આસિયાણી, અબ્દુલ સત્તાર

January, 2002

આસિયાણી, અબ્દુલ સત્તાર (જ. 1885; અ. 1951) : કાશ્મીરી લેખક. શ્રીનગરના ગુર્જર કુટુંબમાં જન્મ. સંજોગવશાત્ પ્રાથમિક શિક્ષણ લીધા પછી તરત જ શાળા છોડવી પડેલી, પરંતુ આંતરસૂઝથી સાહિત્યસર્જન તરફ વળેલા. શરૂઆતમાં ફારસી ગઝલોની રચના કરી. ‘વિધવા’ ગઝલે એમને ખૂબ પ્રસિદ્ધિ અપાવી હતી. એ પછી કાશ્મીરી સાહિત્યનાં અનેક ક્ષેત્રોમાં સર્જન કરીને 47 સાહિત્યકૃતિઓ પ્રસિદ્ધ કરેલી છે. તેમની અપ્રસિદ્ધ કૃતિઓનું સંપાદનકાર્ય કાશ્મીર સરકાર તરફથી હાથ ધરાયું છે. કાશ્મીરની સહકારી સાહિત્યિક સંસ્થા ‘બઝ્મે કાશ્મીર’ના તેઓ પ્રમુખ હતા. 1947 પછી ‘કાશ્મીર કલ્ચરલ ફ્રન્ટ’ તરફથી એમને લોકકવિનો ઇલકાબ અપાયેલો. એમની રચનાઓમાં તળપદી કાશ્મીરીનો પ્રયોગ થયેલો છે. એમણે કવિતા, વાર્તા, નિબંધો તથા આત્મકથા જેવાં સાહિત્યસ્વરૂપો ખેડેલાં છે.

ચન્દ્રકાન્ત મહેતા