આરોગ્ય-કાર્યકરોની રક્ષા (ચેપી રોગો)

January, 2002

આરોગ્ય-કાર્યકરોની રક્ષા (ચેપી રોગો) : આરોગ્ય-કાર્યકરોનું ચેપી રોગ સામે રક્ષણ. આરોગ્ય-કાર્યકરોમાં તબીબો, પરિચારિકાઓ, પ્રયોગશાળાના કર્મચારીઓ, હૉસ્પિટલ અને દવાખાનાંમાં કામ કરતા કર્મચારીઓ અને સામાન્ય આરોગ્ય-કાર્યકરોનો સમાવેશ થાય છે. વિવિધ પ્રકારના દર્દીઓના સંસર્ગમાં આવવાને કારણે તેઓ કોઈ વખત ચેપી રોગોના ભોગ પણ બને છે. આ ચેપી રોગોમાં યકૃતશોથ-બી (hepatitis-B, માનવપ્રતિરક્ષાઊણપકારી વિષાણુ(human immuna-dificiency virus,HIV)નો ચેપ, ઓરી, અછબડા, ડિફ્થેરિયા, તાનિકાશોથ (meningitis), ક્ષય, કમળો, કૉલેરા, ટાઇફૉઇડ, કૃમિરોગ, ડેન્ગ્યૂ જ્વર, મસ્તિષ્કશોથ (encephalitis), પ્લેગ, હડકવા, ધનુર્, યકૃતશોથ-બી (hepatitis-B) તથા માનવ-પ્રતિરક્ષાઊણપ(HIV)જન્ય ચેપ વગેરેનો સમાવેશ થાય છે.

એક કિસ્સામાં તો સમગ્ર વિશ્વમાંથી શીતળાનો રોગ નાબૂદ થયા પછી પણ એક પ્રયોગશાળામાં કામ કરતો કર્મચારી શીતળાનો ભોગ બન્યાનું નોંધાયું છે.

આ પરિસ્થિતિમાં આરોગ્ય કર્મચારીઓની શુશ્રૂષા માટે નીચે મુજબના ઉપાયો લેવાય છે :

(1) સંપૂર્ણ આરોગ્ય : એટલે કોઈ ખાસ બીમારી નહિ અને આરોગ્યનું ધોરણ ઊંચું રહે તે છે. તે માટે શુદ્ધ પાણી, ખોરાક વગેરેની વપરાશ, જંતુ અને ઉંદર સામેનાં પગલાં, અંગત આરોગ્યની જાળવણી, પોષણયુક્ત આહાર, વખતોવખત શારીરિક તપાસ કરાવવી અને ચેપી રોગોનો ફેલાવો અટકાવવાના ઉપાયો લેવા વગેરે બાબતો પર ભાર મૂકવામાં આવે છે.

(2) સર્વગ્રાહી પૂર્વસુરક્ષા ઉપાયના સિદ્ધાંત(principal of universal precaution)નો અમલ કરવાથી તબીબ, તેમના સહાયકો અને આરોગ્ય-કાર્યકરો સંભવિત ચેપથી સુરક્ષિત રહે છે. આ સિદ્ધાંતમાં કોઈ પણ દર્દી કોઈ ચેપરોગનો ધારક કે શિકાર છે કે નહિ તેની ખબર ન હોય તો પણ તે કોઈ ચેપી રોગનો ફેલાવો કરી શકશે એવી માન્યતાને આધારે પૂર્વસુરક્ષાના બધા જ ઉપાયોનો ઉપયોગ દરેક દર્દીએ નિદાન, સારવાર કે સંસર્ગ-સમયે કરવો એવું નક્કી કરેલું છે. તે માટેનાં માર્ગદર્શક સૂચનો પણ ઉપલબ્ધ છે.

(3) ખાસ રોગ સામે રક્ષણ : જો કોઈ પણ એક અથવા વધુ રોગ થવાનું જોખમ વધારે હોય તો તેની રસી મૂકીને પણ તે રોગ થતો અટકાવી શકાય છે; દા.ત., ડિફ્થેરિયા, ક્ષય, પોલિયો, કમળો, કૉલેરા, ટાઇફૉઈડ, હડકવા વગેરે રોગોની સામે સુરક્ષા માટે તેની રસી વખતોવખત મૂકવામાં આવે છે.

(4) દર્દીને અલગ સગવડ આપવી (isolation) : આ ઉપાયથી ચેપી રોગના દર્દીના સંસર્ગમાં થોડા જ કાર્યકરો આવે, જેથી તેનો ફેલાવો થતો અટકે છે.

(5) અંગત ઉપાયો : દરેક કર્મચારીએ અંગત આરોગ્યની જાળવણી પર ખાસ ધ્યાન આપવાનું હોય છે.

(6) રોગનું તાત્કાલિક નિદાન અને ઉપચાર : જો કોઈ એક કાર્યકરને ચેપી રોગ લાગુ પડે તો તેનું તાત્કાલિક નિદાન અને ઉપચાર કરવાથી તે રોગ વધુ ફેલાતો અટકે છે.

(7) રોગની આડઅસરોમાંથી મુક્તિ : જો કોઈ ચેપી રોગ થયો હોય તો તેની આડઅસરો બને તેટલા ઓછા પ્રમાણમાં થાય તે પ્રમાણેનાં અસરકારક પગલાં લેવાય છે.

(8) પુન:સ્થાપન (rehabilitation) : કર્મચારીને જે ચેપી રોગ થયો હોય તેમાંથી મુક્ત થઈ તે પોતાનું જીવન પૂર્વવત્ જીવી શકે તે પ્રમાણેનાં પગલાં લેવાય છે.

શિલીન નં. શુક્લ

અમૂલ્યરત્ન સેતલવડ