આમલી : દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી કુળના ઉપકુળ સીઝાલ્પિનીઑઇડીની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Tamarindusindica Linn. (સં. ચિંચા; હિં. ઈમલી, અંબલી; બં. આમરૂલ, તેંતુલ; મ. ચિંચ; ગુ. આમલી; તે. ચિંતાચેટુ; ત. પુલિયામારં, પુલિ; મલ. આમલં, ચિંચા; અં. ટૅમેરિંડ ટ્રી) છે. કાકચિયા, ચીલાર, શંખેશ્વર, ગુલમહોર, રામબાવળ, ગરમાળો, કાસુંદરો, કુંવાડિયો, અશોક અને કંચન આમલીના કુળનાં સહસભ્યો છે. તેનું મૂળ વતન આફ્રિકા છે, પરંતુ એશિયા અને અમેરિકામાં પણ સર્વત્ર જોવા મળે છે. ઉત્તર, પૂર્વ અને દક્ષિણ ભારતમાં તે વધુ લોકપ્રિય હોઈ રસ્તા ઉપર અને ખેતરના શેઢે મોટા પાયા પર વવાય છે. આમલીને અરબી ભાષામાં ‘તમર-એ-હિંદ = Tamarind’ (ભારતીય ખજૂર) કહે છે. તેના પરથી અંગ્રેજીમાં ‘ટેમેરિંડ’ અને લૅટિન નામ ‘ટેમેરિન્ડસ’ આપવામાં આવ્યું છે.

તે મધ્યમ કદથી માંડી વિશાળ કદનું, સદાહરિત (evergreen), લગભગ 24.0 મી. સુધીની ઊંચાઈ અને 7.0 મી. સુધીનો ઘેરાવો ધરાવતું વૃક્ષ છે. તેની છાલ બદામી કે ઘેરા ભૂખરા રંગની, બરછટ અને ઊભી અને આડી તિરાડોવાળી હોય છે. તેનું પર્ણ યુગ્મપીંછાકાર (paripinnate) સંયુક્ત, લગભગ 15.0 સેમી. લાંબું, 10થી 20 જોડમાં પર્ણિકાઓ ધરાવતું અને શીઘ્રપાતી (caducous) ઉપપર્ણોવાળું હોય છે. પર્ણિકાઓ ઉપાદંડી (sub-sessile), લંબચોરસ (oblong) 8 મિ.મી.થી 30 મિમી. લાંબી અને 5 મિમી.થી 10 મિમી. પહોળી હોય છે. પુષ્પનિર્માણ માર્ચથી જુલાઈ દરમિયાન થાય છે. પુષ્પો ઉપશાખાઓને અંતે કલગી (raceme) સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. દલપત્રો પાંચ, અસમાન, પીળા રંગનાં અને ગુલાબી લિસોટા ધરાવે છે. પુંકેસરો દશ હોય છે, જે પૈકી ત્રણ ફળાઉ (fertile) અને સાત વંધ્ય હોય છે. બીજાશય એક-સ્ત્રીકેસરી હોય છે અને ધારાવર્તી (marginal) જરાયુવિન્યાસ (placentation) ધરાવે છે. શિંબી ફળ 7.5 સેમી.થી 20.0 સેમી. લાંબું, 2.5 સેમી. પહોળું અને 1.0 સેમી. જાડું, પાસપાસેનાં બીજ વચ્ચે ખાંચવાળું, સહેજ વાંકું અને રાતા કે તપખીરિયા-ભૂરા રંગનું હોય છે. ફળ એપ્રિલથી નવેમ્બર સુધી આવે છે, જે નવેમ્બર-ડિસેમ્બરમાં પાકે છે. પ્રત્યેક ફળમાં 3થી 12 બીજ હોય છે. તે પ્રતિઅંડાકાર-લંબચોરસ (obovate-oblong), ચપટાં, 1.5 સેમી. લાંબાં અને 0.8 સેમી પહોળાં, ઘેરાં બદામી અને ચળકતાં હોય છે અને સખત ચર્મિલ આવરણ વડે આવરિત હોય છે. આ આવરણની બહારની બાજુએ આછો બદામી કે લાલ, ઍસિડિક ખાદ્ય ગર આવેલો હોય છે, જેમાં અસંખ્ય, શાખિત અને કાષ્ઠિલ (ligneous) રેસાઓ આવેલા હોય છે. શિંગનું સૌથી બહારનું પડ નાજુક હોય છે અને સહેલાઈથી છૂટું પાડી શકાય છે.

આમલી(Tamarindus indica)ની પુષ્પીય શાખા અને ફળ

સામાન્ય રીતે તેનું પ્રસર્જન બીજ (કચૂકા) દ્વારા થાય છે. આમ છતાં કટકારોપણ (cutting), કલિકાસર્જન (budding) કે ગુટી દ્વારા પણ તેનું પ્રસર્જન કરી શકાય છે. એપ્રિલ માસમાં બીજ વાવીને ક્યારીઓ તૈયાર કરવામાં આવે છે. છોડ એક વર્ષનો થાય ત્યારે તેને રસ્તા પર કે ખેતરના શેઢે 1 x 1 મીટરના ખાડામાં કોહવાયેલું છાણિયું ખાતર ભરીને ચોમાસામાં રોપવામાં આવે છે. 13થી 14 વર્ષે તે વિશાળ ઘટાદાર, ફળ આપતું વૃક્ષ બને છે અને 60 વર્ષથી વધારે સમય સુધી ફળ આપે છે. તેનું આયુષ્ય લાંબું હોઈ પર્યાવરણની જાળવણીમાં તે ઉપયોગી છે.

વૃક્ષને કાષ્ઠનો સડો (Xylaria egulosa Fr.), બદામી કાષ્ઠનો સડો (Polyporus calcuttensis Bose) અને સફેદ સડો (Trametes bloccosa Bres) નામના રોગો થાય છે. આ ઉપરાંત, Meliola tamarindi syd. મેશવાળી ફૂગનો રોગ, Pholiota gollani Pttenn. જીવતા થડ ઉપર અને Polystictus sarvadhikari Bose. મૃત થડ ઉપર અને Hypoxylonની વિવિધ જાતિઓ કાષ્ઠ, શાખાઓ અને છાલ ઉપર રોગ લાગુ પડે છે. બૅક્ટેરિયા દ્વારા પર્ણનાં ટપકાંનો રોગ થાય છે.

આમલીનાં ફળ અને બીજ ઉપર કેટલાક કીટકો આક્રમણ કરે છે; જેમાં Lasioderma serricorne Fabr., Pachymerus gonagra Fabr. અને Calandra linearis Herbst.ના ભમરા અને ઇયળોનો સમાવેશ થાય છે. તે બીજને કોરી ખાય છે. Tribulium castaneum Herbst. Argyroploce illepida Butter, અને Virachola isocrates Fabr.ની ઇયળો ફળ ઉપર આક્રમણ કરી બીજનો નાશ કરે છે. Aspiditous spp. ફળના રસ ઉપર જીવે છે. Chionaspis acuminate-articolor Green અને Laccifer lacca Kerr. તરુણ શાખાઓના રસમાંથી પોષણ મેળવે છે. Xiphinema citri Siddigui અને Longidorus elougatus (de Man) Thorne & Swanger મૂળ સાથે સંકળાયેલા પરોપજીવી સૂત્રકૃમિઓ છે.

તેની કૂંપળો સ્વાદમાં મીઠી તૂરી હોય છે. આમલીનાં ફળ કાતરા કહેવાય છે. કાચા કાતરાનો ગર ખાટો હોય છે. કાતરા પાકતાં ઉપરનું બટકણું પડ જુદું પડી જાય છે. અંદરનાં બીજ અને રેસાઓ દૂર કરીને સુકાયેલા મીઠા પડનો ખાટો, આમલી તરીકે ઓળખાતો ગર દાળ, કઢી, ચટણી, સૉસ અને કેટલાંક પીણાંઓને ખટાશ આપવા માટે વપરાય છે.

આમલીના ગરનું રાસાયણિક બંધારણ આ પ્રમાણે છે : પાણી 20.9 %; પ્રોટીન 3.1 %; લિપિડ 0.1 %; રેસા 5.6 %; અન્ય કાર્બોદિતો 67.4 % અને ખનિજો 2.9 %; કૅલ્શિયમ 170 મિગ્રા. અને લોહ 10.9 મિગ્રા./100 ગ્રા.. તેમાં પ્રજીવકો આ પ્રમાણે હોય છે : રાઇબૉફ્લેવિન 0.07 મિગ્રા.; નાયેસિન 0.7 મિગ્રા અને ઍસ્કોર્બિક ઍસિડ 3.0 મિગ્રા/100 ગ્રા.; કૅરોટિન 60 માઇક્રોગ્રામ/100 ગ્રા., ટાર્ટરિક ઍસિડ (8 %થી 18 %) અને પ્રતીપ (invert) શર્કરાઓ (30 %થી 40 %) ગરના સૌથી અગત્યના ઘટકો છે. પ્રતીપ શર્કરાઓમાં 70 % ગ્લુકોઝ અને 30 % ફ્રુક્ટોઝ હોય છે. પૅક્ટિન અને પેન્ટોસન પણ ગરમાં હોય છે. ગરમાં ટાર્ટરિક ઍસિડ મુખ્ય ઍસિડ છે. તે મુક્ત અને સંયોજિત એમ બંને સ્વરૂપે મળી આવે છે.

કચૂકાનો લોટ કાપડ-ઉદ્યોગમાં છિદ્રપૂરક દ્રવ્ય (sizing material) તરીકે ઉપયોગી છે. તે મકાઈના સ્ટાર્ચ કરતાં સસ્તો પડે છે અને ઓછા જથ્થામાં વપરાય છે. કચૂકાનો લોટ અને સ્ટાર્ચનું મિશ્રણ કાપડને વધારે ઊજળો રંગ આપે છે અને વધારે સારા છિદ્રપૂરક દ્રવ્ય તરીકે તે કાર્ય કરે છે. શેકેલા કચૂકાનો ગરીબ પ્રજા સોપારીની અવેજીમાં મુખવાસ તરીકે ઉપયોગ કરે છે.

આયુર્વેદ અનુસાર આમલીનું વૃક્ષ ગુરુ, ઉષ્ણ, ખાટું, પિત્તકર, કફપ્રદ, રક્તકોપન અને વાતનાશક છે. આમલીનાં પુષ્પો તૂરાં, સ્વાદુ, ખાટાં, રુચિકર, વિશદ, અગ્નિદીપક અને લઘુ છે અને વાયુ, કફ તથા પ્રમેહનો નાશ કરે છે. આમલીનાં પર્ણો સોજો અને રક્તદોષનો નાશ કરે છે. કુમળી આમલી અતિખાટી, ગ્રાહક, ઉષ્ણ, રુચિકર, અગ્નિદીપક તથા રક્તપિત્ત, પિત્ત, કફ અને રક્તને કોપાવનાર તેમજ વાતનાશક છે. જૂની આમલી વાતલ અને પિત્ત કરનાર છે. પાકી આમલી મધુર, સારક, ખાટી, હૃદ્ય, ભેદક, મલસ્તંભક, દીપન, રુચિકર, ઉષ્ણ, રુક્ષ અને બસ્તિશોધક છે અને વ્રણદોષ, કફ, વાયુ અને કૃમિનો નાશ કરે છે. સૂકી આમલી હૃદ્ય અને લઘુ છે અને શ્રમ, ભ્રાંતિ, તૃષા, પરસેવો તથા કૃમિનો નાશ કરે છે. નવી આમલી વાત અને કફ કરનારી છે. તે એક વર્ષ જૂની હોય તો વાતપિત્તનાશક હોય છે. પાકી આમલીનો ગર ખાટો, મધુર, રુચિકર, વ્રણનાશક અને લેપ કરવાથી સોજા અને પંક્તિશૂળ-નાશક હોય છે.

તે દૂઝતા હરસ, ઠંડા પરમા, પાંડુરોગ, પડજીભ, વીંછીના દંશ અને ક્ષતકારી (વાયુ ઉરમાં ચાંદી કરી રક્ત સહિત કફ ઉત્પન્ન કરે છે) શૂળ ઉપર, શીતળાનો આજાર ન આવવા માટે, ઉંદરના તેમજ હિંગળોક, આકડો અને થૂરિયાના વિષ ઉપર, અતિસાર ઉપર, આંખો આવે તે ઉપર, અન્નપાચન થતું ન હોય તો, ક્ષુધા કમી થવા માટે, ભાંગના ઉતાર માટે, કર્ણશૂળ, કૉલેરા, અરુચિ, પિત્ત, બંધકોશ અને બાળકોની રક્તસંગ્રહણી ઉપર ઉપયોગી છે. ‘ચરકસંહિતા’માં ચાર પ્રકારની આમલીનો ઉપયોગ છે.

વૃક્ષ કીમતી પ્રકાષ્ઠ(timber)નું ઉત્પાદન કરે છે. તેનું રસકાષ્ઠ (sapwood) પીળું અને ઘણી વાર બદામી રાતા લિસોટાઓવાળું હોય છે. અંત:કાષ્ઠ (heartwood) ઘેરું બદામી અને કાળા રંગના લિસોટાવાળું હોય છે. અંત:કાષ્ઠ નાનું હોય છે. કાષ્ઠ દૃઢગઠિત કણયુક્ત (close-grained), મજબૂત, ખૂબ સખત અને ભારે (વજન, 913થી 1282 કિગ્રા/ ઘમી.) હોય છે. તે મધ્યમસરનું ઉચ્ચતાપ-સહ (refractory) છે અને વાયુ-સંશોષણ (air-seasoning) દરમિયાન ચિરાય છે અને તેમાં તિરાડો ઉત્પન્ન થાય છે. કાષ્ઠ સખત હોવાથી ઓજારથી કામ કરવામાં મુશ્કેલી પડે છે. ગાડાનાં પૈડાં, સાંબેલાં, દસ્તા, કૃષિનાં ઓજારો, હાથા વગેરે બનાવવામાં તે ઉપયોગી છે. દક્ષિણ ભારતમાં સાલ અને સાગની અવેજીમાં થાંભલા બનાવવામાં તે વપરાય છે. તેનો કોલસો સારો પડે છે.

નાજુક પર્ણો, પુષ્પો અને તરુણ રોપનો શાકભાજી તરીકે ઉપયોગ કરવામાં આવે છે. નાજુક પર્ણોનું રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : પાણી 70.5 %; પ્રોટીન 5.8 %; લિપિડ 2.1 %; રેસા 1.9 %; અન્ય કાર્બોદિતો 18.2 %; અને ખનિજો 1.5 %. પર્ણોમાં ખનિજો અને પ્રજીવકો આ પ્રમાણે છે : કૅલ્શિયમ 101 મિગ્રા.; મૅગ્નેશિયમ 71 મિગ્રા; ફૉસ્ફરસ 140 મિગ્રા; લોહ 5.2 મિગ્રા.; તાંબું 2.09 મિગ્રા.; ક્લોરિન 94 મિગ્રા. અને સલ્ફર 63 મિગ્રા/100 ગ્રા. થાયેમિન 0.24 મિગ્રા.; રાઇબૉફ્લેવિન 0.17 મિગ્રા.; નાયેસિન 4.1 મિગ્રા. અને ઍસ્કૉર્બિક ઍસિડ 3.0 મિગ્રા./ 100 ગ્રા.; કૅરોટિન 250 માઇક્રોગ્રામ/100 ગ્રા. અને ઑક્ઝૅલિક ઍસિડ 196 મિગ્રા./100 ગ્રા. પર્ણોમાં વાઇટૅક્સિન, આઇસોવાઇટેક્સિન, ઓરિયેન્ટિન અને આઇસો-ઓરિયેન્ટિન નામનાં ગ્લાયકોસાઇડ હોય છે. આ ગ્લાયકોસાઇડ છાલમાં હોતાં નથી. છાલમાં હોડૅનિન નામનું આલ્કેલૉઇડ હોય છે. પર્ણોમાંથી રતાશ પડતો પીળો રંગ મેળવવામાં આવે છે અને તેનો ઉપયોગ ઊન અને રેશમને રંગવામાં થાય છે. છાલમાં લગભગ 7 % જેટલું ટૅનિન હોય છે અને તે ચર્મશોધન(tanning)માં વપરાય છે. છાલમાં અને અંત:કાષ્ઠમાં પ્રોઍન્થોસાયનિડિન (C45H38O16) હોય છે.

વૃક્ષ દ્વારા ઘેરા રંગના ગુંદરનો સ્રાવ થાય છે. જોકે તેનો ખાસ ઉપયોગ કરવામાં આવતો નથી. પર્ણો બકરાં અને ઢોરના ચારા તરીકે અને લીલા ખાતર તરીકે ઉપયોગી છે. આફ્રિકાના કેટલાક દેશોમાં તરુણ પ્રકાંડ અને છાલમાંથી રેસાઓ મેળવવામાં આવે છે. નાઇજિરિયામાં આ વૃક્ષ લાખના કીટક અને Anaphe પ્રજાતિના રેશમના કીડાનું યજમાન હોવાની માહિતી છે. પુષ્પો મધ માટેનો સારો સ્રોત ગણાય છે; જે સોનેરી રંગનું અને થોડુંક ઍસિડિક હોય છે. પુદુચેરીમાં થયેલા અભ્યાસ મુજબ તેની પરાગરજ શ્વાસની ઍલર્જી ઉત્પન્ન કરે છે.

કાન્તિલાલ ગોવિંદલાલ મહેતા

ચંદ્રકુમાર કાંતિલાલ શાહ

મ. દી. વસાવડા

શોભન વસાણી

બળદેવભાઈ પટેલ