ઇન્ડિયન ઍસોસિયેશન ફૉર ધ કલ્ટિવેશન ઑફ સાયન્સ : વિજ્ઞાનસંશોધનની ભારતીય સંસ્થા. સ્થાપના 1876. ડૉ. મહેન્દ્રલાલ સરકાર (હોમિયોપેથ તબીબ) જેવા દૂરદર્શી સમાજસુધારક આચાર્યની પ્રેરણા તથા તેમના કેટલાક સમકાલીનોના ઉદાર સહયોગથી કૉલકાતામાં તે સ્થપાયેલી. 19મી સદીમાં ભારતમાં આવેલ નવજાગૃતિ દરમિયાન થોડાક સંનિષ્ઠ મહાનુભાવો નવા વિચારોને આવકારીને સમાજનું પુનરુત્થાન કરવા માગતા હતા. વિજ્ઞાનના પ્રવેશથી ભારતીય સમાજને આધુનિકતાનો સ્પર્શ આપવાની તેમની નેમ હતી. આ અરસામાં જ આ સંસ્થાનો જન્મ થયો હતો. શરૂઆતમાં ભૌતિક, રસાયણ, વનસ્પતિ, પ્રાણી અને ભૂસ્તર – એમ વિવિધ શાસ્ત્રોની તાલીમ માટે તેમાં વ્યવસ્થા હતી. વિવિધ વિજ્ઞાન-વિષયો પર ત્યાં નિયમિત વ્યાખ્યાનો અપાતાં. તે વખતે એ વ્યાખ્યાનો ઘણાં લોકપ્રિય નીવડ્યાં હતાં. પ્રખ્યાત વૈજ્ઞાનિક સી. વી. રામને પોતાની સંશોધન-કારકિર્દી આ સંસ્થામાં શરૂ કરેલી અને કૉલકાતા યુનિવર્સિટીમાં ભૌતિકશાસ્ત્રના પાલિત-પ્રોફેસર તરીકે નિમાયા પછી પણ ત્યાં જ સંશોધનકાર્ય ચાલુ રાખ્યું હતું અને આ કાર્ય માટે તેમને 1930માં નોબેલ પારિતોષિક એનાયત થયું હતું. પ્રો. કે. એસ. ક્રિષ્નન્ અને પ્રો. મેઘનાદ સહા જેવા અન્ય પ્રસિદ્ધ વૈજ્ઞાનિકો પણ આ સંસ્થા સાથે સંકળાયેલા હતા. આ સંસ્થામાં આ આઠ વિભાગોમાં સંશોધનકાર્ય ચાલે છે : (1) સામાન્ય ભૌતિકશાસ્ત્ર અને એક્સ-કિરણો, (2) ચુંબકત્વ, (3) પ્રકાશિકી (optics), (4) સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્ર, (5) કાર્બનિક રસાયણ, (6) સૈદ્ધાંતિક રસાયણ, (7) અકાર્બનિક રસાયણ, (8) બૃહદ અણુઓ (macromolecules).

રમેશ શાહ