ઇનોસન્ટ ત્રીજો (જ. 1160-61, ગેવિગ્નાનો; અ. 16 જુલાઈ 1216 પેરુગિયા) : રાજકારણમાં નાટકીય તથા ધ્યાનાકર્ષક હસ્તક્ષેપ માટે વિખ્યાત બનેલા રોમન કૅથલિક પોપ. મૂળ ઇટાલિયન નામ લોટૅરિયો દી સેગ્મી (Lotario Di Segmi). તેમના પિતા ઉમરાવ હતા અને માતા અનેક ઉમરાવો સાથે સગપણ ધરાવતાં હતાં. ધર્મશાસ્ત્રનો અભ્યાસ પૅરિસમાં અને રોમન કાયદાનો અભ્યાસ બોલૉગ્ના ખાતે તે જમાનાના મહાન કાયદાશાસ્ત્રી હ્યૂગેસિઓ ઑવ્ પિસાની રાહબરી હેઠળ કર્યો. પોપ થયા પહેલાં તેમણે લખેલા ધર્મગ્રંથો પૈકી બે ગ્રંથો ‘ઑન ધ મિઝરેબલ કન્ડિશન ઑવ્ મૅન’ અને ‘ઑન ધ મિસ્ટરિઝ ઑવ્ માસ’ ખ્યાતિ પામ્યા. 1199માં તેમની પોપ તરીકે સર્વાનુમતે વરણી થઈ. તેમની કારકિર્દી (1198-1216) દરમિયાન મધ્યકાલીન પોપનો દરજ્જો સત્તા અને પ્રતિષ્ઠાના સર્વોચ્ચ શિખરે પહોંચ્યો. પોપના હોદ્દાના ગૌરવ અંગે તેની ભવ્ય વિભાવના પ્રચલિત કરવા માટે તેમણે ઉત્કૃષ્ટ ભાષા તથા તેજસ્વી વિચારસરણીનો અસરકારક ઉપયોગ કર્યો હતો. તેમનું વ્યક્તિત્વ પ્રતિભાસંપન્ન અને મક્કમ નિર્ણયશક્તિવાળું હતું. વિશ્વમાં સત્તાના સ્રોતોમાં રોમન કૅથલિક સંપ્રદાય તથા પોપનું પદ સર્વોચ્ચ છે અને તેનું કાર્યક્ષેત્ર અત્યંત વ્યાપક છે એમની એવી ર્દઢ માન્યતા હતી. તેથી તેમણે લગભગ બધી જ બાબતોમાં હસ્તક્ષેપ કર્યો હોય તેવા પુરાવા 6,000 જેટલા ઉપલબ્ધ દસ્તાવેજોમાંથી મળી રહે છે. રોમન કૅથલિક ધર્મના સુયોજિત તંત્રમાં અગત્યના ફેરફારો દાખલ કરવા ઉપરાંત તે સંપ્રદાયના નિયમો અને કાયદાના અર્થપ્રદર્શક તથા ધર્મના અનુયાયીઓના માર્ગદર્શક તરીકેની તેમની કામગીરી નોંધપાત્ર છે. તેમના શાસન દરમિયાન (1215માં) ચોથી લેટરન કાઉન્સિલ ભરવામાં આવેલી. આ કાઉન્સિલ માત્ર તેમના શાસનની જ નહિ, પરંતુ તેમાં હાજર રહેલાની સંખ્યા, વિદ્વત્તા તથા સમસ્ત દેવળના પ્રતિનિધિત્વની ર્દષ્ટિએ અને સવિશેષ તો તેમાં લેવાયેલા મહત્વના નિર્ણયોને લીધે, સમગ્ર મધ્યયુગી પોપશાહીના શિરમોર સમાન હતી. ઇનોસન્ટે ઘડતર, મિજાજ તથા પ્રાપ્ત થયેલ અવસરોને ઉપયોગમાં લઈને તત્કાલીન રાજકારણમાં સક્રિય ભાગ ભજવ્યો હતો. શાંતિ અને સુલેહ, અન્યાયનું નિવારણ, ધર્મયુદ્ધોને પ્રોત્સાહન તથા પાપ કરનારાઓને સજા કરવાના બહાના હેઠળ ઇનોસન્ટે દરેક બાબતમાં હસ્તક્ષેપ કરવાનું વાજબી ગણ્યું હતું.

ઇનોસન્ટે તેના કાર્યકાળ દરમિયાન રાજકીય બાબતોમાં કરેલા હસ્તક્ષેપના કેટલાક કિસ્સા ઐતિહાસિક મહત્વ ધરાવે છે : (1) ફ્રાન્સનો રાજા ફિલિપ બીજો તથા ઇંગ્લૅન્ડનો રાજા રિચાર્ડ પહેલો પરસ્પર સુલેહ ન કરે તો તેમની સામે પગલાં લેવાશે તેવી તેમને અપાયેલી ચેતવણી (1198); (2) રાણી ઇન્ગબોર્ગ સાથે રાજા ફિલિપ દ્વારા થતો દુર્વ્યવહાર ત્વરિત બંધ થાય તે માટે રાજાને અપાયેલો આદેશ (1200); (3) આર્ચબિશપ ઑવ્ કૅન્ટરબરી તરીકે સ્ટીફ લગ્ટનની નિમણૂકનો વિરોધ કરવા બદલ ઇંગ્લૅન્ડના રાજા જૉનને પદભ્રષ્ટ કરવાની ધમકી (1206) તથા તેને ધર્મબહાર કરવાની ચેતવણી (1209); (4) સિરિયાનાં ધાર્મિક સ્થળો પોતાને હસ્તક લેવા માટે બાલ્કન રાજ્યોના તથા આર્મેનિયાના રાજ્યકર્તાઓ સાથેની જટિલ મંત્રણાઓ; (5) બલ્ગેરિયાના મહત્વાકાંક્ષી શાસક કાલોજન પર વર્ચસ જમાવવા માટે લીધેલાં પગલાં (1204); (6) ઍરેગાંના પેદ્રો બીજાનો રોમમાં થયેલ રાજ્યાભિષેક; (7) મૅગ્નાકાર્ટાનો ઇન્કાર (1215); (8) જર્મનીની રાજગાદીના વારસાહકના વિવાદમાં ન્યાયી વલણ લેવાને બદલે ઑટો ઑવ્ બ્રન્સીને અપાયેલો ટેકો અને પાછળથી ફ્રેડરિક બીજાની ચૂંટણીને અપાયેલી માન્યતા (1213); (9) જર્મની અને ઇટાલીના ભાગલા પાડવા માટે થયેલા પ્રયાસો અને (10) રોમન કૅથલિક ધર્મના પ્રસારાર્થે પૂર્વના દેશો પ્રત્યે અખત્યાર કરવામાં આવેલ રાજકીય વલણ.

બિનસાંપ્રદાયિક રાજ્યકર્તાઓ (secular rulers) પાસેથી આજ્ઞાપાલનનો આગ્રહ રાખતી વેળાએ માનવજાતિનું કલ્યાણ તથા રોમન કૅથલિક ધર્મની જરૂરિયાતનો ટેકો આ બે તેમના ઉદ્દેશો હતા તેવો તેમનો દાવો હતો. રોમન કૅથલિક દેવળનું સ્થાન મજબૂત કરવા માટેના તેમના પ્રયાસોને સફળતા મળી હતી. ઇટાલીની મધ્યમાં પોપની શક્તિસંપન્ન સત્તા પ્રસ્થાપિત થાય તો જ પોપનું શાસન સ્વતંત્ર રહેશે તેવો તેમનો ર્દઢ વિશ્વાસ હતો.

રાજકીય સત્તાના માધ્યમ દ્વારા આધ્યાત્મિક ધ્યેયો હાંસલ થઈ શકે છે તેવી ઇનોસન્ટની વિચારસરણી હતી. આ વિચારસરણીનો અમલ કરવા જતાં પોતાની મહત્તા તથા શક્તિ વિશેની ભ્રમણા તેમનામાં વધતી ગઈ. પરિણામે તેમની નિર્ણયશક્તિ પાંગળી બની અને તે નીચલા સ્તરના શાસકોના હાથનું રમકડું બન્યા. તેમ છતાં તેમના વ્યક્તિત્વની આગવી પ્રતિભા તથા કાયદા અંગેની તેમની સૂઝને લીધે ઇનોસન્ટે તેમના સમકાલીન વિદ્વાનો પર તથા રોમન કૅથલિક ધર્મ અને સંપ્રદાય પર પોતાની કાયમી છાપ પાડી હતી. તેમનું સામર્થ્ય અને ઉદાત્ત માનવતા તે જમાનાના અન્ય કોઈ પોપમાં જોવા મળ્યાં નથી. તેમની કેટલીક મહત્વની યોજનાઓ અમલી બની હોત તો પાછળથી પોપના પદની જે માનહાનિ થઈ તે નિવારી શકાઈ હોત.

પોપ ઇનોસન્ટ ત્રીજાના અસંખ્ય ધર્મ-આદેશો, પત્રો, ઉપદેશો અને તેમણે બનાવેલા કાનૂનોનો સંગ્રહ મહત્વનો ગણાય છે. તેમાંના એક સંગ્રહને ‘કોમ્પીલેશિયા ટેરેશિયા’ કહે છે. તેમના અનેક ધર્મ-આદેશો પાછળથી ‘કૉરપસજ્યુરિસ કેનોનીસી’ના બીજા ભાગમાં સ્થાન પામ્યા છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે

સલીમ કાઝી