આમલી-પીપળી : ભારતની પ્રાચીન લોકરમત. તેનું પગેરું મહાભારતના કાળ સુધી મળી આવે છે. દરેક પક્ષમાં 5થી 9 રમનાર હોય તેવા બે પક્ષો વડે ઘટાદાર વૃક્ષ પર આ રમત રમાય છે. વૃક્ષની ડાળીઓના ઘેરાવાથી 20 ફૂટ દૂર જમીન પર કૂંડાળું દોરેલું હોય છે, જેની બંને બાજુ બંને પક્ષના ખેલાડીઓ સામસામે ઊભા હોય છે. હવે રમનાર પક્ષનો એક ખેલાડી કૂંડાળામાં ઊભો રહી એનો પગ ઊંચો કરી, તેની નીચેથી બેએક ફૂટ લાંબો દંડો દૂર ફેંકે છે અને તરત તે પક્ષવાળા દોડી વૃક્ષ પર ચડી જાય છે. મારનાર પક્ષનો કોઈ ખેલાડી તે દંડો પાછો લાવી કૂંડાળામાં મૂકે છે, એટલે તે પક્ષવાળા રમનાર પક્ષને પકડવા વૃક્ષ પર ચઢે છે. જેટલા પકડાય છે તેટલા માર્ક ગણાય છે. તે દરમિયાન રમનાર પક્ષનો કોઈ ભિલ્લુ નીચે ઊતરી પકડાયા વિના કૂંડાળામાંનો દંડો મોં વડે ચૂસી લે તો રમત પૂરી થઈ ગણાય અને દાવ બદલાય.

ચિનુભાઈ શાહ