આધ ચાનની (ચાંદની) રાત (1972) : પંજાબી નવલકથા. લેખક ગુરુદયાલસિંઘ (1933). તેમને ભારતીય સાહિત્ય અકાદમીનો 1975નો ઍવૉર્ડ મળેલ છે. પંજાબના માલ્વા પ્રદેશના ખેડૂતોની કરુણ કથા છે. નવલકથાનું કેન્દ્ર એક ગામડું છે અને નવલકથાનો નાયક મદન છે. નવલકથાનો નાયક પરંપરાગત મૂલ્યો અને બદલાતી સામાજિક સ્થિતિમાં સપડાયેલો છે. ગામડાનો લંબરદાર એનું અપમાન કરે છે અને એને હડધૂત કરે છે. આથી મદન ઉશ્કેરાઈને એને ગોળીથી વીંધી નાખે છે. મદનની જિજીવિષા તીવ્ર છે, પરંતુ તેણે કરેલા ખૂનના પરિણામે તેને આજીવન કેદની સજા થાય છે. તે પ્રેમ અને માનના સામંતશાહી વિચારો ધરાવે છે. વિચારો ધનશાસિત મૂડીવાદી સમાજ સાથેના સંબંધોમાં સંઘર્ષ પેદા કરે છે. જેલમાંથી સજા પૂરી થતાં છૂટીને પાછો આવે છે ત્યારે તેનો ખેડૂત મિત્ર રઈડુ એના પુનર્વસવાટમાં મદદ કરે છે. મદન એક વિધવાના સંપર્કમાં આવી તેની સાથે લગ્ન કરે છે. આથી તેનું કુટુંબ અને સમાજ તેનો બહિષ્કાર કરે છે. તેની પત્નીને એના સાળાઓ ઉપાડી જઈ બીજે વેચી દે છે. જેનું એણે ખૂન કર્યું હતું, તેના દીકરાઓ મદન પર હુમલો કરે છે. મૃત્યુ વખતે મદનને તેની પત્ની આવીને આશ્વાસન આપે છે.

ગુરુદયાલસિંઘે પંજાબના માલ્વા પ્રદેશના નિમ્નગ્રામીણ વર્ગનું અને તેના સંઘર્ષનું આબેહૂબ આલેખન નવલકથામાં કર્યું છે અને ભાષામાં પણ માલ્વી બોલીનો ઉપયોગ કર્યો છે.

ગુરુબક્ષસિંહ