આર્સ પોએટિકા (Ars Poetica/Art of Poetry – કાવ્યકલા) (ઈ. સ. પૂ. 68-5 દરમિયાન) : પાશ્ચાત્ય કાવ્યશાસ્ત્રનો પદ્યગ્રંથ. લેખક રોમન કવિ-વિવેચક હૉરેસ. પોતાના મિત્ર પિસો અને તેના બે પુત્રોને કાવ્યશાસ્ત્રનો પરિચય આપવા પદ્યપત્ર રૂપે આ ગ્રંથની રચના કરી હતી. આ ગ્રંથનું મૂળ શીર્ષક ‘Epistola ad Pisones’ (પિસોને પત્ર) હતું; પરંતુ પછીથી તે ‘આર્સ પોએટિકા’ના નામે જાણીતો બન્યો.

હૉરેસ પર ઍરિસ્ટૉટલના ગ્રંથ ‘પોએટિક્સ’નો પૂરો પ્રભાવ જોવા મળે છે. ગ્રીક સાહિત્યનું સ્તર ઊંચું છે તેથી તેના સર્જનાત્મક અનુકરણથી રોમન સાહિત્યનું સ્તર પણ ઊંચું આવશે એમ માનતો હોવાથી આ ગ્રંથમાં તે ગ્રીક સાહિત્યના કેટલાક સિદ્ધાંતોને વ્યવહારુ ભૂમિકાએ મૂકી આપે છે. વિવેચક તરીકેની હૉરેસની પ્રતિભા સામાન્ય હોવા છતાં રોચક શૈલીને કારણે તેનો આ ગ્રંથ સર્વોત્તમ વિવેચનગ્રંથ મનાયો અને યુરોપીય સાહિત્યમાં તે અઢારમી સદી સુધી લોકપ્રિય રહ્યો. તેમાંનાં કેટલાંક સૂત્રાત્મક વિધાનો લોકજીભે રમતાં થઈ ગયાં છે.

ગ્રંથ ત્રણ ખંડમાં વહેંચાઈ જાય છે. 1-72 પંક્તિના પ્રથમ ખંડમાં કાવ્યનાં વિવિધ લક્ષણોની નોંધ છે; 73-294 પંક્તિના દ્વિતીય અને મુખ્ય ખંડમાં કાવ્યસ્વરૂપો, તેમનો ઇતિહાસ અને ઔચિત્ય વિશેની વિચારણા છે; 295-476 પંક્તિના ત્રીજા ખંડમાં કવિઓને રમૂજી શૈલીમાં ઉપદેશ છે.

હૉરેસના મત અનુસાર કાવ્યસર્જનના મૂળમાં પ્રતિભાનું બીજ હોવું જોઈએ, પરંતુ કાવ્યશાસ્ત્રના જ્ઞાન વિના ઊંચા પ્રકારની રચના થઈ શકે નહિ. પ્રકાશન પૂર્વે કાવ્યને વારંવાર પરિમાર્જિત કરવાનું પણ તે સૂચવે છે. કાવ્યના પ્રયોજન તરીકે આનંદ અને ઉપદેશનો સમન્વય તેને ઇષ્ટ છે. ઉત્તમ કક્ષાના કાવ્યનો તે આગ્રહ રાખે છે, મધ્યમ કક્ષાના કાવ્યનો તે અનાદર કરે છે. માનવસહજ દુર્બળતાને કારણે ક્વચિત્ દોષ રહી જાય તો તે નિર્વાહ્ય ગણાય, પણ કવિની સતત બેદરકારીને કારણે દોષોનું પુનરાવર્તન થાય તો તે અક્ષમ્ય ગણાય. સાહિત્યક્ષેત્રે વિવેચનના મહત્વનો પણ તે સ્વીકાર કરે છે.

હૉરેસની વિચારણાના કેન્દ્રમાં ઔચિત્ય છે. તે દૃષ્ટિએ તેણે કાવ્યસ્વરૂપ, વિષયવસ્તુ, પાત્રાલેખન, શૈલી, અભિનય વગેરે અંગોપાંગોની વિચારણા કરેલી છે.

દિનેશ કોઠારી