ઇન્ડિયન ઓપિનિયન : મહાત્મા ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં ચલાવેલું સાપ્તાહિક પત્ર. ગાંધીજીના ઉત્તેજનથી મદનજિત વ્યાવહારિક નામના ગુજરાતીએ દક્ષિણ આફ્રિકાની હિંદી કોમના મુખપત્ર તરીકે 1903ના જૂન માસમાં તે શરૂ કર્યું હતું. ગાંધીજીએ 1914માં દક્ષિણ આફ્રિકા છોડ્યું તે પછી પણ તે ચાલુ રહ્યું હતું. ગૂજરાત વિદ્યાપીઠમાં સંગૃહીત તેના અંકોની માઇક્રોફિલ્મ ફાઇલોમાં છેલ્લો અંક 4થી ઑગસ્ટ, 1961નો છે.

મદનજિત પહેલાં મુંબઈમાં શિક્ષક હતા અને દક્ષિણ આફ્રિકા જઈ તેમણે 1898માં ‘ઇન્ટરનેશનલ પ્રિન્ટિંગ પ્રેસ’ શરૂ કર્યું હતું. ‘ઇન્ડિયન ઓપિનિયન’ તે પ્રેસમાં છપાતું. તેના મુદ્રક અને પ્રકાશક તરીકે મદનજિતનું નામ મુકાતું. જૂન, 1904માં ગાંધીજીએ મદનજિત પાસેથી પ્રેસ ખરીદી લીધું અને તે વર્ષના ઑક્ટોબર માસમાં મદનજિત દક્ષિણ આફ્રિકાથી વિદાય થતાં ‘ઇન્ડિયન ઓપિનિયન’ની બધી જવાબદારી ગાંધીજીએ પોતાને માથે લઈ લીધી પણ મુદ્રક અને પ્રકાશક તરીકે મદનજિતનું નામ છપાતું તે 1907ના ફેબ્રુઆરીની બીજી તારીખના અંક સુધી ચાલુ રહ્યું. સને 1904ના ડિસેમ્બર માસમાં ગાંધીજીએ ડર્બનની ઉત્તરે ફિનિક્સ આશ્રમ સ્થાપ્યો ત્યારે ‘ઇન્ટરનેશનલ પ્રિન્ટિંગ પ્રેસ’ ત્યાં ખસેડ્યું અને ‘ઇન્ડિયન ઓપિનિયન’ ત્યાંથી છાપવાનું શરૂ થયું.

સાપ્તાહિકનાં મુખ્ય અંગ્રેજી લખાણો ગાંધીજી જોહાનિસબર્ગથી લખી મોકલતા અને તેનું તંત્રીપદ ડર્બનમાં રહેતા મનસુખલાલ હીરાલાલ નાઝર નામના ગુજરાતી વકીલ સંભાળતા. જોકે તંત્રી તરીકે તેમનું કે તેમના પછી આવેલા બીજા તંત્રીઓમાંથી કોઈનું નામ નહોતું છપાતું. લંડનમાં નાઝર બ્રધર્સ નામની મનસુખલાલની વ્યાપારી પેઢી હતી. ત્યાંથી તેઓ 1896માં ડર્બન આવ્યા હતા અને ત્યાંની હિંદી કોમના સેવક થઈને રહ્યા હતા. તા. 20-1-1906ના રોજ તેમનું મૃત્યુ થતાં સાપ્તાહિકનું તંત્રીપદ ફિનિક્સમાં રહેતા હર્બર્ટ કિચિન નામના એક અંગ્રેજ થિયૉસૉફિસ્ટે સંભાળ્યું, પણ તેમણે માર્ચ માસના અંતમાં ફિનિક્સ છોડતાં તે ગાંધીજીના બીજા અંગ્રેજ સહકાર્યકર્તા હેન્રી પોલાકે સંભાળવાનું શરૂ કર્યું. તેઓ 1909ના જુલાઈ માસથી 1910ના ઑગસ્ટ માસ સુધી ભારતના પ્રવાસે હતા તે દરમિયાન તંત્રીપદ જૉસેફ ડૉક નામના હિંદી કોમ પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા અને ગાંધીજીનું પ્રથમ જીવનચરિત્ર લખનાર ખ્રિસ્તી પાદરીએ સંભાળ્યું હતું. સને 1903ના છેલ્લા સત્યાગ્રહ વેળા પોલાક જેલમાં ગયા, ત્યારે થોડો સમય સાપ્તાહિકનું તંત્રીપદ ફિનિક્સનિવાસી બીજા અંગ્રેજ કાર્યકર્તા આલ્બર્ટ વેસ્ટે સંભાળ્યું હતું. થોડા દિવસ પછી તેમની પણ ધરપકડ થઈ હતી પણ તે જામીન ઉપર છૂટ્યા હતા. વળી બીજું કોઈ ‘ઇન્ડિયન ઓપિનિયન’નું તંત્રીપદ સંભાળનાર ન હોય ત્યારે ગાંધીજીની ટાઇપિસ્ટ કુ. સ્લેશિન તે સંભાળતી. 1914માં ગાંધીજી ભારત આવવા નીકળ્યા ત્યારપછી ‘ઇન્ડિયન ઓપિનિયન’ આલ્બર્ટ વેસ્ટ, દોઢેક વર્ષ છગનલાલ ગાંધી અને પછી ગાંધીજીના બીજા પુત્ર મણિલાલ ગાંધીના સહકારથી ચલાવતા. સને 1919થી 1924ના ગાળા દરમિયાન વેસ્ટ નાતાલ છોડી ઇંગ્લૅન્ડ ગયા તે પછી મણિલાલ ગાંધી સ્વતંત્ર રીતે ચલાવતા. તેઓ 5-4-1956ના રોજ મૃત્યુ પામ્યા પછી ઑગસ્ટ 4, 1961 સુધી ‘ઇન્ડિયન ઓપિનિયન’ કોણે ચલાવ્યું તેની માહિતી મળતી નથી.

સાપ્તાહિક અંગ્રેજી, ગુજરાતી, હિંદી અને તમિળ – એમ ચાર વિભાગોથી શરૂ થયું હતું; પણ 20-1-1907ના અંકથી હિંદી અને તમિળ વિભાગો બંધ કરવામાં આવ્યા હતા. જોકે 1913ના છેલ્લા સત્યાગ્રહ વેળા ગિરમીટિયા મજૂરોએ તેમાં ભાગ લીધો હોવાથી અને તેમાંના મોટા ભાગના તમિળનાડુ પ્રદેશના હોવાથી તમિળ વિભાગ થોડા માસ માટે ફરી શરૂ કરવામાં આવ્યો હતો. ગુજરાતી વિભાગ ગાંધીજીની સાથે તેમના ભત્રીજા છગનલાલ ગાંધી સંભાળતા, પણ હીરાલાલ ઠક્કર નામના એક બીજા ગુજરાતી પણ તેમાં મદદ કરતા અને છગનલાલ થોડા માસ માટે હિંદુસ્તાન અને લંડન ગયા હતા ત્યારે ગુજરાતી વિભાગની જવાબદારી હીરાલાલે સંભાળી હશે.

‘ઇન્ડિયન ઓપિનિયન’ એકસાથે સમાચારપત્ર અને જાહેર મત કેળવવાનું તથા લોકકેળવણીનું સાધન હતું અને તે બંને ક્ષેત્રોમાં તેણે નવી ભાત પાડી હતી, જે પત્રકાર તરીકે ગાંધીજીના નામ સાથે કાયમની સંકળાયેલી રહી છે. તેમાં હિંદી કોમને લગતા, દક્ષિણ આફ્રિકાના નાતાલ, કેપ પ્રોવિન્સ, ટ્રાન્સવાલ અને ઑરેન્જ ફ્રી સ્ટેટ – એ ચારેય પ્રદેશોમાં ગોરાઓના રંગદ્વેષના કારણે હિંદી કોમને જે હાડમારીઓ સહન કરવી પડતી, હિંદીઓ વિરુદ્ધ જે કાયદાઓ થતા, કોર્ટોમાં મુકદ્દમા ચાલતા એ બધાંના સમાચાર આપવામાં આવતા. એ સમાચારોમાં લેશમાત્ર અતિશયોક્તિ ન થાય તેની ગાંધીજી ખૂબ કાળજી રાખતા. સમાચાર આપવાની સાથે એમાં સંકળાયેલા પ્રશ્નો અંગે ગાંધીજી અથવા તેમને મદદ કરતા બીજા લેખકો જે ટીકા કરતા તેમાં પણ અતિશયોક્તિ કે આક્રમકતાની લેશમાત્ર છાપ ન રહેતી. ગાંધીજીનો ઉદ્દેશ ગોરાઓ વિરુદ્ધ લોકલાગણી ઉશ્કેરવાનો નહિ, પણ ગોરાઓની ન્યાયબુદ્ધિ જાગ્રત કરવાનો હતો અને તેથી એ પ્રશ્નોની ચર્ચામાં ગાંધીજી વારેવારે બ્રિટિશ જાહેરજીવનની પરંપરાનાં પ્રશંસનીય મૂલ્યોનો ઉલ્લેખ કરતા. નાતાલ અને ટ્રાન્સવાલનાં અંગ્રેજી છાપાં પણ ગાંધીજીના આ સંયમગુણની કદર કરતાં. રંગદ્વેષને લગતી હકીકતો અને કાનૂનવિધિઓને લગતા સમાચાર આપવાની સાથે ગાંધીજી હિંદી કોમની નિર્બળતાઓ અને ખામીઓનો પણ એકરાર કરવાનું અને ગોરા શુભેચ્છકો હિંદી કોમને સહાય આપવા કે તેના પક્ષે બોલતા તેમનો ઉલ્લેખ કરવાનું પણ ચૂકતા નહિ.

સને 1906માં સત્યાગ્રહના આંદોલનની શરૂઆત થઈ તે પછી ગાંધીજી ‘ઇન્ડિયન ઓપિનિયન’નો ઉપયોગ હિંદી કોમને તેને લગતા સમાચાર આપવામાં અને કોમને સત્યાગ્રહની શિસ્ત અને તેના સિદ્ધાંતોની કેળવણી આપવામાં કરતા. તેમાં તેઓ એટલા સફળ થયા હતા કે ગાંધીજીએ ભારતમાં સત્યાગ્રહની જે લડતો ચલાવી તેના કરતાં દક્ષિણ આફ્રિકાની લડત સત્ય ને અહિંસાની ર્દષ્ટિએ ઘણી વધુ શુદ્ધ રહી હતી.

હિંદી કોમની સામાજિક અને નૈતિક ઉન્નતિ અર્થે ગાંધીજીએ ‘ઇન્ડિયન ઓપિનિયન’ના ગુજરાતી વિભાગમાં પશ્ચિમના કેટલાક પ્રખ્યાત લોકસેવકોનાં ટૂંકાં પણ મુદ્દાસર જીવનચરિત્રો આપ્યાં અને વાચકો સમક્ષ સત્યપ્રેમ, કર્તવ્યનિષ્ઠા અને લોકસેવાનો ઉચ્ચ આદર્શ રજૂ કર્યો. જેલનિવાસ દરમિયાન તેમણે રસ્કિનનું ‘અન્ ટુ ધિસ લાસ્ટ’ પુસ્તક વાંચ્યું તેનો તેમણે ‘સર્વોદય’ શીર્ષકવાળી એક લેખમાળામાં અને ગ્રીક ચિંતક સૉક્રેટિસ ઉપર ઍથેન્સના નાગરિકોએ યુવાનોને ખોટા રસ્તે દોરવાનો અને પ્રજાની પરંપરાગત ધાર્મિક માન્યતાઓને શિથિલ કરવાનો આરોપ મૂકી જાહેર મુકદ્દમો ચલાવ્યો તે પ્રસંગે સૉક્રેટિસે પોતાના બચાવમાં જે વક્તવ્ય રજૂ કર્યું હતું તેનો ‘એક સત્યવીરની કથા’ નામની લેખમાળામાં સારાનુવાદ આપ્યો. 1913ની સાલમાં તેમણે ‘આરોગ્ય વિશે સામાન્ય જ્ઞાન’ની લાંબી લેખમાળા આપી. તે ઉપરાંત તેમના ત્રણ જેલનિવાસના અનુભવોનું જરાય કડવાશ વિના, ક્યારેક નર્મર્દષ્ટિની રમૂજવાળું વર્ણન કરતી લેખમાળાઓ આપી. આમ ગાંધીજીએ ‘ઇન્ડિયન ઓપિનિયન’નો દક્ષિણ આફ્રિકાની હિંદી કોમની સર્વલક્ષી ઉન્નતિ માટે ઉપયોગ કર્યો અને માત્ર વેપાર અર્થે દક્ષિણ આફ્રિકા ગયેલા હિંદીઓમાં સ્વમાનભાવના અને નવા પ્રાણનો સંચાર કર્યો.

‘ઇન્ડિયન ઓપિનિયન’ના અંગ્રેજી અને ગુજરાતી બંને વિભાગોની ભાષાશૈલી સાહિત્યિક ર્દષ્ટિએ નોંધપાત્ર હતી. ગાંધીજીનાં અંગ્રેજી લખાણોમાં શિષ્ટ અંગ્રેજી ગદ્યના રૂઢિપ્રયોગો તથા બાઇબલના ‘નવા કરાર’ના કાવ્યમય ગદ્યની છાયાઓ એવી સ્વાભાવિકતાથી વણાઈ ગયેલી દેખાઈ છે કે અંગ્રેજી ગાંધીજીની માતૃભાષા હોય એવો ભાસ ઉત્પન્ન થાય છે. ગાંધીજીનું ગુજરાતી ગદ્ય એ સમયે પ્રમાણમાં નિર્બળ હતું. એમાં દક્ષિણ આફ્રિકાના અલ્પશિક્ષિત મુસલમાન વેપારીઓ અને હિંદુ મહેતાઓમાં પ્રચલિત ગુજરાતીની અસર જણાય છે; પરંતુ તે ધીમે ધીમે ઓછી થતી જાય છે અને સત્યાગ્રહના આંદોલનમાં ભરતી આવી ત્યારે ગાંધીજીના ગદ્યના લોકબોલીના તત્ત્વમાં નવું તેજ પ્રગટ્યું અને ભારતમાં વિકાસ પામેલી તેમની વિશિષ્ટ ગદ્યશૈલીની શરૂઆત થઈ એમ કહી શકાય.

ચી. ના. પટેલ