આયોવા : યુ. એસ.ની મધ્ય પશ્ચિમમાં આવેલું રાજ્ય. તે આશરે 400 3૦´ થી 430 3૦´ ઉ. અ. અને 9૦0 ૦૦´થી 970 00´ પ. રે. વચ્ચેનો1,45,752ચો.કિમી જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે મિનેસોટા, પૂર્વે વિસ્કૉન્સિન અને ઇલિનૉય, દક્ષિણે મિસૂરી તથા પશ્ચિમે નેબ્રાસ્કા અને દક્ષિણ ડાકોટા રાજ્યો આવેલાં છે. દેશના મધ્ય-પશ્ચિમમાં આવેલા આ રાજ્યનું પાટનગર દેમોઇન્સ છે, જે રાજ્યના મધ્યદક્ષિણ ભાગમાં આવેલું છે.

રાજ્યના મધ્ય અને ઉત્તર-મધ્યમાં13,90૦ ચોકિમી.નો ઉચ્ચપ્રદેશ આવેલો છે. અહીંનું ઊંચામાં ઊંચું સ્થળ (509 મીટર) ઓસીઓલા પ્રાંતની ઉત્તર સીમા પર અને નીચામાં નીચું સ્થળ (146 મીટર) મિસિસિપી-દેમોઇન્સ નદીઓના સંગમસ્થળ પર આવેલાં છે. રાજ્યનાં જુલાઈ અને જાન્યુઆરીનાં સરેરાશ તાપમાન અનુક્રમે 240 સે. અને – 70 સે. જેટલાં રહે છે. આયોવાની મોટા ભાગની ભૂમિને આવરી લેતાં અહીંનાં મેદાનો હિમયુગ દરમિયાનની હિમનદીઓએ તૈયાર કરેલાં છે. રાજ્યનો દક્ષિણ ભાગ કોતરાયેલા ટિલ્(હિમનદીજન્ય દ્રવ્યજમાવટ)થી બનેલો છે, આ મેદાની ભાગ વાયવ્ય ખૂણા સુધી વિસ્તરેલો છે. નદીઓના ઘસારાથી રાજ્યનું ભૂપૃષ્ઠ અસમતળ બની રહેલું છે. ઉત્તર અને મધ્ય ભાગની જમીનો ફળદ્રૂપ છે. પાઇનવૃક્ષોથી આચ્છાદિત ટેકરીઓ અને ભેખડો ઈશાન ભાગને આવરી લે છે. રાજ્યના પૂર્વ અને પશ્ચિમ સરહદભાગો મિસિસિપી-મિસૂરી નદીરચનાથી થયેલા છે.

Maytag

આયોવામાં વિશાળ પ્રમાણમાં ઉત્પન્ન થતી મકાઈનાં ખેતરો

સૌ. "Maytag" | Public Domain, CC0

આયોવા રાજ્ય યુ. એસ.માં ખેતી માટેનું મુખ્ય રાજ્ય ગણાય છે. રાજ્યની 90 %થી વધુ ભૂમિમાં ખેતરો છે. મકાઈ અને સોયાબીન મુખ્ય કૃષિપાકો છે. અહીં ડુક્કરોનો તેમજ માંસ માટે ઢોરનો મોટા પાયા પર ઉછેર કરવામાં આવે છે. મકાઈ અને સોયાબીન મુખ્યત્વે તો ઢોરોના ખોરાકમાં ઉપયોગમાં લેવાય છે. આયોવાની પેદાશોનો મોટો ભાગ ઉત્પાદનમાંથી આવે છે. મોટા ભાગની પેદાશો ખેતી સાથે સંબંધિત છે. ડેવોનપોર્ટ, દેમોઇન્સ, દબક અને વૉટરલૂ ખેતી માટેની યંત્રસામગ્રીનાં મુખ્ય કેન્દ્રો બની રહેલાં છે. અહીંનાં ઘણાં શહેરોમાં માંસ-પૅકિંગના એકમો આવેલા છે. અન્ય એકમોમાં ડેરીપેદાશો અને ખાદ્યપ્રક્રમણનો સમાવેશ થાય છે. સિડાર રૅપિડ્ઝમાં મોટી ધાન્ય-મિલ આવેલી છે. અહીંના મોટા ભાગના નિવાસીઓ ઉદ્યોગ કરતાં જથ્થાબંધ અને છૂટક વેપારમાં રોકાયેલા છે. દેમોઇન્સ છૂટક વેપારનું અગત્યનું કેન્દ્ર છે. જથ્થાબંધ વેપાર મોટરવાહનો, ખેતપેદાશો અને ખેતીમાં ઉપયોગી યંત્રસામગ્રીનો થાય છે. દેમોઇન્સ મધ્ય પશ્ચિમ યુ. એસ.નું નાણાકીય કેન્દ્ર તેમજ વીમો ઉતરાવવાના ક્ષેત્રનું મુખ્ય મથક છે. આ ઉપરાંત ઉત્પાદનક્ષેત્રે રસાયણો, સિમેન્ટ, વીજસામગ્રી, મુદ્રણસામગ્રી તથા ખાણક્ષેત્રે ચૂનાખડકો, ચિરોડી, રેતી અને ગ્રૅવલનો સમાવેશ થાય છે.

Des Moines skyline

આયોવાની રાજધાની અને સૌથી મોટું શહેર, ડેસ મોઇન્સ

સૌ. "Des Moines skyline" | CC BY-SA 2.5

લોકો : આયોવા રાજ્યની કુલ વસ્તી આશરે 31,55,070 (2014) જેટલી છે. વાયવ્ય યુરોપમાંથી આવેલી પ્રજા અહીં વસેલી છે. ઓગણીસમી સદીના અંતમાં આયોવાના શહેરી વિસ્તારોમાં હબસીઓનો વસવાટ શરૂ થયેલો. રાજ્યના મોટા ભાગના લોકો પ્રૉટેસ્ટંટ ખ્રિસ્તી ધર્મ પાળે છે. 60 % જેટલી વસ્તી શહેરી છે. અહીંનાં મોટાં શહેરોમાં દેમોઇન્સ, સિડાર રૅપિડ્ઝ, ડેવનપૉર્ટ અને સિઑક્સ સિટીનો સમાવેશ થાય છે.

ઇતિહાસ : માઉન્ડ બિલ્ડર્સ નામથી ઓળખાતા પ્રાગ્-ઐતિહાસિક ઇન્ડિયનો અહીંના મૂળ વતનીઓ હતા. 1673માં ફ્રેન્ચ અભિયંતા લૂઈ જોલિયટ અને પાદરી જેક્વિસ માર્કવેટ આયોવામાં આવનારા કદાચ સર્વપ્રથમ યુરોપિયનો હતા. ફ્રાન્સે આ પ્રદેશ પર પોતાનો દાવો મૂકેલો. 1803 માં લુઈઝિયાનાની ખરીદી સાથે જ આયોવા યુ.એસ.નું રાજ્ય બન્યું. 1833 માં યુ. એસ.ના લશ્કરે બ્લૅકહૉક યુદ્ધમાં ઇન્ડિયનોને હરાવ્યા બાદ આયોવામાં કાયમી વસાહતો સ્થપાવાની શરૂઆત થઈ. 1846માં આયોવા યુ.એસ.નું 29મું રાજ્ય બન્યું. 1850 અને 1870 વચ્ચેના ગાળામાં મિસિસિપી નદી પર સ્ટીમબોટનો ઉદ્યોગ વિકસ્યો. 1870 સુધીમાં ચાર રેલમાર્ગો પણ ચાલુ થયા. વીસમી સદીની શરૂઆતમાં રેલસુવિધા મળતાં ઉદ્યોગ માટેનાં નવાં બજારો વિકસ્યાં. બંધો બંધાયા અને ઊર્જા મળવી શરૂ થઈ. 1945 અને1960  ના ગાળા વચ્ચે આ રાજ્ય અગાઉ જે ખેતી પર નિર્ભર હતું તે ઔદ્યોગિક અર્થતંત્ર પર પણ આધાર રાખતું થયું. 1980 ના દાયકામાં ખેતી-ઉદ્યોગ ઘટતો ગયો, તેથી અહીંનાં નગરો અને ગ્રામીણ વિસ્તારના ઘણા લોકોના ભાવિ પર અસર પડી હતી. 1982 પછી અહીંની સ્થિતિમાં સુધારો થયો છે.

હેમન્તકુમાર શાહ

ગિરીશભાઈ પંડ્યા