ઇનાયતખાં (જ. 16 જૂન 1865, ઇટાવા; અ. 11 નવેમ્બર 1938, ગૌરીપુર, પશ્ચિમ બંગાળ) : વિખ્યાત સિતારવાદક તથા પ્રયોગશીલ સંગીતજ્ઞ. તેમના પિતા ઉસ્તાદ ઇમદાદખાં પોતે સારા સિતારવાદક હતા, જેમની પાસેથી ઇનાયતખાંએ સિતારવાદનની તાલીમ લીધી. ઇટાવાથી તેઓ ઇન્દોર ગયા, જ્યાં થોડોક સમય રહ્યા. ત્યારબાદ તેઓ કૉલકાતા ગયા. ત્યાં તેમને માનસન્માન મળ્યાં. તેમના સિતારવાદન પર પશ્ર્ચિમ બંગાળના ગૌરીપુર રિયાસતના મહારાજા એટલા બધા પ્રભાવિત થયા કે તેમણે તેમની રિયાસતના દરબારી સંગીતજ્ઞ તરીકે તેમની નિયુક્તિ કરી. ત્યાં વિખ્યાત સરોદવાદક અમીરખાં, ગાયક બિપિનચંદ્ર ચેટર્જી અને વાદક શીતલપ્રસાદ મુખર્જી સાથે તેમને પરિચય થયો.

ઇનાયતખાં સંગીતની પરંપરામાં માનનારા હોવા છતાં તેમણે પોતાના સિતારવાદનની શૈલીમાં ઘણા પ્રયોગો કર્યા; દા.ત., કાફી રાગમાં તીવ્ર મધ્યમ સ્વરને સ્થાન હોતું નથી, છતાં ઇનાયતખાંએ સિતાર પર કાફી રાગની રજૂઆતમાં તીવ્ર મધ્યમનો બહોળો ઉપયોગ કર્યો. તેવી જ રીતે રાગ ભૂપાલીમાં શુદ્ધ મધ્યમ અને રાગ યમનમાં કોમલ રિષભનો પ્રયોગ કરવાનો જશ પણ તેમને ફાળે જાય છે.

સિતારના અગ્રણી કલાકાર ઉપરાંત તેના વિકાસ અને પ્રચારમાં પણ ઇનાયતખાંનો ફાળો નોંધપાત્ર હતો. તેમને સાત સુવર્ણચંદ્રકો પ્રાપ્ત થયા હતા.

તેમના બહોળા શિષ્યવર્ગમાં તેમના પુત્ર અને જાણીતા સિતાર-વાદક વિલાયતખાં ઉપરાંત રેણુકા સહા અને ધ્રુવતારા જોશી ઉલ્લેખનીય છે.

ગીતા મહેતા