આરેસિબો રેડિયો ઑબ્ઝર્વેટરી

2002-01-07 02:05:00

આરેસિબો રેડિયો ઑબ્ઝર્વેટરી : ચિલીમાં પૉર્ટોરિકોના આરેસિબો નગરથી આશરે 16 કિમી. દક્ષિણે આવેલી, વિશ્વનો મોટો ટેલિસ્કોપ ધરાવનાર રેડિયો ઑબ્ઝર્વેટરી (વેધશાળા). કૉર્નેલ યુનિવર્સિટીના પ્રોફેસર વિલિયમ ઈ. ગૉર્ડને 1958માં વિચારેલી મૂળ યોજના અનુસાર આ વેધશાળા 1963માં ચાલુ કરવામાં આવી હતી. તેનું મુખ્ય ઉપકરણ 305 મીટર પહોળાઈનો સ્થિર (immobile) રેડિયો ટેલિસ્કોપ છે. તે 300 મીટરનું ગોળાકાર પરાવર્તક (reflector) 102 x 203 સેમી.ની એક એવી 38,778 ઍલ્યુમિનિયમની તકતીઓ(panels)નું બનેલું છે. આ તકતીઓને કુદરતી ખીણમાં પાથરેલ લોખંડના તારની જાળીરૂપ માળખામાં જડેલી છે. આ રીતે રચાયેલ વિશાળકાય પરાવર્તક બ્રહ્માંડમાંથી આવતા રેડિયોતરંગોનું પરાવર્તન કરે છે. આ તરંગો ઝીલવા તથા તરંગોનું પ્રેષણ (transmission) કરવા માટે ત્રણ મિનારા મારફતે વૈજ્ઞાનિક સાધનોથી સજ્જ 600 ટન વજનનું પ્લૅટફૉર્મ, પરાવર્તક ઉપર ઝૂલતું રાખવામાં આવે છે. આ પ્લૅટફૉર્મને વિવિધ દિશાઓમાં ખસેડીને આકાશમાં કોઈ પણ ભાગમાં રહેલા આકાશી પિંડને અનુસરી શકાય છે. 12 કિમી. દૂર ગોઠવવામાં આવેલો બીજો ટેલિસ્કોપ (30 મીટર પહોળાઈ) મુખ્ય પરાવર્તકની સહાયમાં વ્યતીકરણમિતીય (interferometric) અભ્યાસ માટે વપરાય છે. પૃથ્વીનું આયનમંડળ (5,000 કિમી. સુધી), ગ્રહોની સપાટીનો નકશો (પરાવર્તિત રડાર સંકેતોના પૃથક્કરણ વડે), ક્ષુદ્ર ગ્રહો (asteroids), આકાશગંગામાંના તથા તેની બહારના રેડિયોસંકેત આપતા આકાશી પદાર્થો, પલ્સાર્સમાં ન્યૂટ્રૉનદ્રવ્યની પરખ તથા પૃથ્વી સિવાયના ગ્રહોમાં બુદ્ધિશાળી જીવન અંગેની તપાસ આ વેધશાળાના અભ્યાસના વિષયો છે.

રમેશ શાહ