આમાપન (Assay) (આયુર્વિજ્ઞાન) : મિશ્રણમાંના કોઈ એક દ્રવ્યનું પ્રમાણ નક્કી કરવું તે. આ દ્રવ્ય ઔષધ, અંત:સ્રાવ (hormone), ધાતુતત્વ, પ્રોટીન, ઉત્સેચક (enzyme) કે વિષ હોઈ શકે. આમાપન બે પ્રકારનાં હોય છે : (1) મિશ્રણમાંનાં દ્રવ્યોનું વિશ્લેષણ (analysis) કરી કોઈ ચોક્કસ દ્રવ્યનું પ્રમાણ જાણવું. (2) જ્ઞાત દ્રવ્ય સાથે સરખામણી કરીને બીજા દ્રવ્યની ગુણવત્તા નક્કી કરવી. આમ આમાપન માત્રાત્મક(quantitative), ગુણાત્મક (qualitative), વિશ્લેષણાત્મક (analytic) કે તુલનાત્મક (comparative) હોય છે. આમાપનના અગત્યના માપદંડો(parameters)માં યથાર્થતા (accuracy), ચોકસાઈ (precision), વિશિષ્ટતા (specificity) અને સંવેદનશીલતા (sensitivity) ગણાવી શકાય. આમાપન પદ્ધતિને પ્રમાણિત (standardised) કરવી જરૂરી છે, જેથી આપેલા નમૂનામાં દ્રવ્યનું શોધેલું પ્રમાણ સમય અને ખર્ચના સંદર્ભમાં શક્ય હોય તેટલું વાસ્તવિક પ્રમાણની નજદીક આવે.

આમાપનની મુખ્ય પદ્ધતિઓ

(1) રાસાયણિક અથવા ભૌતક-રાસાયણિક આમાપન કે જેમાં જે તે દ્રવ્યના રાસાયણિક કે ભૌતિક ગુણધર્મનું માપ મેળવવામાં આવે છે; (2) જૈવ આમાપન (bioassay) કે જેમાં સૂક્ષ્મજીવ કે પ્રાણીનો ઉપયોગ કરાય છે તથા (3) પ્રતિરક્ષાલક્ષી આમાપન (immunoassay) કે જેમાં પ્રતિરક્ષાલક્ષી ગુણધર્મનું માપ કઢાય છે. રોગપ્રતિકાર માટેની ક્ષમતાને પ્રતિરક્ષા (immunity) કહે છે. તેને લગતી ક્ષમતા તથા તેનાં સંબંધિત દ્રવ્યોના ઉપયોગથી થતા આમાપનને પ્રતિરક્ષાલક્ષી આમાપન કહે છે.

(1) રાસાયણિક અથવા ભૌતિક-રાસાયણિક આમાપન : આ પદ્ધતિઓ માત્રાત્મક કે ગુણાત્મક પરીક્ષણ માટે ઉપયોગી છે. આ માટે નીચે દર્શાવેલ યાંત્રિક પદ્ધતિઓ (instrumental methods) ઉપયોગમાં લેવાય છે : (i) વર્ણમિતિ (colorimetry), રંગપટમિતિ espectrometry) અને દીપ્તિમિતિ (fluorimetry); (ii) વાત-તરલ વર્ણકચિત્રણ (gas liquidcromatography) અને અતિપ્રદમ તરલ વર્ણકચિત્રણ (high pressurechromatography); (iii)  દળ રંગપટમિતિ (mass spectrometry). આ પ્રકારની પદ્ધતિઓની મુખ્ય ખામી એ હોય છે કે જરૂરી દ્રવ્ય અલગ કરવાની પ્રવિધિ દરમિયાન અંત:સ્રાવ જેવા સક્રિય દ્રવ્યમાં વિકાર થવાની સંભાવના રહે છે.

(2) જૈવ-આમાપન (bioassay) અને સૂક્ષ્મ જૈવિક આમાપન (microbiological assay) : જ્યારે પરીક્ષણ માટેના પ્રાણીના શરીરમાં એકમ પ્રમાણમાં કોઈ પ્રવાહી દાખલ કરવામાં આવે ત્યારે તેમાંનું જૈવિક રીતે સક્રિય દ્રવ્ય તે પ્રાણીમાં વિવિધ અસરો ઉપજાવે છે. ત્યારબાદ તે પ્રાણીને મારી નાખીને તેની અંદરના અવયવોનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરી શકાય કે જીવતા પ્રાણીમાં તે દ્રવ્યથી થતા ફેરફારો નોંધીને પરોક્ષ નિરીક્ષણ કરી શકાય છે. આવા નિરીક્ષણ દ્વારા પ્રવાહીમાંના સક્રિય દ્રવ્યનાં પ્રમાણ અને ગુણવત્તા જાણી શકાય છે. આ પદ્ધતિ જૈવ-આમાપન તરીકે ઓળખાય છે. જો દ્રવ્ય માટે રાસાયણિક આમાપનની કોઈ પદ્ધતિ વિકસી ન હોય અથવા તેવી પદ્ધતિ માટે દ્રવ્યને અલગ કરવાની પ્રવિધિ દરમિયાન ઘણું દ્રવ્ય નાશ પામે એમ હોય તો જ જૈવ-આમાપન કરવામાં આવે છે. જૈવ-આમાપન માટે દ્રવ્યની વિશિષ્ટ અસર પ્રમાણિત પરિસ્થિતિમાં દરેક પ્રાણીમાં સરખી હોવી જોઈએ. આવા પરીક્ષણ માટે જો સૂક્ષ્મ જીવો (microbes) પણ ઉપયોગમાં લેવાય તો તે સૂક્ષ્મજૈવ આમાપન (microbioassay)તરીકે ઓળખાય છે. ઘણાં ઔષધો અને અંત:સ્રાવોના આમાપન માટે આખું પ્રાણી, તેની અલગ પાડેલી પેશીઓ કે સૂક્ષ્મ જીવાણુઓનો ઉપયોગ કરાય છે. આ પદ્ધતિઓ માટે પ્રક્રિયકો (reagents) સરળતાથી પ્રાપ્ય હોય છે તથા તેમને જરૂર પડ્યે ફરીથી તૈયાર કરી શકાય છે. તે પ્રક્રિયકો અત્યંત સંવેદનશીલ, વિશિષ્ટ, યથાર્થ અને સ્થાયી હોય છે. જૈવ આમાપનનો આ મુખ્ય લાભ છે. સૂક્ષ્મ જીવ આમાપન માટે યુગ્લિના ગ્રેસિલિસ, લૅક્ટોબેસિલસ, કેસિઆઈ અથવા લિશ્મેનાઈ નામના સૂક્ષ્મ જીવાણુઓ ઉપયોગમાં લેવાય છે. આ પદ્ધતિમાં સૂક્ષ્મ જીવાણુઓની સંખ્યા, વૃદ્ધિ કે વૃદ્ધિરુકાવટને માપદંડ તરીકે લેવામાં આવે છે. તેમાં મંદન (dilution) આમાપન, અગાર પ્રસરણ આમાપન, યુરિયેઝ આમાપન અને આવિલતામિતિ (turbidimetric) આમાપન વગેરે વપરાય છે. આ પદ્ધતિઓ લાંબો સમય લે છે અને ઘણી વાર કંટાળાજનક નીવડે છે. વિટામિન અને ઍન્ટિબાયૉટિકના આમાપન માટે આ પદ્ધતિ ઉપયોગી છે.

(3) પ્રતિરક્ષાલક્ષી આમાપન (immunoassay) : આ પદ્ધતિ અત્યંત અલ્પ પ્રમાણમાં રહેલા દ્રવ્યને પણ માપી શકે છે. આ પદ્ધતિ પ્રતિરક્ષાલક્ષી દ્રવ્યનું પ્રમાણ માપતી હોઈ તેનાથી સક્રિય દ્રવ્યનું આમાપન હંમેશાં થતું નથી. આ પદ્ધતિનો પાયો સ્પર્ધાત્મકબદ્ધતા (competitive binding) છે. પૂર્વનિશ્ચિત દ્રવ્ય સાથે જોડાવા માટે આપેલા નમૂનાના દ્રવ્યના સામાન્ય અણુઓ વિકિરણશીલ (radio-active) અથવા પ્રતિદીપ્તિશીલ (fluorescent) ઘટક વડે અંકિત (labelled) અણુઓ સાથે સ્પર્ધા કરે છે. નમૂનામાંનું બિનઅંકિત દ્રવ્ય અને પ્રતિદ્રવ્ય જોડાઈ જતાં પ્રતિદ્રવ્યમાં અંકિત દ્રવ્ય સાથે જોડાવા માટે ઓછી સંખ્યામાં ગ્રાહી ઘટકો (receptors) ઉપલબ્ધ થાય છે. આથી જોડાયેલ અંકિત દ્રવ્યની વિકિરણશીલતા કે પ્રતિદીપ્તિશીલતા માપવાથી નમૂનાના દ્રવ્યનું પ્રમાણ મેળવી શકાય છે. આ પદ્ધતિની ક્રિયાવિધિ આકૃતિ 1માં દર્શાવી છે.

પ્રતિકારલક્ષી આમાપન

પ્રતિકારલક્ષી આમાપન

આયોડિનના I-131 અને I-125સમસ્થાનિકો ગૅમા કિરણોત્સર્ગી અને ટ્રિટિયમ H-૩તથા C-14 બીટા કિરણોત્સર્ગી છે. તે વિકિરણશીલ ઘટકો તરીકે અણુઓને અંકિત કરવા વપરાય છે. પ્રતિદ્રવ્યવાળા પ્રતિસિરમ(antiserum)ની વિશિષ્ટતા ઉપર આ સમગ્ર પરીક્ષણની વિશ્વસનીયતા(reliability)નો આધાર છે. વળી પ્રાણીમાં પ્રતિસિરમનું ઉત્પાદન કરવા માટે વપરાતા અંત:સ્રાવની શુદ્ધિ ઉપર પણ પ્રતિસિરમની વિશિષ્ટતા આધાર રાખે છે તેથી તેને વિશે પૂરતો વિશ્વાસ રાખી શકાતો નથી. આને કારણે જૈવ-આમાપન, રાસાયણિક તેમજ પ્રતિરક્ષાલક્ષી આમાપનના મુકાબલે વધુ વિશ્વસનીય ગણાય છે. જ્યારે પ્રતિરક્ષાલક્ષી આમાપન સરળ, ઝડપી અને ઔષધોની સૂક્ષ્મ જીવો પરની અસરથી મુક્ત હોય છે. તેનો મુખ્ય ગેરલાભ એ છે કે પરિણામો ઉચ્ચતર (higher) આવે છે. ત્રણે પદ્ધતિઓ સારણી 1 માં સરખાવી છે.

સારણી 1 : આમાપન-પદ્ધતિઓ

 

આમાપનપદ્ધતિ વિશિષ્ટતા યથાર્થતા સાધનો પરિણામો ઉપર પ્રોટીનબદ્ધતાની અસર
1. રાસાયણિક અને    ભૌતિક-રાસાયણિક સામાન્યપણે વધુ (ઊંચી) > 10 % મોંઘાં નથી
2. જૈવ આમાપન ઓછી 15-25 % સસ્તાં છે
3. પ્રતિરક્ષાલક્ષી ઊંચી > 10 % અને મોંઘાં વિશિષ્ટ નથી

 

શિલીન નં. શુક્લ 

અનિતા ભાદુરી