આપખુદશાહી (authoritarianism) : એકહથ્થુ સત્તાવાદ. એવી પદ્ધતિની સરકાર કે જ્યાં એક નેતા કે નાના જૂથના હાથમાં સત્તાનું કેન્દ્રીકરણ થયું હોય અને જે બંધારણીય રીતે પ્રજાને જવાબદાર ન હોય. બંધારણીય લોકશાહીથી તે તદ્દન વિરોધી છે. લશ્કરી વિજય કે લોકોની એષણાઓ સંતોષવાના નામે કામચલાઉ સરમુખત્યારશાહી(dictatorship)ના સ્વરૂપમાં કે કટોકટી(emergency)ની સ્થિતિ દ્વારા કાયદાવિહીન શાસનને વાજબી ઠેરવવામાં આવે છે. આપખુદ શાસનમાં લોકોના અભિપ્રાયને કે હિતને ઉવેખીને લોકો ઉપર બળજબરીથી અંકુશ લાદવામાં આવે છે. લોકશાહી સિદ્ધાંતો કે વ્યવહારને તેમાં લેશમાત્ર સ્થાન નથી. તેમાં લોકોએ સરકારના આદેશોનું પાલન જ કરવાનું હોય છે. તેમાં વૈકલ્પિક સરકાર કે વિપક્ષને અવકાશ હોતો નથી. ‘રાજ્ય’ નામની સંસ્થાનો જન્મ જ આપખુદશાહી સાથે થયેલો માનવામાં આવે છે. આમ તે રાજ્ય જેટલી જ જૂની અને પ્રાચીન શાસનવ્યવસ્થા છે. મધ્યયુગમાં રાજાશાહી અને આપખુદશાહી લગભગ પર્યાયરૂપ ગણાતાં હતાં.

આપખુદશાહી રાજ્યોને સર્વસત્તાવાદી રાજ્યોથી જુદાં પાડી શકાય. જોકે, બંનેમાં નાગરિક અધિકારોનો છેદ તો ઊડે જ છે. આપખુદશાહી રાજ્યપ્રસ્થાપિત સામાજિક વર્ગ સાથે જોડાઈ શકે છે અથવા ગૃહીત મૂલ્ય-વ્યવસ્થા સાથે જોડાય છે, જ્યારે સર્વસત્તાવાદી(totalitarian) રાજ્ય નિદર્યતાપૂર્વક તદ્દન નવી જ મૂલ્યવ્યવસ્થા પ્રસ્થાપે છે.

આ પ્રકારની રાજ્યવ્યવસ્થાના જાણીતા દાખલા તે ઇટાલીનું મુસોલીની દ્વારા પ્રસ્થાપિત ફાસીવાદી રાજ્ય (1922-1945) અને જર્મનીમાં સ્થપાયેલું હિટલરનું નાઝીવાદી રાજ્ય (1933-1945). આ બંને સર્વસત્તાધીશ રાજ્યોમાં મૂળભૂત રીતે કોઈ તફાવત ન હતો, સિવાય કે હિટલરે યહૂદીઓની સામે જર્મનીને આર્યોના (Aryan) રાજ્ય તરીકે ઘોષિત કરેલું. આ પ્રકારનું રાજ્ય તેની સત્તાની ભીંસમાં સમગ્ર સમાજને જકડીને તેને ગૌણ અને લાચાર બનાવી મૂકે છે. માનવ-અધિકારો, વ્યક્તિ-સ્વાતંત્ર્યનાં બધાં સ્વરૂપો, મુક્ત પ્રેસ વગેરે સૌ રાજ્યસત્તાની પ્રસરેલી પાંખ નીચે દબાઈ જાય છે. આવા સર્વસત્તાધીશ રાજ્યમાં કશું રાજ્યની બહાર નથી, કશું રાજ્યની વિરુદ્ધ નથી તેમ કશું રાજ્યથી સ્વતંત્ર નથી. સ્ટાલિનના અમલ તળેનું સોવિયેત રશિયા જુદા પ્રકારનું પણ મૂળભૂત રીતે સર્વસત્તાધીશ રાજ્ય તરીકે જ ગણાયું છે.

વીસમી સદીના આરંભમાં અને ત્યારપછી આપખુદશાહી સરકારોની સંખ્યામાં વધારો થતો રહ્યો છે. દક્ષિણ અમેરિકા અને એશિયાના અમુક દેશોમાં લશ્કરી સેનાપતિઓએ આપખુદશાહી શાસન ચલાવ્યું છે અને બીજા વિશ્વયુદ્ધ બાદ સ્વતંત્ર થયેલાં રાષ્ટ્રોમાં પણ નેતાઓએ આપખુદશાહી શાસન સ્થાપ્યું છે. ત્રીજા વિશ્વમાં પચાસથી વધારે રાષ્ટ્રોમાં આપખુદ શાસન ચાલે છે. દર દસ રાષ્ટ્રે ચાર રાષ્ટ્રોમાં લોકશાહીનો અભાવ જોવા મળે છે. 1962થી 1975ના ગાળા દરમિયાન 104 જેટલા લશ્કરી બળવાઓ થયાના દાખલાઓ છે. શાહના શાસન દરમિયાન કે પછીનું ઈરાન આપખુદશાહી હેઠળ જ રહ્યું છે. અયૂબખાન, યાહ્યાખાન તેમજ ઝિયાના શાસન તળેનું પાકિસ્તાન તથા ઇર્શાદના અમલ નીચેનું બાંગ્લાદેશ આપખુદશાહીનાં દૃષ્ટાંત પૂરાં પાડે છે. ભારતમાં જૂન 1975થી જાન્યુ. 1977 સુધીના ‘કટોકટી’ના દિવસો દરમિયાનની વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીની શાસનપ્રણાલીને આપખુદશાહીના એક પ્રકાર તરીકે ઓળખાવવામાં આવી છે. દુનિયાના વિવિધ દેશોમાં આપખુદશાહી પાંગરતી રહી છે. ઇરાકમાં સદ્દામ હુસેનનું શાસન, લિબિયામાં કર્નલ ગદ્દાફીનું શાસન, ઇજિપ્તમાં હોસ્ની મુબારકનું શાસન વગેરે તેનાં ઉદાહરણો છે. અલબત્ત, આ આપખુદશાહી વિરુદ્ધ પડકારો આવે છે, પ્રજા ક્રાંતિ કરી જુલ્મી આપખુદ શાસકોને પદભ્રષ્ટ કરે છે. આમ આપખુદશાહી લાંબે ગાળે પડકારાતી હોય છે.

દેવવ્રત  પાઠક
હેમન્તકુમાર શાહ