુજરાતની ઇપ્ટાનું કાર્યક્ષેત્ર મુંબઈ હતું. એ સમયે ચંદ્રવદન મહેતા, ‘સ્વપ્નસ્થ’, જમનાદાસ ચંદારાણા, ભોગીલાલ ગાંધી, કરસનદાસ માણેક એમાં સંકળાયેલા હતા. ચંદ્રવદન મહેતાના ‘નર્મદ’ નાટકથી એની શરૂઆત થઈ. તેમાં નર્મદની ભૂમિકા જશવંત ઠાકરે ભજવી હતી. ઇપ્ટાનું બીજું ગુજરાતી નાટક ‘આગગાડી’ હતું. એની મુખ્ય ભૂમિકા પ્રતાપ ઓઝાએ ભજવી. અદી મર્ઝબાને લોકનાટ્ય સંઘ માટે ‘અમર હિંદ’ નૃત્યનાટિકા પેશ કરી હતી. કાર્લ સાપેકના નાટક ‘મા’ની રજૂઆત પણ નોંધપાત્ર છે. ઇપ્ટા દ્વારા શ્રી બલરાજ સહાનીએ અમદાવાદમાં ‘ભૂતગાડી’નો હિન્દીમાં પ્રયોગ રજૂ કરેલો, જેનાથી કલાત્મક નાટ્યપ્રયોગ કરનાર તરીકે આ સંસ્થાની છાપ ગુજરાતભરમાં ઊભી થઈ. ગુણવંતરાય આચાર્યના નાટક ‘અલ્લાબેલી’ દ્વારા ઇપ્ટાએ અંગ્રેજ હકૂમત સામે દ્વારકાના વાઘેરોની બગાવતની કથા રજૂ કરી હતી. 1945માં ગુજરાતની ધરતી ઉપર લોકનાટ્ય સંઘની રચના થઈ. ઇબ્સનનાં ‘હંસી’ અને ‘ઢીંગલીઘર’ તથા ‘અલ્લાબેલી’ની રજૂઆતે ગુજરાતી નાટ્યપ્રવૃત્તિને નવો વળાંક આપ્યો. ચંદ્રવદન મહેતાનું ‘સીતા’ નાટક પણ ઇપ્ટા દ્વારા રજૂ થયું હતું. એમાં મુખ્ય ભૂમિકા પ્રભા પાઠકે કરી હતી. લોકચેતનાની જાગૃતિ માટે રંગભૂમિના પ્રયત્નોનું અને લોકલક્ષી, લોકકેન્દ્રી નાટ્યપ્રવૃત્તિનું ઊજળું ઉદાહરણ ‘ઇપ્ટા’એ આપ્યું છે. એની આછીપાતળી પ્રવૃત્તિ દેશના કેટલાક ભાગોમાં ચાલી રહી છે. હાલ (2012) તેનું સંચાલન સંજના કપૂર કરી રહ્યાં છે.

હસમુખ બારાડી