આલુ : દ્વિદળી વર્ગમાં આવેલા રોઝેસી કુળની એક વનસ્પતિ. सं. आरुक; हिं. आलुका; ગુ. આલુ, જરદાલુ; અં. Apricot. આલુ(genus)નું લૅટિન નામ Prunus armeniaca છે. ગુલાબ (Rose), Rubus, Fragaria, Geum, સફરજન અને Pyrus અને Potentilla તેનાં સહસભ્યો છે. પરંતુ તે સર્વેમાંથી ફક્ત Potentilla નર્મદાના તટપ્રદેશમાં અને પાવાગઢ ઉપર ખાબોચિયાના કાંઠે મળે છે. હરદ્વારથી હટમંડી સુધીના હિમાલયના પહાડોમાં આ કુળનું નિવાસસ્થાન છે.

આ પ્રજાતિની ઘણી જાતિઓ (species) છે : P. communis L., બદામ; P. persica, પીચ; P. armeniaca, જરદાલુ; P. Bokhariensis, આલુબુખારા; P. domestica, જરસી; P. cerasus, ચેરી.

આલુનું મૂળ વતન મધ્ય અને અગ્નિ એશિયા ગણાય છે. સિકંદરના સમયે તે યુરોપમાં દાખલ થયું. યુરોપીય જાતિઓમાં P. domestica અને જાપાનીઝ જાતોમાં P. salicina અગત્યની છે. મહત્વની જાતોમાં બ્યૂટી બ્રાઇટ, રેડબર બૅન્ક, અર્લી ટ્રાન્સપૅરન્ટ, ગેજ, ગ્રાંડ ડ્યૂક કેલ્સે, સાન્ટા રોઝા અને વિક્ટોરિયા વિક્સન છે. ઈરાન, ઇરાક, અફઘાનિસ્તાન, અમેરિકા, ઑસ્ટ્રેલિયા, આફ્રિકા, ઇટાલી, ફ્રાંસ, સ્પેન વગેરે દેશોમાં તથા ભારતમાં કાશ્મીર, હિમાચલ પ્રદેશ, કુલુ અને કુમાઉંમાં તેનું વાવેતર કરાય છે. મશોબ્રાની આજુબાજુનો વિસ્તાર આલુના વાવેતર માટે જાણીતો છે. તેના વાવેતર માટે છિદ્રાળુ, કસવાળી, સારા નિતારવાળી જમીન અનુકૂળ હોય છે. આલુ ઠંડા કે સમશીતોષ્ણ પ્રદેશનો પાક હોવાથી અતિશય ઠંડી નુકસાનકારક ગણાય છે. જંગલી જરદાલુના મૂલકાંડ ઉપર ઢાલાકાર આંખનું કલમ પદ્ધતિથી પ્રસર્જન કરાય છે. પૂરક વૃક્ષ તરીકે વાવવાનું હોય તો 15 x 15મી. કે 20 x 20 મી.ના અંતરે અથવા મુખ્ય છોડ તરીકે વાવવા માટે 6-8 મીટરના અંતરે સારો પ્રકાશ મળે એ રીતે ગોઠવણી કરાય છે. આલુનાં વૃક્ષો 30-35 વર્ષ સુધી ફળ આપે છે. તેનું 100વર્ષનું આયુષ્ય પણ નોંધાયું છે. આલુનાં વૃક્ષો વિશાળ, 6-10 મીટર ઊંચાં હોય છે. તેનાં પર્ણો સંયુક્ત અને ઉપપર્ણો સંલગ્ન હોય છે. અસંખ્ય પુંકેસર ધરાવતાં નાના પરાગકોષવાળાં, સુગંધીદાર, સફેદ કે ગુલાબી પુષ્પો.

આલુ –પર્ણ, પુષ્પ અને ફળ

આલુ પર્ણ, પુષ્પ અને ફળ Vol. 2.10

રોપણી બાદ મૂળને ઈજા ન થાય તે રીતે હળવી ખેડ (8-10 સે.મી. ઊંડી) શિયાળાથી એપ્રિલ-મે માસ સુધીમાં કરવી જરૂરી હોય છે. રોપણી બાદ શિયાળામાં પ્રતિવર્ષ ચાર વર્ષ સુધી છાંટણી કરવી જરૂરી છે. છાંટણીથી વૃક્ષની વૃદ્ધિ સારી થાય છે અને ફળોનું ઉત્પાદન વહેલું થાય છે. ફળ આપતા વૃક્ષની છાંટણી એવી રીતે કરવામાં આવે છે કે જેથી પ્રતિવર્ષ 30-50સેમી.ની નવી વૃદ્ધિ ચાલુ રહે. ફળો પાકે તે પહેલાં ફળોની વચ્ચે 3-7 સેમી.ની ખાલી જગા રહે તે રીતે પારવણી કરવામાં આવે છે. આમ કરવાથી ફળોનો રંગ સારો આવે છે. એપ્રિલ-મે માસમાં કુદરતી રીતે ઘણાં ફળો ખરી પડે છે તે બાબત ધ્યાનમાં રાખીને પારવણી કરવી જોઈએ. જાપાનીઝને મુકાબલે યુરોપીય જાતોમાં ઓછી પારવણી કરવી પડે છે.

સ્થાનિક વપરાશ માટે આલુને ઝાડ ઉપર જ પાકવા દેવામાં આવે છે. જ્યારે બહાર મોકલવા માટે ફળોને વહેલાં ઉતારી લેવાય છે. ફળો ત્રણથી ચાર વખત વીણી શકાય છે. ફળોને બહાર મોકલવા માટે 50 × 27.5 × 10 સેમી.ના કદની પેટીમાં આશરે 10 કિગ્રા. આલુ ભરવામાં આવે છે.

આલુ અંડાકાર અને એક બાજુએ ફૂલેલું હોય છે. તેનો રંગ લાલાશ પડતો કથ્થાઈ હોય છે. અંદરનો ગર લાલાશ પડતો પીળો, પોચો અને મીઠો હોય છે. તેની અંદરનો ઠળિયો સખત હોય છે, જેને તોડતાં બદામ જેવું મીંજ મળે છે. આલુમાં વિટામિન A અને લોહ સારા પ્રમાણમાં હોય છે. તે સૂકા મેવા તરીકે વપરાય છે. કડવું મીંજ ઝેરી હોય છે. મીંજનું તેલ સૌંદર્યપ્રસાધનોની બનાવટમાં ઉપયોગી છે.

આલુના રોગોમાં સ્યૂડોમોનાસ નામના સૂક્ષ્મ જીવાણુઓથી થતો રોગ છે, જેમાં ફૂલ તથા ફળ ઉપર ગુંદર જેવો પદાર્થ જામે છે. રોગવાળા ભાગને કાપી નાખવો જરૂરી છે.

જ. પુ. ભટ્ટ