આર્કેડિયા, ધી (1590) : અંગ્રેજી અદભુતરસિક પ્રણયકથા. લેખક સર ફિલિપ સિડની. દક્ષિણ ગ્રીસના ડુંગરાળ પ્રદેશના સંપન્ન ભરવાડોની આ કથા બહુધા ગદ્યમાં અને પ્રસંગોચિત વિવિધ પદ્યરચનાઓ અને ગોપકાવ્યોથી અલંકૃત છે. ‘ધી ઓલ્ડ આર્કેડિયા’ અને ‘ધ ન્યૂ આર્કેડિયા’ એમ બે નામે તે પ્રસિદ્ધ છે. ‘ધી ઓલ્ડ આર્કેડિયા’ 1912માં સિડનીના સમગ્ર સાહિત્યના ગ્રંથોમાં પ્રસિદ્ધ થયેલ. ઇટાલીના કવિ જૅકૅપ્પો સાનાઝારોની કૃતિ ‘આર્કેડિયા’ની સ્પષ્ટ અસર આ રચના પર થઈ છે. પ્રાચીન ગ્રીક, મધ્યકાલીન ઇટાલિયન અને સ્પૅનિશ સાહિત્યમાં આ પ્રકારનાં ગોપકાવ્યો રચાયાં છે. છેક 1581માં સિડનીએ એના પ્રથમ પાઠની હસ્તપ્રત પૂરી કરી હતી. જોકે એની સંશોધિત આવૃત્તિ બર્ટ્રામ ડોબેલે ની બીજી વાચના ‘ન્યૂ આર્કેડિયા’ ખુદ સિડનીએ કરેલ અને તે પ્રથમ રચનાથી ઘણી રીતે જુદી હતી; પરંતુ આ કામ અધૂરું રહ્યું હતું. સિડનીના મૃત્યુ પછી મેરી હર્બર્ટે 1593માં જે આવૃત્તિ પ્રસિદ્ધ કરી તેમાં સિડનીએ સુધારેલ ભાગ સાથે એ પ્રસિદ્ધ થયેલ છે, તે ‘ધ ન્યૂ આર્કેયા’ કહેવાય છે. વળી મૂળ પાંચ ભાગમાં લખાયેલ આ કથાના ભાગ ત્રીજાનું લખાણ અધવચ્ચે તૂટતું લાગે છે. મૂળ કરતાં ‘ન્યૂ આર્કેડિયા’ બેગણું મોટું થયું છે. આ મરણોત્તર કૃતિ 1590માં પ્રસિદ્ધ થઈ. આમાં અંગ્રેજી રચનાનું વસ્તુ ક્લિષ્ટ થયું છે. એમાં ગદ્યના વિપુલ ફકરાઓની વચ્ચે ગીતો, પદ્યરચનાઓ અને ચિંતનકણિકાઓ આવે છે. એની શૈલી ચિત્રાત્મક પણ ઉટપટાંગ સાહિત્યિક રચનાવાળી ભાસે છે. અનેક પેઢીઓ માટે લોકભોગ્ય વાચન પૂરું પાડતા આ પુસ્તકનો પ્રભાવ જેમ્સ શર્લીની નાટ્યકૃતિ ‘ધી આર્કેડિયા’ (1640) અને શેક્સપિયરના ‘કિંગ લિયર’ ઉપર સ્પષ્ટ વરતાય છે.

આર્કેડિયાના મૂર્ખ શાસક ડ્યૂક બૅસિલિયસ અને તેની પત્ની જિનેશિયા અને પુત્રીઓ પામેલા અને ફિલોક્લિયાની વાત આવે છે. મ્યુસિડૉરસ અને પાઇરૉક્લિસ રાજકુમારો છે. રાજા યુઆર્કસ જિનેશિયાને જીવતી દાટી દેવાની અને રાજકુમારને ફાંસીની સજા ફરમાવે છે. જોકે વાર્તાને અંતે બૅસિલિયસ જાગી જતાં બધી ઘટના સ્વપ્નલોક બની જાય છે.

‘ન્યૂ આર્કેડિયા’માં નવાં પાત્રોનું ઉમેરણ વાર્તાને આંટીઘૂંટીવાળી બનાવે છે. આમાં ડ્યૂકની દુષ્ટ સાળી સેક્રોપિયા તથા તેનો હતભાગી પુત્ર ઍમ્ફિયાલસ મુખ્ય છે. જોકે આ કથાનો અંત સુખદ બને છે. આમાં રાષ્ટ્રીય રમતો અને દરબારી ઉત્સવોનાં વર્ણન છે. હાલ જિન રૉબર્ટસન દ્વારા સંપાદિત ‘ધી ઑલ્ડ આર્કેડિયા’ અને ‘ધ ન્યૂ આર્કેડિયા’(ઉભય 1973) ની આવૃત્તિઓ પ્રાપ્ત છે.

કૃષ્ણવદન જેટલી

સુરેશ શુક્લ