આર્ચિક : વેદમંત્રોનું ગાન-સંચયન. યજ્ઞમાં મંત્રપાઠ કરનાર ઉદગાતા સામવેદના જે મંત્રોને કંઠસ્થ કરતા હતા તેના સંગ્રહને ‘આર્ચિક’ કહેવામાં આવતા. કયો મંત્ર, કયા સ્વરમાં અને કયા ક્રમમાં ગાવામાં આવશે તેની તાલીમ આચાર્ય દ્વારા શિષ્યોને આપવામાં આવતી. વસ્તુતઃ સામવેદમાં ઋગ્વેદના જેટલા પણ મંત્રો આવ્યા છે તે બધા ‘આર્ચિક’ કહેવાય છે જ્યારે યજુર્વેદના મંત્રોને ‘સ્તોમ’ કહે છે. આર્ચિકના બે ભાગ છે – ગ્રામગેય ગાન અને આરણ્ય ગાન. ગ્રામગેય ગાનના મંત્રો વસ્તી વચ્ચે ગવાતા જ્યારે આરણ્યના મંત્રો કેવળ વનના એકાંતમાં જ ગવાતા.

પ્રવીણચંદ્ર પરીખ