ઇન્ટરનેટ (Internet) : કમ્પ્યૂટર/ટેલિવિઝન/સેલ્યુલર ફોન જેવાં ઇલેક્ટ્રૉનિક સાધનોનું માહિતી આપ-લે માટેનું અંદરો-અંદર(inter)નું જોડાણ (networking). વપરાશકારને માહિતી આપ-લેની આ રીતે અનેક પ્રકારની સુવિધાઓ મળી રહે છે. માહિતી આપ-લેની ઝડપ, માહિતીની વિપુલતા, સમય-સ્થળની મર્યાદામુક્તિ, પ્રકાશ-ધ્વનિ બંનેને સાંકળી લેવાની ક્ષમતા જેવી અનેક બાબતો તેથી હાંસલ થાય છે. ઇન્ટરનેટમાં એકથી વધુ પ્રકારની ટૅક્નૉલૉજીનો એકરૂપ થઈ સંયોગ (synergy of convergence of technologies) થાય છે. તે માત્ર કમ્પ્યૂટર નથી; માત્ર ટેલિફોનની લાઇન નથી કે સ્પીકરો સાથેની સાઉન્ડ સિસ્ટમ નથી; પરંતુ તે એકસાથે દરેકની લાક્ષણિકતાઓના સંકલન-સમન્વયનો ઉપયોગ કરતું સાધન છે.

સમાજ માટે રસ્તા, વીજળી, પાણી, ગૅસ, ટેલિફોન વગેરે મહત્વની આંતરમાળખાકીય જરૂરિયાતો છે તેમ હવે ઇન્ટરનેટ તે પ્રકારની મહત્વની જરૂરિયાત બની ગઈ છે. વૈશ્વિક સ્તરે માહિતીની આપ-લે બહુ મહત્ત્વની બાબત છે. માત્ર વિકસિત નહિ, પરંતુ વિકાસશીલ દેશો માટે પણ ઇન્ટરનેટની સુવિધા જરૂરી છે.

ઇન્ટરનેટની શરૂઆત 1960ના દાયકામાં થઈ હતી તેમ કહેવાય છે. તે વખતે યુનાઇટેડ સ્ટેટ્સ ઑવ્ અમેરિકાની સરકારે એવા કમ્પ્યૂટર નેટવર્ક રચવાનું શરૂ કર્યું છે જે ખડતલ હોય, ક્ષતિ અને ત્રુટિ સહી લે તેવું હોય અને અનેક કમ્પ્યૂટર નેટવર્ક વિતરિત હોય. ઇન્ટરનેટમાં કમ્પ્યૂટરનું ‘નેટવર્કિંગ’ એ મુખ્ય બાબત છે. 1962માં ‘મૅસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજી’(MIT)ના જે. સી. આર. લીકલીડરે સૌપ્રથમ કમ્પ્યૂટરના નેટવર્કિંગ (ઇન્ટરલિંકિંગ) અને તે દ્વારા કાર્યક્રમો, વિગતો, માહિતી સહેલાઈથી મોકલી અને મેળવી શકાય તે અંગે વિચાર કર્યો અને તે દિશામાં કામની શરૂઆત કરી. ત્યારપછી લીકલીડર અમેરિકાની ‘ડિફેન્સ ઍડવાન્સ્ડ રિસર્ચ પ્રૉજેક્ટ્સ એજન્સી’(DARPA)ના કમ્પ્યૂટર રિસર્ચ પ્રોગ્રામના વડા તરીકે જોડાયા. તે દરમિયાન MITના લિનોર્ડ ક્લિનરોકે ‘પૅકેટ સ્વિચિંગ’ને લગતી ટૅક્નૉલૉજી વિકસાવવામાં સફળતા મેળવી. પૅકેટ-સ્વિચિંગ એ કમ્પ્યૂટર નેટવર્કિંગમાં પ્રથમ અને મહત્વનું સોપાન બની રહ્યું. સાથોસાથ 1964માં ગૉર્ડન મરેએ સેમીકન્ડક્ટરમાં મોટી શોધ કરી જે દ્વારા કમ્પ્યૂટરની ક્ષમતા ખૂબ વધી. પ્રથમ ‘મિનીકમ્પ્યૂટર’ PDP-8 વર્ષ 1964માં બજારમાં આવ્યું. 1966માં DARPA દ્વારા પ્રથમ કમ્પ્યૂટર નેટવર્કમાં (APARNET)નાં સ્પેસિફિકેશન (વિવરણ) નક્કી થયાં. APARNETના વિકાસમાં અનેક એજન્સીઓ (સંસ્થાઓ) અને વ્યક્તિઓનું પ્રદાન રહ્યું. 1969માં પ્રથમ ચાર કમ્પ્યૂટરો APARNET નીચે online જોડાયાં. આ ચાર કમ્પ્યૂટરોમાં એક કમ્પ્યૂટર કૅલિફૉર્નિયા યુનિવર્સિટી (ULCA), બીજું સ્ટૅનફર્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, ત્રીજું કૅલિફૉર્નિયાની સાન્ટા બાર્બરા (UCSB) અને ચોથું યુનિવર્સિટી ઑવ્ યૂટાહમાં હતું. સપ્ટેમ્બર, 1972માં ભરાયેલ આંતરરાષ્ટ્રીય ‘કમ્પ્યૂટર કૉમ્યુનિકેશન કૉન્ફરન્સ’માં બૉબ કાહને સૌપ્રથમ જાહેરમાં કમ્પ્યૂટર નેટવર્કનો પ્રયોગ કરી દર્શાવ્યો. કાહન અને બીજા ટૅક્નૉલૉજિસ્ટોએ APARNETના અનુભવ ઉપરથી ‘ઓપન આર્કિટેક્ચર નેટવર્કિગ’ વિકસાવ્યું. તે વખતે કમ્પ્યૂટર નેટવર્કિંગમાં આ સારી સિદ્ધિ ગણાઈ. ત્યારપછી 1983માં ‘ઇન્ટરનેટ ઍક્ટિવિટિઝ બોર્ડ’-(IAB)ની રચના થઈ. તે જ વર્ષમાં પાઉલ મોકાપેટ્રીસે (‘ડૉમેઇન નેઇમિંગ સર્વિસ’ (DNS) નેટવર્ક બહાર પાડ્યું અને નેટવર્કિંગના મિલિટરી અને સિવિલ વિભાગો જુદા પાડવામાં આવ્યા. આજે જે ‘ઇન્ટરનેટ’ તરીકે જાણીતું છે તેનો જાહેર નેટવર્ક તરીકે જન્મ થયો.

ત્યારબાદ ઇન્ટરનેટનો અનેકવિધ ઉપયોગ થઈ શકે તે માટે તેમાં અનેક રીતે વિકાસ કરવામાં આવ્યો. 1971માં ‘ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકૉલ’ (FTP) પ્રોગ્રામ દ્વારા વપરાશકારો પોતાની કમ્પ્યૂટર ફાઇલ ટ્રાન્સફર કરી સંદેશાની આપ-લે કરી શકે તે શક્ય બન્યું. 1972માં સ્ટોમ્લીન્સને પ્રથમ વખત લેખિત સંદેશો કમ્પ્યૂટર વડે મોકલાવી ‘ઈ-મેઇલ’ના શ્રીગણેશ કર્યા. ઇસેક્સ યુનિવર્સિટીએ ‘મલ્ટી-યૂઝર ડન્ગન ગેઇમ’ (MUD) પ્રોગ્રામ તૈયાર કર્યો, જેમાં કોઈ પણ વ્યક્તિ નેટવર્કના કોઈ પણ ભાગમાંથી સંપર્ક (login) કરી શકે અને સંદેશાની આપ-લે કરી શકે. 1984 સુધીમાં 1,000થી પણ વધુ કમ્પ્યૂટરો ઇન્ટરનેટ વડે જોડાયાં. આ વર્ષે યુ. કે.(United Kingdom)ની યુનિવર્સિટીઓએ ‘જૉઇન્ટ એકૅડેમિક નેટવર્ક’(JANET)ની સ્થાપના કરી. 1989ના સમયગાળા સુધીમાં 1,00,000થી વધુ ઇન્ટરનેટ જોડાણો અસ્તિત્વમાં આવ્યાં. 1988માં રૉબર્ટ મોરિસ નામના કમ્પ્યૂટરના વિદ્યાર્થીએ ‘સેલ્ફ રિપ્લિકેટિંગ કમ્પ્યૂટર’ પ્રોગ્રામ તૈયાર કરી ઇન્ટરનેટમાં ઘુસાડ્યો, જેને લીધે ઘણાં કમ્પ્યૂટરોને અસર થઈ. કમ્પ્યૂટર-વાઇરસની શરૂઆત થઈ અને કમ્પ્યૂટરમાં આવા વિપરીત અસર કરતા પ્રોગ્રામો સામે સલામતી(સુરક્ષા)ની જરૂરિયાત સમજાઈ અને રક્ષણાત્મક પ્રોગ્રામો વિકસાવવાની શરૂઆત થઈ. જૂન, 2012 સુધીમાં 2.4 અબજ કરતાં પણ વધારે લોકો ઇન્ટરનેટની સેવાઓનો ઉપયોગ કરનારા થઈ ગયા હતા. દુનિયાની માનવવસ્તીના આ ત્રીજા ભાગથી પણ વધારે થાય છે.

મિનિસોટા યુનિવર્સિટીના ગોફરે માહિતી પ્રસ્તુત કરવાની નવી રીત રજૂ કરી. 1990માં ફ્રાન્સના ટીન બર્ન્સલીએ વળી વધુ સારી રીત World Wide Web (WWW) તૈયાર કરી. આ રીતમાં ઘણા સુધારા થયા, જેમાં લખાણ (texts) સાથે ગ્રાફિક/ચિત્રો પણ મૂકી શકાય તે શક્ય બન્યું. wwwને લીધે ઈ-બિઝનેસનો ખૂબ વિકાસ થયો અને ઇન્ટરનેટ-ધારકોની સંખ્યામાં જબરદસ્ત વધારો થયો. ઇન્ટરનેટના સ્વરૂપ(structure)માં ત્રણ પાસાં મહત્વનાં છે :

(i) ‘ઇન્ટરનેટ બૅકબોન – ઇન્ટરનેટ કરોડરજ્જુ’ (ઇન્ટરનેટ લાઇનો)

(ii) તેમાં ભાગ લેતાં કમ્પ્યૂટરો (host computers) અને

(iii) નોડ્ઝ (nodes)

ઇન્ટરનેટ બૅકબોન એટલે રાષ્ટ્રીય/આંતરરાષ્ટ્રીય સ્તરે માહિતી-માળખું (information infrastructure) કે જે હકીકતે ઉચ્ચ ‘બૅન્ડ વિડ્થ’ ધરાવતી ટ્રન્ક લાઇન છે. તેમાંથી અનેકવિધ નાની બ્રાન્ચ લાઇનો (નાની ‘બૅન્ડ-વિડ્થ’ ધરાવતી લાઇનો) ‘હોસ્ટ’ કમ્પ્યૂટરો સાથે જોડાયેલી હોય છે. આ હોસ્ટ કમ્પ્યૂટરો મોટી સંસ્થાઓ જેવી કે યુનિવર્સિટીઓ, મોટી કંપનીઓ કે ઇન્ટરનેટ કંપનીઓ (કે જેને ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડરો – ISPS – કહેવાય છે) ધરાવતી હોય છે. આ કમ્પ્યૂટરો હંમેશાં (24 કલાક) ‘ઑન-લાઇન’ હોય છે અને પોતાના ગ્રાહકોને તે જરૂરી સેવા પૂરી પાડે છે. આ કમ્પ્યૂટરો ઇન્ટરનેટનો ઉપયોગ કરતી સમર્પિત માહિતી લાઇનો (dedicated communication lines) સાથે સેટેલાઇટ લિંકથી જોડાયેલી હોય છે. ઇન્ટરનેટના વપરાશકાર(ગ્રાહક)નું પર્સનલ કમ્પ્યૂટર (pc) ટેલિફોન લાઇન અને મોડેમ દ્વારા ઇન્ટરનેટ સાથે જોડાય છે. આ જાતના જોડાણને ‘ડાયલ અપ’ જોડાણ કહેવાય છે, જે સામાન્ય રીતે ટૂંકી મુદતનું હોય છે. સામાન્ય ટેલિફોન-લાઇન દ્વારા જોડાણ થતું હોય તો માહિતી આપ-લેની ઝડપ ઓછી હોય છે ને 33.6 (kbps)ની મર્યાદામાં હોય છે. જોકે હવે ‘ઇન્ટિગ્રેટેડ સર્વિસ ડિજિટલ નેટવર્ક’ (ISDN) દ્વારા 128 kbps સુધીની ઝડપે માહિતીની આપ-લે થઈ શકે છે.

સામાન્ય વપરાશકાર ફી ભરીને કોઈ આઈ.એસ.પી. (ISP) પાસેથી ઇન્ટરનેટ એકાઉન્ટ ખોલાવી શકે છે. આઈ.એસ.પી. તેને ‘લૉગિન નેઇમ’ પાસવર્ડ (કે જે વપરાશકાર ઇચ્છે ત્યારે બદલી શકે છે) તેમજ એકબે ફોનનંબરની સગવડ આપે છે. તેના વડે તે ઇન્ટરનેટનું જોડાણ મેળવવા ફોન કરી શકે છે. એક વખત ઇન્ટરનેટ સાથે જોડાણ મળે પછી વપરાશકારને યોગ્ય ક્લાયન્ટ પ્રોગ્રામ વડે ઇન્ટરનેટની બધી સર્વિસો મળી રહે છે. દરેક ‘સર્વર’ (server) E-mail, www, chat, FTP જેવી સેવાઓ વપરાશકારને પૂરી પાડે છે. જરૂરી સેવા મેળવવા વપરાશકારે (ગ્રાહકે-ઇન્ટરનેટનો ઉપયોગ કરનારે) જે તે સર્વિસ માટેના ‘ક્લાયન્ટ સૉફ્ટવેર’નો ઉપયોગ કરવો પડે છે; જેમ કે ‘વેબ બ્રાઉઝર’ એ www અને ‘આઉટલુક’ કે ‘યુડોશ’ ક્લાયન્ટ સૉફ્ટવેર છે.

ઇન્ટરનેટ ઍડ્રેસ : વપરાશકારનું કમ્પ્યૂટર ‘હોસ્ટ’ કમ્પ્યૂટર સાથે જોડાય અને માહિતીની આપ-લે થાય તે માટે ઍડ્રેસ હોવું જરૂરી છે. આ ઍડ્રેસ આપતાં કમ્પ્યૂટરો આપોઆપ (automatically) જોડાઈ જાય. પહેલાં આંકડાકીય (numerical) ઍડ્રેસની રીત હતી, પરંતુ હવે વપરાશકારની સુવિધા માટે ‘ડોમેઇન નેમિંગ સિસ્ટમ’ (DNS વપરાય છે. આ રીતમાં ‘કમ્પ્યૂટર નેઇમ’, ‘ડોમેઇન નેઇમ’નું સ્વરૂપ હોય છે. દા.ત., yogi.kernet.comમાં yogi એ કમ્પ્યૂટર – નામ છે અને kernet.com એ નેટવર્કનું અથવા તો ‘ડોમેઇન’નું નામ છે. હકીકતમાં કમ્પ્યૂટર તો માત્ર આંકડાકીય સંજ્ઞાઓ જ ઝીલી શકે છે. એટલે ખાસ પ્રકારના નેટવર્ક સૉફટવેર વડે કમ્પ્યૂટર નેઇમ માહિતી ચોક્કસ આંકડામાં ફેરવાઈ જાય છે. આ સૉફ્ટવેર ડોમેઇન નેઇમ સર્વર (DNS) કહેવાય છે. દરેક ISPને પોતાનો આગવો DNS હોય છે, જે વપરાશકારના કમ્પ્યૂટરમાં પ્રસ્થાપિત કરવામાં આવે છે.

ઇન્ટરનેટનો બહોળો ઉપયોગ નીચે પ્રમાણેનાં કાર્યો માટે થાય છે :

(1) ઈ-મેઇલ (E-mail)-સંદેશા, પત્રવ્યવહાર, માહિતી આપ-લે.

(2) ફાઈલ ટ્રાન્સફર પ્રોટોકૉલ (FTP), જેના દ્વારા જરૂરી વિગત ‘ડાઉનલોડ’ થાય છે. હવે web રીત FTPની જગ્યાએ પ્રચલિત થઈ છે.

(3) ઇન્ટરનેટ રિલે ચૅટ (IRC), જેમાં ખરેખર બે વ્યક્તિઓ સામસામી પોતાના કમ્પ્યૂટર પર બેસીને વાતચીત, પૂછપરછ કરી શકે છે. યુવાપેઢી ‘ચૅટ’નો ઉપયોગ વિશેષ પ્રમાણમાં કરે છે.

(4) ‘ધ વર્લ્ડ વાઇડ વેબ’ (www) – ઇન્ટરનેટનો બહોળો ઉપયોગ આ રીતમાં થાય છે. મૂળભૂત રીતે વૈજ્ઞાનિકો અરસપરસ માહિતી મોકલાવી શકે તે માટે ઉદભવેલી આ રીત હવે બહોળા વર્ગમાં અનેકવિધ રીતે માહિતી પ્રસ્તુત કરવા માટે વપરાય છે. ખાસ કરીને વેપાર-ઉદ્યોગની માહિતી માટે વિશેષ પ્રમાણમાં વપરાય છે. આ રીત ‘સર્ચ એન્જિન’નું કામ કરે છે. કોઈ પણ પ્રકારની માહિતી ગમે ત્યાંથી પકડી શકાય છે. ગૂગલ (google.com), યાહૂ (yahoo.com), એક્સાઇટ (excite.com) જેવી ડૉટ કંપનીઓ સર્ચ એન્જિન તરીકે ખૂબ પ્રખ્યાત છે. આજે આવી બીજી અનેક ડૉટ કંપનીઓ ઇન્ટરનેટમાં કાર્યરત છે.

ઇન્ટરનેટના દિનપ્રતિદિન ઉપયોગો વધતા જાય છે. બહોળા પ્રમાણમાં તેનો ઉપયોગ ઇન્ટરનેટ ગવર્નમેન્ટમાં થઈ રહ્યો છે. ભારતમાં આધારકાર્ડ દેશના તમામ નાગરિકોને આવરી લેવાની યોજના તેનો ભાગ છે. શિક્ષણક્ષેત્રે અને તબીબીક્ષેત્રે ઇન્ટરનેટનો વ્યાપક ઉપયોગ વધી રહ્યો છે. બાલમંદિરથી માંડી અને પીએચ.ડી. તથા તેની પછીના સંશોધન માટે શિક્ષણસામગ્રી ઉપલબ્ધ થઈ રહી છે. C Beebiesથી માંડીને પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળાની માર્ગદર્શિકાઓ, અભ્યાસી (virtual) યુનિવર્સિટીઓ અને Google scholar જેવા સૉફ્ટવેર દ્વારા ઉચ્ચકક્ષાનું જ્ઞાન-સમૃદ્ધ સાહિત્ય ઉપલબ્ધ છે. પરસ્પર સહયોગથી કામ સહયોગી સૉફ્ટવેરથી સહેલું થઈ ગયું છે. પરસ્પર વિચારો, જ્ઞાન અને કૌશલ્યની આપ-લે થઈ શકે છે. Linux, Mozilla Fire Fox અને Open office.org. Internet Chat જેવા સૉફ્ટવેરની મદદથી ઝડપથી આદાનપ્રદાન થઈ શકે છે. માત્ર લખાણો અને વાતચીત નહીં પણ તસવીરો અને ડ્રૉઇંગનો વિનિમય થઈ શકે છે. તેના લીધે વીડિયો કૉન્ફરન્સિંગ મોટા પાયે થાય છે. કૉલસેન્ટર જેવાં સેન્ટરો દ્વારા વ્યાપારનો ફેલાવો દૂર-સુદૂર થઈ રહ્યો છે.

Microsoft’s Internet Explorar, Mozilla Fire Fox, Apple’s Safari અને Google Chrome જેવા world wide web browser સૉફ્ટવેર દ્વારા એક વેબ-પેજથી બીજા વેબ-પેજમાં જઈ શકાય છે. દસ્તાવેજોનો અભ્યાસ થઈ શકે છે. આ દસ્તાવેજો એટલે કે ડૉક્યૂમેન્ટ્સમાં કમ્પ્યૂટર ડેટા, ગ્રાફિક્સ, ધ્વનિ, લખાણ, વીડિયો, મલ્ટીમીડિયા અને પરસ્પર ક્રિયા માટેની સામગ્રીનું જોડાણ થઈ શકે છે.

વેબના કારણે વ્યક્તિઓ અને સંસ્થાઓ પોતાના વિચારો અને માહિતી ઑનલાઇન અનેક લોકો સુધી પહોંચાડી શકે છે. ઘણી વ્યક્તિઓ અને કંપનીઓ તેમજ જૂથો Weblogs અથવા blogsનો ઉપયોગ કરે છે. સામાન્ય રીતે તે સહેલાઈથી અપડેટ કરી શકાય તેવી ઑનલાઇન ડાયરીઓ છે. વ્યક્તિ વેબપેજીસનું એકત્રીકરણ ઘણું પ્રચલિત છે. વધારે અને વધારે તેનું નવીનીકરણ થતું રહે છે. Angelfire અને Geocities વેબની શરૂઆતથી અસ્તિત્વ ધરાવે છે. Facebook અને Twitter ને બહોળા પ્રમાણમાં લોકો અનુસરી રહ્યા છે.

વિખ્યાત વેબપેજીસ પર જાહેરાતોથી ઘણો લાભ થાય તેમ છે. વેબ દ્વારા e-commerce અથવા નીપજોનું વેચાણ અથવા સેવાઓની જાહેરાતોની સતત વૃદ્ધિ થયા કરે છે.

સંચારક્ષેત્ર e-mailનો ઉપયોગ વ્યાપક પ્રમાણમાં થઈ રહ્યો છે. Internet telephone બીજી સામાન્ય સંચાર સેવા છે. VOIP એટલે કે Voice-Over-Internet Protocol બધા પ્રકારના ઇન્ટરનેટ સંચારનો પ્રોટોકૉલ છે. VOIP રમતગમત માટે પણ ઉપયોગી છે. તેના જાણીતા VOIP અસીલો Ventrilo અને teamspeak, Wii, Playstation 3 અને xbox 360 VOIPનાં Chet લક્ષણો પણ આપે છે.

ઇન્ટરનેટનો ઘરોમાં ઉપયોગ સરળ ડાયલ-અપ, લેન્ડલાઇન બ્રૉડબેન્ડ, WiFi અને ફોન પરની 3G/4G ટૅક્નૉલૉજી છે. જાહેરસ્થળો કે જ્યાં ઇન્ટરનેટનો ઉપયોગ થાય છે. તેમાં લાઇબ્રેરીઓ અને ઇન્ટરનેટ કાફેનો સમાવેશ થાય છે. ઇન્ટરનેટનો ઉપયોગ ટિકિટ બુકિંગ, બૅન્ક ડિપૉઝિટ, ઑનલાઇન પેમેન્ટ વગેરે માટે થાય છે.

સામાજિક નેટવર્કિંગ અને મનોરંજન સેવા માટે ઇન્ટરનેટનો ઉપયોગ બહોળા પ્રમાણમાં થાય છે. Facebook, Twitter અને My space જેવી સોશિયલ નેટવર્કિંગ વેબસાઇટનો વ્યાપક ઉપયોગ આજકાલ થઈ રહ્યો છે. જૂના પરિચિતોને શોધવા અને નવા મિત્રો બનાવવા તેનો ઉપયોગ થાય છે. Linked In જેવી વેબસાઇટ વેપાર અને ધંધાના સંબંધો વધારે છે. You Tube અને Flickerની વિશિષ્ટતા ઉપયોગ કરનારાઓની વીડિયો અને તસવીરો છે.

ગાયત્રીપ્રસાદ હીરાલાલ ભટ્ટ