ઇન્ડિયન મિલિટરી એકેડેમી : ઉત્તરાંચલ રાજ્યના શહેર દહેરાદૂનના સીમાડે ગિરિમાળાની વચ્ચે આવેલી ભૂમિદળની લશ્કરી તાલીમ આપતી સંસ્થા. એના પ્રશિક્ષણ કાર્યક્રમો માટે ત્રીજા વિશ્વના દેશોમાં તે ઘણી જાણીતી છે. ભારતનાં સંરક્ષણ દળોની ત્રણ પાંખો – ભૂમિદળ, નૌકાદળ, હવાઈદળ – માટે અધિકારીઓ તૈયાર કરવા સરકારે કેટલીક પ્રશિક્ષણ સંસ્થાઓ સ્થાપી છે એ પૈકી ભૂમિદળ માટે અધિકારીઓને તાલીમ આપવાનું કાર્ય આ સંસ્થા કરે છે. ઉચ્ચતર માધ્યમિક શાળાંત પરીક્ષા પસાર કરનાર ઉમેદવારો માટે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એક સ્પર્ધાત્મક કસોટી લઈ સંરક્ષણદળોની ત્રણેય પાંખો માટે સનદી હોદ્દા (commissioned rank) માટે યુવાનો પસંદ કરે છે. તેમને ત્રણ વર્ષ સુધી પુણે ખાતે આવેલી નૅશનલ ડિફેન્સ એકૅડેમીમાં વિવિધલક્ષી તાલીમ આપવામાં આવે છે. ત્યારબાદ ભૂમિદળમાં અધિકારી થવા ઇચ્છતા તાલીમાર્થીઓને દહેરાદૂનની આ સંસ્થામાં એક વર્ષની સઘન તાલીમ આપી કેટલીક શરતોને અધીન તેમને સેકન્ડ લેફ્ટનન્ટના હોદ્દા પર નિયુક્ત કરવામાં આવે છે. ભૂમિદળની કેટલીક પાંખો માટે યુનિવર્સિટીની વિવિધ વિદ્યાશાખાઓના સ્નાતકોને પણ અધિકારીકક્ષા માટે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન સ્પર્ધાત્મક કસોટી લઈ પસંદ કરતું હોય છે. એમને 18 માસની તાલીમ આપવા માટે આ એકૅડેમીમાં જોગવાઈ છે. તાલીમ પૂરી કરી તેઓ સેકન્ડ લેફ્ટનન્ટનો હોદ્દો મેળવે છે. વળી યુનિવર્સિટીઓ દ્વારા ચાલતાં એન. સી. સી. દળોના સ્નાતક કૅડેટ પૈકી કેટલાકને સર્વિસિઝ સિલેક્શન બોર્ડ પસંદ કરી આ એકૅડેમીમાં 18 માસના તાલીમી કાર્યક્રમમાં મોકલી આપે છે. આવી તાલીમ સફળતાથી પૂરી કરનારને ભૂમિદળમાં અધિકારીપદે નીમવામાં આવે છે. ભારતના ભૂમિદળમાં અને પ્રાદેશિક સેનામાં જુનિયર કમિશન્ડ ઑફિસર અને નૉનકમિશન્ડ ઑફિસરની કક્ષાના અધિકારીઓ હોય છે. તેઓ પૈકી જેઓ આર્મી કૅડેટ કૉલેજમાં ત્રણ વર્ષની તાલીમ લે છે તેમને આ એકૅડેમીમાં વધુ એક વર્ષની તાલીમ આપીને ભૂમિદળની અધિકારીકક્ષા માટે તૈયાર કરવામાં આવે છે. ભૂમિદળમાં ઇજનેરી, દાક્તરી, શિક્ષણ વગેરે વિભાગો હોય છે અને તેમાં અધિકારીપદ માટે યુનિવર્સિટીના જે તે વિદ્યાશાખાના સ્નાતકો પસંદ કરવામાં આવતા હોય છે. તેમને પણ આ એકૅડેમીમાં એક વર્ષનું પ્રશિક્ષણ આપી સેકન્ડ લેફ્ટનન્ટના હોદ્દા માટે તૈયાર કરવામાં આવે છે. આમ ભારતના ભૂમિદળ માટે અધિકારીઓ તૈયાર કરનારી આ એક સંગીન સંસ્થા છે.

દાઉદભાઈ ઘાંચી