આર્યનૈતિક નાટક સમાજ

January, 2002

આર્યનૈતિક નાટક સમાજ: (1915થી 1950) : જૂની ગુજરાતી રંગભૂમિની અગ્રગણ્ય નાટક મંડળી. એની સ્થાપના 1915માં નકુભાઈ કાળુભાઈ શાહે કરેલી. વડોદરામાં એ નાટકમંડળી સ્થપાઈ હોવા છતાં મોટે ભાગે એનાં નાટકો મુંબઈમાં જ ભજવાતાં હતાં. એ માટે મુંબઈમાં બાલીવાલા ગ્રાન્ડ થિયેટર રાખેલું. આમ છતાં એ નાટકમંડળી ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં પણ વારંવાર નાટ્યપ્રવાસ કરતી હતી. આ નાટક કંપનીએ કરાંચી તથા હૈદરાબાદમાં પણ નાટકો સફળતાપૂર્વક ભજવેલાં. એનાં ખૂબ લોકપ્રિય નાટકોમાં હરિહર દીવાનાલિખિત ‘સતી તોરલ’; મણિલાલ પાગલલિખિત ઐતિહાસિક નાટક ‘રા’ માંડલિક’, ‘શંભાજી’, ‘છત્રસાલ’, ‘સળગતો સંસાર’ અને ‘બાજીરાવ’; ત્રાપજકરલિખિત ‘સમ્રાટ હર્ષ’, ‘જય ચિતોડ’, ‘સમરહાક’ અને ‘સુખી કે દુ:ખી’; પ્રભુલાલ દ્વિવેદીલિખિત ‘એક અબળા’ તથા ‘શાલિવાહન તેમજ અન્ય લેખકોનાં ‘સૂરદાસ’, ‘સુરેખાહરણ’, ‘સતી પદ્માવતી’, ‘મનહર મેનાં’, ‘વિશ્વપ્રેમી કલાપી’ વગેરે હતાં. એ કંપનીને અઢળક પ્રતિષ્ઠા મળી હતી. એણે ગોવર્ધનરામના ‘સરસ્વતીચન્દ્ર’નું નાટ્યરૂપાંતર પણ (1930) સફળતાપૂર્વક ભજવ્યું હતું. એ નાટકે કંપનીને સારી કમાણી તથા પ્રતિષ્ઠા અપાવ્યાં હતાં. ‘સરસ્વતીચન્દ્ર’ પ્રખ્યાત થયું એનાં ગીતોથી. નાટકનું દિગ્દર્શન નકુભાઈ શાહે જાતે કર્યું હતું. એ માટે બધાં દૃશ્યો તથા તખ્તા પરની સજાવટ માટે અઢળક પૈસો ખર્ચ્યો હતો. બધાં પાત્રોનો અભિનય પણ પ્રભાવક હતો. કુમુદનું પાત્ર અમૃત જાનીએ અને અલકકિશોરીનું પાત્ર જાણીતા નટ મોહન મારવાડીએ ભજવ્યું હતું. મૂળ નવલકથાનું સરસ્વતીચન્દ્રના ગૃહત્યાગ સમયનું ગીત ‘દીધાં છોડી પિતામાતા’ ઘણું લોકપ્રિય થયું હતું.

આર્યનૈતિકનાં જાણીતાં અભિનેતાઓ-અભિનેત્રીઓમાં, મોહન લાલાજી, વિઠ્ઠલદાસ ભોજક, મૂળચંદ્ર ‘મામા’, માસ્ટર ફકીરા, માસ્ટર નિસાર, લાલજી નંદા, અબ્દુલ રહેમાન કાબુલી, મોહન મારવાડી, મૂળજી ખુશાલ, માસ્ટર પ્રહલાદ, પ્રભાશંકર, માસ્ટર શનિ, મુન્નીબાઈ, હીરાબાઈ, રામકૃષ્ણ, છન્નાલાલ, હાસ્યનટ શિવલાલ તથા અલી દાદન તથા બાલુભાઈ પટેલ હતાં. સંગીતકારોમાં મૂળચંદ ‘મામા’, અમૃતલાલ દવે, મોહન જુનિયર તથા દિગ્દર્શકોમાં વિઠ્ઠલદાસ ભોજક, મૂળચંદ ‘મામા’ અને સંનિવેશમાં મહંમદ આલમ, શંકરરાવ પ્રધાન મુખ્ય હતા.

‘સ્વદેશસેવા’ નાટક(1918)નું ગીત ‘સરજેલાં શ્રીપ્રભુજીએ મનુષ્યો સર્વે સરખાં છે.’ ખૂબ જ ખ્યાતિ પામેલું. શાળાઓમાં આ ગીત પ્રાર્થનાગીત તરીકે સ્થાન પામ્યું હતું. ‘રાજા શંભાજી’ નાટક(1922)માં શિવાજી ઘોડા પર સવારી કરીને રંગમંચ પર આવતા હતા. ‘નસીબદાર’ નાટક(1941)માં પ્રખ્યાત અંધ ગાયક કે. સી. ડેએ ભૂમિકા ભજવી ગીતો ગાયાં હતાં. નકુભાઈ શાહનું 1946માં અવસાન થયા પછી સંસ્થાનું સંચાલન નંદલાલ નકુભાઈ શાહે કર્યું હતું.

મુંબઈમાં થયેલાં કોમી હુલ્લડોને કારણે અને હુલ્લડગ્રસ્ત લત્તામાં એમનું થિયેટર હોવાને કારણે એ કંપનીને મોટો ફટકો પડ્યો. વળી તે પછી વિવિધ પ્રદેશોના પ્રવાસો કર્યા તેમાં પણ તેને બહુ સફળતા ન મળવાથી આખરે 1950માં વડોદરામાં એ કંપનીને સમેટી લેવી પડી.

ચીનુભાઈ નાયક