આસિમોવ, આઇઝેક (જ. 2 જાન્યુઆરી 1920, પેટ્રોવિચી, રશિયા; અ. 6 એપ્રિલ 1992) : વિજ્ઞાનને લોકભોગ્ય બનાવવામાં સફળ નીવડેલા સમર્થ આધુનિક અમેરિકી સાહિત્યસર્જક. તે ત્રણ વર્ષની ઉંમરે અમેરિકામાં આવેલા અને બ્રુકલિનમાં ઊછરેલા. તેમણે 1928માં અમેરિકાનું નાગરિકત્વ સ્વીકાર્યું. કોલંબિયા યુનિવર્સિટીમાંથી 1939માં સ્નાતકની અને 1948માં જીવરસાયણમાં ડૉક્ટરેટની પદવી મેળવીને બૉસ્ટન યુનિવર્સિટીમાં શિક્ષણકાર્ય શરૂ કર્યું. 1958માં રાજીનામું આપીને બધો સમય લેખનપ્રવત્તિને આપ્યો. વિજ્ઞાનવિષયક વાર્તા-સાહિત્યમાં તેઓ મૂર્ધન્ય લેખક ગણાય છે. ‘રોબૉટિક્સ’ શબ્દ તેમનું પ્રદાન છે. કૃત્રિમ બુદ્ધિમત્તા અંગેના સંશોધનમાં ઘણા વૈજ્ઞાનિકોને તેમનાં લખાણોએ પ્રેરણા આપી છે. વિજ્ઞાનેતર સાહિત્યમાં પણ શેક્સપિયરથી બાઇબલ સુધીના વિષયોનું તેમણે નિરૂપણ કર્યું છે. વિજ્ઞાનના જટિલ વિષયોની સામાન્ય વ્યક્તિ પણ સમજી શકે તેવી રજૂઆત કરવાની તેમની શૈલી અજોડ ગણાય છે. વિજ્ઞાનેતર વિષયોનાં લખાણોમાં પણ તર્ક અને જ્ઞાનને સમર્પિત અને મનુષ્યજાતિના ભવિષ્ય બાબત સાચા દિલથી ચિંતિત, કરુણાસભર, માનવતાપ્રેમી લેખક તરીકે તેમની છાપ ઊપસે છે.

આઇઝેક આસિમોવ

તેમનાં પુસ્તકોમાં ‘પેબલ ઇન ધ સ્કાય’ (1950), ‘આઇ રોબૉર્ટ’ (1950), ‘ફાઉન્ડેશન’ (1951), ‘ફાઉન્ડેશન ઍન્ડ એમ્પાયર’ (1952), ‘સેકન્ડ ફાઉન્ડેશન’ (1953), ‘ધ ન્યૂ ઇન્ટેલિજન્ટ મૅન્સ ગાઇડ ટૂ સાયન્સ’ (1965), અને જીવનચરિત્રના બે ગ્રંથો ‘ઇન મેમરી યટ ગ્રીન’ (1979) અને ‘ઇન જૉય સ્ટિલ ફેલ્ટ’ (1980) બહુ જાણીતાં છે. 1969 સુધીમાં તેમનાં 100 પુસ્તકો પ્રસિદ્ધ થઈ ગયાં છે. તેમણે ‘ઓપસ 200’ 1979માં પ્રસિદ્ધ કર્યું છે.

જયંતિલાલ જટાશંકર ત્રિવેદી