આસિફુદ્દૌલા (જ. 23 સપ્ટેમ્બર 1748, ફૈઝાબાદ; અ. 21 સપ્ટેમ્બર 1799, લખનૌ) : લખનૌના ખ્યાતનામ નવાબ અને સાહિત્ય તથા કલાના ઉપાસક નવાબ શુજાઉદ્દૌલાના પુત્ર. આસિફુદ્દૌલા ઈ. સ. 1775માં લખનૌના નવાબ થયા. તેમની નવાબીની સાથે જ લખનૌ એક નવવધૂના સાજસિંગારની જેમ ઝળકવા માંડ્યું. કળા, કૌશલ્ય અને સાહિત્યના દરેકેદરેક ક્ષેત્રમાં એક નવી રોનક, શાન અને આકર્ષણ પેદા થયાં. નાદિરશાહ અને અબ્દાલી જેવા ઈરાની સરદારોના હુમલાઓએ દિલ્હીને વેરણછેરણ કરી દીધું હતું. દિલ્હીનાં તેજ અને સભ્યતા ઝંખવાયાં હતાં. ઊર્મિશીલ કવિઓના દિલમાં ઊંડા ઘા પડ્યા હતા. આસિફુદ્દૌલાએ આ બધી વેદનાઓના ઉપાય રૂપે લખનૌને શણગાર્યું, દિલ્હીના મોટા ભાગના કવિઓ, સાહિત્યકારોને લખનૌ પધારવા ઉદાર નિમંત્રણો પાઠવ્યાં. રાજ્ય નાનું, સત્તા સાંકડી, પરંતુ હૃદયની વિશાળતા અને સાહિત્યની ઉપાસનાએ પ્રોત્સાહનનો જે વિશાળ ચંદરવો પાથર્યો તેની છાયામાં ઘણા નામવર કવિઓ-લેખકોએ લખનૌની શોભામાં ઉમેરો કર્યો.

આસિફુદ્દૌલા પોતે પણ સારા કવિ હતા. પહેલાં મીર સોઝ અને પછી મરી તકી મીર પાસેથી ‘કવિતા-ઇસ્લાહ’ એટલે કાવ્યરચના અંગેનું માર્ગદર્શન લેતા હતા. તેમનો એક કાવ્યસંગ્રહ પ્રસિદ્ધ થઈ ચૂક્યો છે. તેમનો મકબરો આજેય લખનૌની શોભા રૂપે મોજૂદ છે.

મોહિયુદ્દીન બૉમ્બેવાલા