આર્સેનોપાયરાઇટ (Arsenopyrite, જર્મન પર્યાય Mispickel) : આર્સેનિકનું ખનિજ. રાસાયણિક બંધારણ : FeAsS અથવા FeS2. FeAs2, આયર્ન સલ્ફાર્સેનાઇડ. આર્સેનિક-46.0 %, ગંધક-19.7 %, લોહ-34.3 %. ક્યારેક લોહ, કોબાલ્ટથી વિસ્થાપિત થાય (3થી 4 %) તો ખનિજ ડાનાઇટ (danaite) નામે ઓળખાય છે.

સ્ફટિક વર્ગ : ઑર્થોરહૉમ્બિક. અપારદર્શક. સ્ફટિકો મુખ્યત્વે પ્રિઝ્મેટિક અથવા ઊભા ચપટા, સીધા સ્તંભાકાર પણ હોય, ક્યારેક દાણાદાર અથવા ઘનિષ્ઠ.

રંગ : કલાઈ કે ચાંદીસમ શુભ્ર-શ્વેત, પોલાદ જેવો રાખોડી કે આછો તામ્રરંગી. ચળકાટ : ધાત્વિક. ચૂર્ણરંગ : ઘેરો રાખોડી-કાળો. ભંગ-સપાટી : બરડ, ખરબચડી, પોલાદ સાથે અફળાય તો તણખા ઝરે, અને લસણ જેવી ગંધ પ્રસરાવે. કઠિનતા : 5.5 – 6. વિ.ઘ. : 5.9 – 6.2.

સંભેદ : પ્રિઝ્મૅટિક-લગભગ સ્પષ્ટ, બેઝલ-આછી અંશાત્મક.

આર્સેનોપાયરાઇટ તેની કઠિનતા અને કલાઇસમ શ્વેત રંગથી જલદી પારખી શકાય છે. કોબાલ્ટ અને નિકલનાં સલ્ફાઇડ અને આર્સેનાઇડને તદ્દન મળતું આવતું આ ખનિજ ફૂંકણી-કસોટી દ્વારા સરળતાથી પારખી શકાય છે.

પ્રાપ્તિસ્થિતિ : કલાઈ, તાંબું, કોબાલ્ટ, નિકલનાં ખનિજો સાથે તેમજ વિશેષત: સીસા-ચાંદી-સુવર્ણની ખનિજશિરાઓ સાથે સંકલિત; અગ્નિકૃત-અંતર્ભેદનોમાં અને ઉષ્ણજળજન્ય શિરાઓમાં ઉપલબ્ધ.

ઉપયોગો : કીટકનાશક/જંતુનાશક દવાઓની બનાવટમાં, રંગો બનાવવામાં, સીસાની ગોળીઓ બનાવવામાં, અમુક મિશ્રધાતુઓની બનાવટમાં, કાપડ-ઉદ્યોગના છાપકામમાં અને કાચમાંના રંગો નાબૂદ કરવામાં વપરાય છે.

પ્રાપ્તિસ્થાનો : યુ. એસ., મેક્સિકો, નૉર્વે, સ્વીડન, ફ્રાન્સ, જર્મની, ઑસ્ટ્રિયા, બૅલ્જિયમ, કૅનેડા, કૉર્નવૉલ, ડેવોનશાયર અને ભારતમાં (દાર્જીલિંગ, ભુતાન ખીણપ્રદેશ અને કાશ્મીરમાં) મળી આવે છે.

મોહનભાઈ પુરુષોત્તમદાસ પટેલ