ઇપેટિમોવ વ્લાદિમિર નિકોલાઇડ (જ. 21 નવેમ્બર 1867, યેસ્કો; અ. 29 નવેમ્બર 1952, શિકાગો) : જન્મે રશિયન પણ જાણીતા બન્યા અમેરિકન વૈજ્ઞાનિક તરીકે. ઉચ્ચ દબાણે ઉદ્દીપકીય પ્રક્રિયાઓના ઉપયોગથી ઊંચા ઑક્ટેન આંકવાળા, ગૅસોલીન બનાવવાની પ્રક્રિયાઓના પ્રમુખ અભ્યાસી.

1887માં રશિયન લશ્કરમાં ઑફિસર, 1889-92 દરમિયાન મિખાઇલ આર્ટિલરી એકૅડેમીમાં રસાયણના પ્રાધ્યાપક. 1897માં મ્યુનિચમાં કુદરતી રબરના પાયાના એકમ આઇસોપ્રીનનું બંધારણ નક્કી કર્યું. રશિયા પાછા ફર્યા બાદ હાઇડ્રોકાર્બન ઉપરની ઉચ્ચ દબાણે ઉદ્દીપકીય પ્રક્રિયાના નિયંત્રણ અને સંચાલન અંગેની કીમતી માહિતી એકઠી કરી. પ્રથમ વિશ્વયુદ્ધ વખતે રશિયન સરકારની રસાયણ સમિતિના અધ્યક્ષ તરીકે તથા રસાયણ-ઉદ્યોગમાં ઉચ્ચ વહીવટી હોદ્દા ઉપર કાર્ય કર્યું. રાજકીય મતભેદો છતાં 1980 સુધી પોતાની શક્તિઓ દેશને ચરણે ધરી હતી. આ વર્ષમાં તેઓ અમેરિકાની ‘યુનિવર્સલ ઑઇલ પ્રૉડક્ટ્સ’માં જોડાયા અને તે દેશમાં જ સ્થાયી થયા. નીચા ઑક્ટેનવાળા બળતણમાંથી ઉચ્ચ ઑક્ટેનવાળા બળતણના નિર્માણ માટેની ઉદ્દીપકીય પ્રવિધિ તેમણે અમેરિકામાં રહીને વિકસાવી છે.

ઈન્દ્રવદન મનુભાઈ ભટ્ટ