ઇન્ડિયન ઍસોસિયેશન ઑવ્ ફિઝિક્સ ટીચર્સ (Indian Association of Physics Teachers) : ભૌતિકવિજ્ઞાનના વિષય અને તેના શિક્ષકોના સ્તરને ઉન્નત કરવા, તેમના કસબ તથા સૂઝ-સંપત્તિનો રાષ્ટ્રની પ્રગતિમાં સવિશેષ લાભ મળે એ માટેના ઉચિત પ્રયાસો કરનાર અધ્યાપકોનું સંગઠન.

આઇ.એ.પી.ટી.ની સ્થાપના 1984માં ડૉ. ડી. પી. ખંડેલવાલે કરી. હાલમાં આ સંગઠન વટ-વૃક્ષ જેવું બન્યું છે. તે 5,000થી વધુ સભ્યો (જેમાં 100 જેટલા વિદેશના સભ્યો છે) ધરાવે છે. આ સંગઠનમાં સંશોધન-કાર્યકરો. વિજ્ઞાનના વહીવટકર્તાઓ, વિજ્ઞાન-ચાહકો, વિજ્ઞાન ઉપકરણોના ઉત્પાદકો, રાષ્ટ્રીય સંસ્થાઓ; શાળા, કૉલેજો અને યુનિવર્સિટીના અધ્યાપકોનો સમાવેશ થાય છે.

આ સંગઠનના સભ્યો ભૌતિકવિજ્ઞાન અને સમાજની ઉત્તમ સેવા થઈ શકે તે માટે કોઈ આર્થિક કે અન્ય લાભ લેતા નથી. તેના સભ્યો તમામ પ્રવૃત્તિઓ સ્વૈચ્છિક રીતે કરે છે.

આઇ.એ.પી.ટી. રાષ્ટ્રીય સ્તરે વિદ્યાર્થીઓ માટે બે સ્વૈચ્છિક પરીક્ષાઓનું આયોજન કરે છે. શાળાઓ માટે એન.એસ.ઈ.પી. (National Standard Examination in Physics) અને કૉલેજના વિદ્યાર્થીઓ માટે એન.જી.ઈ.પી. (National Graduate Examination in Physics). તેનાં શિક્ષણ, પરીક્ષણ, નિરીક્ષણ વગેરેનું કામ તેના સભ્યો. સ્વૈચ્છિક રીતે કરે છે. એન.એસ.ઈ.પી.ની પરીક્ષામાં દર વર્ષે આશરે 30,000 અને એન.જી.ઈ.પી. પરીક્ષામાં 4,000 જેટલા વિદ્યાર્થીઓ બેસે છે. આ રાષ્ટ્રવ્યાપી કાર્યમાં આશરે 2,000 જેટલા શિક્ષકો સેવા આપે છે.

આઇ.એ.પી.ટી. દર માસે તેનું પોતાનું મુખપત્ર (bulletin) બહાર પાડે છે અને તેના સભ્યોને મોકલે છે. લેખકો આ મુખપત્ર માટે વિના પુરસ્કાર લેખો લખે છે.

આઇ.એ.પી.ટી.ની પરીક્ષાઓમાં ઉત્તમ દેખાવ કરનાર પરીક્ષાર્થીઓને પ્રમાણપત્ર અને સુવર્ણચંદ્રકથી નવાજવામાં આવે છે. આ પરીક્ષા પસાર કરવાથી વાસ્તવમાં ક્યાંયે પ્રવેશ નોકરી કે બઢતી મળતી નથી પણ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ ટૅક્નૉલૉજી તરફથી લેવાતી જે. ઈ. ઈ. (Joint Entrance Examination), પૂર્વ-તબીબી કસોટી (PMT) જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની પૂર્વભૂમિકા તરીકે તે ઉપયોગી થાય છે.

બુલેટિન, ભૌતિકવિજ્ઞાનની ક્ષિતિજોની શ્રેણી, કિફાયતી દરવાળાં પુસ્તકોનો કાર્યક્રમ, શિક્ષકોની સ્પર્ધાઓ, વૈજ્ઞાનિક સંસ્કારકેન્દ્ર (centre for science culture), શિક્ષકોને તૈયાર કરવાના કાર્યક્રમો, એન.એસ.ઈ.પી. તથા એન.જી.ઈ.પી.ની પરીક્ષાઓ, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે ‘Operation Physics through Experiments’ કાર્યક્રમ અને વાર્ષિક અધિવેશનો એમ અનેક સાર્થક પ્રવૃત્તિઓ આ સંસ્થા કરે છે.

આંતરરાષ્ટ્રીય ભૌતિક વિજ્ઞાન સ્પર્ધા (3) (IPMO)નું દર વર્ષે આયોજન થતું હોય છે. આઇ.એ.પી.ટી. તેની એન.એસ.ઈ.પી.ની પરીક્ષા દ્વારા પ્રથમ 35 જેટલા ચુનંદા વિદ્યાર્થીઓની પસંદગી થાય છે. આ પસંદગી પામેલા વિદ્યાર્થીઓને આઇ.એ.પી.ટી. અને હોમીભાભા વિજ્ઞાન શિક્ષણ કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે એક મહિના માટે શિક્ષણ-પ્રશિક્ષણ અપાય છે. તેમાંથી પ્રથમ પાંચ વિદ્યાર્થીઓને પસંદ કરી આંતરરાષ્ટ્રીય ભૌતિકવિજ્ઞાન સ્પર્ધામાં ભાગ લેવા મોકલવામાં આવે છે. ભૌતિકવિજ્ઞાનની આ સ્પર્ધામાં ભારતે ખૂબ જ ઉત્સાહજનક પરિણામો સિદ્ધ કર્યાં છે.

2000ની સાલમાં શાળા-કક્ષાની આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન-સ્પર્ધામાં કુલ 64 દેશોએ ભાગ લીધો હતો તેમાં ભારતે ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું હતું અને ભારતના પાંચ સ્પર્ધકોમાંથી બેએ સુવર્ણચંદ્રક, અન્ય બેએ કાંસ્ય ચંદ્રક અને અન્ય એકે સન્માનીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું.

2001ની સાલમાં ત્રણ હરીફોએ સુવર્ણ અને બે રજત ચંદ્રકો મેળવીને પોતાનું અગાઉનું સ્થાન જાળવી રાખ્યું હતું. હવે તો આ સંસ્થા રસાયણવિજ્ઞાન, જીવવિજ્ઞાન અને ખગોળવિજ્ઞાનની પરીક્ષાઓનો વહીવટ કરે છે.

પ્રહલાદ છ. પટેલ