ઇટાવાહ (જિલ્લો)

January, 2002

ઇટાવાહ (જિલ્લો) : ઉત્તરપ્રદેશના પશ્ચિમ ભાગમાં આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 26o 25´ થી  27o 00´ ઉ. અ. અને 78o 45´ થી 79o 45´ પૂ. રે. વચ્ચેનો 4,326 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ જિલ્લો અલ્લાહાબાદ વિભાગના વાયવ્ય ભાગમાં આવેલો છે. તેની ઉત્તરે મૈનપુરી અને ફારૂખાબાદ, પૂર્વમાં ઔરાયા, દક્ષિણે જાલોન, વાયવ્યમાં આગ્રા જિલ્લો તથા પશ્ચિમે ચંબલ નદીથી અલગ પડતી મધ્યપ્રદેશની સરહદ આવેલાં છે. જિલ્લામથક ઇટાવાહ જિલ્લાના વાયવ્ય ભાગમાં આવેલું છે.

ભૂપૃષ્ઠજળપરિવાહ : ઇટાવાહ જિલ્લો ગંગા-જમનાના મેદાની વિસ્તારમાં આવેલો હોવાથી તેનાં ભૂપૃષ્ઠ-લક્ષણો નદીઓ પર આધારિત છે. તે મુજબ પશ્ચિમથી અગ્નિ દિશા તરફ જતાં ચાર પટ્ટા પડે છે : (i) પાંચોઈ પટ્ટો : તે થોડીઘણી ઊંચાઈવાળો પણ સમતળ ભૂમિનો પ્રદેશ રચે છે, ક્યાંક ક્યાંક તે રેતાળ ટેકરીઓ અને નદીઓથી ખંડિત છે. (ii) ઘાર પટ્ટો : તે યમુના અને સેનગાર નદીઓ વચ્ચે આવેલો છે. (iii) વ્હારકા પટ્ટો : ઘારથી દક્ષિણે આવેલો આ પટ્ટો યમુનાની નજીકના ઇટાવાહ, ભરથાના અને ઔરાયા તાલુકાઓને આવરી લે છે. (iv) ચંબલ-યમુના દોઆબ : તે સમતળ પઠારભૂમિથી બનેલો છે, તેની મધ્યમાં સારી જમીનો આવેલી છે. જિલ્લામાં જંગલ વિસ્તાર તદ્દન ઓછા પ્રમાણમાં છે. માત્ર ચંબલ-યમુનાનાં કોતરોમાં છૂટાંછવાયાં જંગલો આવેલાં છે. જાંબુ, લીમડો, સીસમ જેવાં વૃક્ષો અહીં જોવા મળે છે. યમુના, ચંબલ, સિંધ, કુંવારી અને સેનગાર અહીંની મુખ્ય નદીઓ છે.

ઇટાવાહ જિલ્લો

ઇટાવાહ જિલ્લો

ખેતી-પશુપાલન : જિલ્લાનું અર્થતંત્ર કૃષિ-આધારિત છે. જિલ્લાના આશરે 80 % લોકો ખેતી સાથે સંકળાયેલા છે. રવી અને ખરીફ બંને પાકો લેવાય છે. ઘઉં, ડાંગર, મકાઈ, બાજરી, રાઈ, સરસવ, ચણા, તુવેર અહીંના મુખ્ય પાકો છે. ખેડૂતો હવે ખેતી માટે સુધરેલી રીતો અને સાધનો વાપરતા થયા છે. તેઓ ખાતરો, જંતુનાશકો, કીટકનાશકો વગેરેનો ઉપયોગ કરતા થયા છે. ખેતી ઉપરાંત આવકવૃદ્ધિ માટે તેઓ પશુપાલન પણ કરે છે. ગાય, ભેંસ, ઘેટાં, બકરાં અહીંનાં મુખ્ય પશુઓ છે. કેટલાક મરઘાં-બતકાંનો ઉછેર પણ કરે છે. પશુઓ માટે દવાખાનાં તેમજ કૃત્રિમ ગર્ભાધાન-કેન્દ્રો ઊભાં કરાયાં છે. ચંબલ, યમુના અને નીચલી ગંગા નહેર આ જિલ્લામાંથી પસાર થાય છે.

ઉદ્યોગોવેપાર : જિલ્લામથક ઇટાવાહ ખાતે એક સ્પિનિંગ મિલ આવેલી છે. ખેતપેદાશોનું પ્રક્રમણ કરીને ખાદ્યતેલ, ચોખા, આટા અને દાળનું ઉત્પાદન લેવાય છે. અહીંના નાના પાયા પરના ઉદ્યોગોમાં ઇજનેરી-પ્લાસ્ટિક-વીજળી વગેરેના માલસામાન, કાચની અને ચામડાની ચીજવસ્તુઓનો તથા કુટિર-ઉદ્યોગોમાં હાથસાળનું વણાટ, માટીકામ, સુથારીકામ, ખાદ્યતેલ, પગરખાં, ટોપલીઓ, ધાબળા અને કૃષિસાધનોનો સમાવેશ થાય છે. અહીંની શેતરંજીઓ અને ચામડાનાં થેલા-થેલીઓ જાણીતાં છે. શિંગડાંમાંથી જુદી જુદી વસ્તુઓ તેમજ કાચની બંગડીઓ બને છે. અહીં ગોબરગૅસના એકમો પણ આવેલા છે.

જિલ્લામાં ઘઉં, ડાંગર, ગોળ, કઠોળ, રાઇનું તેલ, કાલીન, શેતરંજીઓ, હાથસાળનું કાપડ અને આયુર્વેદિક ઔષધોનું ઉત્પાદન લેવાય છે. અહીંથી ચોખા, ગોળ, તેલીબિયાં, ઘઉં, બટાટા, હાથસાળનું કાપડ, ગૉબર ગૅસ માટે જરૂરી સાધનો અને સૉલ્ટપીટર(સૂરોખાર)ની નિકાસ તથા લોહ, ખાંડ, સિમેન્ટ, કોલસો, કાપડ અને સૂતરની આયાત થાય છે.

પરિવહન : ઉત્તર રેલવિભાગની બ્રૉડગેજ ઇટાવાહમાંથી પસાર થાય છે. આ જિલ્લો દિલ્હી-મુઘલસરાઈ વિભાગમાં આવે છે. આ જિલ્લામાં આશરે 90 કિમીનો રેલમાર્ગ છે. પાકા રસ્તા ઇટાવાહને ફારુખાબાદ, મૈનપુરી, આગ્રા અને કાનપુર સાથે જોડે છે. આગ્રા-કાનપુરનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. 2 ઇટાવાહમાંથી પસાર થાય છે. જિલ્લામાં સડકમાર્ગોની કુલ લંબાઈ આશરે 700 કિમી જેટલી છે.

પ્રવાસન : ઇટાવાહથી પૂર્વમાં ઇટાવાહ-ઔરાયા માર્ગ પર આવેલો શાહજહાંએ તૈયાર કરાવેલો બગીચો હવે ‘પક્કા બાગ’ નામથી ઓળખાય છે. અહીંની મુઘલ યુગ સંબંધિત કુદરતી સૌંદર્ય ધરાવતી કબર જોવાલાયક છે. તિસ્કીના મંદિર તરીકે ઓળખાતું પ્રખ્યાત શિવમંદિર ઇટાવાહ-ગ્વાલિયર માર્ગ પર ઇટાવાહથી દક્ષિણ તરફ આવેલું છે. આ મંદિર અહીંના બાર દરવાજાવાળા ‘બારહ દ્વારી’ નામથી ઓળખાતા નષ્ટપ્રાય કિલ્લાના ખંડિયેર નજીક આવેલું છે. એમ કહેવાય છે કે મંદિરના શિવલિંગની ઊંચાઈ માપવામાં હજી સુધી કોઈ સફળ થઈ શક્યું નથી. અહીંની ખ્વાજાની કબરો હજી આજે પણ પૂરેપૂરી ઓળખાઈ નથી. ગ્રામીણ વિસ્તારોમાં આવેલાં ઉદી અને ચકાર સ્થળો પણ કુદરતી સૌંદર્ય ધરાવે છે. આ ઉપરાંત આ જિલ્લામાં જુદા જુદા તહેવારો ઊજવાય છે અને મેળાઓ યોજાય છે.

વસ્તી : વસ્તીગણતરી મુજબ જિલ્લાની કુલ વસ્તી 15,79,160 (2011) જેટલી છે. ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ આશરે 85 % અને 15 % જેટલું છે. જિલ્લામાં હિન્દુ, મુસ્લિમનું પ્રમાણ વિશેષ, બૌદ્ધ અને શીખોની વસ્તી મધ્યમ, જ્યારે જૈનો અને ખ્રિસ્તીઓનું પ્રમાણ ઓછું છે. અહીંની મુખ્ય ભાષાઓ હિન્દી અને ઉર્દૂ છે. સાક્ષરતાનું પ્રમાણ આશરે 45 % જેટલું છે. જિલ્લામાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓનું પ્રમાણ મધ્યમ છે, તબીબી સંસ્થાઓની સંખ્યા ઓછી છે. વહીવટી સરળતા માટે જિલ્લાને 4 તાલુકાઓ અને 14 સમાજ વિકાસઘટકોમાં વહેંચેલો છે. અહીં 13 નગરો અને 1542 (81 વસ્તીવિહીન) ગામડાં આવેલાં છે.

ઇટાવાહ (શહેર) : ઉત્તરપ્રદેશના ઇટાવાહ જિલ્લાનું વડું વહીવટી મથક. પ્રાચીન ઐતિહાસિક શહેર. ભૌગોલિક સ્થાન : 26o 40´ ઉ. અ. અને 79o 20´ પૂ. રે. તે યમુના નદીના ડાબા કાંઠા પર આગ્રાથી અગ્નિકોણમાં આવેલું છે. તે આગ્રા અને કાનપુરથી લગભગ સરખું અંતર ધરાવે છે. આ શહેરમાં તેમજ નજીકમાં ઘણાં કોતરો આવેલાં છે. આ પૈકીનું એક કોતર જૂના (દક્ષિણ) અને નવા (ઉત્તર) શહેર વિભાગોને અલગ પાડે છે, પરંતુ પુલો અને પાળા બંને વિભાગોને જોડે છે.

જિલ્લાના કેટલાક ઉદ્યોગો અને જોવાલાયક સ્થળો ઇટાવાહમાં આવેલાં છે. ખેતપેદાશો, ડેરીપેદાશો તેમજ ગોળના ઉત્પાદન માટે તે જાણીતું છે. સુતરાઉ કાપડનો ઉદ્યોગ અને રેશમ-વણાટ-ઉદ્યોગ આ શહેરમાં આવેલા છે. અહીં તેલ-મિલો પણ આવેલી છે. આ શહેર ઘી માટેનું વિતરણ-મથક પણ છે.

આ શહેરમાં 16મી સદીની જામી મસ્જિદ આવેલી છે. તે હિન્દુ ઇમારતોનાં ખંડિયરોમાંથી બનાવાયેલી છે. 15મી સદીનો કિલ્લો આજે અહીં ખંડિયેર હાલતમાં છે. તે બધી બાજુ પર હિંદુ મંદિરોથી ઘેરાયેલો છે. મુસ્લિમ આક્રમકો મહમદ ગઝનવી તેમજ શાહબુદ્દીનના ધર્મઝનૂની આક્રમણથી આ શહેર બરબાદ થયેલું. અહીંનાં ઘણાં સુંદર મંદિરો આ આક્રમણ પછી મસ્જિદોમાં ફેરવાયાં હતાં. પ્રાચીન ચૌહાણ રાજાઓનાં મહાલયોના અવશેષો અહીં જોવાલાયક છે. આ શહેર આ વિસ્તારનું મહત્ત્વનું રેલવેજંક્શન હોઈ રેલ તેમજ સડકમાર્ગે આજુબાજુના જિલ્લાઓ સાથે સંકળાયેલું છે.

મહેશ મ. ત્રિવેદી

ગિરીશભાઈ પંડ્યા