ઇન્ટરનેશનલ કમિટી ઑવ્ ધ રેડ ક્રૉસ : યુદ્ધમાં ઈજા પામેલા સૈનિકોની સારવાર માટે પ્રારંભાયેલી અને પાછળથી સમસ્ત માનવજાતિની વેદનાના નિવારણને વરેલી આંતરરાષ્ટ્રીય માનવતાવાદી સંસ્થા. સ્વિટ્ઝર્લૅન્ડના માનવતાવાદી જ્યા હેન્રી દુનાંના એક પુસ્તકના પરિણામે આ સેવાસંસ્થાનો ઉદભવ થયો. જૂન, 1859ના સોલફરિનોના યુદ્ધમાં ઘવાયેલા સૈનિકો માટે જ્યા હેન્રી દુનાંએ તાકીદની સહાય-સેવાનું આયોજન કર્યું હતું. તેના આધારે લખેલા ‘અન સુવેનિયર દ સોલ્ફરિનો’ (un souvenir de Solferino, 1862) નામના પુસ્તકમાં સ્વૈચ્છિક ધોરણે કામ કરતી રાહત-સંસ્થાઓ તમામ દેશોમાં રચવાની હિમાયત કરી હતી.

રેડ ક્રૉસ અંગેની સર્વપ્રથમ બહુપક્ષીય સમજૂતી રૂપે 1864માં જિનીવા કરાર થયો. એમાં એવું ઠરાવાયું કે કરારમાં સહી કરનાર રાષ્ટ્રની સરકારે યુદ્ધમાં ઈજા પામેલા સૈનિકોની સારવાર કરવાની રહેશે; પછી ભલે તે દુશ્મન રાષ્ટ્રના હોય કે મિત્ર રાષ્ટ્રના. પાછળથી આ કરારમાં પ્રસંગોપાત્ત, સુધારા કરીને સાગરયુદ્ધના ઈજાગ્રસ્ત લોકોને (1907), યુદ્ધકેદીઓને (1929) તથા યુદ્ધ ચાલતું હોય તે દરમિયાન નાગરિકોને (1949) પણ રક્ષણ મળી રહે એવા નવા કરાર કરવામાં આવ્યા હતા.

તટસ્થતાની પ્રતીતિ કરાવવા સફેદ પશ્ચાદભૂમિકા પર લાલ ક્રૉસનું પ્રતીક તથા ‘inter-arma caritas’નો ધ્યેય-મંત્ર અપનાવવામાં આવેલ છે. કેટલાંક મુસ્લિમ રાષ્ટ્રો માટે લાલ રંગનું ચંદ્રબિંબ તથા ઈરાન માટે લાલ રંગના સિંહ તથા સૂર્યનો ઉપયોગ કરવાનું પણ માન્ય રખાયું છે.

આ આંતરરાષ્ટ્રીય સમિતિ સ્વિટ્ઝર્લૅન્ડના 25 નાગરિકોની બનેલી છે અને તેનું વડું મથક જિનીવામાં છે. યુદ્ધના સમયે આ સમિતિ યુદ્ધખોર રાષ્ટ્રોનું અને રાષ્ટ્રીય રેડ ક્રૉસ સંસ્થાઓનું સંકલન સાધીને સેવાકાર્યનું આયોજન કરે છે. યુદ્ધ-છાવણીમાં રખાયેલા કેદીઓની મુલાકાત લઈને તે તેમને રાહત-સામગ્રી, ટપાલ તથા તેમનાં સગાં-સંબંધીઓની માહિતી પહોંચાડે છે. શાંતિકાળ દરમિયાન પ્રાથમિક સારવાર, અકસ્માતનિવારણ, સહાયક પરિચારિકાઓની તાલીમ, બાળ અને માતૃકલ્યાણકેન્દ્રોનું સંચાલન, તબીબી સારવારનાં ક્લિનિક તેમજ બ્લડ બૅન્કના સંચાલન જેવી અનેક સેવાપ્રવૃત્તિઓ રેડ ક્રૉસ સોસાયટી દ્વારા ચાલે છે. ધર્મ, રાજકારણ કે અન્ય કોઈ પણ પ્રકારના પક્ષપાત વિના વિશ્વભરમાં હાથ ધરાતી માનવસેવાની આ અવિરત પ્રવૃત્તિનાં યથોચિત પ્રશંસા અને સન્માન થતાં રહ્યાં છે. પ્રથમ તથા દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન યોજાયેલી તબીબી સારવાર-સેવા તથા રાહત કામગીરીની કદર રૂપે અનુક્રમે 1917 તથા 1944માં અને તેની ઘટક સંસ્થા લીગ ઑવ્ રેડ ક્રૉસ સોસાયટીઝની હિસ્સેદારીમાં 1963માં એમ ત્રણ વાર શાંતિ માટેનું આંતરરાષ્ટ્રીય નોબેલ પારિતોષિક આ સંસ્થાને એનાયત કરવામાં આવ્યું છે.

દેવવ્રત પાઠક

મહેશ ચોકસી