આભાસવાદ : કાશ્મીરના અદ્વૈતવાદી શૈવ દર્શનનો મુખ્ય સિદ્ધાન્ત. પૂર્ણપણે અદ્વૈતવાદી શૈવ દર્શન કાશ્મીરમાં નવમા સૈકાના પૂર્વાર્ધમાં ઉદભવ્યું. તે આભાસવાદ, સ્વાતંત્ર્યવાદ, ત્રિક દર્શન, કાશ્મીર શૈવ દર્શન એમ અલગ અલગ નામે ઓળખાય છે. શિવસૂત્રના કર્તા વસુગુપ્ત (ઈ. સ. 825) તેના પ્રથમ પુરસ્કર્તા કહી શકાય. ‘શિવદૃષ્ટિ’ના કર્તા સોમાનંદે (9મી સદી) મુક્તિના અપૂર્વ ઉપાય પ્રત્યભિજ્ઞાનું પ્રતિપાદન કર્યું. આમ ત્રિક દર્શનની અંદર જ પ્રત્યભિજ્ઞાવાદ વિકસ્યો.

ત્રિક દર્શન અથવા આભાસવાદમાં પરા સંવિત્ અથવા પરમ શિવ પરમ તત્વ છે, જે શિવ તથા શક્તિના સામરસ્યરૂપ છે. આ પરમ તત્વ ચૈતન્યરૂપ છે અને નિર્વિકાર રહીને જગતના સર્વ પદાર્થોમાં અનુસ્યૂત છે. તે વિશ્વાત્મક છે તેમજ વિશ્વોત્તીર્ણ છે. આ પરમ શિવ જ વિવિધ વિચિત્રતાઓવાળા જગત રૂપે સ્ફુરે છે, વિશ્વનું ઉન્મીલન કરે છે. તેને કોઈ ઉપાદાન કે સામગ્રી કે આધારની જરૂર નથી. પરમ સ્વાતંત્ર્યશક્તિસંપન્ન પરમેશ્વર સ્વેચ્છાથી સ્વભિત્તિમાં કશાની અપેક્ષા વિના જગતનું ઉન્મીલન કરે છે. સૃષ્ટિકાળમાં જે અવસ્થિત હતું તેનું માત્ર સ્વેચ્છાશક્તિથી પ્રકટીકરણ થાય છે; જગત્-ચિત્ર માટે કોઈ ચિત્રપટ કે સામગ્રીની અપેક્ષા વિના પરમ શિવ સ્વયં પોતાની ઇચ્છાથી પોતામાં જ જગતનો આવિર્ભાવ કરે છે.

પરમેશ્વરમાં અનંત શક્તિઓ છે પણ તેની પાંચ શક્તિઓ વિશેષ પ્રસિદ્ધ છે – ચિત્, આનંદ, ઇચ્છા, જ્ઞાન તથા ક્રિયા. આત્માનું સ્વાતંત્ર્યશક્તિથી અર્થાત્ સ્વેચ્છાથી પરિગૃહીત રૂપ અજ્ઞાન, માયા કે જગત્ છે. આત્મા સ્વતંત્ર છે તેથી પોતાના રૂપનું આવરણ કરવા કે તેને પ્રકટ કરવા સમર્થ છે. જીવનું અજ્ઞાન તેની સ્વાતંત્ર્યશક્તિનું જ વિજૃંભણ માત્ર છે. સૃષ્ટિ, સ્થિતિ, સંહાર, તિરોભાવ અને અનુગ્રહ – એ પરમેશ્વરનાં પાંચ કૃત્યો છે.

અભિનવગુપ્ત કહે છે તેમ, પરમેશ્વર અને જગતનો સંબંધ દર્પણ-બિંબવત્ છે. જેમ સ્વચ્છ દર્પણ પોતામાં પ્રતિબિંબિત થયેલને અભિવ્યક્ત કરે છે તેમ પરાસંવિત્ પોતામાં આ જગત પોતાનાથી ભિન્ન હોય તેમ અભિવ્યક્ત કરે છે; પણ લોકમાં પ્રતિબિંબને માટે બાહ્ય બિંબની અપેક્ષા રહે છે, જ્યારે પરાસંવિદરૂપી દર્પણમાં જગતપ્રતિબિંબ તેની સ્વયંપ્રકાશ સ્વાતંત્ર્યશક્તિથી જ સર્જાય છે. આ વિશ્વ ચિન્મયી શક્તિનું સ્ફુરણ છે, તેનો આભાસ છે તેથી કોઈ રીતે મિથ્યા નથી. જેનો જેનો આભાસ થતો જાય છે તે તે સર્જાય છે.

પરમેશ્વરમાં વિશ્વસૃષ્ટિની ઇચ્છા થતાં તેનાં બે રૂપ થાય છે – શિવ તથા શક્તિ. શિવ પ્રકાશરૂપ છે, જ્યારે શક્તિ વિમર્શરૂપ છે. વિમર્શ એટલે પૂર્ણ અકૃત્રિમ અહમનું સ્ફુરણ. આ સ્ફુરણ સૃષ્ટિકાળમાં વિશ્વાકારથી, વિશ્વપ્રકાશથી તથા સંહારકાળમાં વિશ્વસંહરણથી થાય છે. શિવ શક્તિ વિના કે શક્તિ શિવ વિના હોઈ શકે નહિ; તેમનો સંબંધ ચંદ્ર અને ચંદ્રિકાના જેવો અભેદનો છે. પ્રકાશ વિમર્શાત્મક છે અને વિમર્શ પ્રકાશાત્મક. વિમર્શને સ્ફુરતા, સ્પન્દ આદિ નામ આપવામાં આવે છે.

‘પ્રત્યભિજ્ઞાહૃદય’માં કહ્યું છે કે સર્વકર્તૃત્વ, સર્વજ્ઞત્વ, પૂર્ણત્વ, નિત્યત્વ, વ્યાપકત્વની શક્તિઓ સંકોચ પામતાં અનુક્રમે કલા, વિદ્યા, રાગ, કાલ નિયતિ રૂપે ભાસે છે અને આવો શક્તિના દારિદ્રયવાળો સંસારી જીવ કહેવાય છે, પણ શક્તિનો વિકાસ થતાં એ પરમ શિવ જ છે. માટે જ પ્રત્યભિજ્ઞાવાદી કહે છે કે મોક્ષ પ્રત્યભિજ્ઞાથી પ્રાપ્ત થાય છે. જીવની શક્તિઓ પરમેશ્વરના જેવી જ છે, પણ જીવને તેમની ઓળખ નથી. એક સુંદર ઉદાહરણ આપ્યું છે : કોઈ કન્યાની આગળ તેની સખીઓ એક યુવકનાં રૂપ, ગુણ વગેરેનાં વખાણ કરતી હોય છે અને તેના પ્રેમમાં પડીને તે વિહવળ બની જાય છે. હવે એ યુવક તેની સામે આવીને ઊભો રહે છે, પણ તે કન્યા પર કોઈ અસર થતી નથી, કારણ કે તે તેને કોઈ સામાન્ય માણસ માને છે. પણ જ્યારે તેને કહેવામાં આવે છે, કે એ જ યુવક છે, જેના ગુણ સાંભળીને એ આકર્ષાઈ છે, ત્યારે તેના આનંદનો પાર રહેતો નથી. તે જ રીતે જીવ પોતે મહેશ્વર હોવા છતાં પોતાના આનંદાદિનો અનુભવ તેને થતો નથી, કારણ કે પોતાની શક્તિઓને તે ઓળખતો નથી; પણ ગુરુના ઉપદેશથી જ્યારે તેને આની ઓળખ (પ્રત્યભિજ્ઞા) થાય છે ત્યારે એ જ એની મુક્તિ હોય છે.

ત્રિક દર્શનમાં સાધનમાર્ગ વિશિષ્ટ છે, જેમાં જ્ઞાન અને ભક્તિ બંનેનું સામંજસ્ય છે. અદ્વૈતજ્ઞાનનો ઉદય થતાં સાધ્યરૂપા ભક્તિનો ઉદય થાય છે, જે નિત્ય છે. મોક્ષ એટલે વસ્તુત: નિત્યસિદ્ધિ, જ્ઞાનભક્તિનો જ આવરણભંગથી થતો સમુન્મેષ માત્ર. તેને ત્રિક દર્શનમાં ચિદાનંદલાભ કહે છે.

આ દર્શનમાં 36 તત્વો માન્યાં છે અને તેમના ત્રણ વિભાગ છે :

(i) શિવતત્વ  (1) શિવ, (2) શક્તિ

(ii) વિદ્યાતત્વ  (3) સદાશિવ, (4) ઈશ્વર, (5) શુદ્ધ વિદ્યા

(iii) આત્મતત્વ  (6) માયા, (7) કલા, (8) વિદ્યા, (9) રાગ, (10) કાલ, (11) નિયતિ, (12) પુરુષ, (13) પ્રકૃતિ, (14) બુદ્ધિ, (15) અહંકાર, (16) મન, (17 થી 21 પાંચ જ્ઞાનેન્દ્રિય, (22 થી 26) પાંચ કર્મેન્દ્રિય, (27 થી31) શબ્દ–સ્પર્શાદિ પાંચ વિષયો, (32થી 36) પાંચ મહાભૂતો.

પરમ શિવમાંથી અહમંશ અને ઇદમંશનું પૃથક્કરણ અને વિશ્વનો આભાસ યુક્તિયુક્ત રીતે સમજાવવા તત્વોના આ ક્રમની કલ્પના કરી છે. કલા, વિદ્યા, રાગ, કાલ અને નિયતિને કંચુક કહ્યાં છે, કારણ કે તેથી જીવની શક્તિ આવૃત બને છે અને તે ‘પુરુષ’વાચ્ય બને છે.

એસ્થર સોલોમન