આર્ષેય બ્રાહ્મણ

January, 2002

આર્ષેય બ્રાહ્મણ : સામવેદના ઉપલબ્ધ 11 બ્રાહ્મણ ગ્રંથો પૈકીનો ‘સામગાન’ અને ઋષિઓનાં નામ’ વર્ણવતો ગ્રંથ. આર્ષેય બ્રાહ્મણના ત્રણ પ્રપાઠકોના કુલ મળીને 82 (28 + 25 + 29) ખંડો છે. સામાન્ય રીતે બ્રાહ્મણગ્રંથમાં મંત્રની વ્યાખ્યા, આખ્યાનો અને યજ્ઞના વિનિયોગની વાત આવે. આ બ્રાહ્મણની વિશિષ્ટતા એ કે તેમાં સામગાનો તેમજ સામવેદના મંત્રોના ઋષિઓનાં નામોની યાદી મૂકી છે. તેથી જ કદાચ તેને આર્ષેય બ્રાહ્મણ કહેલ છે. આ ગ્રંથનું સંપાદન સૌપ્રથમ નાગરી લિપિમાં કૉલકાતાથી સત્યવ્રત સામશ્રમીએ કરેલું (1874). તે પછી (1876) એ. સી. બર્નલે મૅંગલોરથી રોમન લિપિમાં એનું સંપાદન પ્રગટ કર્યું હતું. આ બ્રાહ્મણ પરનું સાયણાચાર્યનું ભાષ્ય ડૉ. રામચંદ્ર શર્માએ તિરુપતિથી 1967માં પ્રસિદ્ધ કર્યું છે. સાયણાચાર્યના સમકાલીન મનાતા ભટ્ટ ભાસ્કરે આર્ષેય બ્રાહ્મણ પર ‘સામવેદાર્ષેયદીપ’ નામનું ભાષ્ય રચ્યું છે. તેની હસ્તપ્રત મૈસૂરમાં છે.

ગૌતમ પટેલ