આદિમ જૂથો : આદિમ એટલે આરંભ, ઉદભવ અથવા સંસ્કૃતિનો ઉષ:કાળનો સમય. આદિમ એટલે પ્રથમ અથવા પ્રાથમિક એવો શબ્દાર્થ થાય છે. અંગ્રેજી ભાષામાં આદિમ માટે ‘primitive’ શબ્દપ્રયોગ કરવામાં આવે છે. આ શબ્દ લૅટિન ભાષાના ‘primitivus’ શબ્દ ઉપરથી ઊતરી આવ્યો છે, જેનો અર્થ પ્રાચીન કે પહેલાંનું એવો થાય છે. વેબ્સ્ટરના શબ્દકોશ પ્રમાણે આદિમનો અર્થ કાલગ્રસ્ત થાય છે. માનવશાસ્ત્રમાં આદિમ શબ્દ માટે વિભિન્ન શબ્દપ્રયોગોનો ઉલ્લેખ કર્યો છે. વિવિધ માનવશાસ્ત્રીઓએ આદિમ શબ્દનો ઉપયોગ વિવિધ રીતે કર્યો છે.

આદિમ જૂથો એટલે એવાં જૂથો કે જે સભ્યતાના પ્રકાશથી દૂર રહે છે. ઈવાન્સ પ્રિટચાર્ડના મતાનુસાર આદિમ જૂથો એટલે એવાં જૂથો કે જે વસ્તીક્ષેત્ર અને સામાજિક સંપર્કની દૃષ્ટિએ નાનાં ધોરણોના જૂથમાં અને વધુ પ્રગતિશીલ સમાજની તુલનામાં સરળ, ઔદ્યોગિક અને આર્થિક ક્ષેત્રે પછાત હોય છે અને જેમનામાં સામાજિક ક્ષેત્રનાં કાર્યોમાં વિશેષીકરણનો અભાવ જોવા મળે છે. આદિમ જાતિ એ એક વિભિન્ન ભાષા કે બોલી બોલતો, વિભિન્ન સંસ્કૃતિ ધરાવતો સામાજિક સમૂહ છે, જે અન્ય આદિવાસી જૂથોથી અલગ તરી આવે છે, રાજકીય દૃષ્ટિએ અસંગઠિત હોય છે.

આદિમ જૂથો દેશમાં દ્રાવિડો આવ્યા તે પહેલાં જંગલમાં વસવાટ કરતાં હતાં. આદિમ સમાજનો પ્રયોગ સરળ પ્રૌદ્યોગિકીવાળા પ્રાચીન અને પ્રાગૈતિહાસિક સમાજ માટે કરવામાં આવે છે. કોઈ પણ સમાજ જે ઇતિહાસની શરૂઆત અર્થાત્ લેખનકળાની શોધ અને વિકાસ પહેલાં વિદ્યમાન હોય તેને આદિમ સમાજ તરીકે ઓળખવામાં આવે છે. આદિમ શબ્દ સામાન્યત: સાક્ષરતાહીન સંસ્કૃતિનો દ્યોતક છે. એક જ પ્રદેશમાં સમાન સંસ્કૃતિ અને સમાન રાજ્યવ્યવસ્થા ધરાવતા જૂથને આદિમ જૂથ કહે છે. તેઓ પૌરાણિક કાળથી એક જ પૂર્વજના વંશજો હોય છે. કેટલીક વખતે કોઈ પ્રાણીને કુળચિહન ગણીને પૂર્વજો સાથે સંકલિત કરતાં હોય છે. અમુક ચોક્કસ પ્રદેશ પર પોતાનો હક ધરાવીને વસવાટ કરતાં હોય છે અને રાજ્યતંત્રના અંકુશ હેઠળ હોય છે.

આદિમ જૂથોનાં લક્ષણોમાં લઘુ આકાર, મર્યાદિત ટૅકનિકલ જ્ઞાન, સરળ અને પછાત અર્થવ્યવસ્થા, લેખનકળાનો અભાવ, ગોત્ર, વંશ અને ગામના આધાર પર સામાજિક સંગઠન, ભૌગોલિક પૃથકત્વ, આગવી બોલી અને આત્મવાદી ધર્મનો સમાવેશ થાય છે. આ જૂથોમાં બધા જ રક્તસંબંધો ધરાવે છે એવું નથી આંતરલગ્ન-નિષેધ છે. એક જ બોલી કે ભાષા બોલતાં હોવાથી પરસ્પર વિચારોની આપલે સરળતાથી કરી શકે છે. કેટલાંક જૂથો એ ભાષા બોલતાં હોય છે જેમાં સભ્ય સમાજના સંપર્કની અસર જણાય છે.

આદિમ જૂથો વિશ્વના વિવિધ દેશોમાં, ભારતનાં વિવિધ રાજ્યોમાં અને રાજ્યના કેટલાક જિલ્લાઓમાં છૂટાંછવાયાં વસવાટ કરતાં હોય છે. કેટલાંક જૂથો સામાન્ય વસ્તી સાથે ભળી જઈને ગ્રામીણ વિસ્તારમાં વસ્યાં છે. અન્ય આદિમ જૂથો આજે પણ જંગલો, પર્વતો અને કોતરોમાં વસવાટ કરે છે.

સમગ્ર ભારતમાં 74 આદિમ જૂથો વસે છે જેની વિગતો નીચે મુજબ છે :

(1) આંધ્રપ્રદેશમાં 12 આદિમ જૂથો વસે છે જેમાં બોડો ગોડાબા (Bodo Godaba); બોન્ડો પોરજા (Bondo Porja); ચેંચુ (Chenchu); ડોંગરિયા ખોંડ (Dongariya Khond); ગુટાબ ગડાબા (Gutab Gadaba); ખોંડ પોરોજા (Khond Poroja); કોલમ (Kolam); કોન્ડા રેડ્ડી (Konda Reddy); કોન્ડા સુરવાસ (Konda Survas); કુટિયા ખોંડ (Kutia Khond); પરોન્જી પોરજા (Parongi Porja) તથા થોટી(Thoti)નો સમાવેશ થાય છે.

(2) બિહારમાં નવ આદિમ જૂથો વસે છે જેમાં આસુર (Asur); બિરહોર (Birhor); બીરજા (Birja); હિલ ખારિયા (Hill Khariya); કોરવા (Korwa); માલ પહારિયા (Mal Paharia); પરા હૈયાસ (Parahaiyas); સૌરિયા પહારિયા (Sauria Paharia) અને સવર (Savar)નો સમાવેશ થાય છે.

(3) ગુજરાતમાં પાંચ આદિમ જૂથોનો સમાવેશ થાય છે જેમાં કાથોડી (Kathodi); કોટવાળિયા (Kotwalia); કોલઘા/કોલચા (Kolgha/Kolcha); સિદ્દી (સીદી) (Siddi) અને પઢાર(Padhar)નો સમાવેશ થાય છે.

(4) કર્ણાટકમાં બે આદિમ જૂથો જેનુ કુરૂબા (Jenu Kuruba) અને કોરાગા (Koraga) વસે છે.

(5) કેરળમાં ચાર આદિમ જૂથો વસે છે જેમાં કાદર (Kadar); કટુ નૈકાન (Kattu Naickan); કુરૂમબાસ (Kurumbas); ચોલા નૈકાયન (Chola Naickayan) વસે છે.

(6) મધ્યપ્રદેશમાં છ આદિમ જૂથો વસે છે જેમાં અબુજ મારિયા (Abuj Maria); બૈગા (Baiga); ભારિયા (Bharia); હિલ કોરબા (Hill Korba); સહરિયા(Saharia)નો સમાવેશ થાય છે.

(7) મહારાષ્ટ્રમાં ત્રણ આદિમ જૂથો વસે છે. જેમાં કાટકારિયા/ કાથોડિયા (Katkaria/Kathodia); કોલામ (Kolam) અને મારિયા ગોંડ(Maria Gond)નો સમાવેશ થાય છે.

(8) મણિપુરમાં મરામ નાગા (Maram Naga) એકમાત્ર આદિમ જૂથ વસે છે.

(9) ઓરિસામાં બાર આદિમ જૂથો વસે છે જેમાં બિરહોર (Birhor); બોન્ડો (Bondo); દિડાયી (Didayi); ડોંગરિયા (Dongaria); જુઆં (Juang); ખારિયા (Khariay); કુતિયા કોંઢ (Kutia Kondh); લાનજીઆ સૌરસ (Langia Sauras); લોધા (Lodha); માંકીડિઆર (Mankidiar); પૌડી ભુયાન્સ (Paudi Bhuyans) અને સૌરા(Soura)નો સમાવેશ થાય છે.

(10) રાજસ્થાનમાં એકમાત્ર આદિમ જૂથ સહારિયા (Saharia) વસે છે.

(11) ત્રિપુરામાં એકમાત્ર આદિમ જૂથ રોઆંગ્સ (Roangs) વસે છે.

(12) ઉત્તર પ્રદેશમાં બે આદિમ જૂથો બુક્ષાઝ (Buxas) અને રાજિસ (Rajis) વસે છે.

(13) તમિલનાડુમાં છ આદિમ જૂથો વસે છે જેમાં ઇરૂલા (Irula); કાથુનૈકેન્સ (Kathunaickens); કોટાસ (Kotas); કુરૂમ્બાસ (Kurumbas); પનિયાન્સ (Paniyans) અને ટોડા(Toda)નો સમાવેશ થાય છે.

(14) પશ્ચિમ બંગાળમાં ત્રણ આદિમ જૂથો વસે છે જેમાં બિરહોર (Birhor); લોધા (Lodha) અને ટોટો(Toto)નો સમાવેશ થાય છે.

(15) કેન્દ્રશાસિત પ્રદેશ આંદામાન અને નિકોબાર ટાપુઓ ઉપર પાંચ આદિમ જૂથો વસે છે જેમાં ગ્રેટ આંદામાની (Great Andamanese); જારવા (Jarwa); ઓન્ગે (Onge); સેન્ટિનેલીસ (Sentinelese) અને શોમપેન્સ(Shompens)નો સમાવેશ થાય છે.

આ તમામ આદિમ જૂથો દેશના પહાડી અને જંગલ વિસ્તારમાં વસવાટ કરે છે.

હર્ષિદા દવે