આરોગ્ય-વીમો : સરકાર કે અન્ય સંસ્થાઓ દ્વારા યોગ્ય નાણાંની ચુકવણીથી વ્યક્તિગત આરોગ્યનાં જોખમો વખતે રક્ષણ આપવાની વ્યવસ્થા. લોકશાહી રાષ્ટ્ર તરીકે ઇંગ્લૅન્ડમાં આ હેતુસરની રાષ્ટ્રીય આરોગ્ય યોજના (National Health Scheme) શરૂ થયેલી છે. આવી યોજનામાં પ્રત્યેક વ્યક્તિ પોતાને ભાગે આવતા હિસ્સાની ચુકવણી કરી રાજ્ય કે રાષ્ટ્ર દ્વારા સમાજની દરેક વ્યક્તિના આરોગ્યની જાળવણીમાં મદદ કરે છે. તેથી બાળકો, વૃદ્ધો તથા આર્થિક ઉપાર્જન ન કરી શકતા અશક્ત કે અપંગ નાગરિકોના આરોગ્યની સંભાળ પણ લઈ શકાય. યુ.એસ. અને અન્ય દેશોમાં ખાનગી વીમા કંપનીઓ તબીબી વીમા ઉતારવાનું કાર્ય કરે છે.

ભારતમાં રાષ્ટ્રીય કે પ્રાદેશિક ધોરણે આવી કોઈ સરકારી વ્યવસ્થા અસ્તિત્વમાં નથી. ઔદ્યોગિક કામદારો માટે કામદાર રાજ્ય વીમાયોજના (ESIS) અને કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે કેન્દ્ર સરકાર આરોગ્ય યોજના (CGHS) અમલમાં છે. ઔદ્યોગિક આરોગ્યના ક્ષેત્રે મહત્વની કામગીરી કરતી કામદાર વીમા યોજનાના મુખ્ય ઉદ્દેશો તબીબી સહાય, માંદગી સમયનું આર્થિક રક્ષણ, માતૃત્વ સમયે સહાય, અપંગતાનું વળતર, પાલ્ય(dependents)ને રક્ષણ, કૃત્રિમ ઉપાંગ, દંતચોકઠાં, કુટુંબનિયોજન, કુટુંબની તબીબી સંભાળ, માંદગી દરમિયાન નોકરીની સલામતી વગેરે છે. ઈ. સ. 1948ના કાયદાથી અમલમાં આવેલી આ યોજના પોણા ત્રણ કરોડથી વધુ કામદારોને આરોગ્યરક્ષણ પૂરું પાડે છે, જોકે ઉપર જણાવેલી બે મોટી યોજનાઓ સમગ્ર ભારતના નાગરિકોના ઘણા નાના ભાગને જ લાભ આપે છે. અન્ય નાગરિકો માટે જુદી જુદી વીમાકંપનીઓ દ્વારા વિવિધ પ્રકારના વીમા સૂચવાયા છે. 18થી 70 વર્ષની કોઈ પણ વ્યક્તિ નાની રકમ ચૂકવી તેનાં આરોગ્યનાં જોખમો સામે રક્ષણ મેળવી શકે છે. જુદા જુદા રોગો માટે ઘરે કે હૉસ્પિટલમાં રહીને લેવાતી સારવાર વખતે, કૅન્સરના રોગની સારવાર સમયે તથા ઈજા થઈ હોય તો તેની સારવાર માટે, જુદા જુદા વીમા ઉપલબ્ધ છે. જોકે આવી વીમાયોજનાના કેટલાક ગેરલાભો પણ જોવાયા છે. જેણે વીમો ઉતરાવ્યો ન હોય અથવા તો જે ઉંમર કે આર્થિક કારણોસર વીમો ન ઉતરાવી શકે તેને આવી યોજનાનો લાભ મળતો નથી. વીમાનું પ્રીમિયમ ભરનાર વ્યક્તિઓ ઘણી વખતે તેમની ખરેખરી જરૂરિયાત કરતાં વધારાની અને બિનજરૂરી તબીબી સેવાની હકરૂપે માગણી કરે છે.

સમાજનું હિત વ્યક્તિના આરોગ્યની જાળવણીમાં રહેલું છે, જ્યારે વ્યાવસાયિક આરોગ્ય કાર્યકરો અને તેને સંલગ્ન ક્ષેત્રોના કર્મચારીઓ(દા.ત. ડૉક્ટરો, પરિચારિકાઓ, ઔષધ-ઉત્પાદકો વગેરે)નું આર્થિક હિત વિપરીત દિશામાં હોય છે. જોકે આદર્શ વ્યવસ્થા રૂપે જો વ્યક્તિના આરોગ્યની જાળવણી માટે કરવા પડતા ખર્ચનો હિસ્સો લઈ તેની માંદગીની સારવાર સંપૂર્ણપણે મફત કરવામાં આવે તો તે સાચો આરોગ્ય-વીમો ગણાય, એમ કેટલાક વિદ્વાનોનું માનવું છે. આવી સ્થિતિમાં સમાજ તથા આરોગ્ય કાર્યકરોનું આર્થિક હિત સમાન થઈ પડે. હાલ ઉપલબ્ધ યોજનાઓ તો માંદગીના ખર્ચની સામે રક્ષણ આપવા સુધીની જ છે. એટલે તેમને તબીબી વીમાયોજનાઓ ગણવી જોઈએ.

આરોગ્ય-વીમાની યોજનાઓનો ભારતનો તથા અન્ય દેશોનો અનુભવ રાષ્ટ્રીય આરોગ્ય-વીમા તરફ દોરી જઈ શકે, જે કદાચ આરોગ્યસેવાઓના રાષ્ટ્રીયકરણમાં પણ પરિણમે.

શિલીન નં. શુક્લ

સી. એ. દેસાઈ