ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ જિયોમૅગ્નેટિઝમ: એપ્રિલ, 1971માં ભારત સરકારના આધિપત્ય નીચે સ્થપાયેલ ભૂચુંબકત્વ (geomagnetism) અને વાયુગતિશાસ્ત્ર (aeronomy) ક્ષેત્રની અગ્રણી સ્વાયત્ત સંશોધન-સંસ્થા. તે જૂની અને જાણીતી કોલાબા અને અલિબાગ વેધશાળાઓની અનુગામી ગણાય છે. તેનું વડું મથક મુંબઈમાં છે અને તેના ત્રણ મુખ્ય વિભાગો છે : (1) વેધશાળા અને આધારસામગ્રી(data)નું પૃથક્કરણ, (2) ઉચ્ચ (upper) વાતાવરણ અને (3) નક્કર પૃથ્વીની ભૂભૌતિકી (geophysics). તેના તાબામાં અલિબાગ (1964થી), ત્રિવેન્દ્રમ અને અન્નામલાઈનગર (1957થી), ઉજ્જૈન, જયપુર અને શિલોંગ (1975થી), ગુલમર્ગ (1977થી) અને નાગપુર (1989થી) એમ કુલ આઠ ભૂચુંબકીય વેધશાળાઓ છે. 1986થી આ સંસ્થા દક્ષિણ ધ્રુવ ઉપર આખું વર્ષ ભૂભૌતિક પ્રયોગશાળા નભાવે છે. બધી ભારતીય વેધશાળાઓમાંની પ્રક્રમિત (processed) ચુંબકીય માહિતી તે દર વર્ષે પ્રકાશિત કરે છે. ભૂચુંબકત્વ માટેનું વર્લ્ડ ડિજિટલ ડેટા સેન્ટર આ સંસ્થાના એક ભાગ રૂપે કાર્ય કરે છે.

મુંબઈ યુનિવર્સિટીએ આ સંસ્થાને અનુસ્નાતક સંશોધન માટેના કેન્દ્ર તરીકે માન્ય કરેલ છે. કોલંબો પ્લાન અને સ્પેશિયલ કૉમનવેલ્થ આફ્રિકન ઍસિસ્ટન્સ પ્રોગ્રામના દેશો તરફથી નિયુક્ત વ્યક્તિઓને ભૂચુંબકત્વ અંગેની તાલીમ આપવા માટેનું આ માન્ય કેન્દ્ર છે. અલિબાગની પ્રાથમિક વેધશાળા ભૂભૌતિક ઉપકરણોના અંશાંકન (calibration) માટેનું રાષ્ટ્રીય કેન્દ્ર ગણાય છે. પોતાની પ્રાયોગિક અને સૈદ્ધાંતિક સંશોધનપ્રવૃત્તિ ઉપરાંત તે નક્કર પૃથ્વી, ચુંબકમંડલીય (magnetospheric) અને આયનમંડલીય (ionospheric) વિષયોને આવરી લેતા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંકલિત કાર્યક્રમોમાં પણ ભાગ લે છે. સંશોધનના મુખ્ય વિષયો આ મુજબ છે : (i) ચુંબક-પરિવર્તનીય (magnetovariational) અને મૅગ્નેટોટેલ્યુરિક પદ્ધતિઓથી વિદ્યુતચુંબકીય પ્રેરણા(induction)નો અભ્યાસ, (ii) સૂર્યની શાંત અને વિક્ષુબ્ધ પરિસ્થિતિમાં વિષુવવૃત્તીય સ્તરે અને નીચા અક્ષાંશે ભૂચુંબકીય ક્ષેત્રમાં થતા ફેરફારો, (iii) વિષુવવૃત્તીય આયનમંડલીય ગતિવિજ્ઞાન (dynamics), (iv) ચુંબકીય તથા બીજાં સ્વદેશી માપન-ઉપકરણોની ડિઝાઇન અને રચના અને (v) ચુંબકમંડળ, સૌર પવન તથા આંતરગૃહીત માધ્યમ.

રમેશ શાહ