આરબ ક્રાંતિ : 2000 સુધીનું આરબ જગત વિશ્વમાં સામાન્યતયા રાજકીય સ્થિરતાની છાપ ઊભી કરતું હતું જેમાં મુખ્ય અપવાદ ઇઝરાયલ-પૅલેસ્ટાઇન સંઘર્ષ હતો; પરંતુ 2010થી ત્યાં સંખ્યાબંધ દેખાવો અને વિરોધો આરંભાયા અને 2012ના મધ્યભાગ સુધીમાં મધ્યપૂર્વના અને ઉત્તર આફ્રિકાના દેશો વિવિધ રીતે તેમનો આક્રોશ અને પ્રજાકીય બેચેની વ્યક્ત કરી રહ્યા છે. પ્રજાની આ બેચેની અને આક્રોશ મુખ્યત્વે જે તે દેશના શાસકો અને રાજકીય વ્યવસ્થાની સામે છે. આ અંગેની ચિનગારીનો આરંભ થયો ટ્યૂનિશિયાથી. 18 ડિસેમ્બર, 2010ના રોજ ટ્યૂનિશિયાના સીદી બૌઝીદ શહેરમાં મોહંમદ બૌઝીઝી નામના યુવકે પોલીસ-ભ્રષ્ટાચાર અને ગેરવર્તણૂકના વિરોધમાં આત્મવિલોપન કર્યું. આ આત્મવિલોપનની ઘટનાએ પ્રજાને વ્યાપક અને પ્રચંડ વિરોધની તક પૂરી પાડી. પ્રજા અને શાસકો વચ્ચે લડતનાં મંડાણ થયાં જેને અંતે ટ્યૂનિશિયાની સરકારને પદભ્રષ્ટ કરવામાં આવી. આ આત્મવિલોપન અને પ્રજાકીય વિરોધની ઘટનાની આરંભાયેલી ચિનગારી અલ્જિરિયા, જૉર્ડન, ઇજિપ્ત અને યેમન સુધી ફેલાઈ અને પ્રચંડ રાજકીય તાકાત સાથે પ્રવર્તમાન શાસકો વિરુદ્ધ લોકવંટોળ ઊભો કરવામાં સમર્થ નીવડી. આવા પ્રચંડ લોકવિરોધની શૈલી એ રહી છે કે શુક્રવારની બપોર પછીની નમાજ વેળાએ સૌથી વ્યાપક અને સૌથી સંગઠિત દેખાવો વિવિધ દેશોમાં યોજાતા રહ્યા. આ પ્રજાકીય અજંપો અન્ય દેશોમાં પણ આકાર ધારણ કરતાં તે ઘટના ‘આરબ જગતની વસંત’, ‘આરબ વિપ્લવ’, ‘આરબ જાગરણ’ કે ‘જસ્માઇન ક્રાંતિ’ જેવાં વિવિધ નામો થકી ઓળખ પામી. (ટ્યૂનિશિયાનું રાષ્ટ્રીય પુષ્પ ‘જસ્માઇન’ હોવાથી તેને ઉપર્યુક્ત નામ સાંપડ્યું.)

ફેબ્રુઆરી, 2012 સુધીમાં ચાર દેશોમાં સરકારો ઊથલાવી પાડવામાં આવી. ટ્યૂનિશિયામાં વ્યાપક પ્રજાકીય અજંપાને પરિણામે પ્રમુખ આબાદીન બેન અલી જાન્યુઆરી, 2011માં સાઉદી અરેબિયા ભાગી ગયા. ઇજિપ્તમાં પ્રમુખ હોસ્ની મુબારકે 30 વર્ષ પ્રમુખીય હોદ્દો ભોગવી નાછૂટકે 11 ફેબ્રુઆરી, 2011માં રાજીનામું આપ્યું. લિબિયાના તુમાખીભર્યા નેતા મ્યાનમાર ગદ્દાફી 23 ઑગસ્ટ, 2011માં પદભ્રષ્ટ કરાયા અને નૅશનલ ટ્રાન્ઝિશનલ કાઉન્સિલે તત્કાળ સત્તા હાંસલ કરી. યેમનના પ્રમુખ અલી અબ્દુલ્લા આલેર ‘સત્તા-બદલાવ’ને માટે સંમત થયા અને લખાણ પર હસ્તાક્ષર કર્યા. સાલેહના અનુગામી તરીકે મનસૂર અલ્હાદી પ્રમુખ તરીકે 27 ફેબ્રુઆરી, 2012 રોજ સત્તાનશીન થયા જેથી અબ્દુલ્લા સાલેહ કાનૂની કાર્યવહીથી બચી શક્યા. આમ ટ્યૂનિશિયા, ઇજિપ્ત, લિબિયા અને યેમનમાં અકલ્પિત સત્તાપલટો થયો અને દસકાઓથી ચીટકી ગયેલા શાસકો-શાસનોને ધૂળમાં રગદોળાવાનો સમય આવ્યો.

બીજી તરફ આ વ્યાપક પ્રાદેશિક લોકઅજંપાથી ભયભીત બનેલા ઘણા નેતાઓએ હોદ્દા કે પદ પરથી નીચે ઊતરવાની તૈયારી દાખવી. સુદાનના પ્રમુખ ઓમર અલ બશીરે સત્તા છોડવાની તૈયારી બતાવી તેમજ તે સાથે 2015ની નવી ચૂંટણીમાં તેઓ ભાગ નહીં લે તેવી બાંયધરી આપવાની ઉત્સુકતા દર્શાવી. ઇરાકી વડાપ્રધાન નૌરી-અલ મલિકે પણ આમ જ કહ્યું. તેમના હોદ્દાની મુદત 2014 સુધીની હતી. આવી બાંયધરીમાં ‘જીવતો નર ભદ્રા પામે’નો ન્યાય કામ કરતો હતો. પ્રત્યેક શાસક વિચારતો કે યેનકેન રીતે પણ જો જીવી કે બચી જઈશું તો ભવિષ્યમાં નવી તક ઊભી થવાની જ છે. જૉર્ડનમાં થયેલા વિરોધોને લીધે કિંગ અબ્દુલ્લાની સરકારને રુખસદ લેવી પડી હતી. પ્રજાકીય અજંપાની લાઇનમાં બહેરીન અને સીરિયા ઊભા જ છે તો અલ્જિરિયા, ઇરાક, જૉર્ડન, કુવૈત અને મોરોક્કો પણ તેમની પછીના ક્રમે ઊભા છે. લેબેનૉન, મોરીટાનિયા, ઓમાન, સાઉદી અરેબિયા, સુદાન અને પશ્ચિમ સહારા આ પ્રજાકીય અજંપાના તાલને ઓળખવા-પામવા મથામણ કરી રહ્યા છે. ઇઝરાયલ અને પૅલેસ્ટાઇન વચ્ચેની સરહદો ભડકે બળે છે.

નજીકના ભવિષ્યમાં સીરિયાના સરમુખત્યાર બશર-અલ-અશાદનો વારો છે. માર્ચ 2011થી જૂન 2012 સુધીના ગાળામાં નાગરિકો અને બળવાખોરો ગણીને કુલ 13,000 માણસોની કતલ થઈ છે. રાજધાની દમાસ્કસ બળવાખોરોથી ઘેરાયેલી છે. છેલ્લાં 42 વર્ષથી એક જ પરિવારના શાસનથી પ્રજા પીડાઈ રહી છે. અશાદના પિતા હાફેઝ-અલ-અશાદે 30 વર્ષ લોખંડી પંજો ફેલાવીને લશ્કરી સરમુખત્યારશાહી થકી શાસન હાંક્યે રાખ્યું. અર્થતંત્રની કેડ ભાંગી ગઈ છે અને અસંતોષનો ચરુ ઊકળી રહ્યો છે. અશાદ પાસેનાં રાસાયણિક શસ્ત્રોની અમેરિકાને ચિંતા છે તો અશાદને રશિયા અને ચીને પડખામાં રાખી મજબૂત ટેકો પૂરો પાડ્યો છે. વ્યવસાયે આંખનો તબીબ અશાદ ઘાતકી શાસક છે. તેની દોઢ અબજ ડૉલરની સંપત્તિ રશિયા, દુબઈ, લેબેનૉન, મોરોક્કો અને હૉંગકૉંગમાં સલામત છે તો બ્રિટન ખાતે દસ કરોડ પાઉન્ડની સંપત્તિ સ્થગતિ કરાઈ છે. પૂર્વ અધ્યક્ષ કૉફી અન્નાન યુનો દ્વારા સીરિયા ખાતે નિમાયા હતા, પરંતુ ખાસ પરિણામ મળ્યું ન હતું.

શેનો છે આ ખળભળાટ અને શા માટે છે આ સંહારક ઊથલપાથલ ? આ સમગ્ર ઘટનાને સૌપ્રથમ તો આપખુદ શાસનના વિરોધ તરીકે મૂલવી શકાય. ઉપર વાત કરેલા દેશોમાં એક યા બીજી રીતે આપખુદ શાસનો ચાલ્યાં. તેની રીતરસમ રહી પ્રજાને કચડવાની તેમજ શાસકીય મોજશોખ, ઐયાશી અને ભ્રષ્ટ નીતિ-રીતિઓની. આમાંના પ્રત્યેક દેશમાંનો સરમુખત્યાર પોતે અને તેનો પરિવાર બેસુમાર સાહ્યબી ભોગવવા સાથે પ્રજાને પીડતા રહ્યા છે. પ્રજાનું શોષણ અને જડબેસલાખ કાનૂની પંજા દ્વારા નાગરિકોને કશુંય અપાયું જ નથી. આ શાસકો અમાપ સત્તા છતાં સામાન્ય જનજીવનમાં શુદ્ધ શાસન પણ પૂરું પાડી શક્યા નથી. પ્રજા ડરની મારી ચૂપચાપ સત્તાની જોહુકમી સહન કરતી રહેલી. આવાં આપખુદ શાસનો ક્રાંતિને જન્મ આપે છે જે અહીં પણ બન્યું છે.

સ્વાતંત્ર્યનો સદંતર અભાવ આમજનતા અને વિશેષે યુવાનોએ અનુભવ્યો છે. પ્રજાકીય ફરિયાદોને ઉકેલવાના કોઈ માર્ગ જ નાગરિકોને દેખાયા નથી. આથી વિરોધ-વંટોળે આખરી ઉપાય તરીકે દેખા દીધી છે. ત્રીજી અને સૌથી મહત્વની વાત એ છે કે માહિતી વિસ્ફોટના આ યુગમાં પ્રજાના ગૌરવનો ભંગ પેઢી દર પેઢી ચાલ્યો છે. ઊંડાં મૂળ ઘાલી ગયેલું માનવીય શોષણ અને માનવીય ગરિમાવિહોણું શાસન નવો યુવાવર્ગ સહન કરી લેવા તૈયાર નથી. જાનના જોખમે પણ આ યુવાવર્ગ શાસનને પડકારવા કટિબદ્ધ છે. યેમન જેવા દેશમાં 2011ની શાંતિ નોબેલ પારિતોષિક વિજેતા કરમાન તવક્કુલનું નેતૃત્વ આથી જ આવકારદાયક લેખાયું. શાંતિપૂર્ણ પણ મક્કમ વિરોધ દ્વારા તેણે એવાં ચક્રો ગતિમાન કર્યાં કે સાલેહને સત્તા સમેટવા સિવાય કોઈ માર્ગ જ ન રહ્યો.

આર્થિક ન્યાયની અપેક્ષા આ તમામ પ્રજાને અભિપ્રેત છે. ખનિજ તેલની સમૃદ્ધ સંપત્તિ ધરાવતા આ દેશોની પ્રજા આર્થિક વિકાસ અને આર્થિક ન્યાયની અપેક્ષા રાખે છે. દેશમાં ખનિજ તેલના વ્યાપારથી પેદા થતાં નાણાંથી પ્રજાને કશો લાભ થયો નથી. નવા ઉદ્યોગો વિકસ્યા નથી. નવી રોજગારી પેદા થઈ નથી. નવી યુવા પ્રજા આ આર્થિક અવગણના માન્ય રાખતી નથી. લિબિયા જેવા દેશ આફ્રિકામાં સૌથી વધુ સંરક્ષણ-ખર્ચ કરે છે. માથાદીઠ 238 ડૉલર તે સંરક્ષણ-ખર્ચ કરી શકે છે પણ પ્રજાના આર્થિક વિકાસને નામે ખાસ કશું જમા નથી.

આમ પ્રજાકીય અસંતોષનો લાવા આરબજગતમાં એવો તો બેકાબૂ બન્યો છે કે તેને માત્ર સત્તાના લોખંડી પંજાથી કાબૂમાં લઈ શકાય તેમ નથી. શાસનો પડી ભાંગ્યાં છે, સ્વાતંત્ર્યની માંગ બુલંદ બની છે. આ ઊથલપાથલ નવું આરબજગત રચાઈ રહ્યું છે તેની એંધાણી છે. પ્રજાકીય જાગૃતિનો આ નવો અધ્યાય કેટલો દીર્ઘજીવી નીવડશે તે તો આવનારો સમય જ કહી શકે.

રક્ષા મ. વ્યાસ