આદિમ પ્રતિરૂપ (primitive archetype) : પરાપૂર્વથી ચાલ્યો આવતો કોઈ મૌલિક કે લાક્ષણિક કે આદર્શરૂપ નમૂનો અથવા આદિમ કાળે સૌપ્રથમ ઝિલાયેલી કોઈ મૂળ પ્રતિકૃતિ. આનો વિશેષ સંદર્ભ તો પાશ્ચાત્ય મનોવિજ્ઞાની યુંગના મનોવિશ્લેષણ સાથે સંકળાયેલો છે. માનવમનની લાક્ષણિકતા દર્શાવતાં તેમણે નોંધ્યું છે કે આ પ્રકારના પ્રતિરૂપની પ્રબળ છાપ, સમૂહગત અબોધ મન મારફત કોઈ પરિસ્થિતિ કે કામગીરી આધારિત પ્રારંભિક સંસ્કારરૂપે હોય છે. આવા સંસ્કારના જોરે માનવમન એ પ્રકારની પ્રતિરૂપાત્મક પરિસ્થિતિમાં મુકાવાનું કે જીવવાનું, એવાં કાર્યો પાર પાડવાનું, એવા ખ્યાલો કે આદર્શોને વળગી રહી જીવવાનું ઝંખે છે. એ પ્રકારના પ્રતિરૂપ સમા કોઈ ને કોઈ પાત્ર કે પ્રસંગમાં ઓતપ્રોત થવાની અબોધ મનની તીવ્ર ઉત્કંઠા હોય છે. કથા-સાહિત્યના કે ચલચિત્રની રૂપેરી સૃષ્ટિના કોઈ પરાક્રમી નાયક બનીને જીવવાનાં ખ્વાબ ઘણાના મનમાં ઘોળાતાં હોય છે. એ જ રીતે ત્રાસ વર્તાવતી સાવકી મા અથવા ભયનો આતંક મચાવતી ડાકણ, શાપિત રાજકુમાર કે રાજકુમારી જેવાં પરાપૂર્વથી ચાલ્યાં આવતાં અનેક પાત્રો લાક્ષણિક પ્રતિરૂપ બની રહે છે. મૃત્યુ અને પુનર્જન્મનાં પ્રતિરૂપો લગભગ દરેક દેશકાળમાં પ્રચલિત બનેલાં છે. ‘ઑડિસિયસ’ની ગ્રીક દંતકથામાં, શાપવિમોચન થતા સુધી વિશ્વભરમાં ભટકતા રહેવાનો શાપ પામેલા પાત્રની લાક્ષણિક કથા છે. સોળમી સદીથી યુરોપભરમાં પ્રચલિત બનેલી ‘ભટકતા યહૂદી’ની લોકપ્રિય કથામાં મૃત્યુની ઝંખનાનું એવું જ કથાઘટક (motif) છે. વૅગ્નરની ઑપેરા-રચના ‘ધ ફ્લાઇંગ ડચમૅન’ પણ આવા જ પ્રતિરૂપાત્મક ખ્યાલ પર આધારિત છે. ભારતીય લોકમાનસમાં યુગોથી પ્રચલિત બની રહેલા, મૃત્યુની ઝંખનામાં ભટકતા શાપિત અશ્ર્વત્થામાનું પાત્ર આવું જ પ્રતિરૂપ લેખાય. આમાંથી કદાચ અબોધ મનની સાર્વત્રિક આદિમતા તેમ પ્રતિરૂપોનું સામ્ય પ્રગટ થાય છે. આવાં પ્રતિરૂપો કલા, સાહિત્ય અને પુરાણકથામાં કથાઘટકરૂપે ડોકાતાં રહે છે.

લોકસંસ્કૃતિમાં પણ આવાં પ્રતીકાત્મક કથાઘટકોનું પ્રાબલ્ય જોવા મળે છે. ગુજરાતની લોકસંસ્કૃતિમાં વલોણું સુખ-સમૃદ્ધિનું, પોપટ પુત્રનું, હાથી-ઘોડો શૌર્ય તેમ ઐશ્વર્યનું પ્રતીક, સર્પ અને વીંછી એ જાતીય વૃત્તિનાં એમ અનેક પ્રતીકો પરંપરાથી પ્રચલિત છે.

મહેશ ચોકસી