આદિપુરાણ : પ્રાચીન કન્નડ મહાકાવ્ય (ઈ. સ. દસમી સદી). કન્નડના આદિકવિ પંપે (940 ઈ. સ.) બે કાવ્યો લખ્યાં છે, એક ધાર્મિક અને બીજું લૌકિક. આદિપુરાણ ધાર્મિક કાવ્ય છે, જે ચંપૂશૈલીમાં રચાયું છે. એમને આ ગ્રંથ લખવાની પ્રેરણા જિનસેનાચાર્યના સંસ્કૃત ગ્રંથ ‘પૂર્વપુરાણ’માંથી મળી હતી. એમાં જૈનોના પ્રથમ તીર્થંકરની કથા નિરૂપાયેલી છે. ‘પૂર્વપુરાણ’ની અસર કથાવસ્તુ અને શૈલીની દૃષ્ટિએ હોવા છતાં, એમાં કવિએ સ્થળકાળાનુરૂપ અનેક ફેરફાર કર્યા છે, તેથી એ કૃતિને મૌલિક કૃતિની લગોલગ મૂકી શકાય એમ છે. બીજું, ‘પૂર્વપુરાણ’માં કાવ્યતત્વ કરતાં પૌરાણિકતા તરફ વિશેષ લક્ષ અપાયું છે, જ્યારે ‘આદિપુરાણ’માં કાવ્યતત્વ પ્રધાન છે. ‘પૂર્વપુરાણ’ પદ્યકાવ્ય જ છે, જ્યારે ‘આદિપુરાણ’ ચંપૂશૈલીનું કાવ્ય છે. ભવાટવિમાં ભટકતાં ભટકતાં, એથી વાજ આવીને આદિદેવ ભોગથી વૈરાગ્યના માર્ગે વળે છે, અને કેવલજ્ઞાન પામી મુક્તિ મેળવે છે, તેની કથા રસપ્રદ રીતે તેમાં આલેખી છે.

પંપે કાવ્યની શરૂઆતમાં જ કહ્યું છે કે આદિપુરાણમાં કાવ્ય-ધર્મ અને મત-ધર્મનો સમન્વય છે. કવિતા અને ધર્મદર્શન બંને તેમાં ઓતપ્રોત છે. એ માર્ગી શૈલીનું કન્નડ ભાષાનું શ્રેષ્ઠ મધ્યકાલીન કાવ્ય મનાય છે. ભાષા સમાસપ્રચુર છે, કન્નડ છંદનો પ્રયોગ પણ સફળતાથી થયેલો છે.

એચ. એસ. પાર્વતી