ઇન્ટરનેશનલ ઑર્ગેનાઇઝેશન ઑવ્ કન્ઝ્યૂમર્સ યુનિયન

January, 2002

ઇન્ટરનેશનલ ઑર્ગેનાઇઝેશન ઑવ્ કન્ઝ્યૂમર્સ યુનિયન (IOCU) : ગ્રાહકવર્ગનાં હિતોનું રક્ષણ કરવાના હેતુથી ઊભી કરવામાં આવેલી આંતરરાષ્ટ્રીય સંસ્થા. અમેરિકા, ઇંગ્લૅન્ડ, ઑસ્ટ્રેલિયા, બેલ્જિયમ તથા નેધરલૅન્ડ્ઝનાં ગ્રાહક-સુરક્ષા-સંગઠનોએ 1960માં આ સંસ્થાની સ્થાપના કરી હતી. આજે તે 50 દેશોમાં ફેલાયેલાં ગ્રાહક-સંગઠનોની પ્રવૃત્તિઓને સાંકળી લેતી કેન્દ્રીય સંસ્થા છે. તેનું મુખ્ય મથક નેધરલૅન્ડ્ઝના હેગ ખાતે છે. એશિયા અને પૅસિફિક વિસ્તારના દેશોને આવરી લેતું પ્રાદેશિક મથક મલેશિયાના પેનાંગ ખાતે અને દક્ષિણ અમેરિકાના દેશોનું પ્રાદેશિક મથક ઉરુગ્વેના મૉન્ટેવિડિયો ખાતે રાખવામાં આવ્યું છે. સંસ્થાના સભ્યોના ત્રણ પ્રકાર છે : (1) ફુલ મેમ્બર, એફિલિયેટ મેમ્બર, ગવર્નમેન્ટ એફિલિયેટ મેમ્બર. હાલ તેના સભ્ય દેશોની સંખ્યા 117 છે, જેમાં પૂર્ણ સભ્યપદ ધરાવતા સભ્યોની સંખ્યા 71 છે, એસોસિયેટ સભ્યોની સંખ્યા 139 છે. એફિલિયેટ સભ્યસંખ્યા 139 તથા ગવર્નમેન્ટ એફિલિયેટ સભ્યસંખ્યા 53, એટલે કુલ સભ્યસંખ્યા 263 છે. આ સંસ્થાઓમાં ગ્રાહક-મંડળીઓ, રાજ્ય પાસેથી અનુદાન મેળવતી ગ્રાહક-રક્ષા સંસ્થાઓ તથા પરિવારસંગઠનો, શ્રમ-સંગઠનો તેમજ તેવાં અન્ય સંગઠનોના સહકારથી ઊભી કરવામાં આવેલી ગ્રાહકસુરક્ષા મંડળીઓનો સમાવેશ થાય છે. ભારતની આઠ સંસ્થાઓ આ કેન્દ્રીય સંગઠન સાથે સંલગ્ન છે. એમાંની ત્રણ ગુજરાતની છે. અમદાવાદનું ગ્રાહક-શિક્ષણ અને સંશોધનકેન્દ્ર (Consumer Education & Research Centre) 1985થી તેની સાથે સંલગ્ન છે.

આ સંસ્થા બિનરાજકીય છે તથા વ્યાપારી અને નફાના હેતુથી પર છે. આ સંસ્થાની પ્રવૃત્તિઓમાં ગ્રાહક-સુરક્ષા, શિક્ષણ તથા માહિતી-પ્રસારણ, સંશોધન ઉપરાંત વસ્તુ-કસોટી (testing), ગ્રાહકોની ફરિયાદોની ન્યાયી પતાવટ, સલાહ-સૂચન, ગ્રાહક-હિતોની હિમાયત તથા કાનૂની બચાવ વગેરેનો સમાવેશ થાય છે. ઉપરાંત ‘ઇકોસૉક’ (ECOSOC), ‘યુનિસેફ’ (UNICEF), ‘યુનેસ્કો’ (UNESCO), ‘એફ.એ.ઓ.’ (FAO) તથા ‘સેપ્ટ’ (CEPT) જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં ગ્રાહક-હિતોને લગતી બાબતોની હિમાયત કરવા માટે આ સંસ્થાના પ્રતિનિધિઓ નિયુક્ત કરવામાં આવ્યા છે.

સંસ્થાના સંચાલક-મંડળની વરણી સભ્યો દ્વારા કરવામાં આવે છે. તેના પદાધિકારીઓ તથા કારોબારીના સભ્યો સંસ્થાને માનાર્હ સેવાઓ આપે છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે