ઇપેકાક (ઇપેકાકુઆન્હા) : દ્વિદળી વર્ગમાં આવેલા રુબિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cephaelis ipecacuanha (Brot.) A. Rich syn. Psychotria ipecacuanha Stokes. (હિં. વલયીક, અં. બ્રાઝિલિયન ઇપેકાક, બ્રાઝિલ રૂટ, ઇપેકાક, ઇપેકાકુઆન્હા રૂટ) છે. તેના ઔષધીય ગુણો ધરાવતા સહસભ્યોમાં ચિનાઈ કાથો, સિંકોના, મજીઠ, મધુરી જડી, કૉફી, આલ, દિકામાળી અને મીંઢળનો સમાવેશ થાય છે. C. acuminata Karstem ઇપેકાકની બીજી જાતિ છે.

તે નીચો, વિપથગામી (straggling), લગભગ 40 સેમી. જેટલો ઊંચો સદાહરિત ક્ષુપ છે અને ભારતમાં તેનું વાવેતર થાય છે. તેની ગાંઠામૂળી નાજુક હોય છે અને 2 સેમી. વ્યાસ ધરાવે છે. તેના ઉપરથી લગભગ 16 સેમી. લાંબા, ગાંઠોવાળાં સફેદ, લીસાં, નાજુક તંતુમય મૂળ ઉત્પન્ન થાય છે. પરિપક્વતાએ તેઓ ઈંટ જેવા લાલ રંગથી માંડી અત્યંત ઘેરા બદામી રંગનાં બને છે અને નજીક નજીક ગોઠવાયેલી આડી ખાંચોવાળી છાલ ધરાવે છે, જેથી તેનો દેખાવ વલયિત (annulated) કે મણકામય બને છે. પ્રકાંડ અને ગાંઠામૂળી ઊભી રેખાઓ ધરાવે છે. પર્ણો સાદાં, લંબચોરસ-અંડાકાર (oblong-ovate), ઉપવલયી (elliptic) અથવા પ્રતિઅંડાકાર (obovate), સંમુખ, 5 સેમી.થી 9 સેમી. લાંબાં અને 2.5 સેમી.થી 5.5 સેમી. પહોળાં અને ઉપપર્ણીય (stipulate) હોય છે. પુષ્પો સફેદ રંગનાં હોય છે અને અગ્રસ્થ એકાકી પુષ્યવિન્યાસદંડ ઉપર મુંડક-સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. દલપુંજનલિકા સીધી અને પાંચ ખંડોવાળી હોય છે. બીજાશય અધ:સ્થ (inferior) દ્વિકોટરીય અને પરાગવાહિની દ્વિશાખી હોય છે. ફળ ઘેરાં જાંબલી રંગનાં અનષ્ઠિલ અને પાકે ત્યારે કાળા રંગનાં બને છે. પ્રત્યેક ફળમાં બે સમતલ-બહિર્ગોળ (planoconvex) બીજ આવેલાં હોય છે.

ઇપેકાક (Cephaelis ipecacuanha)

ઇપેકાક (Cephaelis ipecacuanha)

આ ક્ષુપ બ્રાઝિલના ગાઢ ભેજવાળાં જંગલોનું વતની (indigenous) છે. ભારતમાં તેના મૂળ માટે તે વાવવામાં આવે છે. તેનું વાવેતર મલેશિયા (જોહોર) અને મ્યાનમારમાં પણ થાય છે. ભારતમાં તે દાર્જિલિંગ, નીલગિરિ, સિક્કિમમાં ઉગાડાય છે. આસામમાં જોરહટ અને મેઘાલયમાં ખાસી અને જૈન્તિયાની ટેકરીઓમાં તે વાવવામાં આવે છે. પશ્ચિમ બંગાળમાં તે સામાન્યત: 5થી 6 વર્ષ જીવે છે. સિંકોનાને અનુકૂળ આવતી આબોહવા (360 મી.થી 540 મી. ઊંચાઈ, 225 સેમી.થી 500 સેમી. વાર્ષિક વરસાદ, 10o સે.થી 38o સે. તાપમાન અને છાયાવાળી પરિસ્થિતિ) ઇપેકાક માટે પણ યોગ્ય ગણાય છે. તે સારા નિતારવાળી, ઍસિડિક, પુષ્કળ પાંસુક (humus) ધરાવતી, કૅલ્શિયમ ફૉસ્ફેટ, પોટાશ, મૅગ્નેશિયા અને ચૂનાના ક્ષારોવાળી રેતાળ-ગોરાડુ મૃદામાં સારી રીતે થાય છે. 3થી 4 વર્ષનાં મૂળ એકત્રિત કરવામાં આવે છે. તેનું ઉત્પાદન 270 કિગ્રા./એકર થાય છે.

ઔષધની કેટલીક વ્યાપારિક જાતોનું નામ ઉદભવસ્થાન ઉપરથી આપવામાં આવે છે. તે પૈકી અગત્યની જાતો આ પ્રમાણે છે : બ્રાઝિલમાંથી રિયો, મેટ્ટો-ગ્રોસો, મિનાસ અને મેનોસ; પશ્ચિમ બંગાળ, મ્યાનમાર અને મલેશિયન પ્રદેશમાંથી ઇંડિયન અને જોહોર ઇપેકાક; મધ્ય અમેરિકામાં C. acuminataમાંથી કાર્ટેજેના, નિકારાગુઆ અને પનામા ઇપેકાક.

Fusarium solani (Mart) Appel. & Wollenw. var. minus Wollenw. દ્વારા પર્ણનો સુકારો (wilt) અને Alternarice alternata (Fr.) Keissler દ્વારા પર્ણની શીર્ણતા(blight)ના રોગ લાગુ પડે છે.

મૂળનું સૌથી વધારે ઉત્પાદન ત્રણથી ચાર વર્ષે થાય છે અને તંદુરસ્ત છોડ સારી ગુણવત્તા ધરાવતાં 6થી 8 મૂળ ઉત્પન્ન કરે છે. મૂળ તથા પ્રકાંડ કુલ અને અફિનોલીય (non-phenolic) આલ્કેલૉઇડ મહત્તમ જથ્થામાં ધરાવે છે. ત્રીજા અને ચોથા વર્ષે ફળ અને મૂળમાં આલ્કેલૉઇડ મહત્તમ હોય છે. ગાંઠામૂળી, મૂળ, પ્રકાંડ, પર્ણો અને ફળ પૈકી મૂળમાં આલ્કેલૉઇડનું પ્રમાણ સૌથી વધારે હોય છે.

ચોથા વર્ષના અંતે શુષ્ક ઋતુ દરમિયાન તેનાં મૂળની લણણી કરવામાં આવે છે; જે સમયે તેમાં આલ્કેલૉઇડ દ્રવ્ય 2 %થી વધારે હોય છે. મૂળ ધોઈને છાંયડામાં સૂકવવામાં આવે છે અને સ્વચ્છ કરી બજારમાં વેચવામાં આવે છે. તેમને કૃત્રિમ રીતે ગરમી આપીને પણ સૂકવવામાં આવે છે. તૈયાર ઇપેકાકને સારી રીતે બંધ કરી શકાય તેવા પાત્રમાં રાખી ઠંડા અને ભેજ તેમજ ધૂળરહિત અને કીટ તથા ફૂગ-અભેદ્ય ઓરડામાં સંગ્રહવામાં આવે છે.

આ ઔષધની અવેજીમાં પ્રકાંડનો પણ ઉપયોગ થાય છે, પરંતુ પ્રકાંડ તેના પર રહેલાં ક્ષતચિહ્નો (scars), ઊભી રેખાઓ અને લિગ્નીકૃત (lignified) કોષોના બનેલા સ્પષ્ટ ગરના કારણે મૂળથી અલગ પારખી શકાય છે. આ ઔષધનું Anodendron paniculatum DC. (મ. કાવલી), Asclepias curassavica Linn. (કાકાતુંડી), Boerhavia paniculata Rich. (પુનર્નવાની એક જાતિ), Calotropis gigantea (Linn.) Ait. F. (મોટો આકડો), Cryptocoryne spiralis Fisch. & Wydler, Euphorbia ipecacuanha Linn., Hybanthus ipecacuanha Vent. (રતનપારસ), Naregamia alata Wight & Arn. (પિત્તપાપડો), Polygala angulata D.C. અને Tylophora indica (Burm. f.) Merrill.(દમની વેલ)નાં પ્રકાંડ અને મૂળ સાથે અપમિશ્રિત કરવામાં આવે છે. ઔષધના ચૂર્ણ સાથે બદામનું ચૂર્ણ પણ મિશ્ર કરાય છે.

ચૂર્ણિત મૂળ આછા ભૂખરા રંગથી માંડી પીળાશ પડતું બદામી, ગંધરહિત, કડવું અને પાણી તથા આલ્કોહૉલમાં દ્રાવ્ય છે. ઇપેકાક અગત્યનું વમનકારી (emetic) ઔષધ છે. તે સેપોનિનની હાજરીને કારણે સ્થાનીય ક્ષોભક હોવાથી કફોત્સારક તરીકે ઉપયોગી છે. અમીબીય મરડાની ચિકિત્સામાં તે અકસીર ગણાય છે. શુષ્ક ઔષધની 0.03 ગ્રા. કરતાં ઓછી માત્રાએ તે જઠરને ઉત્તેજિત કરી ક્ષુધાપ્રેરક બને છે અને પાચનમાં સહાય કરે છે. જ્યારે તે મોટી માત્રા(0.03 ગ્રા.થી 0.12 ગ્રા.)એ આપવામાં આવે ત્યારે તે વમનકારી, પ્રસ્વેદક અને કફોત્સારક બને છે. તેના વમનકારી ગુણને લઈને તે ઇંજેક્શન દ્વારા શરીરમાં દાખલ કરવામાં આવે છે. તે શરબત, ચૂર્ણ, મદ્યાર્ક-મિશ્રિત ઔષધ તરીકે અને ટીકડીઓના સ્વરૂપે ઉપયોગમાં લેવાય છે.

ઔષધમાંથી પાંચ મુખ્ય આલ્કેલૉઇડ મળી આવે છે. તે પૈકી ઇમેટિન અને સિફેઇલિન મુખ્ય છે. મૂળમાં આલ્કેલૉઇડનું પ્રમાણ લગભગ 2.5 % હોય છે; જેમાંથી ઇમેટિન મળે છે. સિફેઇલિનનું મિથિલેશન કરવાથી ઇમેટિન મળે છે. ઇમેટિન અફિનોલીય ઘટક છે.

ઇમેટિન (C29H40O4N2) અને સિફેઇલિન (C28H38O4N2) ઉપરાંત આ ઔષધમાંથી અલ્પ પ્રમાણમાં સાઇકોટ્રિન (C28H36O4N2), o-મિથાઇલ સાઇકોટ્રિન (C29H36O4N2), ઇમેટેમાઇન (C29H36O4N2)નું અને અતિઅલ્પ પ્રમાણમાં ઇપેકેમાઇન અને હાઇડ્રોઇપેકેમાઇનનું અલગીકરણ કરવામાં આવ્યું છે. જોકે આ આલ્કેલૉઇડો ઇપેકાકની ચિકિત્સીય (therapeutic) અસરોમાં મહત્વનો ફાળો આપતાં નથી.

મૂળમાં આલ્કેલૉઇડ ઉપરાંત કોલિન, રંગહીન ગ્લાયકોસાઇડ (ઇપેકાકુઆન્હીન), ફાઇટોસ્ટૅરોલ અને રંગીન દ્રવ્ય ઇરિથ્રોસિફેલેઇન હોય છે. આ ઉપરાંત તેમાં કેટલાક ગ્લાયકોસાઇડ, ટૅનિન, મૅલિક ઍસિડ, સાઇટ્રિક ઍસિડ, સૅપોનિન, રેઝિન, લિપિડ અને વિપુલ પ્રમાણમાં સ્ટાર્ચ હોય છે.

તેની ભસ્મ(2.0 %થી 2.8 %)નું રાસાયણિક વિશ્ર્લેષણ આ પ્રમાણે છે : K2O 7.0 %થી 28.5 %, Na2O 2.0 %થી 2.7 %, CaO 15.0 %થી 17.0 %, MgO 10.0 %થી 14 %, SiO2 10.0 %થી 11.0 %, P2O5 5.0 %થી 11.0 %, SO2 5.0 %થી 8.5 % અને MnO2 3.0 %થી 5.8 %.

ગોરધનભાઈ છનાભાઈ ભાવસાર

બળદેવભાઈ પટેલ