આર્કિયોલૉજિકલ મ્યુઝિયમ, સાંચી

January, 2002

આર્કિયોલૉજિકલ મ્યુઝિયમ, સાંચી (મધ્યપ્રદેશ) (સ્થાપના 1919) : ઈ. પૂ. ત્રીજી સદીથી તેરમી સદીની શિલ્પકલાકૃતિઓની વિપુલ સંખ્યા ધરાવતું સંગ્રહાલયય. સાંચીની ટેકરીઓ પરનાં સ્તૂપો, મંદિરો અને વિહારોના સર જૉન માર્શલે કરેલ ઉત્ખનન અને શોધતપાસમાંથી મળી આવેલ પુરાવશેષોનો સંગ્રહ આ મ્યુઝિયમમાં પ્રદર્શિત કરાયો છે. સાંચીના સ્તૂપ-એક અને બેની શિલ્પકળાનાં તોરણો વિશ્વમાં અજોડ છે. તે શિલ્પકૃતિઓ પ્રાણીઓ અને પંખીઓ, નદીઓ અને વૃક્ષોની વિગતોથી ભરપૂર છે. તેમાં રાજત્વ, વૃક્ષ, પૌરાણિક દેવતા, સવારીનાં તથા શેરી અને વનનાં ર્દશ્યો બુદ્ધના સૌમ્ય ઉપદેશ દ્વારા સઘળાં આનંદનાં દ્યોતક છે.

ઉત્ખનનમાંથી મળેલ વેદિકાઓનાં ખંડિત શિલ્પો ને ઓજારો, મૃત્પાત્રો, સિક્કાઓ, ઝવેરાત-પેટીઓ, ડબ્બીઓ અને હીનયાન, મહાયાન, તથા હિંદુ કાળના સ્તૂપોમાં સંઘરાયેલ ધાતુપાત્રો અને માટીની પક્વ શિલ્પકૃતિઓ રૂપે વર્ગીકરણ કરવામાં આવ્યું છે.

અહીં અશોકસ્તંભની શિરાવટી, સ્તૂપનાં પ્રવેશદ્વાર અને કઠેરાના ભાગો જેવી પ્રાચીન શિલ્પકૃતિઓ પ્રદર્શિત કરાઈ છે. સાંચીની સૌથી સુંદર અને મોહક શિલ્પકૃતિ હોય તો તે છે એક હાથ ઊંચો કરીને વૃક્ષની શાખા પકડી ઊભેલી યક્ષીની પ્રતિકૃતિઓ.

ધ્યાનમુદ્રામાં આસનસ્થ બુદ્ધની પ્રતિમાઓ અન્ય ગૅલરીમાં પ્રદર્શિત કરાઈ છે. તેમનાં વસ્ત્રો લગભગ સુશોભન પ્રકારનાં છે અને સ્મિત વેરતો ચહેરો કંડારવામાં કલાકારનું કૌશલ નોંધપાત્ર છે.

અહીં બૌદ્ધ ધર્મનાં સ્મૃતિમંદિરોની અન્ય પ્રતિકૃતિઓ સચવાઈ છે. એક કમળધારી પદ્મપાણિ અને બીજા વજ્રધારી વજ્રપાણિની 2 પ્રતિકૃતિઓ નોંધપાત્ર છે. આ ઉપરાંત પ્રાચીન મધ્યયુગની હિંદુ શિલ્પકૃતિઓમાં વિષ્ણુ, ગણેશ, મહિષાસુરમર્દિની, ગજલક્ષ્મી અને અન્ય દેવી-દેવતાઓનો સમાવેશ થાય છે.

બળદેવભાઈ કનીજિયા