ઇનામગાંવ : મહારાષ્ટ્રના જિલ્લા મથક પુણેથી પૂર્વમાં 80 કિમી. દૂર ઘોડ નદીના જમણા કાંઠા ઉપર આવેલું ગામ. અહીં 1970-84 દરમિયાન મધ્ય પાષાણયુગથી માંડીને ઈ. સ. પૂ. 700 સુધીના વિવિધ અવશેષો મળી આવ્યા છે. મધ્ય પાષાણયુગ અને આદ્ય પાષાણયુગનાં ફળાં, રંદા, પતરીઓ, છીણી વગેરે તથા કાચબાની પીઠના અશ્મીભૂત ટુકડા અને લઘુપાષાણયુગના અવશેષો અહીં ખોદકામ દરમિયાન પ્રાપ્ત થયા છે. આ કાળ દરમિયાનનાં ઢોર, હરણ, ઘોડા વગેરેના દાંત અને માથાના પાછળના ભાગના અવશેષો ઉપરાંત સરીસૃપ જીવોના પુરાવા મળે છે. ઈ. સ. પૂ. 2000થી 1600ના અવશેષો મહારાષ્ટ્રમાં તામ્રપાષાણયુગની સંસ્કૃતિની અસર સૂચવે છે. ઈ. સ. પૂ. 1600-1300 દરમિયાન માળવા સંસ્કૃતિના, ઈ. સ. પૂ. 1300-ઈ. સ. પૂ. 1000 સુધી આદ્યજોર્વે સંસ્કૃતિના અને ઈ. સ. પૂ. 1000થી ઈ. સ. પૂ. 700 સુધી અનુજોર્વે સંસ્કૃતિના અવશેષો મળે છે.

માળવા સંસ્કૃતિના લોકો લંબચોરસ કે ઘણા ઓરડાવાળાં ઘરોમાં રહેતા હતા. રસોડામાં અનાજ ભરવાની કોઠીઓ તથા ઘરવપરાશનાં માટીનાં વાસણો હતાં. ઘરની મધ્યમાં ચૂલો હતો. દાટવા માટે ચાર પાયાવાળાં ભસ્મપાત્રોનો ઉપયોગ થતો હતો. આદ્યજોર્વે સંસ્કૃતિના લોકોનાં ઘરો અગાઉની માળવા સંસ્કૃતિનાં ઘરો જેવાં જ હતાં. છાપરાને ટેકો દેવા વાંસડા ઊભા કરી વરસાદના પાણીના નિકાલ માટે નાળીઓનું આયોજન કરતા હતા. મકાનના બે ઓરડા વચ્ચે નાની દીવાલ રખાતી અને છાપરું રાડાનું હતું. પાત્રખંડોમાં નાળચાવાળા લોટા, શંકુ આકારના વાડકા અને ચાર પાયાવાળાં પાત્રો વાપરતા હતા. અહીંના લોકોનો ખેતી અને પશુપાલનનો વ્યવસાય હતો. ઘોડો, ભેંસ, ગાય, બળદ અને કૂતરો પાળેલાં પશુઓ હતાં. નીલ ગાય, હરણ, કાળિયાર વગેરે વન્ય પશુઓ હતાં. ઘોડ નદીના નીચાણવાળા ભાગમાંથી હિપૉપૉટેમસના અશ્મીભૂત અવશેષો મળે છે. ખોરાકમાં જવ, બાજરી, જુવાર, વટાણા, વાલ વગેરેનો ઉપયોગ થતો હતો. અનુજોર્વે યુગમાં લોકો માટીથી લીપેલાં ગોળ ઘરોમાં રહેતા હતા. પથ્થરના ચૂલા, અનાજ અને દારૂ ભરવા માટે તેઓ બરણીઓ વાપરતા હતા. માટીનાં ચિત્રિત વાસણો ઉપરાંત હરપ્પાકાલીન અવશેષ સાથે સરખાવી શકાય તેવું બાણનું ત્રાંબાનું અણીદાર ફળું મળી આવ્યું છે. કુંભારનું ઘર અને તેનો આખો નિભાડો અકબંધ મળી આવેલ છે.

પ્રૌઢ પુરુષો અને સ્ત્રીઓનાં કોઠીઓમાં તથા બાળકોનાં માટલાંમાં રાખેલાં 204 શબો અહીંથી મળી આવેલ છે. તે સૂચવે છે કે તેમનામાં શબને દાટવાનો સામાન્ય રિવાજ હશે. આ શબને એક, બે કે વધુ કોઠી કે માટલાંમાં કાં તો એક ખાડો ખોદી ઊભાં દાટતા અથવા જમીન સરસાં દાટતા. સાધારણ રીતે માથું ઉત્તર તરફના માટલામાં રખાતું હતું. એક મકાનમાં ખાડામાં દાટેલી એક માટીની નાની લંબગોળ ડબ્બીમાં એક નગ્ન દેવી(Fertilityની Goddess)ની સુવાડેલી મૂર્તિ મળી આવી હતી. ડબ્બીને ઢાંકી તેના ઉપર બળદની આકૃતિ અંકિત કરાયેલી હતી. મૂર્તિના ગળાના ભાગે હારનાં અને છૂંદણાંનાં નિશાન હતાં. આથી ઇનામગાંવના લોકો માતૃકાપૂજકો હશે એમ મનાય છે. દુષ્કાળને કારણે આ સ્થળનો નાશ થયો હશે એવું અનુમાન છે.

મુકુન્દ રાવળ