આદ્ય રંગાચાર્ય (જ. 26 સપ્ટેમ્બર 1904, અગરખેડ, જિ. બિજાપુર, કર્ણાટક; અ. 1994) : કન્નડ નાટકકાર, વિવેચક, નવલકથાકાર અને ચિંતક. ‘શ્રીરંગ’ તખલ્લુસથી પણ લખે છે. જન્મ કર્ણાટકના બિજાપુર જિલ્લાના અગરખેડ ગામમાં થયો હતો. એમણે પુણેની ડેક્કન કૉલેજમાં અને લંડનની પ્રાચ્યવિદ્યાશાળા(School of Oriental Studies)માં અભ્યાસ કર્યો હતો. ધારવાડની કર્ણાટક કૉલેજમાં સંસ્કૃતના વ્યાખ્યાતા તરીકે, પછી માહિતી અને પ્રસારણ મંત્રાલયમાં, આકાશવાણીના નાટ્યવિભાગમાં તેમજ કાલિદાસ એકૅડેમીના નિયામક તરીકે પણ કામ કરેલું છે. નાટ્યવિદ તરીકે એટલા પ્રસિદ્ધ થયા કે એમણે સાહિત્યનાં અન્ય ક્ષેત્રોમાં કરેલું કાર્ય ઢંકાઈ ગયું છે. કન્નડ સાહિત્યમાં જો કોઈ પણ વ્યક્તિ પૂર્ણાંશે નાટકને વરી હોય તો તે આદ્ય રંગાચાર્ય છે. એમણે 40 લાંબાં નાટકો અને લગભગ 100 એકાંકીઓ લખ્યાં છે. બધાં જ રંગમંચ પર ભજવાયાં છે અને એ બધાંનું દિગ્દર્શન પણ એમણે જ કર્યું છે. નાટ્યકલાના તજ્જ્ઞ તરીકે તેઓ ભારતભરમાં જાણીતા છે.

નાટ્યકાર તરીકેની તેમની કારકિર્દી બે વિભાગમાં વહેંચી શકાય : પ્રથમમાં ‘ઉદર વૈરાગ્ય’(1930)થી ‘શોકચક્ર’ (1952) સુધીનાં નાટકો આવે, જેમાં સામાજિક દૂષણોની હળવી રજૂઆત કરી છે. આ પ્રથમ વિભાગનાં નાટકોમાં ‘હરિજન્વાર’ (1933), ‘સંધ્યાકળા’ (1939) અને ‘શોકચક્ર’ (1952) ઉત્કૃષ્ટ કોટિનાં નાટકો છે. 1959માં એમનાં ‘કત્તાળેબેળાકુ’ અને ‘કેળુજનમેજય’ નાટકોએ કન્નડ નાટ્યસાહિત્યને એક નવો વળાંક આપ્યો. એમાં શૈલીની અભિનવતા છે. નાટ્યવસ્તુની પસંદગીમાં પણ એમની આગવી વિશેષતા છે. એમનાં એ નાટકો ભારતની અનેક ભાષાઓમાં અનૂદિત થયાં છે. આ બીજા વિભાગનાં નાટકોમાં એમણે કલ્પન અને પ્રતીકોનો આશ્રય લીધો છે. ભાષામાં સાહિત્યિક કરતાં રંગમંચીય વળાંક વધુ નજરે પડે છે. એમનાં બીજા તબક્કાનાં નાટકોમાં ‘રંગ ભારત’ (1965) અને ‘સ્વર્ગક્કે મૂરે બગિબુ’ (1970) એમને ભારતીય નાટ્યકારોમાં ઉચ્ચ સ્થાન અપાવે એવાં છે.
નાટકો ઉપરાંત એમણે નવલકથાઓ પણ લખી છે. એમની ઉલ્લેખનીય નવલકથાઓ છે : ‘વિશ્વામિત્રનાસિષ્ટિ’ (1934), ‘પુરુષાર્થ’ (1947), ‘પ્રકૃતિપુરુષ’ (1954) અને ‘અનાદિ અનન્ત’ (1959). આ ઉપરાંત એમણે ‘કાલિદાસ’ વિશે ગ્રંથ લખ્યો છે, જેને 1972નું કેન્દ્રીય સાહિત્ય અકાદમી પારિતોષિક મળ્યું છે. એમણે ગીતા વિશે પણ 2 ચિંતનગ્રંથો લખ્યા છે : ‘ગીતાગાંભીર્ય’ (1941) અને ‘ગીતાદર્પણ’ (1972).

1955માં તેઓ કન્નડ સાહિત્ય સંમેલનના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. 1963માં સંગીતનાટક અકાદમીનો નાટ્ય પુરસ્કાર એમને આપવામાં આવ્યો હતો અને 1967માં સંગીતનાટક અકાદમીએ એમને ફેલો (માનાર્હ સભ્ય) તરીકે ચૂંટ્યા હતા. 1979માં એમને એમની નાટ્યસેવા માટે ‘પદ્મભૂષણ’નો ખિતાબ એનાયત થયો હતો. મૈસૂર વિશ્વવિદ્યાલયે એમને ડી. લિટ્.ની માનાર્હ પદવી આપી હતી.

કન્નડની સાહિત્યિક પરંપરા ઘણી પ્રાચીન છે. આદ્ય રંગાચાર્ય એ સાહિત્યના પ્રથમ શ્રેષ્ઠ નાટકકાર છે.

એચ. એસ. પાર્વતી