ઇન્ટરનેશનલ ઇકૉનૉમિક ઍસોસિયેશન (IEA) : વિશ્વના અર્થશાસ્ત્ર મંડળોનું આંતરરાષ્ટ્રીય સંગઠન. ‘યુનેસ્કો’-(UNESCO)ની સમાજવિદ્યાશાખાની પ્રેરણાથી 1950માં તેની સ્થાપના કરવામાં આવી હતી. 8 નવેમ્બર, 1950ની ફ્રેન્ચ સરકારની ઘોષણા મુજબ તેની નોંધણી કરવામાં આવી છે. તેનું મુખ્ય મથક પૅરિસ ખાતે છે.

સંસ્થાના હેતુઓ : (1) જુદા જુદા દેશોના અર્થશાસ્ત્રીઓ વચ્ચે સૈદ્ધાન્તિક અને આર્થિક નીતિવિષયક ચર્ચાવિચારણા માટે તક પૂરી પાડવી અને તે દ્વારા અર્થશાસ્ત્ર વિષયના વિકાસમાં મદદરૂપ થવું. (2) વિશ્વના જુદા જુદા વિસ્તારોમાં અર્થશાસ્ત્રના ક્ષેત્રે થતા સંશોધન-કાર્યનું સંકલન થાય તેવા પ્રયાસ કરવા. (3) અર્થશાસ્ત્રના વિષય પર ચર્ચાસભાઓ તથા પરિષદોનું આયોજન કરીને જુદા જુદા દેશોના અર્થશાસ્ત્રીઓ વચ્ચે વ્યક્તિગત સંપર્ક સાધી આપવો. (4) અર્થશાસ્ત્રની વિચારસરણી (thought) તથા જ્ઞાનનું વિસ્તરણ કરવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરનું સંસ્થાકીય માધ્યમ પૂરું પાડવું.

સંસ્થાની સ્થાપના પછીનાં શરૂઆતનાં પાંચ વર્ષો દરમિયાન અર્થશાસ્ત્રના ચિંતકો પાસેથી તેમના લેખો મગાવવામાં આવતા અને તેના પર ચર્ચાસભાઓ યોજવામાં આવતી.  પરંતુ વધુ મોટા પરિપ્રેક્ષ્યમાં તેમની વચ્ચે વિચારોની વ્યક્તિગત આપ-લે થાય તે હેતુથી આ સંસ્થા સાથે સંલગ્ન રાષ્ટ્રીય સ્તરની સંસ્થાઓના સભ્યો આ સંસ્થાની વાર્ષિક પરિષદોમાં ભાગ લઈ શકશે તેવું ઠરાવવામાં આવ્યું. આ નિર્ણય મુજબ 1956માં સૌથી પ્રથમ ખુલ્લી પરિષદનું આયોજન થયું, જેમાં 400 ઉપરાંત અર્થશાસ્ત્રીઓએ હાજરી આપી હતી. આ પરિષદમાં ‘વિશ્વ અર્થતંત્રમાં સ્થિરતા અને પ્રગતિ’ વિશે ચર્ચા થઈ હતી.

દર ત્રણ વર્ષે સંસ્થાની ખુલ્લી પરિષદ યોજાય છે. ડિસેમ્બર, 1986માં ભારત ખાતે પ્રથમ વાર દિલ્હીમાં સંસ્થાનું અધિવેશન યોજવામાં આવ્યું હતું, જેના અધ્યક્ષપદે નોબેલ-પારિતોષિકવિજેતા અર્થશાસ્ત્રી કેનેથ ઍરો હતા.

વિશ્વના 55 દેશોમાં અર્થશાસ્ત્ર-મંડળોએ આ સંસ્થાનું સભ્યપદ સ્વીકાર્યું છે, જેમાં ભારતનો પણ સમાવેશ થાય છે.

સંસ્થાના નેજા હેઠળ અર્થશાસ્ત્રને લગતા ઓપવર્ગો કાર્યશિબિરો તથા વિશિષ્ટ પ્રકારના તાલીમકાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

કારોબારી સમિતિ તથા કાર્યક્રમ સમિતિ સંસ્થાનાં મુખ્ય અંગો છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે