આલ્ફ્રેડ, ધ ગ્રેટ (જ. 849, વૅન્ટેજ; અ. 26-10-899) : મહાન અંગ્રેજ રાજા આલ્ફ્રેડ. તેના ભાઈ ઍથલરેડ પછી એપ્રિલ 871માં વેસેક્સની ગાદીએ આવ્યો. તે રાજા ઍથલવુલ્ફનો પુત્ર હતો. શૂરવીરતા માટે તેમજ તેના વિદ્યાપ્રેમ માટે પ્રખ્યાત છે. નવમી સદીના બીજા મહાન શાસક શાર્લેમેન સાથે તેની તુલના થઈ શકે.

Statue d'Alfred le Grand à Winchester

આલ્ફ્રેડ ધ ગ્રેટ

સૌ. "Statue d'Alfred le Grand à Winchester" | CC BY-SA 3.0

આલ્ફ્રેડે ડેન લોકો વિરુદ્ધ પોતાના રાજ્યનું રક્ષણ કરવા 876થી પોતાના મૃત્યુ સુધી યુદ્ધ ખેલ્યું હતું. તે રાષ્ટ્રની એકતાના પ્રતીક સમો પ્રથમ અંગ્રેજ રાજા હતો.

તે વિદ્યાપ્રેમી હતો અને પોતાની પ્રજાને શિક્ષણની તક મળે તે માટે કટિબદ્ધ હતો. તે વિદ્વાન રાજાએ જાતે જ ઍંગ્લો-સૅક્સન(જૂની પ્રાચીન અંગ્રેજી ભાષા)માં લૅટિનમાંથી ‘પૅસ્ટોરલ કેર ઑવ્ ગ્રેગરી-1’, ‘ઓરોસિયસસેવન બુક્સ ઑવ્ હિસ્ટરી’, ‘અગેઇન્સ્ટ ધ પૅગન્સ’, ‘બોથિયસ કૉન્સોલેશન ઑવ્ ફિલૉસૉફી’, ‘ઑગસ્ટીન ઑવ્ હિપ્પોઝ સોલિલોક્વિઝ’નું ભાષાંતર કરેલું. આમાંના દરેક પર તેણે ટિકાટીપણી પણ કરેલાં. આલ્ફ્રેડના લશ્કરી વિજયોએ અંગ્રેજ સંસ્કૃતિ અને પ્રજાની અસ્મિતાને નષ્ટ થતી બચાવી હતી. તેણે કાયદાની આદર્શ સંહિતા પણ પ્રચલિત કરી. તેણે ડેન લોકોને પોતાના લશ્કર તેમજ નૌકાદળ વડે 878માં તેમજ 884માં જબ્બર પરાજય આપીને ઇંગ્લૅન્ડમાંથી હાંકી કાઢ્યા હતા અને તેમના લોકોના કબજામાંથી લંડન શહેરને મુક્ત કર્યું હતું.

કૃષ્ણવદન જેટલી