ઇજિપ્ત

આફ્રિકા ખંડના ઈશાન કોણમાં આવેલો દેશ. તે આશરે 220 ઉ. અ.થી 320 ઉ. અ. અને 250 પૂ. રે.થી 360 પૂ. રે. વચ્ચે વિસ્તરેલો આરબ રિપબ્લિક ઑવ્ ઇજિપ્ત આરબ જગતમાં સૌથી વધુ વસ્તીવાળો દેશ છે. વિસ્તાર : 10,01,449 ચો.કિમી. (આંતરિક જળવિસ્તાર સહિત) જ્યારે ભૂમિવિસ્તાર 9,97,677 ચોકિમી. છે. વિશ્વની સૌપ્રથમ સંસ્કૃતિનો વિકાસ ઇજિપ્તમાં નાઇલ નદીને કિનારે થયો હતો. આથી ગ્રીક ઇતિહાસકાર હિરોડૉટસે ઇજિપ્તને નાઇલની બક્ષિસ તરીકે ઓળખાવેલ છે. ઇજિપ્તની ઉત્તરમાં ભૂમધ્ય સમુદ્ર, ઈશાનમાં ઇઝરાયલ, પૂર્વમાં રાતો સમુદ્ર, દક્ષિણમાં સુદાન અને પૂર્વમાં લીબિયા આવેલ છે.

ભૂપૃષ્ઠ : પ્રાકૃતિક રચના પ્રમાણે ઇજિપ્ત ત્રણ વિભાગમાં વહેંચાયેલો દેશ છે : (1) નાઇલની પૂર્વમાં આવેલું અરબસ્તાનનું રણ, (2) નાઇલની પશ્ચિમમાં લીબિયાનું રણ, (3) નાઇલની ખીણનો ફળદ્રૂપ પ્રદેશ.

પૂર્વનું અરબસ્તાનનું રણ : આ સૂકો રણપ્રદેશ છે. પ્રાચીન કાળમાં નાઇલ અને રાતા સમુદ્ર વચ્ચે વાહનવ્યવહાર અને સંદેશાવ્યવહાર માટે આ રણ મહત્વનો માર્ગ ગણાતું હતું. તેના કિનારે સમુદ્રની સપાટીથી લગભગ 2,388 મીટર ઊંચી ટેકરીઓ આવેલી છે. આ ટેકરીઓ જ્વાળામુખીના પ્રસ્ફુટન દ્વારા રચાયેલી છે. આ રણપ્રદેશમાં જૂજ વસ્તી છે. મુખ્યત્વે અહીં વિચરતી જાતિઓ વસે છે.

ઇજિપ્ત

નાઇલની પશ્ચિમે આવેલું લીબિયાનું રણ : આ રણ ઉત્તરથી દક્ષિણમાં ભૂમિ બેસી જવાથી ઢોળાવવાળું બનેલું છે. તેમાં રણદ્વીપો આવેલા છે. આ રણદ્વીપોમાં અલ-ખારિજાહ, ડાખા અને સિવા મુખ્ય છે. અહીં માનવજીવન સ્થાયી છે. થોડા પ્રમાણમાં ઘઉં, ડુંગળી અને બટાટાની ખેતી થાય છે. અહીં ખજૂરીનાં વૃક્ષો આવેલાં છે.

નાઇલનો ખીણપ્રદેશ : આ પ્રદેશ ભૂરી નાઇલ અને સફેદ નાઇલના સંયુક્ત પ્રવાહ દ્વારા રચાયેલો છે. સફેદ નાઇલ ઇથિયોપિયામાંથી અને ભૂરી નાઇલ સુદાનમાં થઈને વહે છે. બંને ખાર્ટુમ પાસે મળે છે. બંને નદીઓનો સંયુક્ત પ્રવાહ આશરે 1600 કિમી.ના અંતર માટે ઇજિપ્તમાં વહી રશીદ પાસે ભૂમધ્ય સમુદ્રને મળે છે.

નાઇલનો ખીણપ્રદેશ આજુબાજુના રણપ્રદેશોની 45થી 300 મીટર નીચી ભૂમિનો બનેલો છે. આ ખીણમાં 9થી 11 મીટર ઊંડે સુધી ફળદ્રૂપ કાંપના થર આવેલા છે. નાઇલ નદીએ કેરોથી ભૂમધ્ય સમુદ્ર સુધીના પ્રદેશમાં આણેલ કાંપનો 240 કિમી. પહોળો મુખત્રિકોણ પ્રદેશ રચ્યો છે. નાઇલને અત્બાર નદી સુદાનમાં મળે છે. આ નદીના પૂર્વકિનારાના વિષુવવૃત્તીય પ્રદેશના વરસાદનું પાણી નાઇલના પાણીમાં વધારો કરે છે. ભૂરી નાઇલને ઇથિયોપિયામાં વરસાદનું પાણી મળે છે, તેથી સપ્ટેમ્બર માસમાં તેમાં પૂર આવે છે. પરિણામે સફેદ નાઇલના પાણી પુરવઠામાં 69 % જેટલો વધારો થાય છે. નાઇલ ઉપરાંત ઇજિપ્તને કેટલાંક સરોવરોનાં પાણીનો પણ લાભ મળે છે. મોટા ભાગનું ઇજિપ્ત નાઇલને કિનારે વસેલું છે.

ઇજિપ્તના દરિયાકિનારાની લંબાઈ લગભગ 2100 કિમી. છે. તેનો મોટો ભાગ રાતા સમુદ્ર પર છે. આ ઉપરાંત થોડા ભાગમાં ભૂમધ્ય સમુદ્રનો કિનારો છે, જ્યાં થોડાં બારાં આવેલાં છે. ભૂમધ્ય સમુદ્રને કિનારે આવેલું ઍલેક્ઝાન્ડ્રિયા બંદર ફક્ત નાનાં વહાણો માટે જ ઉપયોગી છે. આ બંદરનું આધુનિકીકરણ થયું છે. આ સિવાય મુખ્ય બંદરોમાં પૉર્ટ સૈયદ અને સુએઝ છે. આ બંને બંદરો સુએઝની નહેરને આભારી છે. પૉર્ટ સૈયદનું બંદર જહાજોની અવરજવર માટે ખૂબ ઉપયોગી છે. સુએઝ બંદર ખનિજતેલની રિફાઇનરી અને તેની આડપેદાશો માટે મહત્વનું છે. રાતા સમુદ્ર પરનું સિનાઈના દ્વીપકલ્પ પાસેનું અતુર બંદર મક્કા હજ કરવા જતા યાત્રિકો માટે અનુકૂળ છે. અબુઝનિમા વહાણવટા માટે ઉપયોગી છે.

ઇજિપ્તનો મોટો ભાગ ઉષ્ણકટિબંધમાં છે. આબોહવાની ર્દષ્ટિએ ઇજિપ્ત બે વિભાગમાં વહેંચાયેલું છે. નાઇલના મુખત્રિકોણ પાસેના વિભાગમાં ભૂમધ્ય પ્રકારની આબોહવા છે, જ્યારે અંતરિયાળ ભાગની આબોહવા સહરા પ્રકારની છે. ઇજિપ્તમાં શિયાળો અને ઉનાળો  એમ બે જ ઋતુઓ છે.

શિયાળો નવેમ્બરથી શરૂ થઈ માર્ચ સુધી ચાલે છે. આ સમયગાળામાં ઠંડીનું પ્રમાણ વધારે હોય છે. મુખત્રિકોણપ્રદેશમાં ભૂમધ્ય તરફથી વાતા પવનો સાધારણ વરસાદ લાવે છે. ઉનાળો જૂનથી સપ્ટેમ્બર સુધી હોય છે. આ સમય દરમિયાન સખત ગરમી પડે છે. ત્યાં રાત્રિ અને દિવસના તાપમાનમાં મોટો ગાળો હોય છે. વળી વરસાદની માત્રા ઓછી હોય છે. ઍલેક્ઝાન્ડ્રિયામાં 175 મિમી., આસ્વાનમાં માત્ર 205 મિમી. અને કેરોમાં 25 મિમી. જેટલો જ પડે છે. આમ ઇજિપ્તનો પ્રદેશ આબોહવાની ર્દષ્ટિએ રણ જેવો છે. ઉનાળામાં ઉત્તર તરફથી સમુદ્ર પર થઈને વાતા પવનો ગરમીની માત્રા ઓછી કરે છે અને નાઇલના મૂળ તરફ જતાં વહાણોની ગતિમાં તે મદદરૂપ બને છે.

અહીં રણપ્રદેશની આબોહવા હોવાથી વનસ્પતિનો અભાવ જોવા મળે છે. નાઇલના મુખત્રિકોણપ્રદેશમાં અને રણદ્વીપોમાં જ વનસ્પતિ જોવા મળે છે. અહીંનું મુખ્ય વૃક્ષ ખજૂરી છે. જંગલો અને ઘાસચારાની અછતને લીધે પ્રાણીઓ ઓછાં છે. અહીં ભેંસ, ઘેટાંબકરાં, ઊંટ, ગધેડાં, મરઘાં જેવાં પાલતુ પ્રાણીઓ તથા થોડા પ્રમાણમાં શિયાળ, લોંકડી, ભુંડ, જરખ અને જંગલી ગધેડાં તેમજ નાઇલના ઉપરવાસના ભાગમાં મગર, હિપોપૉટેમસ અને માછલાં જોવા મળે છે.

ઇજિપ્તનો 9/10 ભાગ રણપ્રદેશ છે; પરંતુ નાઇલ નદીમાં દર વરસે ઑગસ્ટ અને સપ્ટેમ્બરમાં પ્રચંડ પૂર આવે છે. નદીનાં પાણી ચારે તરફ ફરી વળે છે. આથી દર વરસે જમીનની ફળદ્રૂપતા પણ વધતી જાય છે. આ નદીનાં પાણી દ્વારા સિંચાઈ કરવામાં આવે છે. સિંચાઈ માટે નાનીમોટી યોજનાઓ અને નહેરો તૈયાર કરવામાં આવી છે. સિંચાઈ માટે બે પ્રકારની નહેરો છે. બારમાસી નહેરો દ્વારા વર્ષમાં બેથી ત્રણ પાક લઈ શકાય છે, જ્યારે પૂરનાં પાણીથી ભરાતી નહેરો દ્વારા વર્ષમાં એક પાક લઈ શકાય છે.

આ સિવાયના નાઇલના પાણીને બહાર યૂસુફ નહેર દ્વારા બિરકતક્રુન નામના સરોવરમાં લઈ જવામાં આવે છે. આ સરોવર સમુદ્રની સપાટીથી 42 મીટર નીચાણમાં આવેલું છે. તેમાંથી નહેરો કાઢી ખેતરોને પાણી પહોંચાડવામાં આવે છે. સૌથી મહત્વની નહેર અહમદી નહેર છે. તે બંધના નીચેના ભાગમાંથી શરૂ થાય છે. આથી દુષ્કાળનો ભય ટળ્યો છે. આ ઉપરાંત તાહીર પ્રોજૅક્ટથી 2 લાખથી 2.4 લાખ હૅક્ટર જમીનને સિંચાઈનો લાભ મળ્યો છે.

નાઇલ : નાઇલનું મૂળ યુગાન્ડામાં આવેલું વિક્ટોરિયા સરોવર છે. ટાંગાનિકા અને કૉંગોના પર્વતીય પ્રદેશોમાંથી તે ઝરણા રૂપે વહે છે. વિક્ટોરિયામાં તે વિક્ટોરિયા નાઇલ તરીકે ઓળખાય છે. ત્યાંથી આગળ જતાં તે આલ્બર્ટ નાઇલ તરીકે ઓળખાય છે. સુદાનમાં પ્રવેશતાં તે સર્પાકારે વહે છે. તેને માર્ગમાં ગેઝલ નદી મળે છે. હવે તે સફેદ નાઇલ તરીકે ઓળખાય છે.

બીજી નદી ભૂરી નાઇલ છે. તે ઇથિયોપિયાના તાના સરોવરમાંથી નીકળે છે. મે માસમાં મોસમી વરસાદ પડતાં ભૂરી નાઇલમાં પ્રચંડ પૂર આવે છે. આ વખતે આ નદીના પૂરનાં પાણીની સપાટી 12 મીટર જેટલી રહે છે.

સફેદ અને ભૂરી નાઇલનો સંગમ ખાર્ટુમ પાસે થાય છે. ત્યાંથી મુખ્ય નાઇલ શરૂ થાય છે. પછી તે ઉત્તર તરફ ઇજિપ્તમાં વહે છે. આ વહેણમાં 84 % પાણી ભૂરી નાઇલનું ભળેલું હોય છે.

ત્રીજી નદી અત્બરા છે, જે નાઇલને ખાર્ટુમથી 320 કિમી. ઉત્તરે મળે છે. નાઇલ જગતની સૌથી લાંબી નદી છે. નાઇલ નદી વર્ષમાં એક વાર સૂકા રણપ્રદેશ પર પોતાના પૂરનાં પાણી ફેરવે છે. આસ્વાન બંધ પાસે નદીનાં પૂરનાં પાણીની સપાટી લગભગ 7.8 મીટર ઊંચી હોય છે. પૂરનાં પાણીની સપાટી ઑગસ્ટથી સપ્ટેમ્બર સુધી ઊંચી રહે છે. ખાર્ટુમથી આસ્વાન જતાં નાઇલ ચૂનાખડકોને કોરીને નાના નાના ધોધ રચતી આગળ વધે છે. નાઇલ કેરોથી ભૂમધ્ય સમુદ્ર સુધીનો 40 કિમી. પહોળો મુખત્રિકોણપ્રદેશ રચે છે. તે નાઇલે ખેંચાઈ આવેલી કાંપમાટીનો બનેલો છે. ભૂમધ્ય સમુદ્રના કિનારે તે 8 કિમી. સુધી કાંપ પાથરીને રશીદ અને દુમાયત પાસે ભૂમધ્ય સમુદ્રને મળે છે. નાઇલ સાચા અર્થમાં ઇજિપ્તની જીવાદોરી અને લોકમાતા છે.

આસ્વાન બંધ : વિશ્વના સૌથી મોટા બંધ પૈકીનો તે એક છે. આ બંધની પાછળ રહેલ નાસર સરોવર દુનિયાનાં સૌથી મોટાં સરોવરો પૈકીનું એક માનવસર્જિત સરોવર છે. આ સરોવરનું ક્ષેત્રફળ 5,500 ચો.કિમી. છે. આ બંધ પર બનાવેલા વિદ્યુતમથકમાં 10 કરોડ કિ.વૉટ વીજળી પેદા થાય છે, જે ઇજિપ્તના બધા જ વિસ્તારોને પૂરી પાડવામાં આવે છે. બંધના પાણીથી 5.2 લાખ હેક્ટર રણપ્રદેશને ખેતીલાયક બનાવી શકાયો છે. આથી જ કહેવાય છે કે આસ્વાન બંધે ઇજિપ્તની સિકલ બદલી નાખી છે.

નાઇલ નદી સુદાનમાં થઈને ઇજિપ્તની દક્ષિણ સીમા પર આવે છે. આ પહાડી પ્રદેશમાં જ્યાં નાઇલ કેવળ 250 મીટર પહોળી ખીણમાંથી વહે છે ત્યાં આ બંધ બાંધવામાં આવ્યો છે. આ સ્થળ કૅરોથી લગભગ 1280 કિમી. દક્ષિણમાં છે. બંધનો મુખ્ય ભાગ 111 મીટર ઊંચો છે તથા બંધના ઉપરના ભાગ પર 40 મીટર પહોળી સડક છે. આ આસ્વાન કસબામાં આવેલો હોઈ ‘આસ્વાન બંધ’ના નામે ઓળખાય છે. આસ્વાન બંધની લંબાઈ 2 કિમી. જેટલી છે અને તેને 180 દરવાજા છે. નાઇલના પ્રચંડ પૂરને નિયંત્રિત કરવા માટેનો આ બંધ બાંધવામાં રશિયાની મદદ મળી હતી. 1960માં આ બંધની શરૂઆત થયેલી અને 1970માં તે પૂર્ણ થયો હતો.

આ બંધથી ઇજિપ્તની રાષ્ટ્રીય આવક બમણી થઈ ગઈ છે; પરંતુ પર્યાવરણની ર્દષ્ટિએ તેનાથી મુશ્કેલીઓ પણ ઊભી થઈ છે. આસ્વાન બંધથી મત્સ્ય-ઉદ્યોગ પર ફટકો પડ્યો છે; કારણ કે માછલાંને મળતાં પોષક તત્વો બંધને લીધે નાશ પામ્યાં છે. આમ ભૂમધ્ય તરફનો મત્સ્ય-ઉદ્યોગ નામશેષ થઈ ગયો છે.

સુએઝની નહેર : રાતા સમુદ્ર અને ભૂમધ્ય સમુદ્રને જોડતી આ નહેર રણપ્રદેશના બે ભાગ પાડે છે. ઇંગ્લૅન્ડની મૂડીથી ફ્રાંસના ઇજનેર ફર્ડિનાન્ડ-દ-લેસેપ્સે તે ઇજિપ્તના પ્રદેશમાં તૈયાર કરી છે. તેને 1869માં ખુલ્લી મૂકવામાં આવી હતી. નહેર 90 મીટર પહોળી, 9 મીટર ઊંડી અને 171 કિમી. લાંબી છે. ઇજિપ્તના જીવન પર મોટી અસર કરનાર આ નહેર વિશ્વનો સૌથી મહત્વનો જળમાર્ગ છે. વહાણને તેમાંથી પસાર થતાં 13 કલાક લાગે છે.

સુએઝ માર્ગ શરૂ થયો તે પહેલાં યુરોપ અને એશિયા વચ્ચેનો વ્યવહાર કેપ ઑવ્ ગુડ હોપ માર્ગે ચાલતો હતો. હવે આ માર્ગ તૈયાર થયા પછી બંને વચ્ચેનું અંતર લગભગ 6400 કિમી. જેટલું ઘટી ગયું છે. આથી સમય અને બળતણનો બચાવ થયો છે. 1956માં ઇજિપ્તે નહેરનું રાષ્ટ્રીયકરણ કર્યું હતું. તેના વિરોધમાં ઇંગ્લૅન્ડ, ફ્રાન્સ તથા ઇઝરાયલે ઇજિપ્ત ઉપર હુમલો કરી લડાઈ કરી હતી; પરંતુ તેઓ તેમાં સફળ થઈ શક્યા નહોતા.

રણદ્વીપો : પશ્ચિમ ઇજિપ્તમાં કેટલાક રણદ્વીપો આવેલા છે. રણપ્રદેશના મોટા વિસ્તારોમાં કેટલાય કિમી. સુધી રેતી પથરાયેલી છે. ત્યાં વરસાદ પડતો નથી; પરંતુ જ્યાં ઝરણાં છે કે નદીમાંથી નહેર કાઢી છે ત્યાં ખેતી થાય છે. તેથી ખજૂર, કપાસ, બાજરી જેવા પાક લેવાય છે. રણદ્વીપો નિત્ય લીલા રહેતા પ્રદેશો હોઈ ત્યાં વસ્તી ગીચ રહે છે.

પશ્ચિમના રણમાં આવા ઘણા રણદ્વીપો છે, તેમાં ખાર્ગા રણદ્વીપ જાણીતો છે. અહીં ધાન્ય પાકો, ખજૂર, દ્રાક્ષ અને નારંગી સારા પ્રમાણમાં થાય છે. આ ઉપરાંત ફાયુમ પણ જાણીતો રણદ્વીપ છે. નાઇલ નદીમાંથી નહેર દ્વારા પાણી લાવવામાં આવ્યું છે. અહીં ઑલિવ, અંજીર, દ્રાક્ષ, મોસંબી અને લીંબુની ખેતી થાય છે.

ખેતીના પાક : ઇજિપ્ત ખેતીપ્રધાન દેશ છે. અહીંનાં ખેતરો નાનાં છે. ખેડૂતો સખત મજૂરી કરી પાક પકવે છે. ખેતીની પદ્ધતિ મોટે ભાગે પ્રાચીન છે. ખેતીનું આધુનિકીકરણ બહુ જ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. વરસાદ વિનાના આ સૂકા પ્રદેશમાં સિંચાઈ દ્વારા ખેતી થાય છે. કેટલાક ભાગમાં જૂની સિંચાઈપદ્ધતિ ચાલે છે, જ્યારે કેટલાક ભાગમાં નહેરોનું આધુનિકીકરણ કરવામાં આવ્યું છે. આ નહેરો બારમાસી છે. ખેતીના પાકમાં મુખ્યત્વે કપાસ, ઘઉં, બાજરી અને શેરડી છે. ખજૂરનો પાક મબલક થાય છે. ઉત્તમ પ્રકારના રૂ માટે અમેરિકા પછી ઇજિપ્તનો બીજો ક્રમ આવે છે.

ખનિજસંપત્તિ : ખનિજસંપત્તિની બાબતમાં ઇજિપ્ત પછાત છે. અહીં ફૉસ્ફેટ, ખનિજતેલ, લોખંડ, જસત, તાંબું, સોનું, નિકલ અને ચૂનાના પથ્થર થોડા પ્રમાણમાં મળી આવે છે.

ઉદ્યોગો : ઇજિપ્તમાં સુતરાઉ કાપડ અને ગરમ કાપડની મિલો, આટાની મિલો, ખનિજતેલ માટેની રિફાઇનરી અને સિમેન્ટનાં કારખાનાં આવેલાં છે. સરકારે ગ્રામીણ વિસ્તારોમાં ગૃહઉદ્યોગો વિકસાવ્યા છે. આ ઉપરાંત તાંબા-પિત્તળનાં વાસણ બનાવવાના તેમજ લાકડા તથા હાથીદાંત પર કોતરણી-કામ કરવાના ગૃહઉદ્યોગો ચાલે છે. મત્સ્ય-ઉદ્યોગ પણ સારા પ્રમાણમાં વિકસ્યો છે.

પરિવહન : ઇજિપ્તમાં 1980માં 4,800 કિમી.ની લંબાઈના રેલમાર્ગો હતા. તેનો વહીવટ સરકાર કરે છે. અહીં આંતર-જળમાર્ગ લગભગ 3,200 કિમી. જેટલો છે. સડકમાર્ગ લગભગ 48,000 કિમી. જેટલો છે વળી અંતર્દેશીય તેમજ આંતરરાષ્ટ્રીય હવાઈ માર્ગ પણ છે.

શિક્ષણ : કેળવણીના ક્ષેત્રમાં સરકાર દ્વારા ચાલતી શાળાઓ અને કૉલેજો છે. વળી મુસ્લિમ યુનિવર્સિટી દ્વારા અહીં શિક્ષણ અપાય છે. આ ઉપરાંત કેટલીક જાહેર સ્કૂલો અને વિદેશી ખાનગી શાળાઓ પણ આવેલી છે.

લોકજીવન : સામાન્ય રીતે અહીંના લોકો માંસાહારી છે. તેઓ ઘઉંની રોટી, દૂધ, માંસ અને શાકભાજી લે છે. તેઓ ચા અને કૉફી સારા પ્રમાણમાં પીએ છે. ખેડૂતોનો પોશાક સાદો છે. તેઓ ખૂલતો ઝભ્ભો, ખૂલતો પાયજામો, અને માથે ટોપી પહેરે છે. સ્ત્રીઓ પર્દેનશીન હોય છે. તેઓ ખૂલતાં કાળાં વસ્ત્રો પહેરે છે. શહેરોમાં યુરોપિયન ઢબનાં વસ્ત્રો પહેરાય છે. તેમના મહત્વના તહેવારમાં રમજાન માસ છે. ઇજિપ્ત બિન સાંપ્રદાયિકતાનો દાવો કરે છે અને નાતાલના તહેવારો પણ ઊજવે છે. વસ્તી : 10,15,76,517 (2020) છે.

ઍલેકઝાન્ડ્રિયા : આફ્રિકાની ઉત્તરે આવેલું આ શહેર ઍલેકઝાન્ડરે વસાવ્યું હતું. તે રેલમાર્ગે કેરો સાથે સંકળાયેલું છે. તે વેપારનું મોટું મથક છે. ત્યાંથી રૂ, ઘઉં અને તમાકુની નિકાસ થાય છે.

કૅરો : આ શહેર ઇજિપ્તની રાજધાની છે. ઇજિપ્તમાં તે સૌથી વધારે વસ્તીવાળું છે. નાઇલ નદીના મુખત્રિકોણપ્રદેશમાં આવેલું કૅરો આંતરરાષ્ટ્રીય હવાઈ મથક છે. તેની નજીકમાં જૂના સમયના પિરામિડો આવેલા છે. અહીં અરબી ભાષાની મોટી વિદ્યાપીઠ આવેલી છે. તે રેલમાર્ગે ખાર્ટુમ સાથે જોડાયેલું છે. તે અગત્યનું નદીબંદર હોવાથી વેપારનું કેન્દ્ર બન્યું છે. આ શહેરનો વિસ્તાર 3,085 કિમી. છે. જે સમુદ્રની સપાટીથી 23 મી.ની ઉંચાઇએ આવેલું છે. જેનું સરેરાશ તાપમાન 33રહે છે. કૅરોની વસ્તી 95,40,000 (2017) છે.

આસ્વાન : આ શહેર નાઇલ પાસે આવેલું છે. આ શહેરનું મહત્વ આસ્વાન બંધને લીધે વધ્યું છે. વણજારની આવન-જાવનના મુખ્ય માર્ગ પર આવેલું હોવાથી તે વેપારનું કેન્દ્ર બન્યું છે. આ શહેર અદ્યતન હોટેલો માટે જાણીતું છે.

પુરાતત્વ : ઉત્તર આફ્રિકાના ભૂમધ્ય સમુદ્રના કાંઠા પર આફ્રિકાની અંદરથી આવતી નાઇલ નદી વિશાળ રણમાં તેના બંને કિનારે એક વીરડાની માફક માનવ-વસવાટ માટેની પરિસ્થિતિ પેદા કરતી દેખાય છે. પાઘડીપને વિસ્તરતા આ પ્રદેશનું ગ્રીક લોકોએ આપેલું નામ સંભવત: મૅમ્ફીસના વિશિષ્ટ નામ હિદુદુમાહ પરથી એજિપ્તસ અને પછી ઇજિપ્ત થયું લાગે છે.

આ પ્રદેશમાંની માનવવસાહતો ઘણી પ્રાચીન છે. અહીંના પ્રદેશમાંથી મળતા અશ્મછરા જેવાં ઓજારો યુરોપ અને એશિયાના ઘણા ભાગોમાંથી મળ્યાં છે. આ ઓજારો બનાવનાર લોકો ફળફળાદિ તથા શિકારથી પોતાનો જીવનનિર્વાહ કરતા હોવાનાં પ્રમાણો પ્રાપ્ત થાય છે; પરંતુ આ પ્રદેશમાં જીવનપદ્ધતિમાં ફેરફાર થઈને ખેતી તથા પશુપાલન પર નિર્ભર સમાજની માહિતી ‘ઈરીમદા’ વસાહતોમાંથી મળે છે.

મેરીમદા નદીના મુખ પાસેના અર્ધચંદ્ર કે ધનુકુટિલ પ્રદેશની પશ્ચિમે આવેલી નાની સ્થિર વસાહત છે. આ વસાહતમાં લંબગોળ આકારનાં નાનાં ઝૂંપડાંમાં લોકો રહેતા હતા. તે માટીનાં વાસણો ચાક ઉપર નહિ પણ હાથથી બનાવતા હતા. આ વાસણો એક જ રંગનાં હતાં. તેઓ પથ્થરમાંથી કુહાડીનાં ફળાં, ગદા તથા ભાલા અને છરી જેવાં ઓજારો બનાવતા હતા. હાડકાંની જુદી જુદી વસ્તુઓમાં માછલાં પકડવાના ગલનો સમાવેશ થાય છે. તેઓ માછલાં મારતા હતા અને હિપોપૉટેમસને પણ પકડતા હતા. આવાં જલચર તથા ચોપગાં પ્રાણીઓનાં માંસ પર નિર્ભર રહેવા ઉપરાંત આ લોકો ધાન્ય પકવતા હતા અને તે ધાન્યને મોટી કોઠી કે ગૂંથેલા ટોપલા કે પાલામાં સાચવતા હતા. આ લોકોનું પાંચમી સહસ્રાબ્દીના પ્રથમ ચરણમાં અસ્તિત્વ હતું. ત્યારથી શરૂ કરીને ઇજિપ્તના પ્રાચીન રાજ્યવંશોની માહિતી મળે છે. તેના થોડા સમય પહેલાં તેમની પરંપરા ટકી હોવાનું સમજાય છે. તેઓ તેના સમકાલીન ફાયુમના લોકો કરતાં અંત્યેષ્ટિની ક્રિયામાં જુદા પડતા દેખાય છે. તેઓ તેમનાં દિવંગત થયેલાં સ્વજનોને ઝૂંપડાંમાં દફનાવતા હતા.

આ મેરીમદાના નાના ગામમાંથી મળેલી માહિતીના મુકાબલે ફાયુમના રણદ્વીપમાંથી વધુ માહિતી મળે છે. કારણ કે ત્યાંની સંસ્કૃતિ વધુ સારી રીતે સચવાઈ હતી અને તેનું અધ્યયન પણ વધારે થયું છે. આશરે સાડા ચાર હજાર વર્ષ કરતાં વધુ જૂની આ સંસ્કૃતિના અસ્તિત્વ વખતે ફાયુમ રણદ્વીપ હોવાને બદલે નાઇલ વિસ્તાર સાથે જોડાયેલી ભૂમિ દક્ષિણમાં સુદાન સાથે સંબંધ ધરાવતી હતી અને પશ્ચિમમાં પણ તેનો વિસ્તાર ઘણો હતો. આ પ્રદેશનાં પ્રાણીઓમાં માછલાં, મગર, હિપોપૉટેમસ વગેરેનો સમાવેશ થાય છે. તેનો શિકાર કરવા માટે પથ્થરનાં ભાલોડાં વપરાતાં. તેમનો જીવનનિર્વાહ ખેતી પર થતો. તેથી પાક ઉછેરવો, તેની લણણી કરવી, ધાન્યનો સંગ્રહ કરવો, પશુ-પાલન કરવું ઇત્યાદિ કામો ઘણાં મહત્વનાં હતાં. તેને માટે પથ્થરનાં પાનાં બેસાડેલાં લાકડાના હાથાવાળાં દાતરડાં વપરાતાં. તેમની અંગીઠીઓ મળી છે; પણ મકાનોના અવશેષો મળ્યા નથી. તેથી તેઓ તંબુ જેવા કોઈક આવાસનાં સાધનો વાપરતા હશે એમ મનાય છે. વણાટકામના નમૂના તથા માટીનાં વાસણો તેમના કૌશલ્યને સૂચવે છે. રાતા સમુદ્રમાં અને ભૂમધ્ય સમુદ્રમાં થતી છિપોલીઓ તેમના દૂરના દેશો સાથેના સંબંધો સૂચવે છે.

આવા ખેતીપ્રધાન અશ્મયુગના લોકો દક્ષિણ ઇજિપ્તના વિસ્તારમાં પણ હતા, એમ બદરી વિસ્તારની તપાસ પરથી સમજાય છે. આ લોકોએ ઇજિપ્તની સંસ્કૃતિના પાયા નાખ્યા હોવાનું હમ્મામીયામાંથી ઇજિપ્તના રાજ્યવંશો પહેલાંના ઘરમાંથી તેમના અવશેષો મળ્યા છે તે પરથી અનુમાન થાય છે. આ ખેડૂતો ઘઉં અને જવ ઉગાડતા અને દાતરડાથી લણીને ધાન્યને માટીની કોઠીમાં સંઘરતા; પશુપાલનમાં ઢોર, ઘેટાં અને બકરાં પાળતા અને થોડો-ઘણો શિકાર કરતા; માટીનાં વાસણો ચાકડાનો ઉપયોગ કર્યા સિવાય હાથે બનાવતા અને તેમાં પણ ભારતનાં જેવાં નીલલોહિત વાસણો દેખાય છે. પથ્થરો અને અસ્થિઓનો તેઓ ઘણો ઉપયોગ કરતા, પરંતુ તાંબાનો ઉપયોગ મર્યાદિત હતો. તેઓ મૃતદેહને ટૂંટિયું વાળીને પશ્ચિમ તરફ માથું અને દક્ષિણ તરફ મોં કરીને દાટતા. તેમનાં જાનવરોને પણ દફનાવતા. પુરુષો માથાના વાળ લાંબા રાખતા પણ દાઢીમૂછનું ક્ષૌર કરતા. સ્ત્રીઓ જાનવરોનાં માથાં કોતરેલી હાથીદાંતની કાંસકીથી વાળને સુશોભિત રાખતી અને પ્રસાધનો પણ વાપરતી. આ બદરી-નિવાસીઓની કેટલીક વસ્તુઓ તેની પુરોગામી સંસ્કૃતિની મનાય છે. આ સંસ્કૃતિ દેર તાસને નામે જાણીતી છે; પરંતુ તે બદરીના પુરોગામી હોવા બાબત પુરાવાઓ જોઈએ તેટલા પ્રબળ નથી. આ બદરી સંસ્કૃતિની અનુગામી અમ્રશીઅન સંસ્કૃતિ નકદામાં બદરીની ઉપર, પણ રાજવંશની પુરોગામી સંસ્કૃતિની નીચેથી નકદામાંથી મળી છે. આ સંસ્કૃતિ પણ આશરે સાડાત્રણ હજાર વર્ષ જૂની છે. આ વખતથી નાઇલ નદીની ખીણમાં ગામો વસવા માંડે છે. નકદા ગામનો વિસ્તાર આશરે 92 ચો.કિમી. જેટલો હોવાનું લાગે છે. આ લોકોનાં ખોરડાં માટી અને ખપરડાનાં હતાં. તેમનાં કબ્રસ્તાન તથા બીજાં સાધનો ઉપરથી તેમની સામાજિક વ્યવસ્થા વધુ સારી હોય એમ લાગે છે. તેમનાં માટીનાં વાસણો પર અનેક પ્રાણીઓ ચીતરેલાં કે કોતરેલાં મળે છે. તેમનાં ઓજારો મુખ્યત્વે પથ્થરનાં હતાં અને તાંબાનો ઉપયોગ ઓછો થતો. પથ્થરનાં ઓજારોમાં ભાલા, ભાલોડાં, કુહાડી તથા વાંસલા વગેરે જોવામાં આવે છે. તેમનાં માટીનાં વાસણો આગલા યુગ કરતાં ઊતરતી કક્ષાનાં હતાં. નીલલોહિત વાસણોની સાથે સફેદ રંગે ચીતરેલાં વાસણો પણ હતાં. પુરુષો લંગોટી પહેરતા, પણ પગમાં ચંપલ અને માથામાં પીંછાં લગાડતા. સ્ત્રીપુરુષો આભૂષણોનાં શોખીન હતાં.

આ સંસ્કૃતિમાંથી ઇજિપ્તના રાજવંશ પહેલાંની નકાદા-2 સંસ્કૃતિ વિકસે છે અને તે ભૂમધ્ય સમુદ્ર તરફ ફેલાય છે. ત્યાં તે ગેરઝાની સંસ્કૃતિ તરીકે ઓળખાય છે. પરંતુ તેનો વિસ્તાર નદીના મુખ પાસેના અર્ધચંદ્રાકાર પ્રદેશ સુધી થયો ન હતો. ત્યાં કૅરો પાસે માહીમાંથી તથા અર્ધચંદ્રપ્રદેશના સીમાડા પરનાં કબ્રસ્તાનો પરથી તે ઓળખાય છે. તેમનાં માટીનાં વાસણોમાં તેમના પુરોગામીની અસર વર્તાય છે, પણ તેનાં સફેદ રંગેલાં વાસણની જગ્યાએ પશ્ચિમ એશિયાનાં રંગેલાં વાસણની છાયા જોવામાં આવે છે. આ યુગમાં ધાતુનો ઉદ્યોગ અહીં વિકસતો દેખાય છે. તેથી ગેરઝાના આ લોકો તાંબાના છરા બનાવતા જોવામાં આવે છે, પણ સાથે સાથે જે પથ્થરનાં ઓજારો વાપરતા દેખાય છે તેમાં પણ પશ્ચિમ એશિયાની અસર વર્તાય છે. લોકો તાંબું ઉપરાંત ચાંદી તથા સીસું આયાત કરતા તથા બદક્ષાન તરફથી વૈદૂર્ય એલેપીસ લેઝ્યુલી નામનો ભૂરો પથ્થર પણ મેળવતા. નદીમાં હલેસાંથી ચાલતી હોડીનો ઉપયોગ થતો અને ભારવાહી પ્રાણીઓમાં ગધેડાં જાણીતાં હતાં, પણ અહીં ગાડાંનો ઉપયોગ ઈ. સ. પૂ. 1750 સુધી થતો હોવાનું જાણમાં નથી.

આ સંસ્કૃતિ પછી સમગ્ર ઇજિપ્તને એક છત્રે આણીને દક્ષિણનાં 22 અને ઉત્તરનાં 20 જનપદો પર મીનીસ કે નરમેદ નામના રાજવીએ આધિપત્ય સ્થાપ્યું. આ વખતે ઇરાક તરફની વસ્તુઓની અસરો વર્તાય છે. પરંતુ ઇજિપ્તના રાજ્યમાં દક્ષિણ તથા ઉત્તરની ખટપટો તથા લાંબી નદી પર દેખરેખ રાખવાની પ્રવૃત્તિમાં તેમના ત્રીસ રાજ્યવંશોનો ઇતિહાસ દેખાય છે.

The Giza Pyramids

ગિઝા ખાતે આવેલા ઇજિપ્તના ભવ્ય પિરામિડો

સૌ. "The Giza Pyramids" | CC BY-SA 3.0

ઇજિપ્તના રાજવીઓ ફેરો કહેવાતા. ખેતી પર નિર્ભર ઇજિપ્તની આવકથી રાજાઓએ તેમનાં વિશાળ કબ્રસ્તાનો તૈયાર કરાવ્યાં. તેમાં શરૂઆતમાં કાચી માટીની મસ્તબાનો નામે ઓળખાતી કબરો હતી, પરંતુ તેમના ત્રીજા રાજ્યવંશથી પથ્થરની કબરો તૈયાર થતી જોવામાં આવે છે. શંકુઘાટની પિરામિડો નામે ઓળખાતી જૂના રાજ્યવંશની સક્કારાની આ કબરો ઇજિપ્તની વિશિષ્ટ માન્યતાને લીધે છે. ચોથા રાજ્યવંશથી રાજા, રાણી માટે બાંધેલા પિરામિડોની અંદરના ઓરડા, ભોંયરાં આદિથી ભુલભુલામણીવાળાં તે ગંજાવર બાંધકામો છે. તેમાંનું એક 231 મીટર નીચે અને 147 મીટર ઊંચાઈવાળું છે. તેમાં આશરે 23,00,000 પથ્થરો વપરાયા છે. તેમનું વજન પ્રત્યેકનું 2.5 ટન જેટલું છે. વર્ષો સુધી પરિશ્રમ કરીને તૈયાર કરેલાં આ સ્મારકોની પરંપરા છઠ્ઠા રાજ્યવંશ પછી ઓછી થઈ હતી, પરંતુ બારમા રાજ્યવંશ સુધી તે ચાલુ રહી હતી. છઠ્ઠા રાજ્યવંશ પછી તૂટેલી સત્તા બારમા રાજ્યવંશમાં મજબૂત થઈ, પરંતુ ત્યારબાદ ઇજિપ્ત પર પરદેશી આક્રમણ થયું. તેને પશુપાલકો હિક્સોસનું આક્રમણ કહે છે. તે આક્રમણને આશરે ઈ. સ. પૂ. 1573માં હઠાવવામાં આવ્યું અને નવા રાજ્યવંશની સામ્રાજ્યવાદી પ્રવૃત્તિઓ શરૂ થઈ. આ પ્રવૃત્તિને લીધે ઇજિપ્તના ભૂમધ્ય સમુદ્ર અને એશિયા સાથેના સંબંધો વધ્યા, તથા ઇજિપ્તમાં ઇષ્ટદેવની માન્યતાના કેટલાક ફેરફારો નોંધાયા. તેમાં એખનેટન(ઉદયાચળના સૂર્યના ઉપાસક)ની પ્રવૃત્તિઓ નોંધાઈ છે. તેની રાજધાની એખતાનોન(તેલ-અલ-અમના)માંથી મળેલા દસ્તાવેજો ઇજિપ્તના એશિયાઈ સંબંધોની સારી માહિતી આપે છે. આ સામ્રાજ્યવાદી રાજ્યવંશો પછી ઇજિપ્તમાં એશિયા તથા પૂર્વ અને દક્ષિણ યુરોપનાં રાજ્યોની સત્તાના અસ્તોદયોનો લાંબો ઇતિહાસ છે. ઇજિપ્તની જૂની લિપિ અને લેખોનું વાચન તેના કિલ્લેરશીદથી મળેલા લેખોને આધારે ઓગણીસમી સદીમાં થયું છે.

પ્રાચીન યુગ : વિશ્વની પ્રાચીનતમ સંસ્કૃતિઓ નદીઓને કિનારે પાંગરી હતી, કારણ કે માનવજીવનની સુવિધાઓ ત્યાં સુપ્રાપ્ય હતી, ઇજિપ્ત(મિસર)ની સંસ્કૃતિ જગતની પ્રાચીનતમ સંસ્કૃતિઓ – મેસોપોટેમિયા (ઇરાક), ચીન, મોહેં-જો-દરો (સિંધુતટ) – માંની એક હતી. તે નાઇલ નદીને તટે આશરે ઈ. સ. પૂ. 4000ની આસપાસ વિકાસ પામી. વિશ્વને માટે તે સભ્યતા અને સંસ્કૃતિ(civilization and culture)ના ક્ષેત્રે અમૂલ્ય વારસો મૂકતી ગઈ.

ઈ. સ. પૂ. 3000 પહેલાં મેનિસ નામના રાજાએ સમસ્ત ઇજિપ્તને પોતાની સત્તા નીચે લાવીને સૌપ્રથમ કેન્દ્રીય રાજ્યવ્યવસ્થા સ્થાપી. પ્રાચીન ઇજિપ્તના ઇતિહાસના મુખ્ય ત્રણ તબક્કા છે : (1) પિરામિડ યુગ (ઈ. સ. પૂ. 3000થી ઈ. સ. પૂ. 2500), (2) સામંતયુગ (ઈ. સ. પૂ. 2500થી ઈ. સ. પૂ. 1580), (3) સામ્રાજ્યયુગ (ઈ. સ. પૂ. 1580થી ઈ. સ. પૂ. 1150). પ્રથમ યુગના લગભગ 500 વર્ષના ગાળા દરમિયાન વિશ્વની અજાયબી સમા ભવ્ય પિરામિડો(શંકુ આકારની કબરો)નું નિર્માણ થયું, એટલે આ યુગ પિરામિડ યુગ તરીકે ઓળખાય છે. ખુફુ (અથવા ચિઓપ્સ) નામના રાજાએ ગિઝેહ પાસે વિશ્વનો સૌથી મોટો અને અજોડ પિરામિડ બંધાવ્યો હતો. એમ મનાય છે કે આ પિરામિડનું નિર્માણ કરવા 1,20,000 શ્રમિકોએ 20 વર્ષ સુધી કામગીરી બજાવી હતી. આ પિરામિડની ઊંચાઈ 145 મીટર છે તથા તે 13 એકર જેટલી જમીન પર પથરાયેલો છે. તેમાં 2½ ટનના એક એવા 23 લાખ પથ્થરો વપરાયા છે. આ બાંધકામ ઇજનેરી તથા ભૂમિતિવિદ્યાનો શ્રેષ્ઠ નમૂનો કહી શકાય. આ પિરામિડની બાજુમાં એક જ પથ્થરમાંથી કોતરાયેલી સ્ફિંક્સ તરીકે જાણીતી બનેલી નર-સિંહની મહાકાય પ્રતિમા શિલ્પશાસ્ત્રનો અદભુત નમૂનો ગણાય છે. પિરામિડ યુગના રાજવીઓની રાજધાની મૅમ્ફીસ નામે નગરી હતી. ત્યાં રાજાઓ (જેઓ ફેરો – મહેલમાં રહેનાર – ઈશ્વરના અવતાર તરીકે ઓળખાતા) ભવ્ય મહાલયોમાં રહેતા.

Sphinx with the third pyramid

મહાકાય શિલ્પ સ્ફિંક્સ

સૌ. "Sphinx with the third pyramid" | Public Domain, CC0

આ પછીનો યુગ કેન્દ્રીય સત્તાને અભાવે સામાન્યત: અરાજકતા, અશાંતિ અને સામંતશાહી યુગ મનાય છે. આ યુગ દરમિયાન સામંતો વચ્ચેના આંતરિક કલહો તેમજ બિનસલામતીને લીધે ઉદ્યોગધંધા તથા વેપાર-વાણિજ્ય ખોરવાયાં અને જનજીવન મુશ્કેલ બન્યું. આ સમયગાળામાં ઇજિપ્ત હિક્સોસ નામે લડાયક પ્રજાના આક્રમણનો ભોગ બન્યું. હિક્સોસ લોકોએ આશરે 300 વર્ષ સુધી ઇજિપ્તના ઘણાખરા પ્રદેશો પર પોતાનું શાસન ચલાવ્યું. તેઓએ ઇજિપ્તનાં ભવ્ય મંદિરો અને સુંદર ઇમારતોનો નાશ કર્યો તથા ઇજિપ્તના લોકોને પરાધીન બનાવ્યા. સમય જતાં ઇજિપ્તવાસીઓએ હિક્સોસ લોકો પાસેથી કાર્યક્ષમ યુદ્ધકલાની જાણકારી મેળવી અને તે જ પદ્ધતિનો હિક્સોસ લોકો સામે ઉપયોગ કરીને ઈ. પૂ. 1580ની આસપાસ કેમીસ નામના રાજવીના નેતૃત્વ તળે હિક્સોસ લોકોને ઇજિપ્તમાંથી હાંકી કાઢી પુન: સ્વાધીનતા પ્રાપ્ત કરી.

ઇજિપ્તમાંથી હિક્સોસ લોકોના રાજ્યઅમલના અંત સાથે સામંતયુગનો પણ અસ્ત થયો તથા સામ્રાજ્યયુગનો પ્રારંભ થયો. આ યુગ પ્રાચીન ઇજિપ્તનો સૌથી સમૃદ્ધ યુગ (ઈ. સ. પૂ. 1580થી ઈ. સ. પૂ. 1150) હતો. આ સમય દરમિયાન ઇજિપ્તમાં મહાન શાસકો થયા, જેઓએ યુદ્ધો તથા વિજયો મારફત ઇજિપ્તને નાના રાજ્યમાંથી મહાન સામ્રાજ્યમાં પલટી નાખ્યું. તેમના શાસન દરમિયાન રાજ્યતંત્ર, વહીવટી વ્યવસ્થા, મહેસૂલ-પદ્ધતિ વગેરેમાં નોંધપાત્ર ફેરફારો થયા. ઉદ્યોગધંધા તથા વેપાર-વાણિજ્યના ક્ષેત્રે વિશેષ વિકાસ થયો અને લોકજીવન સમૃદ્ધ બન્યું. વિવિધ પ્રજાઓના મિશ્રણને લીધે સામાજિક જીવનમાં ગણનાપાત્ર પરિવર્તનો આવ્યાં. શિક્ષણ, સાહિત્ય, વિજ્ઞાન, કલા તથા સ્થાપત્યના ક્ષેત્રે અજોડ પ્રગતિ સધાઈ. થટ્મોસ પહેલો એ સામ્રાજ્યયુગનો સૌપ્રથમ પ્રતાપી ફેરો (રાજવી) હતો. તેના પછી ગાદીએ આવનાર તેની પુત્રી મહારાણી હેટશેપ્સટ જગતની પ્રથમ સ્ત્રી-શાસક મનાય છે. તે શક્તિશાળી રાજ્યકર્ત્રી હતી. 22 વર્ષ(ઈ. પૂ. 1501થી ઈ. પૂ. 1479)ના શાસન દરમિયાન તેણે એમોન, એબુસી, કર્નાક વગેરે સ્થળોએ ભવ્ય મંદિરો બંધાવ્યાં તથા ઊંચા સ્તંભો ઊભા કરાવ્યા. તેણે અનેક સ્તંભોની હારમાળા સહિતનું લક્સરના મંદિરનું શરૂ કરાવેલું બાંધકામ સ્થાપત્ય, શિલ્પ તથા કોતરકામની કલાનો અદભુત અને શ્રેષ્ઠ નમૂનો ગણાય છે. હેટશેપ્સટે પોતાના શાસનકાળ દરમિયાનની અગત્યની ઘટનાઓ મંદિરોના સ્તંભો પર કોતરાવી, જેના પરથી આ મહારાણીના શાસનસમયની શાંતિ અને સમૃદ્ધિનો ખ્યાલ આવે છે. ઇજિપ્તના કલાકારોએ હેટશેપ્સટને શિલ્પો અને ચિત્રોમાં પુરુષવેશે તથા દેવ તરીકે પણ આલેખી છે.

મહારાણી હેટશેપ્સટ પછી ઇજિપ્તની ગાદીએ આવનાર રાજવી થટ્મોસ ત્રીજો (એમેન્હોટેપ ત્રીજો) પોતાના ભવ્ય વિજયોને કારણે ઇજિપ્તના નેપોલિયન તરીકે ખ્યાતિ પામ્યો છે. તેણે 17 ચઢાઈઓ કરીને પશ્ચિમ એશિયાના મોટા ભાગના પ્રદેશો જીતી લઈને મહાન સામ્રાજ્યની સ્થાપના કરી. તેણે અપૂર્ણ રહેલા લક્સરના ભવ્ય મંદિરને પૂર્ણ કર્યું તથા કર્નાકના મંદિરને વધારે સુંદર અને ભવ્ય બનાવ્યું. તેને કાવ્યરચના કરવાનો પણ શોખ હતો. ઈ. સ. પૂ. 1447માં તેનું અવસાન થયા બાદ સામ્રાજ્ય નિર્બળ બન્યું.

થટ્મોસ ત્રીજાના અવસાન બાદ ઇખનાટન (એમેન્હોટેપ ચોથો) ઈ. સ. પૂ. 1375માં માત્ર 12 વર્ષની વયે ઇજિપ્તનો શાસક બન્યો. તેણે વિશ્વના પ્રથમ એકેશ્વરવાદી તથા ધર્મસુધારક રાજવી તરીકે નામના મેળવી. તેને ઇજિપ્તનો અશોક તેમજ અકબર કહેવામાં આવે છે. ઇજિપ્તમાં ધર્મને નામે પ્રચલિત થયેલ ધર્મગુરુઓનાં પાખંડો, વહેમો, અંધશ્રદ્ધા, પ્રચલિત અટપટી રૂઢિઓ અને વિધિઓ તથા પશુવૃત્તિવાળાં અનેક દેવ-દેવીઓની કલ્પના અને પૂજાનો ઇખનાટન સખત વિરોધી હતો. તે એક જ ઈશ્વરમાં માનતો તથા તેનું સ્વરૂપ નિરાકાર અને સર્વવ્યાપી હોવાનું તે કહેતો. તે એટન એટલે કે સૂર્યને ઈશ્વરનું પ્રતીક ગણતો, માટે જ તેણે પોતાનું અસલ નામ બદલીને ઇખનાટન (એખનાટન) રાખ્યું, જેનો અર્થ ‘એટન સંતુષ્ટટ થયો છે’ એવો થાય છે. ઇખનાટને એક જ ઈશ્વર-એટન-ની ઉપાસના કરવા લોકોને અનુરોધ કર્યો તથા તેણે મૂર્તિપૂજા બંધ કરવા આદેશ આપ્યો. તેણે દેવ-દેવીઓનાં મંદિરોને તાળાં લગાવી દીધાં અને કર્નાકના ભવ્ય મંદિરના દરવાજા પણ બંધ કરાવ્યા. ઇખનાટને ઈશ્વરની પૂજા માટે તદ્દન સાદી અને સરળ વિધિ દાખલ કરી, જેમાં ધર્મગુરુઓને કોઈ સ્થાન રહ્યું નહિ. વળી તેણે દેવ-દેવીઓનાં અસંખ્ય મંદિરોવાળા થીબ્સ શહેરનો ત્યાગ કરીને તેલ-અલ્-અમનોને પોતાની નવી રાજધાની બનાવી.

ઇજિપ્તની મરુભૂમિ

ઇખનાટને અમલમાં મૂકેલી ક્રાંતિકારી ધર્મ-સુધારણાને સમજવા જેટલી ઉદાર ર્દષ્ટિ ઇજિપ્તના તે સમયના સમાજમાં ન હતી. આથી તેની સામે લોકોમાં ભારે વિરોધનો વંટોળ ઊઠ્યો તથા સત્તાલોલુપ ધર્મગુરુઓએ વિરોધને વધારે બહેકાવ્યો. પરિણામે રાજ્યમાં ઠેર ઠેર બંડો થયાં. ઇખનાટન તે દબાવી શક્યો નહિ તથા તેનો આઘાત જીરવી શક્યો નહિ. આથી માત્ર 30 વર્ષની યુવાનવયે ઈ. સ. પૂ. 1358માં તેનું અવસાન થયું. ધર્મગુરુઓએ તેને દુષ્ટાત્મા તરીકે વર્ણવ્યો અને ઇજિપ્ત ફરી અંધશ્રદ્ધા અને વહેમોમાં અટવાઈ ગયું. આમ છતાં ઇખનાટને માત્ર ઇજિપ્તના ઇતિહાસમાં જ નહિ, પરંતુ જગતના ઇતિહાસમાં પણ પ્રથમ ક્રાન્તિકારી ધર્મસુધારક તરીકે અનોખું સ્થાન પ્રાપ્ત કર્યું.

ઇખનાટનના મૃત્યુ બાદ તેનો જમાઈ તુતન્ખામેન માત્ર 10 વર્ષની વયે ઇજિપ્તનો શાસક બન્યો. તેના શાસનકાળમાં રાજધાની ફરી થીબ્સમાં લઈ જવામાં આવી. પુરાણી ધર્મપ્રથા પુન:સ્થાપિત કરવામાં આવી. બંધ કરાયેલાં મંદિરો ફરી ખોલવામાં આવ્યાં તથા અન્ય ભવ્ય મંદિરોનાં બાંધકામ શરૂ કરવામાં આવ્યાં. તુતન્ખામેનનું પણ નાની ઉંમરમાં જ ઈ. સ. પૂ. 1341માં અવસાન થયું. આ બાલરાજાના ટૂંકા શાસનકાળનું ઐતિહાસિક મહત્વ એ છે કે તેની કબરમાંથી કલા-કારીગરીના શ્રેષ્ઠ નમૂનાઓ તથા પુષ્કળ સંપત્તિ ઉપલબ્ધ થયેલ છે. તેની કબરમાંની સાત પેટીઓમાંથી સૌથી અંદરની શુદ્ધ સોનાની પેટીમાં રખાયેલ તુતન્ખામેનનો મૃતદેહ (મમી) મળી આવેલ છે. તેના મૃતદેહ સાથે દાટવામાં આવેલી અનેક વસ્તુઓમાં રત્નો તથા હીરા જડેલી બેનમૂન ખૂબ કીમતી ખુરશી, સોના-રૂપાના દાગીના, ઝવેરાતના વિવિધ નમૂના, જાતજાતનાં ચિત્રોવાળાં માટીનાં તથા અન્ય વાસણો મળેલ છે, જે બધાંની કિંમત આજે કરોડો રૂપિયાની થાય.

તુતન્ખામેનના અવસાન બાદ ઇજિપ્તની ગાદીએ આવેલ શાસકોમાં રામસીસ બીજો અંતિમ પ્રતાપી ફેરો હતો. તેણે મહાન વિજયો તથા ભવ્ય મંદિરો અને ઇમારતોનાં બાંધકામ દ્વારા ઇજિપ્તની સામ્રાજ્યવાદી સમૃદ્ધિ ફરી પ્રાપ્ત કરી; પરંતુ તેના પછી નિર્બળ શાસકો ગાદીએ આવતાં ઇજિપ્ત અનુક્રમે એસીરિયનો, ઈરાનીઓ, સિકંદર, તેના ટૉલેમિક વારસદારો તથા છેવટે રોમન સામ્રાજ્યનાં આક્રમણોનું ભોગ બનીને તેનું પ્રાંત બન્યું. ત્યારબાદ તે પૂર્વીય રોમન સામ્રાજ્ય(બીઝનટાઇન)નો ભોગ બન્યું. અંતે ઈ. સ. 640માં આરબોએ ઇજિપ્ત જીતી લેતાં તે મુસ્લિમ સામ્રાજ્યનું એક અંગ બન્યું.

ઇજિપ્તે ઉપર દર્શાવેલા શાસકો(ફેરો)ના શાસન દરમિયાન પ્રાચીન યુગમાં ખેતીવાડી, ઉદ્યોગધંધા, વેપાર-વાણિજ્ય, લેખનકલા-સાહિત્ય, કલા-શિલ્પ-સ્થાપત્ય તથા વિજ્ઞાનના ક્ષેત્રે ખૂબ જ નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી. વરસાદની અછત અને અનિયમિતતાને કારણે પ્રાચીન યુગના મિસરવાસીઓ ખેતીને આબાદ બનાવવા નાઇલ નદીમાંથી નહેરો કાઢીને વિવિધ પાક લેતા. ઘઉં, કપાસ, ફ્લેક્સ, શાકભાજી વગેરે મુખ્ય પાકો હતા. પ્રાચીન યુગમાં ઇજિપ્તમાં ખેતી, માછીમારી, પશુપાલન તથા શિકાર મુખ્ય વ્યવસાય હતા. આ ઉપરાંત પ્રાચીન ઇજિપ્તમાં વણાટકામ, કુંભારીકામ, સુથારીકામ, લુહારીકામ, સોનીકામ, નકશીકામ વગેરેને લગતા કુશળ કારીગરો હતા. રંગબેરંગી ભાતોવાળાં માટીનાં વાસણો, અદભુત નકશીકામવાળી લાકડાની પેટીઓ, સોના-ચાંદીના વિવિધ પ્રકારના દાગીના, વાદ્યો, રંગીન કાચનાં વાસણો વગેરે મિસરના કારીગરોની નિપુણતાનો ખ્યાલ આપે છે.

વિશ્વમાં મિસરે સૌપ્રથમ લિપિ વિકસાવી હોવાનું મનાય છે. પ્રારંભમાં જે ચિત્ર-લિપિ હતી તે હિરોગ્લિફિક એટલે કે પવિત્ર લિપિ તરીકે ઓળખાતી. મિસરવાસીઓ મેશવાળા પાણીમાં ગુંદરનું મિશ્રણ કરીને ઘટ્ટ અને ચીકાશવાળી શાહી બનાવતા. તેનાથી લાંબા કિત્તા વડે પેપિરસ તરીકે ઓળખાતા લેખપટ્ટા પર લખતા. આવાં લખાણો બહુધા ધાર્મિક તેમજ રાજકીય સ્વરૂપનાં હતાં. આવા પેપિરસો ગોળ વાળી શકાતા. હાલમાં પણ આવા પેપિરસો કૅરોના સંગ્રહાલયમાં સંગૃહીત થયેલા છે. મિસરવાસીઓની ચિત્ર-લિપિમાંથી ફિનિશિયનોએ મૂળાક્ષરોવાળી લિપિ સૌપ્રથમ શોધી કાઢીને જગતને આપી. મિસરવાસીઓએ લખેલ સાહિત્યમાં મુખ્યત્વે ધર્મશાસ્ત્ર, તબીબી વિદ્યા, ખગોળશાસ્ત્ર, ઇતિહાસ, ગણિત, ભૂમિતિ, ચિત્રકળા તથા વિજ્ઞાનને લગતા ગ્રંથો છે. સદાચાર તથા નીતિ પર ભાર મૂકતાં પુસ્તકો ફેરોની કબરોમાંથી મળી આવેલ છે. તેમને મિસરવાસીઓ મૃતાત્માઓ માટેના ઉપયોગી ગ્રંથો ગણતા. મિસરવાસીઓએ ગણિતવિદ્યા અને ખગોળશાસ્ત્રના જ્ઞાનથી 365 દિવસનું સૂર્યવર્ષ તેમજ કૅલેન્ડર શોધી કાઢ્યું હતું. તેને 30 દિવસનો એક માસ એવા 12 માસમાં વિભાજિત કરવામાં આવ્યું હતું. મિસરવાસીઓ દશાંશ-પદ્ધતિથી પણ પરિચિત હતા અને તેમને સરવાળા, બાદબાકી, ગુણાકાર તથા ભાગાકારનું ઊંડું જ્ઞાન હતું.

પ્રાચીન મિસરના લોકોએ કલા-શિલ્પ તથા સ્થાપત્યના ક્ષેત્રે અજોડ પ્રગતિ સાધી હતી. ભવ્ય પિરામિડો, વિશાળ મંદિરો, જંગી સ્તંભો, અનોખાં શિલ્પો, શ્રેષ્ઠ ભીંતચિત્રો તથા માટીનાં વાસણો પરનાં રંગબેરંગી ચિત્રો વગેરે મિસરવાસીઓએ સર્જેલી અનુપમ કલાનાં સાક્ષી છે. એક જ પથ્થરમાંથી કોતરી કાઢેલી ગિઝેહની નર-સિંહની મહાકાય પ્રતિમા શિલ્પ તરીકે અજોડ મનાય છે. પ્રાચીન મિસરવાસીઓની ધાર્મિક માન્યતાઓ અને વિધિઓ વિચિત્ર અને અટપટી કહી શકાય તેવી હતી. તેઓ અનેક દેવ-દેવીઓ, પશુઓ વગેરેની પૂજા કરતા. પ્રાચીન ઇજિપ્તની સંસ્કૃતિનાં કેટલાંક આગવાં લક્ષણો તેના લોકોની ધાર્મિક માન્યતાઓને આભારી હતાં. તેઓ સૂર્યને ‘રા’ દેવ તરીકે પૂજતા તથા દેવી તરીકે નાઇલ નદીની પૂજા કરતા. તેઓ આત્માની અમરતામાં માનતા હોવાથી મૃતદેહોને મસાલા ભરી સાચવી રાખતા. રાજ્ય, સમાજ તથા લોકો પર ધર્મગુરુઓનો ભારે પ્રભાવ હતો. પ્રાચીન મિસરના સમાજમાં સામંતો, ઉપલા વર્ગના લોકો તથા ધર્મગુરુઓ વિલાસી જીવન જીવતા, જ્યારે નીચલા થરના લોકોનું જીવન કષ્ટમય હતું. ગુલામોની સ્થિતિ સૌથી ખરાબ હતી. ખુલ્લા બજારમાં તેમનું ખરીદ-વેચાણ થઈ શકતું. સમાજમાં સ્ત્રીનું સ્થાન ઊંચું હતું અને તે મિલકતનો વારસાહક પણ ભોગવી શકતી. આમ, પ્રાચીન ઇજિપ્તે સાંસ્કૃતિક ક્ષેત્રે વિશ્વને અમૂલ્ય પ્રદાન કરેલું છે.

ઇજિપ્તની પ્રાચીન કલા  એક ભિત્તિચિત્ર

મધ્યયુગ તથા અર્વાચીન યુગ : ઇજિપ્ત ભૌગોલિક રીતે આફ્રિકાનો ભાગ હોવા છતાં રાજકીય તથા સાંસ્કૃતિક ર્દષ્ટિએ તે પશ્ચિમ એશિયાનો મહત્વનો દેશ ગણાય છે. ઇજિપ્તની સમૃદ્ધિ મુખ્યત્વે નાઇલ નદી અને સુએઝ નહેર પર આધારિત છે. તેનું ક્ષેત્રફળ આશરે 3,63,000 ચોરસ માઈલ છે. જેમાં નાઇલ નદીની આસપાસનો લગભગ 13,000 ચોરસ માઈલ જેટલો જ વિસ્તાર ખેતીલાયક છે, બાકીના પ્રદેશો રણવિસ્તારો છે. જોકે રણપ્રદેશોમાં પણ હવે ઇજિપ્તે મોટા ઉદ્યોગો સારા પ્રમાણમાં વિકસાવ્યા છે. ઇજિપ્તની આશરે 90 ટકા વસ્તી સુન્ની મુસ્લિમોની છે, જ્યારે બાકીના 10 ટકા લોકોમાં ગ્રીક, ઇટાલિયન, અંગ્રેજ, ફ્રેન્ચ, આર્મેનિયન, લૅબેનિઝ, સિરિયન વગેરે છે.

ઈ. સ. 640માં આરબોએ ઇજિપ્ત જીતી લેતાં તે મુસ્લિમ શાસન તળે આવ્યું. 12મીથી 16મી સદી સુધી સલાદીન તથા મામલુકો તરીકે જાણીતા થયેલા તેના વારસદારોએ ઇજિપ્ત પર શાસન ચલાવ્યું. તે પછી ઈ. સ. 1517માં તુર્કસ્તાને તે જીતી લેતાં ઇજિપ્ત તુર્કી (ઑટોમન) સામ્રાજ્યનું અંગ બન્યું, જેનું સાર્વભૌમત્વ ઇજિપ્ત પર છેક બ્રિટિશ વહીવટની સ્થાપના (1882) સુધી ચાલુ રહ્યું. જોકે તુર્કીનું આ સાર્વભૌમત્વ બહુધા નામનું હતું. વાસ્તવમાં ઇજિપ્તના પાશા કે ખેદિવ (વડાઓ) સ્વતંત્ર શાસકોની માફક જ વહીવટ કરતા હતા.

ઇજિપ્તના આધુનિક યુગની શરૂઆત નેપોલિયન બોનાપાર્ટના ઇજિપ્ત પરના આક્રમણ (1798) તથા મહમ્મદઅલીના શાસનકાળ- (1805-1849)થી થઈ હોવાનું કહેવાય છે. મહમ્મદઅલીએ ઇજિપ્તમાં આધુનિક વહીવટી તંત્રની સ્થાપના કરી. તેણે ફ્રેન્ચ અને ઇટાલિયન લશ્કરી અધિકારીઓની સહાયથી ઇજિપ્તમાં 2,00,000નું તાલીમબદ્ધ તથા આધુનિક ઢબનું લશ્કર તૈયાર કર્યું. મહમ્મદઅલીએ નાઇલ નદીમાંથી નહેરો કાઢીને ખેતીને ભારે ઉત્તેજન આપ્યું. આથી ઇજિપ્તના મુખ્ય પાક-કપાસ તથા તમાકુ-ના ઉત્પાદનમાં આશરે વીસ ગણો વધારો થયો, જેની યુરોપનાં બજારોમાં ખૂબ માગ હોવાથી ઇજિપ્તને સારો એવો નફો થયો. મહમ્મદઅલીએ ઇજિપ્તમાં યંત્ર-ઉદ્યોગો તેમજ રેલમાર્ગો વિકસાવ્યા, ઇજિપ્તનાં રાજ્યતંત્ર તથા અર્થતંત્રને સધ્ધર બનાવ્યું. તેના શાસનકાળમાં કૅરો અને ઍલેક્ઝાન્ડ્રિયાની વિશ્વનાં ઔદ્યોગિક તથા વ્યાપારી શહેરોમાં ગણના થતી હતી. મહમ્મદઅલીએ ઇજિપ્તમાં પાશ્ચાત્ય ઢબની શિક્ષણસંસ્થાઓ, ઇજનેરી, ટૅકનિકલ, નૌકાદળ માટેની તાલીમશાળાઓ વગેરે સ્થાપ્યાં. મહમ્મદઅલીના ફ્રેન્ચ ડૉક્ટર કલોત બેબે ઇજિપ્તમાં પ્રથમ મેડિકલ કૉલેજ સ્થાપી. મહમ્મદઅલીએ ફ્રેન્ચ તથા અંગ્રેજી ભાષાઓનાં ઉત્તમ પુસ્તકોના અરબીમાં અનુવાદ કરાવ્યા. આ બધાં પગલાંને પરિણામે મહમ્મદ- અલીના 45 વર્ષના શાસનને અંતે ઇજિપ્ત પછાતમાંથી પ્રગતિશીલ રાષ્ટ્ર બન્યું.

મહમ્મદઅલી પછી ઇજિપ્તનો પાશા (વહીવટકર્તા) બનનાર તેનો પૌત્ર અબ્બાસ (1849-1854) નિર્બળ અને રૂઢિચુસ્ત શાસક હતો. તેણે મહમ્મદઅલીએ ઇજિપ્તના આધુનિકીકરણ માટે લીધેલાં કેટલાંક પગલાં રદ કર્યાં તથા ફ્રેન્ચો પ્રત્યે અણગમો દાખવી અંગ્રેજોની તરફેણ કરી. અબ્બાસની 1854માં હત્યા થતાં તેનો કાકો સૈયદ ઇજિપ્તનો ખેદિવ (વડો) બન્યો. તેના ટૂંકા શાસનકાળ (1854-1863) દરમિયાન તેણે ફ્રેન્ચો સાથે ફરી સારા સંબંધો વિકસાવ્યા અને સુએઝની નહેર બાંધવાની ઇજિપ્તના ફ્રેન્ચ એલચીના પુત્ર ફર્દીનાન્દ દ લેસેપ્સની દરખાસ્ત મંજૂર કરી. નહેરના બાંધકામનો કુલ ખર્ચ 60,00,000 પાઉન્ડ અંદાજવામાં આવ્યો. તે રકમ શૅરો દ્વારા એકઠી કરવાનું ઠરાવવામાં આવ્યું. 1858ની આખર સુધીમાં કંપનીના કુલ શૅરોમાંના 2,07,111 શૅર ફ્રાન્સમાં તથા 96,517 શૅર ઇજિપ્તમાં ખરીદાયા હતા, જ્યારે યુરોપીય દેશોને ફાળે આવેલા 85,500 શૅર શરૂઆતમાં વણખરીદાયેલા રહ્યા હતા. એપ્રિલ, 1859માં સુએઝ નહેરનું ખોદકામ શરૂ થયું; પરંતુ ઇંગ્લૅન્ડે તેનો પ્રબળ વિરોધ કરીને તુર્કસ્તાનના સુલતાન મારફત તે બંધ કરાવ્યું. આથી ખોદકામમાં 1863 સુધી કોઈ પ્રગતિ થઈ શકી નહિ.

સૈયદના અવસાન બાદ મહમ્મદઅલીનો બીજો પૌત્ર ઇસ્માઇલ ઇજિપ્તનો પાશા બન્યો. તેનું 16 વર્ષ (1863-1879)નું શાસન ઉદાર પણ ઉડાઉ હતું. યુ.એસ.માં ગુલામીની નાબૂદીના પ્રશ્ન પરત્વે 1863માં આંતરવિગ્રહ ચાલતો હોવાથી ઇજિપ્તના મોટા તારના કપાસના ભાવ 50,00,000 પાઉન્ડને બદલે 2,50,00,000 પાઉન્ડ ઊપજ્યા. આથી ઇસ્માઇલને ખૂબ આવક થતાં તેણે સુએઝ નહેર માટેનો પોતાનો હિસ્સો ભરપાઈ કરી દીધો. ઇંગ્લૅન્ડે વિરોધ છોડી દેતાં તથા તુર્કસ્તાને નહેરના બાંધકામને મંજૂરી આપતાં સુએઝ નહેરનું બાંધકામ ઝડપથી પૂરું કરવામાં આવ્યું અને તે 1869માં તમામ દેશોનાં વેપારી વહાણોની અવરજવર માટે ખુલ્લી મૂકવામાં આવી. ઇસ્માઇલે પૅરિસમાં શિક્ષણ લીધું હતું. તેણે યુરોપીય દેશોનો પ્રવાસ ખેડ્યો હતો. આથી ઇજિપ્ત અને તેનાં શહેરોને પાશ્ચાત્ય ઢબે વિકસાવવાના ઇરાદાથી તેણે કૅરો તથા ઍલેક્ઝાન્ડ્રિયામાં મોટાં મકાનો, બગીચા તથા ફુવારા તૈયાર કરાવ્યાં. ઇજિપ્તમાં નવી રેલવેલાઇનો તથા તાર માટેની લાઇનો નાખી તેમજ નવી પોસ્ટ-ઑફિસો સ્થાપી. તેણે નવી નહેરો ખોદાવી ખેતીને ઉત્તેજન આપ્યું. તેણે પાશ્ચાત્ય ઢબની શાળાઓ તેમજ મહાશાળાઓ શરૂ કરી. ઇસ્માઇલની પત્નીએ 1873માં ઇજિપ્તમાં પ્રથમ કન્યાશાળા સ્થાપી. અખબારોની સંખ્યામાં ઘણો વધારો કરવામાં આવ્યો. ઇસ્માઇલે લશ્કર તથા નૌકાદળને અદ્યતન બનાવ્યું. આમ છતાં એ નોંધવું ઘટે કે ઇસ્માઇલના સુધારાનો લાભ શહેરી વિસ્તારોને મળ્યો હતો, ગ્રામીણ વિસ્તારોમાં ભાગ્યે જ તેની અસર થઈ હતી.

ઇસ્માઇલ સુધારક હતો પણ ખૂબ જ ઉડાઉ હતો. તેણે માનપાન, ભોજનસમારંભો, વિદેશી પ્રવાસો, ભેટ-સોગાદો વગેરેમાં પુષ્કળ પૈસા વેડફી નાખ્યા. આથી ઇજિપ્તનું દેવું ખૂબ જ વધ્યું. આ સંજોગોમાં તુર્કી સુલતાનના આદેશથી તથા પાશ્ચાત્ય સત્તાઓની દરમિયાનગીરીથી ઇસ્માઇલને ગાદીત્યાગ કરવાની ફરજ પાડવામાં આવી (1879). ઇસ્માઇલના નિર્બળ પુત્ર તવફીકને ઇજિપ્તનો પાશા બનાવવામાં આવ્યો.

તે નામનો જ પાશા હતો. વાસ્તવિક સત્તા અંગ્રેજ વહીવટકર્તા મેજર ઇવેલિન બેરિંગ (લૉર્ડ ક્રોમર) તથા ફ્રેન્ચ વહીવટકર્તા દ બ્લિગ્નિયરને હસ્તક મૂકવામાં આવી હતી. તેમણે ત્રણ વર્ષ(1879-1882)માં ઇજિપ્તના અર્થતંત્રને સ્થિર કર્યું.

ઇજિપ્તના વહીવટમાં વિદેશી દરમિયાનગીરી સામે સૌપ્રથમ કર્નલ અહમદ અરબીના નેતૃત્વ નીચેના સૈનિક પક્ષે બંડ પોકાર્યું. આ સૈનિકો બહુધા ખેડૂત કુટુંબોમાંથી આવતા હોવાથી અરબીને ખેડૂતોનો સારો એવો સાથ મળ્યો. અંગ્રેજ તથા ફ્રેન્ચ વહીવટકર્તાએ અરબી સાથે સમાધાન કરીને તેને સંરક્ષણપ્રધાન બનાવ્યો અને રાષ્ટ્રીય સરકારની રચના કરી. ઉપરાંત નવી રાષ્ટ્રીય સભામાં ખેડૂતો તથા સૈનિકોના પ્રતિનિધિઓને સવિશેષ સ્થાન આપવામાં આવ્યું. પરંતુ ટૂંકમાં જ રાષ્ટ્રીય હિતોના પ્રશ્ન અરબી અને વિદેશી વહીવટકર્તાઓ વચ્ચે સંઘર્ષ થયો. લશ્કરી અથડામણોમાં અમુક યુરોપિયનો માર્યા ગયા. આથી વિદેશી લશ્કરોએ ઇજિપ્ત પર આક્રમણ કરીને તેનો કબજો લઈ લીધો. ફ્રાન્સ ખસી જતાં અંગ્રેજ વહીવટકર્તા ઇવેલિન બેરિંગે (લૉર્ડ ક્રોમરે) અરબીને પદભ્રષ્ટ કરીને ઇજિપ્તનો સંપૂર્ણ વહીવટ સંભાળી લીધો (1882).

લૉર્ડ ક્રોમરે ઇજિપ્તનો 25 વર્ષ સુધી (1882-1907) વહીવટ કર્યો. તે દરમિયાન ઇજિપ્ત ઇંગ્લૅન્ડનું રક્ષિત રાજ્ય બન્યું. પાશા માત્ર નામનો શાસક રહ્યો તથા તુર્કસ્તાનનું ઇજિપ્ત પરનું સાર્વભૌમત્વ પણ નામ માત્રનું રહ્યું. ક્રોમરે ઇજિપ્તનો વહીવટ ચલાવવા ઇજિપ્શિયનો અને અંગ્રેજોની બનેલી સંયુક્ત સમિતિ રચી તથા સરકારને માત્ર સલાહ આપવાની સત્તા સાથેની દ્વિગૃહી સંસદની પણ રચના કરી. ક્રોમરના વહીવટ હેઠળ ઇજિપ્તે વહીવટી, ખેતીવાડી, સિંચાઈ, વેપાર-વાણિજ્ય, વાહનવ્યવહાર, જાહેર આરોગ્ય વગેરેનાં ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ સાધી. 1902માં જૂનો આસ્વાન બંધ પૂર્ણ કરવામાં આવ્યો. ખેતી તથા ખેડૂતોની સ્થિતિમાં ઠીક ઠીક સુધારો થયો; પરંતુ ક્રોમરના વહીવટની મોટી ખામી એ હતી કે તેણે ઇજિપ્તમાં મોટા યંત્રઉદ્યોગો વિકસવા દીધા નહિ. ઇજિપ્તના ઊંચી કોટિના રૂના વિપુલ જથ્થાથી લકેશાયર વગેરેની મિલો ચાલુ રહે તે માટે તેણે ઇજિપ્તમાં કાપડની મિલો ઊભી થવા દીધી નહિ. ઇજિપ્તના મોટા ભાગના અન્ય ઉદ્યોગધંધાઓ પણ વિદેશીઓને હસ્તક હતા. વળી જમીનદારો તથા રૂઢિચુસ્તોને ખુશ રાખવા ક્રોમરે કોઈ સામાજિક સુધારા કર્યા નહિ તેમજ શિક્ષણનો બહોળો વિકાસ કર્યો નહિ. આથી તેના વહીવટ સામેનો ઇજિપ્તવાસીઓનો વિરોધ વધ્યો અને તે મુસ્તફા કામિલની નેતાગીરી નીચે 1906માં રાષ્ટ્રીય બળવામાં પરિણમ્યો. કામિલની ‘અલ્-વતની’ (પિતૃભૂમિ) નામે સંસ્થાના આશ્રયે ઇજિપ્તના વિવિધ ભાગોમાં વ્યાપક પ્રમાણમાં તોફાનો થયાં. યુરોપિયનોની હત્યાઓ થઈ. જોકે ક્રોમરે ખૂબ જ કડકાઈથી બળવો દબાવી દીધો, તોપણ આનાથી ઇજિપ્તવાસીઓની ‘રાષ્ટ્રીય’ ચેતના વિશેષ જાગ્રત થઈ અને વિદેશીઓ સામેની તે પછીની રાષ્ટ્રીય લડતોને બળ મળ્યું.

The River Nile, Cairo, Egypt

પાટનગર કૅરોનું એક ર્દશ્ય

સૌ. "The River Nile, Cairo, Egypt" | CC BY-SA 3.0

ઉપરના બનાવો બાદ બ્રિટિશ સરકારે ઇજિપ્તના વહીવટકર્તા તરીકે લૉર્ડ ક્રોમરને સ્થાને એલ્ડન ગોર્સ્ટની નિયુક્તિ કરી. તેના ચાર વર્ષ(1907-1911)ના વહીવટ દરમિયાન તેણે ઇજિપ્તવાસીઓને સરકારી સેવાઓમાં વિશેષ સ્થાન આપ્યું તથા સંસદ અને પ્રાંતિક ધારાસભાઓની સત્તામાં થોડો વધારો કર્યો, પરંતુ આનાથી ‘અલ્-વતની’ અને તેના નેતાઓને સંતોષ ન થતાં તેઓએ આંદોલન ચાલુ રાખ્યું. 1911માં ગોર્સ્ટને સ્થાને ઇજિપ્તના બ્રિટિશ લશ્કરના મોં સેનાપતિ લૉર્ડ કીચનરની મુખ્ય વહીવટકર્તા તરીકે નિયુક્તિ થતાં ઇજિપ્તના રાજકારણમાં મોટું પરિવર્તન આવ્યું. કીચનરે પોતાના પુરોગામી ક્રોમરની કડક નીતિ ચાલુ રાખતાં રાષ્ટ્રીય આંદોલનને વિશેષ બળ મળ્યું. ‘અલ્-વતની’ના નેતા કામિલનું 1908માં અવસાન થયા બાદ ઇજિપ્તની રાષ્ટ્રીય નેતાગારી ઝગલુલ પાશા અને તેના વફદ પક્ષને હસ્તક ગઈ.

1914માં પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થતાં બ્રિટને ઇજિપ્તને પોતાના રક્ષિત રાજ્ય તરીકે જાહેર કર્યું. આથી જર્મની પક્ષે યુદ્ધમાં જોડાયેલ તુર્કસ્તાનનું ઇજિપ્ત પરનું નામનું સાર્વભૌમત્વ પણ સંપૂર્ણપણે નાબૂદ થયું. 1918માં પ્રથમ વિશ્વયુદ્ધ સમાપ્ત થયું ત્યારે ઇજિપ્તમાં અસહ્ય મોંઘવારી તથા ચીજવસ્તુઓની અછત પ્રવર્તતી હતી. ઝગલુલે ઇજિપ્તના સ્વાતંત્ર્યની કરેલી માગણી ન સ્વીકારવામાં આવતાં ઇજિપ્તમાં ઠેર ઠેર તોફાનો ફાટી નીકળ્યાં. આથી 1919માં ઝગલુલ અને તેના સાથીદારોને બ્રિટિશ સરકારે માલ્ટામાં દેશપાર કરતાં ઇજિપ્તનાં તોફાનો વધુ ઉગ્ર બન્યાં. પરિણામે બ્રિટિશ સરકારે ઝગલુલ અને તેના સાથીદારોને મુક્ત કરીને પૅરિસ શાંતિ પરિષદમાં ઇજિપ્તના સ્વાતંત્ર્યનો દાવો રજૂ કરવાની છૂટ આપી; પરંતુ પૅરિસ શાંતિ પરિષદે ઇજિપ્તને બ્રિટનનું રક્ષિત રાજ્ય ગણતાં ઝગલુલ અને તેના સાથીદારો નારાજ થયા અને તેમણે ઇજિપ્તના સ્વાતંત્ર્ય-આંદોલનને વધારે વેગીલું બનાવ્યું. ફરી ઝગલુલ અને વફદ પક્ષના અન્ય નેતાઓને દેશપાર કરવામાં આવતાં ઇજિપ્તનાં બ્રિટિશ લશ્કરી દળો અને રાષ્ટ્રીય દળો વચ્ચે ઠેર ઠેર અથડામણો થઈ. પરિણામે બ્રિટિશ સરકારે 1922માં ઇજિપ્તને આંતરિક સ્વાયત્તતા આપી. તે અનુસાર ઇજિપ્તમાં બ્રિટિશ હાઈ કમિશનરને અબાધિત સત્તા મળવા ઉપરાંત બ્રિટિશ લશ્કરી દળો ઇજિપ્તમાં રહેવાનાં હતાં. બાકીની બાબતોમાં ઇજિપ્તને સ્વતંત્રતા મળી હતી.

1923માં અમલમાં આવેલ નવા બંધારણ મુજબ ઇજિપ્તમાં દ્વિગૃહી સંસદ રચવામાં આવી તથા સંસદને જવાબદાર ઇજિપ્તવાસીઓના બનેલ મંત્રીમંડળની રચના કરવામાં આવી. જોકે વહીવટની આખરી સત્તા બ્રિટિશ હાઈકમિશનર તથા ઇજિપ્તના રાજાને હસ્તક રાખવામાં આવી. નવા બંધારણ મુજબ ઇજિપ્તમાં થયેલ પ્રથમ ચૂંટણીમાં વફદ પક્ષને સંસદમાં 215માંથી 188 બેઠકો મળતાં ઝગલુલ વડાપ્રધાન બન્યા. તેમણે રાજાની સત્તા મર્યાદિત કરવા, બ્રિટિશ હાઈકમિશનરને માત્ર સલાહકાર તરીકે રાખવા, ઇજિપ્તમાંથી બ્રિટિશ દળો પાછાં ખેંચી લેવા તથા ઇજિપ્તના એક ભાગ તરીકે સુદાન ઇજિપ્તને ફરી સોંપી દેવા માગણીઓ કરી. આ માટે વફદ પક્ષે જેહાદ શરૂ કરી. ઝગલુલની માગણીઓનો બ્રિટિશ સરકારે અસ્વીકાર કરતાં આંદોલનો હિંસક બન્યાં અને 1924માં ઇજિપ્તના બ્રિટિશ લશ્કરી વડા લી સ્ટેકની હત્યા થઈ. આથી બ્રિટિશ દળોએ ઇજિપ્તનાં મુખ્ય શહેરોનો કબજો લીધો. ઝગલુલ અને તેના પ્રધાનમંડળે રાજીનામાં આપ્યાં. રાજા ફૌદે સંસદને બરખાસ્ત કરીને પોતાને વફાદાર ઝટબાર પાશાની વડા પ્રધાન તરીકે નિયુક્તિ કરી તથા પોતાની તરફેણ કરનાર ઇતિહાદ પક્ષ અને ઉદારમતવાદી પક્ષના પ્રતિનિધિઓને મંત્રીઓ તરીકે નીમ્યા. આથી ઇજિપ્તની રાજકીય સ્થિતિ વધારે ઉગ્ર બની.

બ્રિટિશ હાઈકમિશનર લૉર્ડ લૉઇડે પરિસ્થિતિ પારખીને વફદ પક્ષની બહુમતીવાળા મંત્રીમંડળની રચના કરી. દરમિયાન 1927માં ઝગલુલ પાશાનું અવસાન થતાં નહાસ પાશાએ વફદ પક્ષની નેતાગીરી સંભાળી. તેણે વફદ પક્ષની અગાઉની માગણીઓ ફરી દોહરાવતાં બ્રિટિશ હાઈકમિશનરની સલાહથી રાજાએ પ્રધાનમંડળને બરતરફ કર્યું તથા લોકલડતમાં ભાગલા પડાવવાની પુરાણી સામ્રાજ્યવાદી નીતિ અનુસાર વફદ પક્ષના વિરોધી લોકપક્ષના નેતા ઇસ્માઇલ સિદ્દીકીની વડા પ્રધાન તરીકે નિયુક્તિ કરી. તે પ્રજાનું પ્રતિનિધિત્વ ધરાવતો નહિ હોવાથી લોક-આંદોલન વધારે હિંસક બન્યું. દરમિયાનમાં આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિમાં પણ મોટો પલટો આવ્યો (1935). ઇટાલીમાં ફાસીવાદી સરમુખત્યાર મુસોલિની તથા જર્મનીમાં નાઝીવાદી સરમુખત્યાર હિટલર ખૂબ પ્રબળ બનતાં તેઓએ આફ્રિકા તથા પશ્ચિમ એશિયામાં વિસ્તારવાદી નીતિ અપનાવી. આથી ઇજિપ્ત અને એશિયામાંનાં ઇંગ્લૅન્ડનાં હિતો જોખમમાં મુકાતાં બ્રિટિશ સરકારે ઇજિપ્ત સાથે તાત્કાલિક સમાધાનની નીતિ અપનાવી. એપ્રિલ, 1936માં રાજા ફૌદનું અવસાન થતાં તેનો સગીર પુત્ર ફારૂક ઇજિપ્તનો શાસક બન્યો અને વફદ પક્ષનું પ્રધાનમંડળ રચવામાં આવ્યું.

ઇંગ્લૅન્ડ અને ઇજિપ્ત વચ્ચે થયેલી સમજૂતી અનુસાર ઇજિપ્તમાંની બ્રિટિશ હાઈકમિશનરની જગા રદ કરવામાં આવી. બ્રિટિશ દળોને ઇજિપ્તની તળભૂમિમાંથી સુએઝ નહેર વિસ્તારમાં ખસેડી લેવામાં આવ્યાં. ઇજિપ્તની વિદેશનીતિ ઇંગ્લૅન્ડની વિદેશનીતિને અનુકૂળ રાખવાનું સ્વીકારવામાં આવ્યું. તે સિવાય ઇજિપ્તને સંપૂર્ણ સ્વાતંત્ર્ય આપવામાં આવ્યું (1936); પરંતુ સપ્ટેમ્બર, 1939માં દ્વિતીય વિશ્વયુદ્ધ શરૂ થતાં, બ્રિટને ફરીથી ઇજિપ્તનો વહીવટી અને લશ્કરી કબજો સંભાળી લીધો તથા તેને પશ્ચિમ એશિયાનું મુખ્ય લશ્કરી મથક બનાવ્યું. યુદ્ધ દરમિયાન ઇજિપ્તમાં મોંઘવારી તથા બેરોજગારી ખૂબ વધ્યાં. વડા પ્રધાન તરીકે નિયુક્ત થયેલ વફદ પક્ષના નેતા નહાસ પાશા ઇજિપ્તના પ્રશ્નો ઉકેલવામાં નિષ્ફળ ગયા. આથી વફદ પક્ષની લોકપ્રિયતા ઘટી અને હસન-અલ્-બના દ્વારા સ્થાપિત અલ્-ઇખવાન-અલ્-મુસલમિન (મુસ્લિમ ભ્રાતૃત્વ) નામે પક્ષ લોકપ્રિય બન્યો. તે ધર્મ પર આધારિત હતો છતાં પોતાને રાષ્ટ્રીય પક્ષ માનતો હતો.

1945માં દ્વિતીય વિશ્વયુદ્ધની સમાપ્તિ બાદ ઇંગ્લૅન્ડમાં યોજાયેલી ચૂંટણીઓમાં ચર્ચિલના રૂઢિચુસ્ત પક્ષનો પરાજય થયો અને ઍટલીના મજૂર પક્ષનો વિજય થયો. આથી ઍટલી ઇંગ્લૅન્ડના વડા પ્રધાન બન્યા. સુદાનને ઇજિપ્તના નિયંત્રણ તળે મૂકવાના પ્રશ્ન પર ઍટલી અને ઇજિપ્તના રાષ્ટ્રીય નેતાઓ વચ્ચેની વાટાઘાટો પડી ભાંગતાં ઇજિપ્તમાં અભૂતપૂર્વ તોફાનો થયાં. આમાં ઇખવાન પક્ષના વડા હસન-અલ્-બનાની હત્યા થતાં હુલ્લડો પરાકાષ્ઠાએ પહોંચ્યાં. દરમિયાનમાં, પૅલેસ્ટાઇનના ભાગલા પાડવાની તથા તેમાંથી ઇઝરાયલનું સ્વતંત્ર રાજ્ય રચવાની સંયુક્ત રાષ્ટ્રમાંની દરખાસ્તને બ્રિટને ટેકો આપતાં ઇજિપ્તનાં તોફાનોએ સીમા વટાવી (1947-48). સંયુક્ત રાષ્ટ્રમાં આ દરખાસ્ત મંજૂર થતાં ઇજિપ્ત અને આરબ રાષ્ટ્રોએ ઇઝરાયલ પર આક્રમણ કર્યું, પરંતુ તેમાં તેમનો નામોશીભર્યો પરાજય થયો અને 1948માં ઇઝરાયલનું સ્વતંત્ર રાજ્ય અસ્તિત્વમાં આવ્યું.

આવા પરાજય માટે ઇજિપ્તના લોકો તથા રાજકીય પક્ષોએ મુખ્યત્વે રાજા ફારૂકના શાસન તથા ઇંગ્લૅન્ડના ઇજિપ્ત પરના આધિપત્યને જવાબદાર ગણ્યું. આથી ઇખવાન તથા અન્ય પક્ષોએ ઇજિપ્તના સંપૂર્ણ સ્વાતંત્ર્યની, ફારૂકની સત્તા ખૂબ જ મર્યાદિત કરીને લોકશાહીની સ્થાપના કરવાની, સુએઝ વિસ્તારમાંથી પણ બ્રિટિશ દળોને ખસેડી લેવાની તથા સુદાનને ઇજિપ્ત સાથે જોડી દેવાની માગણીઓ મૂકી. છેલ્લી બે બાબતો પર વાટાઘાટો પડી ભાંગતાં ઇજિપ્તમાં ઇખવાન તથા અન્ય ઉદ્દામ પક્ષોની પ્રેરણા તળે ફરી તોફાનો થયાં. ઇજિપ્તમાં રહેલી તથા કૅરોની વિશ્વવિખ્યાત શેફર્ડ હોટેલ ઉપરાંત કરોડોની વિદેશી મિલકતનો નાશ કરવામાં આવ્યો. જુલાઈ, 1952માં લશ્કરી અધિકારી નજીબ તથા તેના લશ્કરી દળે અને લોકોએ રાજાના મહેલ પર હુમલો કરી ફારૂકને કેદ કર્યો અને પછી તેને દેશપાર કરવામાં આવ્યો. ઇજિપ્તમાંથી રાજાશાહી તેમજ પાશા વગેરેના ખિતાબો રદ કરવામાં આવ્યા. નજીબે ઇખવાન, સમાજવાદી, સામ્યવાદી, વફદ તથા ઉદારમતવાદી પક્ષોના પ્રતિનિધિઓના બનેલ મંત્રીમંડળની રચના કરી. જોકે ઇજિપ્તનો આખરી વહીવટ પોતે સ્થાપેલ લશ્કરી અફસરોની સમિતિ રેવોલ્યૂશનરી કમાન્ડ કાઉન્સિલ (RCC) હસ્તક રહ્યો. મંત્રીમંડળનો વહીવટ શિથિલ અને લાંચરુશવતવાળો જણાતાં નજીબે તેને બરતરફ કરીને ઇજિપ્તનો વહીવટ આર. સી. સી. હસ્તક મૂક્યો. લશ્કરી સમિતિએ રાજકીય પક્ષો પર કડક અંકુશો મૂક્યા તથા ગોલમાલ કરનાર અને લાંચરુશવત લેનારને સખત સજાઓ કરી. તેણે વધારાની જમીન ભૂમિહીન ખેડૂતો વચ્ચે વહેંચી આપી. જાન્યુઆરી, 1953માં નજીબે રાજ્યના સર્વોચ્ચ વડાનું પદ ધારણ કર્યું, ઇજિપ્તમાંથી રાજાશાહી નાબૂદ કરી તથા કર્નલ ગેમલ અબ્દુલ નાસરને નાયબ વડા પ્રધાન તરીકે નિયુક્ત કર્યા. ટૂંકમાં જ નજીબ તથા નાસર વચ્ચે ઉગ્ર મતભેદ સર્જાતાં લશ્કરી સમિતિએ નજીબને તેના હોદ્દા પરથી દૂર કરીને નાસરને રાષ્ટ્રના વડા તથા વડા પ્રધાન તરીકે નિયુક્ત કર્યા (1954).

ઇજિપ્તના સર્વોચ્ચ વડા બન્યા બાદ નાસરે ઇજિપ્તમાં રાજકીય, આર્થિક તથા સામાજિક ક્રાંતિને પૂર્ણ કરવા ઝડપી પગલાં ભર્યાં. તેણે સુએઝ વિસ્તારમાંથી બ્રિટિશ દળો અમુક સમયમાં સંપૂર્ણપણે ખસેડી લેવા અંગે સમજૂતી કરી. આ સમજૂતીની અમુક શરતો ઇજિપ્તને માટે અપમાનકારક લાગતાં ઇખવાન પક્ષે તેની સામે તોફાનો યોજ્યાં. નાસરે તે કડક હાથે દાબી દીધાં અને તેના સેંકડો સભ્યોને જેલવાસ આપીને ઇખવાન પક્ષનું અસ્તિત્વ મિટાવી દીધું. નાસરે અન્ય રાજકીય પક્ષો પર પણ પ્રતિબંધ મૂક્યા. તેણે રાજકીય પક્ષોની ખોટ પૂરવા રાજ્ય દ્વારા અંકુશિત મુક્તિદળની રચના કરી; જેમાં ખેડૂતો, શ્રમજીવીઓ, યુવાનો તથા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા. 1956માં નાસરે નવા બંધારણની જાહેરાત કરી. તેમાં લોકો દ્વારા ચૂંટાયેલ સર્વોચ્ચ સ્થાન ધરાવતા પ્રમુખ તથા રાષ્ટ્રીય ધારાસભાના અંકુશથી પર પ્રમુખને આધીન કારોબારીની જોગવાઈ કરવામાં આવી. ઇજિપ્તમાંથી સામ્રાજ્યવાદ, સામંતશાહી, ઇજારાપદ્ધતિ, વિદેશી મૂડીનો ઇજિપ્તના અર્થતંત્ર પરનો અંકુશ વગેરે નાબૂદ કરવામાં આવ્યાં. દરેકને વિચાર અને વાણીનું તેમજ વ્યક્તિગત સ્વાતંત્ર્ય આપવાની જાહેરાત કરવામાં આવી. મુક્તિદળનું રાષ્ટ્રીય દળમાં પરિવર્તન કરવામાં આવ્યું અને પ્રત્યેક પ્રાંત, જિલ્લા તથા તાલુકામાં તેની શાખાઓ ખોલવામાં આવી, જેના પર રાજ્યનો સંપૂર્ણ અંકુશ હતો. જૂન, 1956માં પ્રમુખની ચૂંટણી થતાં નાસરને 99.8 % મત મળતાં તે ઇજિપ્તના પ્રજાસત્તાકના વડા બન્યા.

ઇજિપ્ત વિરુદ્ધ યુ. એસ. અને બ્રિટને ઇઝરાયલને ખુલ્લો ટેકો આપતાં તથા બ્રિટને આરબ-એકતાને નુકસાનકારક બગદાદ જેવા લશ્કરી કરાર કરતાં નાસર બ્રિટન-અમેરિકાની વિરુદ્ધ થયા અને તેમણે સોવિયેત રશિયાતરફી વલણ દર્શાવ્યું. સોવિયેત રશિયાએ તેમને અદ્યતન શસ્ત્રસરંજામની સહાય પણ કરી. પરિણામે ઇંગ્લૅન્ડ, ફ્રાન્સ અને અમેરિકાએ ઇજિપ્તને આસ્વાન બંધ પૂર્ણ કરવા માટે નાણાંની સહાય કરવાનો ઇનકાર કર્યો. આથી નાસરે જુલાઈ, 1956માં સુએઝ નહેરનું રાષ્ટ્રીયકરણ જાહેર કરીને તેની આવકમાંથી આસ્વાન બંધ પૂર્ણ કરવાનો નિર્ણય કર્યો. 1955ની બાન્ડુંગ પરિષદથી પણ નાસરને પોતાની સ્વતંત્ર આંતરિક તેમજ વિદેશનીતિ નિશ્ચિત કરવાનું બળ મળ્યું. બ્રિટન અને ફ્રાન્સે નાસરનું આ પગલું આંતરરાષ્ટ્રીય કરારના ભંગ સમાન હતું એવું જાહેર કરીને બ્રિટન, ફ્રાન્સ અને ઇઝરાયેલે ઇજિપ્ત પર 31મી ઑક્ટોબર 1956ના રોજ હવાઈ દળ, નૌકાદળ તથા ભૂમિદળો સહિત આક્રમણ કર્યું. આની સામે અમેરિકા સહિત મોટા ભાગનાં રાષ્ટ્રોએ ઉગ્ર પ્રત્યાઘાતો જાહેર કર્યા. નાસરે સુએઝ નહેરમાં વહાણો ડુબાડી દઈને તે બંધ કરી દીધી. આથી વિશ્વભરનો જલવ્યવહાર ઠપ થઈ ગયો. સોવિયેત રશિયા, ભારત, આરબ રાષ્ટ્રો વગેરેએ બ્રિટન-ફ્રાન્સના ઇજિપ્ત પરના આક્રમણને સખત શબ્દોમાં વખોડી કાઢ્યું અને સંયુક્ત રાષ્ટ્રને બ્રિટન-ફ્રાન્સ સામે લશ્કરી પગલાં લેવા અપીલ કરી. આથી સંયુક્ત રાષ્ટ્રના આદેશ તેમજ વિશ્વમત આગળ નમી જઈ બ્રિટન તથા ફ્રાન્સને છઠ્ઠી નવેમ્બર, 1956ના રોજ ઇજિપ્તમાંથી પોતાનાં દળો પાછાં ખેંચી લેવાં પડ્યાં. યથાવત્ પરિસ્થિતિ સર્જાતાં ઇજિપ્તે પાંચ માસ બાદ સુએઝ નહેર ફરી ચાલુ કરી.

ઉપરના બનાવ બાદ નાસરની પ્રતિષ્ઠામાં ઘણો વધારો થયો. તેઓ આરબ રાષ્ટ્રોના માન્ય નેતા તરીકે પ્રતિષ્ઠિત થયા અને ફરી પાંચ વર્ષ માટે તે ઇજિપ્તના રાષ્ટ્રપ્રમુખ તરીકે ચૂંટાયા. બ્રિટન-ફ્રાન્સના ઇજિપ્ત પરના આક્રમણ અને ત્યાંથી પીછેહઠ બાદ આરબ તેમજ એશિયાઈ રાષ્ટ્રવાદને નવું બળ મળ્યું અને એશિયાના લોકો સામ્રાજ્યવાદના અંતિમ અવશેષોને એશિયામાંથી નાબૂદ કરવા કટિબદ્ધ થયા.

આધુનિક સમય : ઇંગ્લૅન્ડ, ફ્રાન્સ અને ઇઝરાયલના ત્રિવિધ આક્રમણનો સફળતાપૂર્વક સામનો કરવાથી ગેમલ અબ્દુલ નાસરની કીર્તિમાં વધારો થયો અને આફ્રિકા-એશિયાનું સંગઠન વધુ મજબૂત બન્યું. ભારતના નહેરુ તથા યુગોસ્લાવિયાના માર્શલ ટીટોએ નાસરને સંપૂર્ણ ટેકો આપ્યો. સુએઝ ઉપરનો હુમલો પશ્ચિમના મૃતપ્રાય થયેલા સંસ્થાનવાદનો છેલ્લો મરણિયો પણ નિષ્ફળ પ્રયાસ હતો, જે નવોદિત એશિયા અને આફ્રિકા કોઈ રીતે બરદાસ્ત કરી શકે તેમ નહોતાં.

સુએઝના વિજય પછી ઇજિપ્ત અને સીરિયા વચ્ચે જોડાણ થયું અને બંનેએ એક બનીને સંયુક્ત આરબ ગણરાજ્ય (United Arab Republic) નામ ધારણ કર્યું. 1958થી 1961 સુધી બંને રાજ્યો એક રહ્યાં.

સંયુક્ત આરબ ગણરાજ્યના બંધારણે રાજ્ય તથા સરકારના વડા તરીકે રાષ્ટ્રપ્રમુખનું સ્થાન નિયત કર્યું. તેને કેન્દ્રીય પ્રધાનમંડળ નીમવાનો અને બંને પ્રાદેશિક કારોબારી તથા રાષ્ટ્રીય સભાની પસંદગી કરવાનો અધિકાર આપ્યો. 1961માં સંયુક્ત ગણરાજ્યનો અંત આવતાં રાષ્ટ્રીય સભા બરખાસ્ત કરવામાં આવી. નાસરની પાસે સર્વ (કારોબારી તેમજ ધારાકીય) સત્તા સંપૂર્ણપણે આવી ગઈ.

1961ના અંતે 250 સભ્યોની બનેલી એક સમિતિ રચવામાં આવી, જેના દ્વારા રાષ્ટ્રીય કૉંગ્રેસની નિમણૂક કરવામાં આવી. તેમાં 1750  જેટલા સભ્યો રાખવામાં આવ્યા. આ કૉંગ્રેસના સભ્યો તરીકે શ્રમજીવીઓ, ખેડૂતો, શિક્ષકો, વિદ્યાર્થીઓ, વેપારીઓ અને મહિલાઓ હતાં. આ કૉંગ્રેસે ભાવિ બંધારણ માટેનો એક ખતપત્ર ઘડી કાઢ્યો. આ પછી નાસરના આધિપત્ય નીચે એક સર્વોચ્ચ કારોબારી સમિતિ રચવામાં આવી, જેના દ્વારા એક નવી મહાસભા(350 સભ્યો)ની ચૂંટણીનો તખતો ગોઠવાયો. 1964માં આવેલી ચૂંટણી દ્વારા નવી મહાસભા અસ્તિત્વમાં આવી.

નવા બંધારણે સંયુક્ત પ્રજાસત્તાકને સમાજવાદી રાજ્ય ગણાવ્યું અને શ્રમજીવીઓએ મેળવેલા અધિકારોના રક્ષણનું કાર્ય લશ્કરને સોંપવામાં આવ્યું. રાષ્ટ્રપ્રમુખને બધી સત્તા સોંપાઈ. તેને લશ્કરનો વડો બનાવવામાં આવ્યો. 6 વર્ષ માટે થતી તેની વરણીને રાષ્ટ્રીય લોકમતનો ટેકો આવશ્યક ગણવામાં આવ્યો. 1965માં નાસર રાષ્ટ્રપ્રમુખ તરીકે ચૂંટાયા. 1967માં તેમણે વડાપ્રધાન તેમજ ત્યાંના એકમાત્ર પક્ષ આરબ સમાજવાદી યુનિયનનું પ્રમુખપદ પણ સંભાળ્યું. ત્યારબાદ તેમના પક્ષે પણ મોટી બહુમતી પ્રાપ્ત કરી.

નાસરના સમય દરમિયાન ઇજિપ્તની વિદેશનીતિનાં બે પાસાં રહ્યાં : ઇઝરાયલનો સામનો અને આરબ દેશોની એકતા, જેના દ્વારા ઇજિપ્ત આરબ દેશો ઉપર આધિપત્ય ભોગવતું થયું. આ ઉપરાંત ઇજિપ્તે 1961ની બિનજોડાણવાદી દેશોની બેલગ્રેડની પરિષદમાં અગ્રગણ્ય ભાગ ભજવ્યો અને પશ્ર્ચિમના દેશોની સંસ્થાનવાદી નીતિનો સામનો કર્યો.

ઘરઆંગણે નાસર સામ્યવાદીઓને દબાવતા રહ્યા, પણ વિદેશનીતિમાં તેમજ ઠંડા યુદ્ધના પ્રશ્નોમાં રશિયાતરફી નીતિને અનુસરતા રહ્યા અને રશિયા તરફથી મળતી લશ્કરી મદદ તથા શસ્ત્રસરંજામ લેતા રહ્યા. બીજી તરફ અમેરિકાની ઇઝરાયલતરફી નીતિ છતાં (તેમજ ઇજિપ્ત-રશિયાના નજીકના સંબંધો હોવા છતાં) નાસર અમેરિકા સાથેનો સંબંધ પણ સાચવતા રહ્યા.

1967માં ઇઝરાયલ અને આરબ દેશો વચ્ચેના સંબંધો ફરીને તંગ બન્યા. ઇજિપ્તે અકાબાના અખાતને ઇઝરાયલના વહાણવટા માટે બંધ કર્યો. પરિણામે ઇઝરાયલે ઇજિપ્ત ઉપર જોરદાર હુમલો કર્યો, ઇજિપ્તના હવાઈ દળનો નાશ કર્યો અને સિનાઈમાંનાં ઇજિપ્તનાં લશ્કરોને હરાવીને સમગ્ર પ્રદેશનો કબજો લીધો. છ દિવસના આ યુદ્ધને કારણે ઇઝરાયલે સિનાઈ ઉપરાંત, ગોલનના ઊંચા પ્રદેશો, ગાઝા-પટ્ટીનો પ્રદેશ તથા જૉર્ડન નદીનો પશ્ચિમ બાજુનો પ્રદેશ કબજે કર્યો.

1970માં નાસરનું મૃત્યુ થતાં ઉપપ્રમુખ અનવર સાદત રાષ્ટ્રપ્રમુખ બન્યા. સાદતે રાષ્ટ્રીય સભાને લોકસભા નામ આપ્યું અને તેને દેશનું બંધારણ ઘડવાનું કામ સોંપ્યું. નવા બંધારણને સપ્ટેમ્બર 11, 1971ના રોજ બહાલી આપવામાં આવી. નવા બંધારણમાં નાગરિકોના વ્યક્તિસ્વાતંત્ર્ય તથા બીજા હકોનો ઉલ્લેખ કરવામાં આવ્યો. ઇજિપ્તનું નામાભિધાન ‘ઇજિપ્તનું આરબ પ્રજાસત્તાક’ (Arab Republic of Egypt) એ પ્રમાણે રાખવામાં આવ્યું.

નવા બંધારણમાં 350 સભ્યો લોકસભાના  જેટલા સભ્યો પ્રમુખના પદ માટેના ઉમેદવારની નિયુક્તિ કરી શકે એવી જોગવાઈ થઈ. ચૂંટાવા માટે તેને 2/3 બહુમતી મળવી જોઈએ. લોકપૃચ્છાના આધારે તે સત્તા ઉપર આવી શકે. તેની મુદત 6 વર્ષની રાખવામાં આવી. લોકસભાના અડધોઅડધ સભ્યો, શ્રમજીવીઓ કે ખેડૂતો હોવા આવશ્યક ગણાયા. તેમાં પ્રમુખ વધારાના 10 સભ્યો નીમી શકે. લોકસભાની મુદત 5 વર્ષની રાખવામાં આવી.

પ્રમુખ એક કે બે ઉપપ્રમુખ નીમી શકે છે. તે સાથે તે પ્રધાનમંડળના મંત્રીઓ તથા વડાપ્રધાનની નિમણૂક કરે છે. પ્રધાનમંડળ લોકસભાને જવાબદાર હોય છે અને તેનો વિશ્વાસ મેળવીને સત્તા પર ટકી શકે છે. પ્રમુખ વિશેષાધિકાર (veto) વાપરીને પસાર થયેલા કાયદાને નામંજૂર કરી શકે છે, લોકસભાને બરખાસ્ત કરી શકે છે અને નવી ચૂંટણીઓ યોજી શકે છે. લોકસભાની ગેરહાજરીમાં તે શાસન ચલાવી શકે છે.

સાદત માર્ચ, 1973માં વડાપ્રધાન બન્યા અને સપ્ટેમ્બર, 1974 સુધી તે પદ પર રહ્યા. સપ્ટેમ્બર, 1976માં તેઓ પ્રમુખ તરીકે સર્વાનુમતે ચૂંટાઈ આવ્યા.

સાદતના નેતૃત્વ નીચે ઇજિપ્તની વિદેશનીતિમાં પરિવર્તન આવ્યું. રશિયા ઉપર આધાર રાખવાની જૂની નીતિ છોડીને સાદતે અન્ય દેશો સાથેના સંબંધો વધુ ગાઢ કર્યા. આશરે 15,000 જેટલા રશિયાના લશ્કરી નિષ્ણાતો અને સલાહકારોને પાછા મોકલી આપવામાં આવ્યા. શરૂઆતમાં ઇજિપ્તે ઇઝરાયલવિરોધી નીતિને જ ટેકો આપ્યો અને તે પ્રકારનું વલણ ધરાવતા બીજા આરબ દેશોનો ટેકો મેળવ્યો.

1967ના ઇઝરાયલના ઓચિંતા હુમલાનું વેર વાળતાં સાદતે ઑક્ટોબર 6, 1973માં સુએઝની નહેર ઓળંગીને સિનાઈ પ્રદેશ ઉપર હુમલો કર્યો. તે સાથે સીરિયાએ ઉત્તરમાં ગોલનના ઉચ્ચ પ્રદેશમાંથી હલ્લો કર્યો. ત્રણ અઠવાડિયાં ચાલેલી આ લડાઈના પરિણામે સાદતે સિનાઈ પ્રદેશનો કેટલોક ભાગ પાછો મેળવી લીધો. પરિણામે સાદતે સુએઝની નહેર પણ ખોલી નાખી.

આ પછીના દિવસોમાં સાદતે 1967માં અમેરિકા સાથેના તૂટેલા રાજકીય સંબંધો ફરીથી સ્થાપિત કર્યા. અમેરિકાના મધ્યસ્થી તરીકેના પ્રયાસોને અંતે ઇજિપ્તના કૈંક સુમેળભર્યા સંબંધો ઇઝરાયલ સાથે સ્થાપવામાં આવ્યા. તંગદિલી ઓછી થતાં બંને વચ્ચે શાંતિનું વાતાવરણ ઊભું થયું. દરમિયાન સાદતે માર્ચ, 1976માં રશિયા સાથેના રાજકીય સંબંધો તોડી નાખ્યા. ત્યારપછી 1977ના નવેમ્બરમાં સાદતે નાટ્યાત્મક રીતે જેરૂસલેમની મુલાકાત લીધી અને ઇઝરાયલ સાથે કાયમી શાન્તિનો માર્ગ મોકળો કર્યો. આ પછી અમેરિકાના પ્રમુખ જિમી કાર્ટરે સપ્ટેમ્બર, 1978માં કૅમ્પ ડૅવિડ ખાતે ઇજિપ્ત અને ઇઝરાયલ વચ્ચે શાન્તિ સ્થાપવા માટેની પરિષદ બોલાવી. સાદત અને બેગિન મળ્યા અને બંને દેશો વચ્ચે સમાધાન અને શાંતિના કરાર થયા, જે પછીના દિવસોમાં ધીમે ધીમે અમલમાં મૂકવાના હતા. માર્ચ 26, 1979ના રોજ વૉશિંગ્ટન ખાતે શાન્તિના કરાર ઉપર સહીસિક્કા થયા. તેને પરિણામે ઇઝરાયલનાં લશ્કરો પછીનાં ત્રણ વર્ષમાં સિનાઈ પ્રદેશમાંથી ખસેડી લેવાનાં હતાં. આ કરારનો અમલ થતાં જાન્યુઆરી, 1980માં ઇઝરાયલ અને ઇજિપ્ત વચ્ચે રાજકીય સંબંધો પુન: સ્થાપિત થયા; પરંતુ પૅલેસ્ટાઇનના વિસ્થાપિત થયેલા આરબોનો પ્રશ્ન હજી ઊભો હતો અને તે અંગે કોઈ પ્રગતિ થઈ શકી નહિ.

સાદતના ઇઝરાયલ સાથેના સંબંધો સુધારવાની નીતિ અન્ય આરબ દેશો સ્વીકારવા તૈયાર ન હતા. (પરિણામે ઇજિપ્તને આરબ લીગમાંથી દૂર કરવામાં આવ્યું.) સાદતની નીતિ નાસરની નીતિથી તદ્દન જુદી હતી. રશિયા સાથેના ઉષ્માભર્યા સંબંધો પૂરા થયા હતા, નાસરના સમાજવાદને દેશવટો અપાયો હતો. આરબ-એકતામાં મંદી આવી હતી અને ઇઝરાયલ સાથે શાંતિનાં પગરણ થયાં હતાં. આર્થિક ક્ષેત્રે ઉદાર નીતિનો પુરસ્કાર થયો હતો. વિદેશી મૂડી માટે દ્વાર ખુલ્લાં મુકાયાં હતાં. ખાનગી સાહસને પ્રોત્સાહન અપાયું હતું. પ્રેસ ઉપરનાં નિયમનો હળવાં કરાયાં હતાં અને પ્રતિસ્પર્ધી રાજકીય પક્ષો અસ્તિત્વમાં આવે તેની છૂટ અપાઈ હતી.

સાદતની પશ્ચિમતરફી નીતિ સામે સમગ્ર આરબ જગતમાં વિરોધ ઊઠ્યો અને ઇઝરાયલ સાથેની કૂણી નીતિએ તેમાં ઉમેરો કર્યો. ઑક્ટોબર, 1973ની લડાઈની વાર્ષિક દિનની ઉજવણી દરમિયાન તા. 6-10-’81ના રોજ લશ્કરી સલામી લેતા સાદતનું ખૂન કરવામાં આવ્યું. હોસ્ની મુબારક ઇજિપ્તના જાણીતા રાજકારણી હતા. કૅરો અને સોવિયેત રશિયામાં હવાઈ અફસર તરીકે તાલીમ પામેલા મુબારક 1966 અને 1969 દરમિયાન ઇજિપ્તની હવાઈ દળની તાલીમી સંસ્થાના વડા હતા. 1972માં તેઓ હવાઈ દળના વડા નિયુક્ત થયા હતા. 1973ની ઇઝરાયલ સાથેની લડાઈમાં તેમણે અગ્રગણ્ય ભાગ ભજવ્યો હતો. 1975માં સાદતે તેમને દેશના ઉપપ્રમુખપદે નીમ્યા હતા.  1981માં મુસ્લિમ આતંકવાદી દ્વારા અનવર સાદતનું ખૂન થતાં હોસ્ની મુબારક પ્રમુખ બન્યા. તેમના નેતૃત્વ હેઠળ 1983માં ઇજિપ્ત અને આરબ દેશો વચ્ચે તૂટેલા સંબંધો સંધાયા અને ઇજિપ્તને 1987માં આરબ લીગમાં પ્રવેશ મળ્યો. તેમણે સાદતની મધ્યમમાર્ગી નીતિઓનો અમલ કરવાનું કાર્ય ચાલુ રાખ્યું અને ક્રમશ: પ્રેસ સ્વાતંત્ર્ય અને રાજકીય સંગઠનોનું સ્વાતંત્ર્ય વધારતા ગયા તેમજ તે સાથે આતંકવાદી (fundamentalist) ચળવળો દબાવતા ગયા. 1991ના અખાતી યુદ્ધમાં ઇજિપ્તે અમેરિકા તરફે રહી ભાગ લીધો અને શાંતિ સ્થાપવામાં મહત્વની ભૂમિકા નિભાવી. ઇજિપ્તમાં 1992માં ખ્રિસ્તીઓ અને મુસ્લિમો વચ્ચે હિંસા ફાટી નીકળી અને 1994માં સરકાર તૂટી પડી. ઇસ્લામિક લડાયકવાદીઓ(militants)ને કારણે 1995માં તેમની હત્યાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો અને 1996માં કમાલ અહમદ ગાંઝૌરી વડાપ્રધાન બન્યા. 1999માં થયેલી ચૂંટણીમાં હોસ્ની મુબારક ચોથી મુદત માટે પ્રમુખ ચૂંટાયા.

ઇજિપ્ત મૂળે રાજાશાહી ધરાવતો દેશ હતો અને રાજા ફારૂકનું શાસન પ્રવર્તતું હતું ત્યારે મોહમદ નજીબ લશ્કરના વડા હતા. તેમને બે વર્ષ માટે દેશના પ્રમુખનો હોદ્દો સોંપાયો હતો. પછી તેમને બાજુ પર ખસેડી ગમાલ અબ્દેલ નાસરને 1954માં પ્રમુખ બનાવ્યા. 1954થી 1970 સુધી, જીવનના અંતપર્યંત તેઓ પ્રમુખ રહ્યા. તેમના આ પ્રમુખીય કાર્યકાળ દરમિયાન ઇંગ્લૅન્ડ, ફ્રાંસ અને ઇઝરાયલ સાથે યુદ્ધો થયાં. ઇજિપ્તે સિનાઈ દ્વીપકલ્પ 1967માં ગુમાવ્યો ત્યારે તેમણે રાજીનામું ધરેલું; પરંતુ પ્રજાની રેલીઓ દ્વારા તેમને હોદ્દા પર રહેવાની ફરજ પાડવામાં આવી હતી.

નાસર સરકારના ઉપપ્રમુખ અનવર સાદત હતા. તેમણે 1973માં સિનાઈ દ્વીપકલ્પ પાછો મેળવવા ઇઝરાયલ સાથે યુદ્ધ કર્યું હતું અને 1979માં ઇઝરાયલ સાથે મંત્રણા યોજી શાંતિ-કરાર કર્યા હતા. 1981માં શાંતિ-કરાર વિરોધી વલણોને કારણે તેમની હત્યા થઈ. હોસ્ની મુબારક નવા પ્રમુખ બન્યા. તેમણે 30 વર્ષ સુધી શાસન ચલાવ્યું. આ સમગ્ર સમયગાળાની અત્યંત નોંધપાત્ર બીના એ છે કે 1952થી 2011 સુધીનાં વર્ષોમાં ચાર પ્રમુખો આવ્યા અને ગયા. આ તમામ પ્રમુખો લશ્કરી ગણવેશધારી શાસકો હતા. 2012માં ચૂંટાયેલા પ્રમુખ મોર્સી નાગરિકી (સિવિલિયન) શાસક હતા.

2011માં આરબ જગતમાં ક્રાંતિઓનો દોર ચાલ્યો. પ્રારંભે ટ્યૂનીશિયા અને પછી ઇજિપ્તમાં ક્રાંતિની શરૂઆત થઈ. પ્રચંડ સામૂહિક વિરોધને કારણે પ્રમુખ હોસ્ની મુબારકે 30 વર્ષ હોદ્દો ભોગવી નાછૂટકે ફેબ્રુઆરી, 2011માં રાજીનામું આપ્યું. આ ક્રાંતિના પગલે ત્યાંની ધારાસભા મજલિસ-અલ્-શૂરાએ માર્ચ, 2012માં જૂના બંધારણને સ્થાને નવું બંધારણ ઘડવાનો નિર્ણય કર્યો. જોકે 2012ની પ્રમુખીય ચૂંટણીઓ જૂના બંધારણ અનુસાર યોજવામાં આવી. તેમાં મોહંમદ મોર્સી (જુઓ : મોર્સી મોહંમદ, ખંડ 16) ઇજિપ્તના નવા પ્રમુખ ચૂંટાયા. તેઓ ઇજિપ્તના પાંચમા પ્રમુખ હતા.

ઇજિપ્તની ક્રાંતિ : 2011માં ટ્યૂનીશિયામાં સત્તાપલટો થયો તે સાથે આરબ જગતના ઘણા અસંતુષ્ટ દેશોમાં પ્રજાકીય આંદોલનો પ્રબળ બન્યાં. જાન્યુઆરી, 2011માં ઇજિપ્તમાં પ્રજાએ શાસન વિરુદ્ધ ઊહાપોહ મચાવ્યો. કૅરો યુનિવર્સિટી અને ત્યાંનો તહરીર ચોક આ ઊહાપોહનું કેંદ્ર રહ્યા. વ્યાપક પ્રજાકીય અજંપાને કારણે ત્રણ દાયકાના મુબારક શાસનનો અંત આવ્યો. ફેબ્રુઆરી, 2011માં તેમણે સત્તાનાં સૂત્રો લશ્કરના હાથમાં સોંપ્યાં. નવેમ્બર, 2011માં ક્રાંતિ પછી પ્રથમ સંસદીય ચૂંટણીઓ યોજાઈ. તેમાં ઇસ્લામી પક્ષોને 75 % બેઠકો મળી. મે, 2012માં ત્યાં પહેલી પ્રમુખીય ચૂંટણી યોજાઈ, જેમાં મોહમદ મોરસી વિજેતા બનતાં તેઓ ઇજિપ્તની ક્રાંતિ પછીના નાગરિકી પ્રમુખ બન્યા કે જેમને પ્રજાએ ચૂંટ્યા હતા. પ્રજાના ચૂંટાયેલા પ્રમુખ તરીકે મોરસીના શિરે ઘણી જવાબદારી ઊભી થઈ હતી. પ્રમુખની ચૂંટણી પૂર્વે લશ્કરે પ્રમુખની સત્તા પર અંકુશ મૂકતી જોગવાઈઓ જાહેર કરી હતી. દેશની વાસ્તવિક અને આખરી સત્તા પ્રમુખ મોરસી પાસે નહીં પણ લશ્કરના જનરલો પાસે છે. આ સત્તા નવા પ્રમુખે સ્થાપિત કરીને તેમની નવી કામગીરીનો આરંભ કરવાનો થશે. પ્રમુખ મોરસીએ આવા પડકારો વચ્ચે પ્રમુખીય કામગીરી કરવાની હતી. તે પરિસ્થિતિની નોંધ લેવી રહી.

પ્રારંભે મોરસી સરકારે વ્યસ્થિત શરૂઆત કરી પરંતુ પ્રજાની અપેક્ષા મુજબ કામ ન થતાં મે, 2013 સુધીમાં મોરસી સરકાર સામે વ્યાપક પ્રજાકીય અજંપો ઊભો થયો હતો. 2013ના જુલાઈમાં મોરસીને પદભષ્ટ કરીને લશ્કરી જનરલ અબ્દુલ ફતેહ સત્તામાં આવ્યા હતા.

ર. ના. મહેતા

રમણલાલ ક. ધારૈયા

દેવવ્રત પાઠક

રમણિકભાઈ ઉ. દવે

રક્ષા મ. વ્યાસ