આધાનપાત્ર પરિવહન (container transport) : જથ્થાબંધ માલની, પ્રમાણબદ્ધ (standard) પરિમાણ (dimension) ધરાવતા પાત્ર દ્વારા હેરફેર કરવા માટેની અદ્યતન સંકલિત પદ્ધતિ. તે અમલમાં આવી તે પહેલાં માલની હેરફેરના દરેક તબક્કે સ્થાનાંતરણ માટેની ચીજવસ્તુઓને ઉતારવા કે ચઢાવવા માટે ભિન્નભિન્ન માપઘટકોનો ઉપયોગ થતો હતો તથા અંતિમ સ્થાન સુધી માલ પહોંચે તે દરમિયાન તૂટક તૂટક રીતે ભારવાહકોમાં વસ્તુઓ ચઢાવવાની કે ઉતારવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. દા.., કારખાનામાં તૈયાર થયેલ માલ ટ્રકમાં ચઢાવી રેલવે યાર્ડ સુધી લઈ જવામાં આવતો, ત્યાં ટ્રકમાંથી ઉતારી રેલવે વૅગનોમાં ચઢાવવામાં આવતો. રેલવે વૅગનો તે માલ બંદર સુધી પહોંચાડતાં, જ્યાં તે ઉતારવામાં આવતો, અને પછી વ્યાપારી વહાણોમાં ચઢાવવામાં આવતો. વહાણોમાંથી તે તેના અંતિમ સ્થાન સુધીના કે તેની નજીકના બંદરે ઉતારવામાં આવતો, જ્યાંથી તે જરૂરિયાત મુજબ રેલવે વૅગનો દ્વારા અને ટ્રક દ્વારા માલ ખરીદનાર સુધી પહોંચાડવામાં આવતો હતો. 1960 પછી માલની હેરફેરની પદ્ધતિમાં પાયાનો ફેરફાર દાખલ થયો છે અને હવે માલની હેરફેરના પ્રથમ તબક્કાથી તે મોટા કદના તથા પ્રમાણબદ્ધ પરિમાણવાળા પાત્રમાં મૂકવામાં આવે છે અને તેના અંતિમ સ્થાને તે પાત્રમાં તેને સીધો પહોંચાડવાની વ્યવસ્થા થાય છે. પદ્ધતિને આધાનપાત્ર પરિવહન કહેવામાં આવે છે.

માલની હેરફેર સળંગ અને સીધી પરિવહન પદ્ધતિ(through transport)ના ખ્યાલ પર રચાયેલી છે. પદ્ધતિને કારણે માલના સ્થળાંતર દરમિયાન તેની સુરક્ષિતતા વધી છે. ચોરીની કે ઘટની શક્યતા ઘટી છે, પરિવહનના કુલ સમયમાં ઘટાડો થયો છે, માલ ઉતારવા કે ચઢાવવાની પ્રક્રિયા વધુ સુગમ બની છે, જેને પરિણામે પ્રક્રિયાની ગતિ તથા કાર્યક્ષમતામાં વધારો થયો છે. ભારવહન દર(loading and unloading rate)માં વધારો થવા ઉપરાંત બંદર પર વ્યાપારી વહાણોના રોકાણના સમયમાં પણ ઘટાડો થયો છે. આમ પરિવહનની પરંપરાગત પદ્ધતિ કરતાં આધાનપાત્ર પરિવહનની પદ્ધતિ વધુ ઇષ્ટ અને કરકસરયુક્ત નીવડી છે. પરંપરાગત પરિવહન પદ્ધતિમાં ભારવહન દર કલાકે આશરે દસ ટનનું હતું તેની જગ્યાએ હવે 30 ટન માલ ધરાવતું પાત્ર માત્ર ત્રણ મિનિટમાં ચઢાવી કે ઉતારી શકાય છે. તેવી રીતે જૂની પરિવહન પદ્ધતિમાં વ્યાપારી વહાણના મુસાફરીના કુલ સમયમાંથી આશરે 60 ટકા જેટલો સમય બંદર પર રોકાણમાં ખર્ચાતો, જે નવી પદ્ધતિમાં માત્ર 10 ટકા જેટલો ખર્ચાય છે.

NYK Virgo

જથ્થાબંધ કન્ટેનરને લઈ જતું જહાજ

સૌ. "NYK Virgo" | CC BY 2.0

પદ્ધતિની કેટલીક આનુષંગિક અસરો થઈ છે; દા.. માલની હેરફેર માટે નિશ્ચિત પરિમાણવાળાં પાત્ર બનાવવાં પડે છે, જે મજબૂત છતાં વજનમાં હલકી ધાતુનાં હોવાં જોઈએ. તેને પરિણામે ટૂંકા ગાળામાં મૂડીની હેરફેર તથા શ્રમિકોની બેકારી અથવા વિસ્થાપન (displacement) જેવી સમસ્યાઓ ઊભી થાય છે. ઉપરાંત પાત્રમાં મૂકેલા જથ્થાબંધ માલને ઉતારવા કે ચઢાવવા માટે નવાં યંત્રો, સાધનો, ઉપકરણો તથા વ્યવસ્થાતંત્રની ગોઠવણ કરવી પડે છે. કેટલાક દેશોએ તો નવી પદ્ધતિને અનુરૂપ વિશિષ્ટ સગવડવાળાં વ્યાપારી વહાણો બનાવ્યાં છે, જેમાં પાત્રમાં મૂકેલા માલની જાળવણી તથા સુરક્ષિતતા માટેની અદ્યતન સુવિધાઓ દાખલ કરી છે.

આધાનપાત્ર પરિવહન પદ્ધતિ જથ્થાબંધ માલની હેરફેર માટે અનુકૂળ અને ઉપયોગી છે. તે હવે વિશ્વવ્યાપી બની છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે