આન્દ્રોપોવ, યુરી

January, 2002

આન્દ્રોપોવ, યુરી (જ. 15 જૂન 1914, નાગુસ્કોએ, રશિયા; અ. 9 ફેબ્રુઆરી 1984, મૉસ્કો) : પૂરું નામ આન્દ્રોપોવ, યુરી વ્લાદીમીરોવિચ. બ્રેઝનેવના મૃત્યુ બાદ લગભગ બે વર્ષ (1982-1984) સુધી સોવિયેત સંઘના સામ્યવાદી પક્ષના મહામંત્રીપદે રહ્યા હતા. નાનપણમાં કિશોરોનાં સામ્યવાદી મંડળો (Komsomol) માં સક્રિય, જેમાં સફળતા મેળવતાં કારેલો-ફિનિશ સ્વાયત્ત પ્રજાસત્તાકમાં કિશોર મંડળોના વડા તરીકે નિમાયા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તેમણે ગેરીલા યુદ્ધમાં સફળતાપૂર્વક ઝંપલાવેલું, જેને પરિણામે તેમને તેમના પ્રદેશમાં પક્ષનું સર્વોચ્ચ નેતાપદ પ્રાપ્ત થયું હતું.

1951માં પક્ષના કેન્દ્રીય મંડળમાં તાલીમ માટે પસંદ થતાં તેમના વ્યક્તિગત વિકાસનો નવો તબક્કો શરૂ થયો. પછીનાં વર્ષોમાં તેઓ ઉત્તરોત્તર આગળ વધતા રહ્યા. હંગેરીમાં એલચીપદે નિયુક્ત થયા તે દરમિયાન (1954-1957) સોવિયેત સંઘનાં સૈન્યોએ હંગેરી ઉપર લશ્કરી હુમલો કર્યો અને આન્દ્રોપોવે તેમાં કડક વલણ દાખવી આગળપડતો ભાગ ભજવ્યો
તેથી દેશના વડાઓની ચાહના પ્રાપ્ત કરી. બ્રેઝનેવના પ્રીતિપાત્ર બનતાં તેમને દેશની સર્વોચ્ચ ગુપ્તચર સંસ્થા‘KGB’ના વડા નીમવામાં આવ્યા. આ સ્થાન ઉપર રહીને તેમણે કડક હાથે કામ કર્યું અને દેશના સામ્યવાદી પક્ષના સર્વોચ્ચ કેન્દ્રીય સત્તાસ્થાન(Politbureau)નું સભ્યપદ મેળવ્યું. જેમ 1956માં હંગેરી  પર તેમ 1968માં તેમણે ચેકોસ્લોવેકિયા ઉપર સોવિયત સંઘનાં સૈન્યોની દરમિયાનગીરીનું આયોજન કર્યું અને 1981માં પોલૅન્ડમાં લશ્કરી કાયદાનું શાસન લાદ્યું. આ દૃષ્ટિએ જોતાં આન્દ્રોપોવે આંતરિક તેમ જ બાહ્ય નીતિમાં દેશની સર્વોચ્ચ નેતાગીરી તરફ વફાદારી બતાવી હતી અને સત્તાસ્થાને રહ્યા.

1982ના નવેમ્બરમાં બ્રેઝનેવનું અવસાન થતાં માત્ર બે જ દિવસના ગાળામાં પક્ષની કેન્દ્રસ્થ સમિતિએ બ્રેઝનેવના સ્થાને તેમની નિમણૂક કરી, પરંતુ નાદુરસ્ત તબિયતના કારણે આ સ્થાન ઉપર તેઓ લાંબો સમય રહી શક્યા નહિ. જે થોડો સમય તેઓ આ સ્થાન પર રહ્યા તે દરમિયાન તેમણે દેશના આર્થિક જીવનમાં સુધારાઓ દાખલ કર્યા, ભ્રષ્ટાચાર નાબૂદ કરવા પગલાં લીધાં અને વિદેશનીતિમાં કંઈક ઉગ્ર નીતિ અપનાવી. 1983ની અધવચમાં તેમણે સત્તાસ્થાન છોડી દીધું હતું.

દેવવ્રત  પાઠક