આર્હા, યુહાની: (જ. 11 સપ્ટેમ્બર 1861; અ. 8 ઑગસ્ટ 1921) :  ફિન્લૅન્ડના લેખક. મૂળ નામ યોહાન્નેસ બ્રુફેલ્ટ. હેલસિંકી યુનિવર્સિટીમાં અભ્યાસ કરી તેમણે ઘણા સમય સુધી પત્રકારત્વનો વ્યવસાય કરેલો. ‘યંગ ફિન્લૅન્ડ’ ઉદારમતવાદી પંથના તે સક્રિય સભ્ય હતા. બાવીસમે વર્ષે તેમણે સાહિત્યસર્જન આરંભ્યું. તેમણે ફ્રેંચ લેખકો દોદો અને મોપાસાંને આદર્શ ગણી વાસ્તવલક્ષી શૈલીમાં વાર્તાઓ અને નવલકથાઓ લખેલી, પરંતુ જીવનનાં છેલ્લાં વર્ષો દરમિયાન તેઓ રંગદર્શિતા તરફ વળ્યા હતા. તેમની નવલકથા ‘રાઉતાની’(‘ધ રેલવે’, 1864)માં એક પ્રૌઢ દંપતીની પ્રથમ રેલવે મુસાફરીનું સુંદર આલેખન છે. આ નવલકથા એક પ્રશિષ્ટ ગ્રંથ ગણાય છે. ‘પાપિન ત્યતાર’ (‘ધ પાર્સન્સ ડૉટર’) (1885) અને ‘પાપિન રૌવા’(‘ધ પાર્સન્સ વાઇફ’, 1893)માં શિક્ષિત અને ભદ્રવર્ગના લોકોના જીવનનું આલેખન છે.

1890થી આર્હા રંગદર્શી રાષ્ટ્રવાદ તરફ આકર્ષાયા. તેમની દીર્ઘ નવલકથા ‘પાનું’ (1897) ખ્રિસ્તીધર્મીઓ અને અન્યધર્મી લોકો વચ્ચે 17મી સદીમાં થયેલ સંઘર્ષ રજૂ કરે છે. ‘સ્પ્રિંગ ઍન્ડ ધી અનટાઇમલી રિટર્ન ઑવ્ વિન્ટર’ (1906) 19મી સદીમાં ફિન્લૅન્ડના લોકોમાં આવેલી રાષ્ટ્રીય જાગૃતિ વિશે છે. તેમની પ્રખર રંગદર્શી નવલકથા ‘યુહા’ (Juha-1911) કારેલિયન વનમાં થયેલ એક અપંગના દુ:ખી લગ્નજીવન વિશે છે. તેમણે ‘ચિપ્સ’ નામના 8 વાર્તાસંગ્રહો(1891થી 1921) પ્રગટ કર્યા છે. આ તેમનું ચિરંજીવ સાહિત્ય છે. સંસ્મરણો ‘ડુ યુ રિમેમ્બર ?’(1920)માં શાંત ઊર્મિકવિતા વહેવડાવી છે. આર્હાએ ફિનિશ સાહિત્ય પર ર્દઢ પ્રભાવ પાડેલો છે.

નલિન પંડ્યા