આસનસોલ : પશ્ચિમ બંગાળના વર્ધમાન જિલ્લાનો પેટાવિભાગ અને કૉલકાતાથી વાયવ્યે 210 કિમી.ને અંતરે આવેલું શહેર. ભૌગોલિક સ્થાન : 240 18´ ઉ. અ. અને 870 17´ પૂ. રે. તે પૂર્વમાં જતી રેલવેનું વડું મથક છે. બિહાર-બંગાળનાં સમૃદ્ધ કોલસા અને લોખંડનાં ક્ષેત્રો પાસે આવેલું હોઈ આ શહેરનો ઔદ્યોગિક વિકાસ સારા પ્રમાણમાં થયો છે. આજુબાજુની ખાણોમાંથી મળી આવતો કોલસો આસનસોલમાં એકત્રિત કરીને ભારતનાં અન્ય જરૂરિયાતવાળાં સ્થળોએ રેલ મારફત મોકલાય છે.
આ શહેર જમશેદપુરથી ઘણું નજીક હોઈ લોખંડના ઉદ્યોગ સાથે સંકળાયેલા આનુષંગિક ઉદ્યોગો અને રસાયણ-ઉદ્યોગોનું કેન્દ્ર બન્યું છે. આવી ભૌગોલિક અનુકૂળતાને કારણે પશ્ચિમ બંગાળનું આ એક મોટું ઔદ્યોગિક શહેર બની શક્યું છે. શહેરની વસ્તી 5,64,491 અને મહાનગરની વસ્તી 12,43,008 (2011) જેટલી છે.
હેમન્તકુમાર શાહ