આદિવાસી અને નૃવંશવિષયક સંગ્રહાલય

February, 2001

આદિવાસી અને નૃવંશવિષયક સંગ્રહાલય : આદિવાસી જીવનશૈલીનું સંગ્રહાલય. આદિવાસી જાતિઓના વૈવિધ્યસભર સમાજની જીવનશૈલી, સંસ્કૃતિ, કલા-કૌશલ, આભૂષણો અને તેમના જીવન સાથે સંકળાયેલી વિવિધ પ્રવૃત્તિઓ અને ચીજવસ્તુઓની સમજ આપતાં સંગ્રહાલયો. ભારતમાં અનેક જગ્યાએ આ સંગ્રહાલયો વિકસ્યાં છે. આધુનિક પ્રવાહમાં અનેક જાતિઓની સંસ્કૃતિમાંથી મૌલિકતા લુપ્ત થતી જાય છે. તેમનાં રહેઠાણો, પહેરવેશ, આભૂષણો, બોલી તથા કલામાં આધુનિકતા પ્રવેશી ચૂકી છે. તેનું પરંપરાગત સ્વરૂપ જીવતું રાખવા અને અભ્યાસીઓ માટે સંગ્રહાલયો વિકસાવવામાં આવ્યાં છે. આ બધાં સંગ્રહાલયોમાં આદિવાસી જીવનની સાથે સંકળાયેલાં વિવિધ પાસાંનાં સંશોધનો અને તેમને સંલગ્ન પ્રવૃત્તિઓ પણ થાય છે.

ગુજરાતમાં ગૂજરાત વિદ્યાપીઠનું આદિવાસી સંગ્રહાલય અને સંશોધન કેન્દ્ર, અમદાવાદ; છોટાઉદેપુર અને સાપુતારા એમ 3 આદિવાસી સંગ્રહાલયો આવેલાં છે. આ સિવાય બીજાં સંગ્રહાલયોમાં આદિવાસી અને નૃવંશવિષયક વિભાગો આવેલા છે. ભારતમાં દરેક રાજ્યમાં તે રાજ્યની આદિવાસી જાતિના સંશોધનને લગતું સંગ્રહાલય છે જેમાં દિલ્હીમાં આદિવાસી સંગ્રહાલય, ઠક્કરબાપા સ્મારક સદન, ક્રાફ્ટ્સ મ્યુઝિયમ છે. મધ્યપ્રદેશમાં છીંદવાડામાં, દાદરાનગર હવેલીમાં, ભોપાલમાં માનવસંગ્રહાલયમાં તેમજ ચેન્નઈ, પુણે અને વારાણસીમાં આદિવાસી સંશોધન કેન્દ્ર અને સંગ્રહાલય છે. વિશ્ર્વના બીજા દેશો જેમ કે, અમેરિકા, આફ્રિકા, ઑસ્ટ્રેલિયા વગેરે સ્થળે પણ આદિવાસી જાતિને લગતાં સંશોધનકેન્દ્રો અને સંગ્રહાલયો વિકસ્યાં છે.

આદિવાસી અને નૃવંશવિષયક મ્યુઝિયમ અમદાવાદની ગૂજરાત વિદ્યાપીઠમાં 1962માં યુનિવર્સિટી મ્યુઝિયમ તરીકે અસ્તિત્વમાં આવ્યું. અહીં આદિવાસીઓની ચીજવસ્તુઓ, વાજિંત્રો, ખેતીવાડીનાં ઓજારો, આભૂષણો, રમકડાં અને હસ્તકળાના નમૂના પ્રદર્શિત છે. ગુજરાતની મુખ્ય આદિવાસી જાતિઓનાં આંતરિક રચના સહિતનાં રહેઠાણો અને તેમાં પ્રદર્શિત તેમની જીવનશૈલી, પહેરવેશ, આભૂષણો દર્શાવતાં ગારમાટીનાં ઘરોમાં પૂર્ણ કદનાં પૂતળાંઓની સાથે અહીં ગોઠવેલાં છે. આ સાથે જે તે જાતિના વિશિષ્ટ વ્યવસાય પણ પ્રદર્શિત છે. સૂરત જિલ્લાની ચૌધરી, કોટવાળિયા, કોંકણા, ગામિત, ધોડિયા, પટેલ જાતિઓ; વલસાડ જિલ્લાની કોલચા, વારલી, કાથોડી, નાયક/નાયકડા જાતિઓ; ઉત્તર ગુજરાતની ગરાસિયા જાતિ, વડોદરાની રાઠવા જાતિ; જૂનાગઢ(સાસણ)ની સીદી જાતિ; પંચમહાલ જિલ્લાની ભીલ અને વસાવા જાતિઓ અને નળકાંઠાની પઢાર જાતિ જે આદિમાનવ પ્રકારની ગણાય છે, તે બધી જાતિઓની વિગત અહીં પ્રદર્શિત છે.

બીજા વિભાગમાં આદિવાસી જાતિની ધાર્મિક પ્રણાલિકાઓ દર્શાવાઈ છે. આદિવાસીઓ માને છે કે તેનો વ્યવહાર અદૃશ્ય અતિકુદરતી શક્તિઓ સાથે છે. આને કારણે કુદરતી આપત્તિ, રોગ, મૃત્યુ વગેરેને તે અસર કરે છે અને એ માટે તેમણે કેટલીક આકૃતિઓ બનાવી; એ ધાર્મિક પ્રણાલિકાઓ અને કલા બંને એકબીજા પર આધારિત છે. દેવ પ્રત્યેની ભક્તિનો કલા પર પ્રભાવ છે. રાઠવાઓનાં પિઠોરા ભીંતચિત્રો, ચૌધરીઓનાં નવા દહાંડનાં ચિત્રો, કુકણીઓના પચવી, ભીલ ગરાસિયાનાં ગોત્રજનાં ચિત્રો, વારલી જાતિનાં વારલી ભીંતચિત્રો પણ સંગ્રહાલયમાં પ્રદર્શિત છે. આદિવાસીઓના જીવનમાં સંગીત અને નૃત્ય વિવિધ તહેવારોમાં અનિવાર્ય છે. સંગ્રહાલયમાં આદિવાસીઓ દ્વારા બનેલ વિવિધ પ્રકારનાં ઢોલ, નગારાં, વાંસળી, તળી, તેમરો, મોરલી, ડોબરુ અને તડપુ (સૅક્સફોન જેવું) વગેરે સંગીતનાં સાધનો પણ પ્રદર્શિત છે. ઘરવખરી (વાસણો) મોટાભાગે માટીની બનેલી હોય છે, લાકડાની થાળી અને વાંસની કલાત્મક ગૂંથણીવાળી છાબડીઓ પણ પ્રદર્શિત છે. લાકડાનાં અને વાંસનાં બનેલાં રમકડાં અને ખેતીનાં ઓજારો અહીં રાખવામાં આવેલ છે.

આ સંગ્રહાલય આદિવાસી સંશોધન અને તાલીમ કેન્દ્રનો અંતર્ગત ભાગ હોવાને કારણે આદિવાસીઓની વિવિધ જાતિઓનાં અભ્યાસ તેમજ સંશોધનકાર્ય પણ ત્યાં કરી શકાય છે. તેને લગતા સંશોધનાત્મક નિબંધોની નકલ અહીં ઉપલબ્ધ છે, આદિવાસી જાતિઓને લગતાં પુસ્તકો અને વિવિધ અભ્યાસ-સામગ્રી પણ અહીં છે. અહીં આદિવાસી યુવાનો અને તેમના નેતાઓને શિક્ષણ અને તાલીમ આપવામાં આવે છે.

આમ, આ સંગ્રહાલય આદિવાસી જાતિની વિશિષ્ટ જીવનશૈલી, કલાની લાક્ષણિકતા તથા સાહિત્યની સમૃદ્ધિને સાચવી તેનું સંવર્ધન કરે છે.

સોનલ મણિયાર